એક વાત સારી છે આ હિમાલયમાં કે ક્ષુદ્રજંતુઓનો ઉપદ્રવ નથી. સાપ-વીંછી, કાનખજૂરો કે સૂક્ષ્મ જીવ જંતુઓ હજુ સુધી જોવા મળ્યા નથી

43

જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

આમ ઉત્તરોત્તર વધુ સુંદરતાને માણતા અમે ખુલ્લા આકાશ નીચે ઘડી’ક બેસી રહ્યા. વાતાવરણ તો શીતાગાર સમાન હતું, પણ અમારું શરીર હવે ટેવાઈ ગયું હતું. માયનસ ડિગ્રી વાતાવરણમાં પણ શારીરિક સ્વસ્થતા ટકાવવાનું કામ ખૂબ કપરું છે, પણ ચાલીને યાત્રા કરનારા અમારા માટે અનાયાસે થઈ ગયું. રોજના ૨૦-૨૫ કિ.મી. ચાલતા ધીરે ધીરે શરીર પણ વાતાવરણને અનુરૂપ બનતું જતું હતું. આ જ વાતાવરણમાં અમે લગભગ અઢી મહિનાથી ચાલી રહ્યા હતા. અમારા શરીરે ઠંડીને સહન કરવાની શક્તિ મહદંશે પ્રાપ્ત કરી લીધી છે. જુઓને આવી ઠંડીમાં પણ એક પાતળી કામળી ઓઢીને જ તો બેઠા છીએ. હવે તો એવું લાગે છે નીચે ધરતી ઉપરની ગરમી સહન થશે કે નહિ. કારણકે દિલ્હી પહોંચવા સુધી વરસાદ થાય તો થાય, નહિ તો ગરમી તો રહેવાની જ છે. ઠીક છે, ઉપરવાળાને જે મંજૂર હશે તે…
તેરે ફૂલો સે ભી…
તેરે કાંટો સે ભી…
પ્રભુ! અમને બધું મંજૂર છે,
અમે મજામાં છીએ.
आज का राजमहलः आज 23 कि.मी. चले है। घडी में कांटा एक बजने की जल्दी कर रहा है। आज का विश्राम यही है… उपर तो हैं पतरे, अंदर दिवारो पर काला धुआ लगा है, भूल से भी छुं लो तो हमारा रंग बदल जाये। मकडी के जालों की भरमार है। न खिडकी है, न दरवाजे है। अंदर जंगली लकडीयों का ढेर लगा है, इसे लाये भी कई वर्ष हो चुके होंगे। कुछ तो आवाज आ रही है, चूहे हीं होंगे…. मेेरे महावीर भी ऐसे ही शून्य गृहों में अपनी साधना करते थे।
પણ થોડાક ધાર્મિક અનુષ્ઠાનોમાં થોડો વિવેક આવી જાય તો આનંદ થાય. પૂજા લેખે લાગે. જૈન ધર્મમાં પૂજાની વિધિ ખૂબ સુંદર છે. ભગવાનને અભિષેક થાય. ફૂલપૂજા થાય. કેસર-ચંદનથી અમુક ચોક્કસ અંગો પર માત્ર એક એક તિલક લગાવાય. બાકી બધી ખાદ્ય સામગ્રી તો ભગવાનની આગળ ધરાવાય. ભલે અક્ષત (ચોખા) હોય કે ફળ-નેવૈદ્ય હોય. એ બધું ભગવાનના ઉપર કોઈ ચોપડવામાં ન આવે. જો કે બીજાં મંદિરોમાં પણ સુંદર વ્યવસ્થા જોવા મળી પણ અહીં વિધિ કરતા મનના ઉછળતા ભાવોને પ્રધાનતા અપાઈ છે.
બનિયાગંજ
અ. જેઠ વદ ૦)), બુધવાર, તા. ૧૩.૬.૨૦૧૮
આજનાં વિહારની તો શું વાત કરવી. લગભગ ૧૨ વાગે મુકામે પહોંચ્યા છીએ. ચાલવાનું તો ઓછું હતું પણ વધારે ચલાઈ ગયું. વાત એમ બની હતી સતત ઉપર ચઢાણ હોવાથી ૧૨-૧૩ કિ.મી. ઉપર મુકામ કરવા વ્યવસ્થાની સૂચના અપાઈ ગઈ હતી પણ ૧૭-૧૮ કિ.મી. ચાલવું પડ્યું. કારણ એજ કે ઘનઘોર જંગલ. સવારે નીકળ્યા ૨-૩ કિ.મી. ચાલ્યા અને જંગલ ચાલુ થયું. ધીરે ધીરે વધારે ગાઢ થતું ગયું. એમાંય ભોજવૃક્ષનું જંગલ પછી પૂછવું જ શું? ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ પડેલો. વૃક્ષો ઉપરથી હજુ પાણીના ટીપા પડતા હતા. જેમ જેમ આગળ વધીએ તેમ તેમ અંધારિયા અરણ્યમાં અમને ચાલતા અમે જોતા. કદાચ અહીં સૂરજ ઊગતો હશે કે કેમ? ભૂતની ભૂતાવળ જેવી વેલીઓ વૃક્ષને વિંટાઈને લટકી રહી હતી. એમાં વળી વૃક્ષો પર જામેલ એક બે ઇંચ જાડા નીલફૂગનાં થર, ભયંકરતામાં હજુ વધારો કરી રહ્યા હતા. ડામર રોડ સિવાય સર્વત્ર નીલ-ફૂગનું સામ્રાજ્ય છે. એક ડગલુંય આમ તેમ રખાય નહીં. રોડ ઉપર બેસવું હોય તો ભલે બાકી બાજુનાં એક પણ પથ્થરને અડવું શક્ય નથી. એક વાત સારી છે આ હિમાલયમાં કે ક્ષુદ્રજંતુઓનો ઉપદ્રવ નથી. સાપ-વીંછી, કાનખજૂરો કે સૂક્ષ્મ જીવ જંતુઓ હજુ સુધી જોવા મળ્યા નથી. આટલી વનસ્પતિ અને આટલું પાણી હોવા છતાં ક્ષુદ્રજંતુઓની અલ્પતા આશ્ર્ચર્ય ઉપજાવે.
આ જંગલમાં એક વિચિત્ર ફૂલ જોવા મળ્યા. નાગ આકારનાં જાણે નાગ ફેણ ચઢાવીને બેઠો હોય અને લાંબી જીભ બહાર કાઢી હોય. કેદારનાથની ઘાટીમાં પણ જોયા હતા પણ તે કાળા રંગનાં હતા. અહીં સફેદ+ લાલ કલરનાં હતાં. અહીંના ગ્રામ્યજન આનું શાક કરીને ખાય. બાકી શું ઉપયોગ હશે ખબર નથી. ચિત્રવિચિત્ર પ્રકારની વનસ્પતિઓનો અહીં તો અખૂટ ભંડાર છે. વિવિધ જાતનાં ફૂલો અને ફળો જોઈને મનમાં ઘણા પ્રશ્ર્નો ઊભા થાય. હજુ એક આ જંગલની વિચિત્રતા તો જુઓ અહીં વૃક્ષો ખૂબ મોટા- મોટા હશે. સેંકડો વેલડીઓથી ભરેલા હશે પણ બધામાં ફળનો નાનાં- નાનાં જ થાય છે. સોપારીની સાઈજથી મોટા કોઈ ફળ થતા નથી. આ જંગલમાં ક્યાંય ‘ચીડ’ જોવા મળતું નથી, ખરેખર જંગલ કોને કહેવાય? એનો જવાબ અહીં છે. અહીંથી આગળ ‘ચોપતા’ ગામ જવા માટે કાચા રસ્તા- શોર્ટકર્ટ રસ્તા ‘છફૂટી’ છે, પણ તેમાં જવાય તેવું નથી. આખા રસ્તે સતત નીલ-ફૂગ છે. એક પગ પણ મુકાય નહિ. અમે રોડથી જ ચાલ્યા. છેવટે એક જંગલ કેમ્પના રૂમમાં સાંજે ૪ વાગ્યા સુધીનું નક્કી કરીને રહ્યા. અહીંથી ચોપતા માત્ર પ કિ.મી. છે. કદાચ મોટું ગામ હશે તો ત્યાં રાત્રિ વિશ્રામ માટે સ્થાન સારું મળશે.
આજે અમે ખૂબ ઊંચાઈ ઉપર છીએ. દૂર હિમશિખરો વાદળમાં ઢંકાયેલા દેખાય છે. વાતાવરણ વધુ ઠંડું છે. ૨૫૦૦ મીટરથી પણ ઉપર લાગે છે. જો કે આ રસ્તે વાહનોની આવજા ખૂબ ઓછી છે. ક્યારેક કોઈ ગાડી નીકળે તો ઠીક છે. બાકી આખો રોડ આપણો, જ્યાં ચાલવું હોય ત્યાં ચાલો.
સાંજે આગળ વધ્યા. હવે જંગલ તો લગભગ પૂરું થઈ ગયું. પણ લીલાછમ ઘાસનાં ઢોળાવો પર ચાલતા રોડ પર અમે આગળ વધી રહ્યા છીએ. દૂર આકાશમાં ૨૫-૩૦ બરફાચ્છાદિત શિખરો હિમાલયની શોભા વધારી રહ્યાં છે. વાતાવરણ સાવ ચોખ્ખું છે. ક્યારેક કોઈક વાદળા આવીને સૂરજનાં કિરણોથી રંગોળી પૂરી જાય છે. સાંજનો સમય છે. ખૂબ મજેથી ચાલીએ છીએ. કાચા રસ્તે માત્ર ૨ કિ.મી. છે છતાં, અમે ૫ કિ.મી. પાકા રસ્તે જ ચાલવાનું પસંદ કર્યું છે. શિખર તરફથી આવતા ઝરણા રોડ નીચેથી નીકળીને આગળ વહી જાય છે. હિમાલયની સુંદરતાનું સાક્ષાત્ ચિત્રણ તો સાક્ષાત્ જોયા વિના કેમ થાય? જંગલમાં કેમ્પ ઘણા લાગેલા છે. પ્રવાસીઓ આવે છે યાદગાર પળો વિતાવીને થોડાક દિવસ રોકાઈ પાછા ચાલ્યા જાય છે. અમે ચોપતા પહોંચ્યા.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!