Homeતરો તાજાહિમાલયી કાચા રસ્તે ચાલવું એટલે પૂરેપૂરું જોખમ ‘હિમાલય મેં આના હૈ તો...

હિમાલયી કાચા રસ્તે ચાલવું એટલે પૂરેપૂરું જોખમ ‘હિમાલય મેં આના હૈ તો જાન મુઠ્ઠી મેં રખની પડતી હૈ’

જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

ઉસસે પહલે હમ ઉપર પહોંચે જાયે. ઉપર ઝોંપડી જૈસા કુછ હોગા તો વહાં ઠહરેંગે!’ એની વાત સાચી હતી હજુ તો થોડોક જ છંટકાવ ચાલુ થયો હતો, આટલામાં અમે ઊભા રહી જશું તો આગળ વધી નહીં જ શકીએ અને આ વાતાવરણ આખી રાત બરફ વરસાવે તેવું નિશ્ર્ચિત લાગતું હતું. અમે ચાલ્યા. ચાલે શું? માટી અને પથ્થર વરસાદથી ભીના થવા લાગ્યા. સુકા પાન ઉપર તો પગ મુકાય જ નહીં. પગ મૂકયો હતો લપસ્યા જ સમજો, ન ઉતાવળ થાય ન ઢીલ કરાય. ચાલ્યા ત્યાં મુ. સુવર્ણકળશ મ.નો પગ લપસ્યો, પડ્યા નીચે. પગમાં લાગ્યું. કમરમાં થોડું લાગ્યું. મૂઢ માર લાગ્યો. જેમ તેમ કરીને ઊભા થયા ત્યાં ઝીણી ઝીણી બરફની કરચો પડવા લાગી. હવે શું થશે. જલદી પગ ઉપાડો ક્યાંક પહોંચી જઈએ. પણ ‘પહોંચીએ તો પહોંચીએ ક્યાં?’ ઘડિયાળમાં પાંચ સવા પાંચ થયા હશે. ત્યાં તો ઝીણો ઝીણો બરફ પડવા લાગ્યો. હવે તો આજુ બાજુ ક્યાંય જોયા વિના, અમે તો જેટલી હિમ્મત હતી એટલી ભેગી કરીને ઉપરની તરફ ચઢવાનું ચાલુ કર્યું. પણ હજુ તો ૨૦૦ ફૂટ ચાલ્યા ત્યાં જ માનેન્દ્રએ વિજય નાદ કર્યો. ‘હમ ઉપર આ ગયે હૈ. સામને કુટિયા હૈ ચલો જલદી વહાં તક પહુંચના હૈ.’
હાસ! પહોંચી ગયા. હવે તો પગમાં પાંખો આવી અમે સાવ શિખર ઉપર પહોંચી ગયા હતા. ૫૦ ફૂટ દૂર એકલી અટુલી કોઈક બાવાની મઢુલી હતી. બીજા બે ચાર ખંડેરોના લાકડા આમ તેમ વિખરાયેલા પડ્યા હતા. હમણાં એ બધુ જોવાની કોઈને ફુરસદ નથી, આ બરફની વચ્ચે લોહી જામી જાય એ પહેેલા ગમે તેમ પેલી ઝૂંપડીમાં ભરાઈ જવું એ જ બચવાનો ઉપાય છે. ભાગો ઝટ…
અંતે અમે બધા, એ કુટીમાં આવી ગયા. કુટીમાં કોઈ ન હતું. કુટી સાવ નાની ન હતી. અમારા ૧૦ જણ માટે પર્યાપ્ત હતી. નીચા દરવાજા સામે જ હનુમાનજીની મોટી મૂર્તિ, એની આગળ ધૂણી, એક બાજુ સુકા લાકડાની ભારી, એક તરફ વાસણ, ભોજનની સામગ્રી અને ૨૫-૩૦ ધાબળા. એક ટીપું પણ અંદર ન આવે એવી અંદરથી પ્લાસ્ટિકની પેકિંગ. જાણે સાક્ષાત્ પ્રભુની ગોદમાં. ઉપર જંગલી લાકડાની છત હતી. હિમની હવાથી ઠુંઠવાએલા અમે બધા ઠંડીથી થરથર ધ્રૂજતા હતા. પ્લાસ્ટિક ઉપર બરફના કરા પડવાનો અનરાધાર અવાજ બહારની સ્થિતિને સ્પષ્ટ કરતો હતો. પહેલા વટાણા જેવડા અને પછી સોપારી જેવડા મોટા બરફના ટુકડા વરસવા ચાલુ થઈ ગયા હતા. અમે સુરક્ષિત હતા. આવી તકલીફમાં પણ બધાનાં મુખ પર ખુશી હતી. જેટલા ધાબળા સાથે લાવેલા તે તો અમે બધા ઓઢીને બેસી ગયા અને કુટીના ધાબળાનો ઉપયોગ સાથે આવેલા ચારેય માણસોએ કર્યો. હવે વાત રહી પાણીની, લાભભાઈએ આ ધૂણીમાં જ નાની તપેલી જેટલું પાણી ગરમ કર્યું. સતત ૩ કલાક સુધી બરફ વરસતો રહ્યો. ૩ શું ૧૩ કલાક વરસે તો ય અમને હવે કંઈ તકલીફ ન હતી. અમે સુરક્ષિત હતા. રાત્રિ વિશ્રામ અહીં જ કરવાનું નક્કી થયું. ક્યાં જઈએ? બહાર તો આખી સૃષ્ટિ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી બહાર પગ મુકાય નહીં. બધા ઘણા થાક્યા હતા. અમે પણ પડિલહેણ, પ્રતિક્રમણ આવશ્યક ક્રિયા કરી વિશ્રામ કર્યો. રાત્રે કેવી મીઠી ઉંઘ આવી હશે? કલ્પના કરી શકાય. પણ એ કલ્પના ઠગારી નીવડશે, એક તરફ આખું શરીર દુ:ખે, બીજી તરફ આખી રાત ઝૂંપડીની ચારે બાજુ કોઈ ને કોઈ જંગલી જાનવર આંટો મારી જતું. કદાચ જંગલી સુવ્વર હોય કે રીંછ, દીપડો હોય પણ આખી રાત ઝૂંપડીની બહાર કોઈ ફર ફર કરતું હતું એ વાત પાકી છે. ઝૂંપડીનો દરવાજો એક જાડા પ્લાસ્ટિકથી બાંધેલો હતો, વળી બે ચાર લાકડા આડા દઈ દીધા. હનુમાનજીનો દીવો તો હતો જ. તેલ હતું. આખી રાત દીવો પ્રકાશ્યો. કાળી રાતના મોટા જાનવર તો અંદર ન આવે પણ નાના નાના સાપ વીંછી કે કાનખજુરા જેવા ખાસ પધારે. એ ક્યાં આવે છે એ જોવા માટે થોડુંક અજવાળું આવશ્યક હતું. એ માટે હનુમાનજીના દીવાએ પ્રકાશ પાથર્યો. બહાર ઘણી ઠંડી હતી, અંદર તો ગરમાશ હતી કેટલાકે તો સારી ઉંઘ કરી કેટલાક પડખા ફેરવતા રહ્યા. કેટલાક આખા દિવસના પ્રસંગોને વિચારતા અર્ધનિદ્રાવસ્થામાં રહ્યા. કેટલાક ભૂખના દુ:ખથી સૂતા ન સૂતા. સાંજે કોઈ કાંઈ જમ્યું ન હતું. જો કે એવું ભોજન કંઈ હતું જ ક્યાં?
ઝૂંપડીમાં લોટ, મસાલો, દાળ, તેલ, વાસણ બધું જ તૈયાર હતું પણ બનાવવાની કડાકુટ કરવામાં કોણ પડે. જોકે અમારે ચારે સાધુને તો એક વાર જ આહાર ગ્રહણ કરવાનો હતો. તો સાંજે ભોજનનો તો પ્રશ્ર્ન ન હતો.
હા… આવા જંગલમાં કોણે કુટી બનાવી? આ બધી વ્યવસ્થા કોણે શા માટે કરી? આ ઝૂંપડીને કોણ સાચવે છે? એ સંબંધી આ શબ્દ મૌન છે. જેણે પણ આ બધું કર્યું હોય તેને લાખ લાખ ધન્યવાદ. આજનો દિવસ યાદ રહેશ.
હિમાલયી કાચા રસ્તે ચાલવું એટલે પૂરેપૂરું જોખમ. ગમે ત્યારે ગમે તે થઈ શકે. તૈયારી રાખવી. વચ્ચે એક બાવા મળેલા તેમણે એક વાત કરેલી. ‘હિમાલય મેં આના હૈ તો જાન મુઠ્ઠી મેં રખની પડતી હૈ’ તે વખતે તો કંઈ એવું લાગ્યું નહીં, પણ આજે સમ્યગજ્ઞાન પ્રગટ થઈ ગયું. પેલા બાબાની સાચી વાત હતી.
રોડે રોડ ૫૦ કિ.મી. ચાલવું સારું. ઝડપી ચલાય, ગમે ત્યારે વરસાદ પડે તો તરત જ ઊભા રહેવા માટે કોઈ ને કોઈ સ્થાન મળી જાય. અહીં એક વાર કપડા ભીના થયા પછી કેટલાય દિવસ સુધી સુકાય નહીં. હવામાં હવા રૂપે બરફીલું પાણી જ ઉડ્યા કરે છે. કપડા સુકવવા માટે મૂકો તો ભીના થઈ જાય. એવા ઠંડા કપડા પહેરો તો શરદી તાવ કંઈક તો થાય. અતિશીતમાં અમે તો સુદર્શન ઘનવટીનો ઉપયોગ રાખ્યો છે. ઓછામાં ઓછી બે ગોળી તો રોજ લઈ લેવી. ઠંડકની અસર ઓછી થાય. પગના દુ:ખાવામાં ફરક પડે.
સૌ સાજા સારા બીજા દિવસે મોડા ઊઠ્યા. જોઈએ તેવો થાક ઉતર્યો ન હતો. ઘડિયાળમાં ૬ વાગવામાં ૫-૬ મિનિટ બાકી હતી. ઝૂંપડીનો દરવાજો ખોલ્યો. આખું અંજવાળિયું આકાશ ઝૂંપડીશમાં પ્રવેશી ગયું. વાતાવરણ સાફ હતું.
દૂર ટેકરીઓ પર સૂરજનો સોનલવરણો કૂણો તડકો સૃષ્ટિને સોને મઢતો હતો. ઠંડી ઓછી હતી. અમે વિહાર કર્યો. હવે ઊતરવાનું જ હતું. બરાબર ૧૨ કિ.મી. ચાલ્યા પછી નંદગામ આવ્યું. પથ્થર ઉપર પગ મૂકીને જ ઊતરવાનું હોવાથી ઊતરતા પગ પછડાય, ઢીંચણ અને સાથળની વચ્ચે નસો જામી જાય. અમે ૧૦ વાગે તો યમનોત્રી રોડ પર આવી ગયા હતા. આવીને જોયું તો યમનોત્રી ૪૫ કિ.મી. બાકી. ખરેખર અમારી સાથે અન્યાય થયો, ગઈ કાલે બોર્ડ પર લખ્યું હતું ‘૩૦ કિ.મી. યમનોત્રી પૈદલમાર્ગ’ એટલે જ તો અમે આ રસ્તે આવ્યા હતા. ૧૮+૧૮= ૩૬ કિ.મી. તો અમે કાચા રસ્તે ચાલ્યા અને હજુ ૪૫ કિ.મી. બાકી. શું સમજવું, હવે આવી જ ગયા છીએ તો યમનોત્રી જઈને જ આવીએ. એક જ દિવસમાં અમારા ૮-૧૦ દિવસ વધી ગયા. ગઈ કાલે અમે ઉત્તરકાશી પહોંચી જાત, હવે ૧૦ દિવસ પછી પહોંચીશું. એક ખોટા બોર્ડ કેટલા ચલાવ્યા. જો કે એ બહાને યમનોત્રીની મુલાકાત થઈ ગઈ એ લાભ હતો જ. નહીં તો આખી હિમાલયની યાત્રામાં યમનોત્રી રહી જાત. જે થયું તે સારા માટે, એક નવતર અનુભવ કરવાનો બાકી હશે તે થઈ ગયો. મનમાં ઘણું હતું કે હિમાલયના રસ્તાથી જલ્દી જલ્દી પહોંચી જઈશું. પણ આજે અમારી પાસે ક્યારેય ન ભૂલાય તેવું
જ્ઞાન છે કે હિમાલયમાં કાચા રસ્તે
જવું નહીં. (ક્રમશ:) ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular