જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
મુયાલગાંવ
જેઠ વદ ૪, શનિવાર, તા. ૨-૬-૨૦૧૮
સાંજે વિહાર કર્યો. વિચાર્યું ૫-૬ કિ.મી. જેટલું ચાલશું. કોઈ સારું સ્થાન આવે તો રાત્રિ સારી પસાર થશે, અમે નીકળ્યા. રસ્તો તો ચઢાણવાળો હતો. થોડું ચાલ્યાં ત્યાં તો ડુંગરની છેક ટોચ ઉપર દૂર રોડ જતો હતો – અમે લોકોને પૂછ્યું આ ઉપરનો રોડ ક્યાં જાય છે. એમણે કહ્યું – તમે જે રોડ પર ચાલી રહ્યા છો તે જ આ રોડ છે. અહીંથી દેખાય છે તે અહીંથી ૧૨ કિ.મી. છે. ત્યાં ‘કેમુંડાખાલ’ છે. અમારે પણ કેમુંડાખાલ કાલે પહોંચવાનું હતું – સાંજે નીકળ્યા ત્યાંથી ૧૫ કિ.મી. હતું. રોડ આ રીતે ફરીને આવે તે તો ચાલે પણ સામે રોડ દેખાતો હોય અને અમે એટલું ફરીને આવીએ તે તો ન ચાલે. અમે પૂછ્યું ‘અહીંથી ચાલીને જવાય એવો કોઈ રસ્તો છે?’ લોકોએ ‘હા’ પાડી પણ સાથે ‘ના’ પણ પાડી, કહ્યું કે સાંજનો સમય છે. જંગલમાં ભટકી જશો. વાત સાચી હતી અમે આગળ ચાલ્યા. પણ મનમાં ‘ખટક’ તો ઊભી જ હતી. આ ઉપરના રોડ પર તો ગમે તેમ પહોંચવું. એકાદ કિ.મી. આગળ ચાલ્યા ત્યાં બીજું ગામ આવ્યું. રોડ ઉપર જ હતો. અહીંથી ઉપરનો રસ્તો મળી ગયો. ગામવાળાએ કહ્યું. ‘ચાલ્યા જાવ હમણા કોઈ ને કોઈ રસ્તામાં મળી જશે.’ અમે બરાબર ૧ દોઢ કિ.મી. ઉપર ચઢીને રોડ ઉપર પહોંચી ગયા. જઈને જોયું તો ‘કેમુંડાખાલ’ ૩ કિ.મી.નો પથ્થરો અમારી રોહ જોઈને ઊભો હતો. ક્યાં બાર અને ક્યાં ‘૩’ છેલ્લે સીધું ‘કેમુંડાખાલ’ પહોંચવાનું જ વિચાર્યું. ઘડિયાલમાં સાડા છ થયા હતા. થોડુંક ચઢાણ તો હતું. સવા સાત સુધી પહોંચી જઈશું. રાજુ અને લાભુભાઈ રાત્રિ વિશ્રામની વ્યવસ્થા કરી રાખી હતી પણ તે તો પાછળ રહી ગયા. કોઈક ગાડી વાળા સાથે સમાચાર આપીને એમને બોલાવી લીધા – ‘કેમુંડાખાલ’ નામ તોે ઘણા દૂરથી સાંભળ્યા આવતા હતા. જઈને ઊભા રહ્યા તો એક નાનકડું મંદિર હતું, એના દરવાજે ખંભાતી તાળું લગાવેલું. એક તરફ ઝૂંપડું હતું એમાં હોટલ ચાલતી હતી. એક તરફ જંગલખાતાની બંધ ઓરડી હતી બસ, બીજું કંઈ નહીં. અમે પહાડની ટોચ ઉપર ઊભા હતા. અહીં કોઈ ગામ નથી રહેવાનું ઠેકાણું નથી આગળ ૩ કિ.મી. નીચે ઊતરીએ તો કોઈક ગામ આવે પણ એવી સંભાવના નથી અહીં ક્યાંક રાત્રિ વિશ્રામનો વિચાર કર્યો. મંદિરના ચારેબાજુ ઓટલા પર જગ્યા હતા. એક-એક સંથારો થઈ શકે પણ. આ સુસવાટા કરતો હિમાલયી પવન કંઈ બહાર સૂવા દે ખરો. છેવટે જંગલખાતાની ઑફિસની ચાવી ઝૂંપડીમાં જ હતી. ખોલાવીને જોયું તો હોટલવાળાનો જ ખાણીપીણીનો સામાન ભરેલો. કોલ્ડ્રિક્સ, સેવ પેકેટ ને એવું બધું. છોકરો સારો હતો તરત જ અમને અનુમતિ આપી થોડો સામાન આમ તેમ કરીને ત્યાંજ વિશ્રામ કર્યો. એ તો સારું થયું જંગલખાતાની રૂમ હતી, નહીં તો હજુ ૩ કિ.મી. તો પાક્કા ચાલવું પડત અંધારામાં. હિમાલયમાં અણધાર્યા આગળ નીકળી જઈએ તો ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જઈએ. કોઈને પૂછવું શું? પૂછે તો પણ કોઈને કંઈ ખબર જ નથી બસ પોતાના ગામની આસપાસનું થોડું ખબર હોય આગળનું બધું રામભરોસે બીજા દિવસે તો ઊતરવાનું જ હતું. સતત ૧૮ કિ.મી. રોડ નીચે ઊતરતો હતો એમાંય કાચો રસ્તો મળી ગયો સીધું ૬-૭ કિ.મી. ઓછું થઈ ગયું. કેમરાખાલમાં એક ડોશીના ઘરે ઊતર્યા. ડોસી એકલી જ રહેતી હતી. ઘર તો ૧૦ રૂમનું હતું. એને પૂછ્યું તો કહે. ૪ મારા છોકરા એક મારી દીકરી અને પોતરાઓ બધાના જુદા જુદા રૂમ છે. ભાવિક ડોશીએ અમને દિવસ અને રાત્રે પણ રાખ્યા. સાંજે વિહાર તો થઈ શક્યો નહીં. મેઘરાજા પધાર્યા હોય ત્યારે ક્યાં ક્યાંય જવાય છે. ૧૫-૨૦ મિનિટમાં તો જળબંબાકાર થઈ ગયું તોફાની વરસાદે કેટલાય ઝાડ પાડી નાખ્યા સૂકા પાંદડાઓ વિખેરીને ડોશીનું આંગણું ભરી મૂક્યું.
ડોશીના ૪ દીકરા સારું કમાય છે. સારા મકાન છે. માજી ને એમની સાથે રહેવા બોલાવેે છે છતાં, આ માજી જવા તૈયાર નથી. ડોશીમાએ જ કહ્યું, ‘મને અહીં જ ગમે છે. મારે ક્યાંય જવું નથી. મારું ઘર, મારાં ખેતરો, મારા આ નાનો બગીચો અને બાજુમાં બારમાસી ઝરણું. બસ રોટલા ટીપીને ખાઈ લઉં છું.’
કોઈક ને કોઈક આકર્ષણે ડોશીને અહીં રોકી રાખી છે અથવા કેટલાક અપાકર્ષણથી અહીં અટકી ગઈ છે. એ તો એનો આત્મા જાણે. ડોશીઓ બધે આવી જ હોય છે, ભલે ગુજરાતી હોય કે મારવાડી અથવા અહીંની ગઢવાલી હોય કે બીજે ક્યાંયની તેઓને ગામડામાં રહેવાનું વધારે પસંદ આવે. દીકરાના ઘરે શહેરમાં જેટલી સગવડ મળતી હોય તેમાંથી કંઈ ન હોય ગામડામાં છતાં જીવ તો ગામડામાં જ રહે. શહેરમાં રહેતા કોઈ પણ ડોશીમાને પૂછો તમને ‘ગામડે’ રહેવું ગમે? લગભગ ‘હા’ જ પાડશે. પણ કેટલીક પરિસ્થિતિના કારણે નીકળી શકે નહીં. ડોશીએ તો ગામડામાં આકર્ષણનાં કારણો કેટલાક ધ્યાનમાં આવે છે જેમકે જીવનનો ઘણો સમય ગામડામાં વીત્યો હોય તેથી થોડું મમત્વ હોય. ઘર-વાડી-ખેતર-બંગલા જે હોય તે તેણે પોતે પોતાના હાથે નિર્માણ કરેલા હોય. સજાવેલા સંવારેલા હોય. કેળવેલા હોય તેથી તેનો લગાવ તો રહેવાનો જ.
* ઘણી મધુર સ્મૃતિઓ ગામડાની રજેરજમાં સમાએલી હોય એ કેમ ભૂલાય.
* વાત કરવા માટે એના જેવી જ ઘણી ડોશીઓ મળે એટલા માટે.
* ગામડામાં ડોશીમાંને કોઈનું બંધન નહીં. જ્યા જવું હોય ત્યાં આરામથી ફરી શકે. બે-રોક ટોક જઈ શકે. આખું ગામ એનું સન્માન કરે.
* શહેરમાં આખો દિવસ-રાત એક ઓરડીમાં જ પડ્યા રહેવું પડે.
* શહેરી વાતાવરણમાં ડોશીઓ અકળાઈ જાય.
* પોતરા-પોતરીઓનાં સંસ્કાર – ડ્રેશ-મોજશોખથી દુ:ખી દુ:ખી થઈ જાય.
* વહુવારુના કડવા અપમાનભર્યા વેણ સાંભળતા કાન પાકી જાય.
* શહેરમાં માણસાઈ જોવા મળે નહીં. વાત કરવી તો કોનાથી કરવી?
* શહેરમાં મંદિરમાં જવાય નહીં. જવું હોય તો કોઈનું ઓશિયાળું રહેવું પડે કોઈ કાર કે બાઈક પર લઈ જાય તો જઈ શકે નહીં તો ઘરે બેસી રહો.
* શહેરના ઘરમાં સૌથી મોટા વડીલ ડોશીમાં હોવા છતાં એમનું કોઈ સાંભળે નહીં. જાણે વધારાનું માણસ. (ક્રમશ:)ઉ