જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
આજે એક નવી વાત જાણવા મળી.
‘તેલવાળા લાકડા’ હિમાલય છે એટલે બરફ અને પાણીનું સામ્રાજ્ય. તેમા લાકડા ભીના હોય તે સહજ છે, પણ અહીં એવા કેટલાક વૃક્ષો થાય છે, જેનું લાકડું પાણીમાં ભીંજાય નહીં. અને લાકડામાં કેરોસીન જેવું જ તેલ હોય જેથી તેને બાળતાં તરત જ આગ પકડી લે. તે આગથી ધાર્યું કામ થઈ શકે. લગભગ હિમાલયમાં બધા ઘરોમાં આવા લાકડા ભેગા કરીને રાખ્યા હોય. તેનો ઉપયોગ રસોઈ માટે, ઠંડી ઉડાવવા માટે થાય.
ગામમાં ગમે તેને પૂછો તો આ ‘તેલવાળા’ લાકડાનું સરનામું બતાવે. અહીં લંકામાં પણ આવા લાકડા મળે છે, પણ જુદી જુદી જાતની ઔષધિઓની ભરમાર છે. ગંગોત્રી ક્ષેત્રમાં લંકા અને લંકા પછીનું જંગલ અલૌકિક વનસ્પતિઓનો ભંડાર છે.
લંકાથી પહેલા વનસ્પતિઓ છે, દિવ્ય અને ચમત્કારિક નથી કદાચ હશે તો પણ આપણને ખબર નથી, પણ લંકા પછી તો જાણે દિવ્ય વનસ્પતિઓ દેવલોકમાંથી ઊતરીને ડેરા નાખ્યા હોય તેવું લાગે છે. એ વનસ્પતિ પાસે ઊભા રહીએ તો પણ વનસ્પતિ બોલવા લાગે. જોકે હજુ કેટલાક એવા સિદ્ધપુરૂષો આપણા ભારતમાં વિદ્યમાન છે કે જે કોઈ પણ વનસ્પતિ પાસે ઊભા રહે તો વનસ્પતિના બધા જ ગુણધર્મો એમને ખબર પડી જાય.
એવી વિદ્યા પણ શાસ્ત્રમાં વાંચવા મળી છે. માત્ર ૪૦ દિવસ એકાસણા કરીને વનસ્પતિઓના ગુણધર્મ જાણવાની શક્તિ પ્રાપ્ત થાય. વિદ્યા કરતા પણ અનુભવ અને મનની નિર્મળતા વધુ સુંદર પરિણામ આપે. આપણને લાગે હિમાલયની ઔષધીઓ તો વાચાળ છે.
આપણી સાથે ઘણી બધી વાતો કરવા માગે છે, પણ આપણી સાથે ઘણી બધી વાતો કરવા માગે છે, પણ આપણી સાથે ઘણી બધી વાતો કરવા માગે છે, પણ આપણી તૈયારી કેટલી? સૌને ઉતાવળ છે ક્યાંક પહોંચવાની. શાંતિથી આસન જમાવીને જો આ જીવ સૃષ્ટી સાથે તાલ મીલાવવામાં આવે તો કાર્ય સિદ્ધ થાય.
ગંગોત્રી
જેઠ સુદ ૮, મંગળવાર,
તા. ૨૨.૦૫.૨૦૧૮
ઇશાવાસ્યમ આશ્રમનું સંચાલન ગુજરાત વડોદરાથી થાય છે. મુખ્ય સંત છે રાઘવાનંદ સ્વામી. એઓ હમણાં અહીં હતા નહિ. મેનેજર વિનોદભાઈ ભટ્ટે બધી જ સગવડ કરી આપી. ત્રણેય ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ છે. રૂમની બહાર નીકળીએ તો આખું ગંગોત્રી ક્ષેત્ર એકીસાથે દેખાય. સામે કાંઠે ચાલતી આરતી-વિધિવિધાન-સ્નાનાદિ દરેક પ્રવૃત્તિઓ આરામથી જોઈ શકાય. આજે આખો દિવસ વિશ્રામ છે.
હિંદુ ધર્મમાં ગંગાનું મહત્ત્વ વધારે છે. એમ પણ આર્ય સંસ્કૃતિ કોઈપણ નદીને “માતાનું બિરુદ આપે છે. વળી આ તો ગંગા!!! કહેવું જ શું ? એક જમાનામાં ગંગોત્રી સુધી પહોંચવું અતિ દુષ્કર ગણાતું પણ આજે સાવ સરળ. ખાસ કરીને એકાંત પ્રિય સાધક જીવ માટે અનેરું આકર્ષણ ઊભું કરે એવું ક્ષેત્ર છે.
એક-બે દિવસ શું ૧૦-૧૨ દિવસ રોકાવું હોય તો પણ અહીં ઉચિત વ્યવસ્થા છે. એકાંતમાં દૂર ગંગાકિનારે મોટી શિલા પર આસન જમાવીને બેસી જાવ ક્યાં પહોંચી જવાય તે કંઈ ખબર જ ન પડે. માણસોની ભીડ માત્ર ગંગા મંદિરની આજુ-બાજુ રહે બાકી બધુ ખાલી. કોઈ બાવા-જોગી આમ તેમ લટાર લગાવતા જોવા મળે બાકી આખી દુનિયાથી દૂર આ સ્થાન સાધના માટે ખૂબ સરસ છે. જે બાજુથી ગંગા આવે છે તે તરફ ઊંચા ૩-૪ હિમ શિખરો દેખાય છે. બિલકુલ વિરુદ્ધ દિશામાં પણ તેવા જ હિમશિખરો ચમકી રહ્યા છે.
બંને કાંઠા તરફ મહાકાય પર્વતરાજમાં કાળમીંઢ પથ્થરનો પાર નથી. સૂર્યોદય થયા પછી દોઢ-બે કલાક પછી સૂર્ય દેખાય છે. તેમ સૂર્યાસ્તના એક કલાક પહેલા જ સૂર્ય પર્વતની પાછળ ચાલ્યો જાય છે. રાત્રે મીઠી મધુરી ચાંદની વેરતો અષ્ટમીનો ચંદ્ર ગંગા સાથે સ્પર્ધા કરી રહ્યો છે, પણ ગંગાનું પાણી અહીં ખૂબ ડહોળું છે. ઉપરવાસથી ખૂબ માટી ભેગી થયેલી છે.
રજતકણ મિશ્રિત માટી રાતની ચાંદનીમાં ખૂબ ચમકે છે. ગંગાના તેજ પ્રવાહમાં જવાની કોઈની હિમ્મત નથી. યાત્રિકો કિનારે બેસીને જ ‘નાહી નાખે’ છે. પંડાઓ જેવા યજમાન હોય તેવા પૂજા-પાઠ કરાવીને પોતાનું અર્થકાર્ય સિદ્ધ કરી રહ્યા છે. બજાર તો દૂર છે પણ બજારમાં પૂજાપાનો સામાન સાથે પાણીના નાના મોટા પ્લાસ્ટિકના કેન મોટી માત્રામાં વેચાય છે.
ગંગોત્રી મુખ્ય મંદિરમાં ગંગાજીની મૂર્તિ છે. બાજુમાં એક નાના મંદિરમાં શિવલિંગ છે. આમ જુઓ તો વિશેષ આકર્ષણ કંઈ નથી પણ એમ જુઓ તો આ આખા વાતાવરણમાં આકર્ષણ સિવાય બીજું કંઈ નથી. દર્શનાર્થીઓ સવારથી લાઈનમાં લાગી જાય. રાત્રે સાડા નવ વાગ્યા સુધી સતત લાઈન ચાલુ રહે.
દૂર-દૂર દેશ-દેશાંતરથી યાત્રિકો આવે. યાત્રિકોના વેશ-ભાષા-રીત રીવાજ આદિનો શંભુમેળો જોવા જેવો થાય છે. ગંગા માટે અપાર શ્રદ્ધા આર્યભૂમિમાં ભરી છે. એનું સાક્ષાત્ દૃશ્ય અહીં જોવા મળે. ભૌતિકવાદ ગમે તેટલો આગળ વધે પણ ધર્મશ્રદ્ધામાં અંશ માત્ર પણ ઊણપ નથી આવી. એનું સાક્ષાત્ ચિત્ર અમારી સામે છે. હિમાલય ક્ષેત્રમાં મુસલમાન કે ખ્રિસ્તી ધર્મસ્થાનોનો પ્રવેશ હજુ સુધી થયો નથી, જ્યારે એ લોકો પ્રવેશ કરશે ત્યારે આ દેવભૂમિની પવિત્રતા જોખમમાં મુકાતા વાર નહીં લાગે. ઠેકઠેકાણે નોનવેજ ખવાશે. જો કે ખૂણેખાંચરે આજ પણ ચાલુ જ છે.
યાત્રિકો માટેની વધુ સગવડ, વાહનવ્યવહાર, નવા રોડ, અહીંના સાધુસંતોને ખટકે છે. ઘણા સંતો મળ્યા લગભગ બધાના મુખેથી એક વાત તો જરૂર નીકળે “સરકાર શું કરે છે ? આ દેવભૂમિને પિકનિક ભૂમિ બનાવી રહી છે. આવું ન કરે તો સારું. નહીં તો આનું પરિણામ સારું નહીં આવે, પણ કોણ કોનું સાંભળે? ચાલે છે.
આવતી કાલે અમે ગૌમુખ તરફ જવાનું વિચાર્યું છે. સાધુ માટે અહીં આશ્રમની ઑફિસમાંથી જ પરમિશન પત્ર મળી ગયો છે. અને સાથેના ત્રણ માણસો માટે જંગલ ખાતાની ઑફિસથી પરમિશન પત્ર મળી ગયા છે. ગૌમુખ માત્ર ૧૮ કિ.મી. છે. ચાલીને જ જવાનું છે. વચ્ચે ચીડવાસા અને ભોજવાસા કરીને બે ગામ આવે છે. જતા આવતા બે દિવસ લાગશે. આવશ્યક સામગ્રી અહીંથી ઉપાડીને જ લઈ જવાની છે. બધું ગોઠવાઈ ગયું છે, તૈયારીનો છેલ્લો ઓપ આવી હવે ક્યારે સવાર પડે અને હજુ ઊંડા હિમાલયમાં જઈએ તેની રાહ જોવાય છે.
વહેલી સવારે પ્રયાણ આદર્યું ગૌમુખ તરફ. વિશેષ આકર્ષણ તો ભોજનપત્રના વનનું હતું. બાકી બધું બીજા નંબરે. સવારે ૬ વાગ્યે નાની કેડી પર ચાલવાનું ચાલુ કર્યું. કેડી સરસ છે. કોઈ કાંટા નહીં. (ક્રમશ:)ઉ