Homeવીકએન્ડહિમાલયને હરાવવા માટે શારીરિક શ્રમ કામ લાગે જ નહીં, કોઇક દિવ્ય...

હિમાલયને હરાવવા માટે શારીરિક શ્રમ કામ લાગે જ નહીં, કોઇક દિવ્ય તત્ત્વ જ તમને આખા હિમાલયની સ્પર્શના કરાવી શકે

જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

ચમોલી ગામ મોટું છે. હરીદ્વાર બદ્રીનાથ મુખ્ય માર્ગ પર અમે આવી પહોંચ્યા છીએ હવે તો દાદા દૂર નથી. ખૂૂબ જલદી પહોંચી જઇશું. સાંજે ૪ વાગે આગળ વધ્યા અલકનંદાને સાથે લઇને. એક તરફ ઊંચા પહાડોની ચટ્ટાનો અમારા માથા પર ઝળુંબી રહી છે. હમણા પડે કે હમણા પડે. એક તરફ ખૂબ ઊંડી અલકનંદા હજુ વધું ઊંડી જતી જાય છે. સારું છે
અહીં રોડ પહોળા છે. એથી વાહનો દૂરથી પસાર થઇ જાય છે.
સાંજે આખા વિહારમાં પીળી પાઘડી બાંધેલા લાંબી દાઢીવાળા પંજાબી લોકો ખૂબ જોવા મળ્યા તેઓ બદ્રીખંડમાં આવેલ હેમકુંડ સાહિબની યાત્રાએ જાય. હમણા તો જ્યાં જુઓ ત્યાં શીખ ઉપાસકો જ જોવા મળે છે. સાંજે અડધો કલાક સુધી વરસાદ વરસ્યો. એ તો સારું થયું એક છાપરું મળી ગયું ઊભું
રહેવા માટે.
પાણીનો છાંટો’ય અડયો નહીં. ૪ કિ. મી. ચાલ્યા હતા હવે આગળ ચલાય તેમ હતું નહીં. અડધા કલાકનાં વરસાદે તો ઘણા બધા ઝરણાનું નિર્માણ કરી નાખ્યું હતું. પાણીમાં પગ મૂકીને ચાલવું મંજૂર નથી. રાતનાં પાણી નીતરી જાય પછી આવતી કાલે આગળ વધશું. વળી આવા વરસાદ પછી ઉપરથી મહાકાય પથ્થર પડવાની સંભાવના તો ખૂબ વધી જાય. ‘દુર્ઘટના સે દેર ભલી’ સૂત્રને અપનાવી એક ગેસ્ટ હાઉસમાં જ રાત્રિ વિશ્રામનું વિચાર્યું.
ગઇ કાલે સવારે કયાં અમે ૩૬૦૦ મીટર ઉપર હતા. અને સાંજે ૯૦૦ મીટરની ઊંચાઇએ
આવી ગયા. માત્ર બે દિવસમાં આટલું ઉતરાણ
થયું. હજુ તો બદ્રીનાથ માટે ઘણું ચઢવાનું બાકી
છે. હૈયામાં હામ છે બસ હવે દિલ્હી દૂર નથી. હિમાલયની સૃષ્ટિનાં સૌંદર્યના અમીપાન કરતાં કયારે કેટલા કિલોમીટર પૂરા થઇ જાય કંઇ ખબર પડતી નથી.
આદિશ્ર્વર દાદા પણ ખરા છે. ધરતીનાં અપ્રતિમ આભૂષણ સમાન આ જ અષ્ટાપદ ગિરિ પર નિર્વાણ પ્રાપ્તિ કરી.
ભરત ચક્રવર્તીએ આ અવસર્પિણિ કાળનું માનવ નિર્મિત અતિ ઉત્તમ સિંહ નિષદ્યાપ્રાસાદનું નિર્માણ કર્યું. દેવલોકમાંય આવી સૃષ્ટિ હશે કે કેમ? એક વાર તો મન આશંક્તિ થયા વિના રહે નહીં.
ખરેખર હિમાલય અતિ દુર્ગમ છે. આ તો રોડ રસ્તાઓ છે તેથી આટલું પણ ચલાય છે. જો રસ્તા ન હોય તો સામાન્ય માણસને આ ધરતી પર એક પગલું મૂકવાનું પણ સામર્થ્ય નથી. અષ્ટાપદ ગિરિ ચઢવા માટે ૧૫૦૦ તાપસોની મહાતપસ્યાની કિંમત હવે સમજાય છે.
આપણને લાગે એક ડુંગર ચઢવામાં વર્ષો સુધી શું સાધના કરવી. ધીરે-ધીરે ઉપર ચઢી જવાનું. અહીં આવીને જુઓ તો ખબર પડે? ‘કેટલી વીશીએ સો થાય’ આજે પણ એવા ઘણા જંગલી રસ્તા છે માત્ર પાંચ મિનિટ પણ તે ઉપર ચાલી શકાય નહીં. ચાલવા જાવ તો જઇને ખીણમાં પડો. ન પડો તો પણ માથુ ચક્કર ચક્કર ભમવા માડે.
સાંજે એક વિચાર કરતા ચાલી રહ્યા છીએ
અમે તો આ બાજુ રોડ પર છીએ. નદીનાં સામા તીરે તો ડુંગરના નાગા ઢોળાવ ઉપર સાવ પતલી કેડી જઇ રહી છે.
એક કૂતરું પણ માંડ ચાલી શકે તેવી કેડી સીધી નદી કિનારે-કિનારે ચાલે છે. આજે તો છેક સુધી એક કેડી અમને જોવા મળી કદાચ આજ રીતે છેક બદ્રીનાથ સુધી જતી હશે. એવી પગદંડી પર ચાલવાનો વિચાર માત્ર કરો તેમાય પગ ધ્રૂજવા માટે આવી કડકડતી ઠંડીમાંય પરસેવો છૂટે.
એ તો ધન્ય છે ગૌતમસ્વામીજીને ગુરુ ઉપાસનાથી સિદ્ધિઓ સામે ચઢીને એમને વરી હતી. તેઓ જોતજોતામાં તો છેક હિમગિરિનાં શિખરે પહોંચી ગયા. નિષ્કર્ષ એમ કાઢી શકાય. હજારો લાખો વરસની કાયકલેશપૂર્વકની અતિ દુષ્કર સાધનાથી પણ વધારે શક્તિ ગુરુના આશીર્વાદથી પ્રાપ્ત થઇ શકે. શિષ્યે કંઇ જ કરવાનું નથી.
મન સાવ ખાલી રાખવાનું અને હૃદયગુરુભક્તિથી ભર્યુંભર્યું રાખવું. બસ આટલું કરો એટલે બેડો પાર. આ ચિંતનનું જીવંત દૃષ્ટાંત ૧૫૦૦ તાપસો અને ગૌતમસ્વામી નજરની સામે છે.
હિમાલયને હરાવવા માટે શારીરિક કામ લાગે જ નહીં. કોઇક દિવ્ય-તત્ત્વ જ તમને આખા હિમાલયની સ્પર્શના કરાવી શકે. અમે પણ હરિદ્વારથી નીકળ્યા ત્યારે વિચારેલું ૧૦ કિ.મી.ની એવરેજ આવે તે રીતે વિહાર કરશું વધારે ચાલશે નહીં, પણ આજે જયારે હિસાબ માંડ્યો ત્યારે ખબર પડી કે ૨૨ કિ. મી.ની એવરેજ રોજની આવે છે. સમજાય તેવું છે. આ કેવી રીતે બને આવા દુર્ગમ પહાડી રસ્તાઓ પર કેટલીએ કુદરતી આફતોની વચ્ચે આટલી એવરેજમાં ચાલવું મુશ્કેલ છે. સામાન્ય મેદાની પ્રદેશમાં રોડ ઉપર પણ આટલી એવરેજ આવે નહીં. અમને ખબર નથી કઇ શક્તિ અમને ચલાવે છે. અનુભવના ઇચ્છુકોએ હિમાલય તરફ ડગ માંડવા વાર લગાડવા જેવી નથી. (ક્રમશ:)ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular