જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
(ગતાંકથી ચાલુ)
થોડાક આગળ ચાલ્યાં ત્યાં એક ગામ આવ્યું. ઉપર જવાનો શોર્ટકટ માર્ગ પુછ્યો. માર્ગ અમારા માટે તૈયાર જ હતો. પેલી છફૂટી તો ક્યારની તૈયાર થઈને ઊભેલી. માત્ર ૨ કિ.મી. માં તો ૭-૮ કિ.મી. ઓછું કરી નાખ્યું. પણ આજની છફૂટીએ તો હંફાવી નાખ્યા મોટા-મોટા ઢીંચણ જેટલા પગથીયા ચઢીને ગમે તેમ ઉપર તો પહોંચ્યા પણ એક ડગલું ય આગળ ભરવાની શક્તિ રહી નહીં. બેસી ગયા અમે તો રોડ પર અમને જોઈને પેલી છફૂટી દાંત કાંઢતી હતી. તે કાઢે જ ને એને મજા આવી ગઈ. રસ્તામાં ‘બુઢાબદરી’નું મંદિર આવ્યું મંદિર તો નાનું છે પણ આજુ-બાજુ વિવિધ જાતના ફૂલઝાડોથી લદાએલું છે. એક તરફ દ્રાક્ષનાં વેલા લટકતા હોય. બીજી તરફ ગુચ્છાદાર ફૂલોનો પમરાટ ઘ્રાણેન્દ્રીયને આકર્ષિત કરતો હોય. વર્ણન તો કેટલું થાય. નજરોથી જુઓ તો ખબર પડે! કહેવાય છે કે પ્રાચીન બદ્રીનાથ અહીં હતું.
ધીરે-ધીરે રોડ પર ચાલતા અમે આગળ વધ્યા રસ્તામાં ક્યાંય રોકાવાય એવી જગ્યા દેખાતી નથી. હજાર ફૂટ નીચે અલકનંદા ચાલી ગઈ છે. નદીનો અવાજ પણ અમારા સુધી પહોંચતો નથી. રોડના ડિવાઈડર ઉપરથી જોતા પાતળી નહેર જેવી લાગે છે. કાચા પોચાના છાતીના પાટીયા બેસી જાય એવી ઊંડી ખીણ છે. અમે આગળ વધ્યા. હજુ જોશીમઠ ૭-૮ કિ.મી. દૂર છે. મોડું થઈ ગયું છે. રસ્તામાં વિશ્રામ વધારે કરવો પડ્યો. હવા પાતળી છે. શ્ર્વાસ ખેંચીને લેવો પડે. તેમાય હાંફી જવાય તો છાતીમાં દુખાવાની સંતાવના વધી જાય. ધબકારા ધમધમ ચાલવા લાગે. અહીં ઠેક-ઠેકાણે બોર્ડ લગાવેલા છે. થાકી જાવ તો વિશ્રામ કરો. પાણી વધુ વાપરો – લીંબુનો રસ પીઓ. એનર્જી ટકાવી રાખો.
અમારી એનર્જી તો આદીશ્ર્વર દાદા. થોડીવાર બેઠા સ્વસ્થ થયા આગળ ચાલ્યા. ખુબ ધીરે-ધીરે ચલાતું હતું કેમ કે રોડ ઉપર-ઉપર ચઢી રહ્યો હતો પગ ભરાઈ ગયા છે. થાકથી હવે તો જલદી બદ્રીનાથ આવે અને થોડાક દિવસ સાવ થાક ઊતારી દેવો છે. ઘણા દિવસથી પગ ચાલી રહ્યા છે. લગાતાર ૬ મહિનાથી પણ વધુ સમય થયો. હવે તો આખું શરીર આરામ માંગે છે. હમણા તો ચાલવું જ રહ્યું.
જોશીમઠ ૪ કિ.મી. બાકી રહ્યું ત્યાં અમારે મુકામ થયો. લગભગ ૧૦ વાગે ઝરમર-ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. સાંજ સુધી વરસાદ ચાલુ જ રહ્યો. સારું થયું અમે ઠેકાણે પહોંચી ગયા પછી વરસ્યો. આજે સાંજે વિહાર નહીં થાય એવું લાગતું હતું પણ. ભલું થયું વરસાદ રહી ગયો. વાતાવરણ તો હજુ ગોરંભાએલું જ હતુ. ક્યારે વરસાદ થાય કહેવાય નહીં. અમે નીકળ્યા જોશીમઠ પહોંચ્યા. જોશીમઠ મોટું ગામ છે. બદ્રીનાથજી છ મહિના અહીં રહે છે. જ્યારે કપાટ ખુલે ત્યારે બદ્રીનાથમાં. અહીં નૃસિંહ અવતારનું મોટું મંદિર છે. કેટલાક પ્રાચીન મંદિર છે. વળી શંકરાચાર્ય ગાદી અને આશ્રમ પણ છે. જુદા-જુદા ત્રણ શંકરાચાર્ય છે. સૌ પોતાને આદિ શંકરાચાર્યના પટ્ટધર માને છે. એકબીજાથી દૂર રહેવાની કોશિશ કરે છે. તત્ત્વ શું હશે ભગવાન જાણે અમે તો આગળ વધ્યા કાચા રસ્તેથી ચાલી વિષ્ણુ પ્રયાગ પહોંચ્યા. રસ્તો ખુબ ખરાબ હતો. નીચે ઊતરી ગયા પછી નક્કી કર્યું કે પાછા વળતા આ રસ્તે ન આવવું ભલે ૮-૧૦ કિ.મી. ફરીને આવવું હશે તો પણ તેમ જ આવશું. વરસાદ પડવાના કારણે કિચડ ખુબ છે. બાકી તો રોડથી ચાલો તો ૧૪ કિ.મી. થાય અહીં માત્ર ૪ કિ.મી.માં આવી ગયા.
વિષ્ણુ પ્રયાગમાં ધોલીગંગા સાથે અલકનંદા નો સંગમ છે. બન્ને ગંગા, બન્ને ધોળાપાણી વાળી, સંગમ થતા જ બન્ને એક બીજામાં સમાઈ જતી. ક્યાંય ભેદભાવ નહીં. સાધક સાધ્યની સાથે એકાત્મગત કઈ રીતે થાય તેનો અવલ સંદેશો આપતી આગળ દોડી જાય છે.
વિષ્ણુ પ્રયાગમાં અહીંના પુરોહિતે અમને એક ઓરડી આપી અમે બરાબર ૪ સાધુ સંથારો કરી શકીએ એટલી જ રૂમની લંબાઈ પહોળાઈ હતી. રાજુ-લાલભાઈ સંજુ તો બહાર રહ્યા. અહીં પગે ચાલીને જનારા બાવા જોગી ખુબ આવે છે. રાત્રિ વિશ્રામ કરી આગળ વધે કેટલાક ગાંજો ભાંગ પિનારા, કેટલાક દારૂ પિનારા, કેટલાક વળી જગ્યા માટે લડી પડે તો બીજા કોઈ કારણે વઢી પડે અહીંના પુરોહિતે વાત કરી. સાચા સાધુ તો કોઈક જ આવે બાકી બધા આજીવિકા માટે સંન્યાસી બની ફરતા હોય છતા અહીં તેઓને રહેવા માટે વ્યવસ્થા છે. જમવા માટે કશું નથી. ચણાના લોટનો સાચવો તૈયાર હોય જેને જોઈએ તે લઈ જાય પાણીમાં ઘોળીને પી જવો. આજુ-બાજુ જંગલ છે. ઊંચા ઊંચા પહાડોની વચ્ચે આ નાનકડું મંદિર અને સંગમ ખુબ સુંદર લાગે છે.
નીખીલપીઠ (પાંડુકેશ્ર્વર)
જેઠ સુદ ૫, સોમવાર, તા. ૧૮.૬.૨૦૧૮
હવે તો માત્ર ૩૨ કિ.મી. બદ્રીનાથ બાકી છે. બે બાજુ ભીષણ મોટા-મોટા પહાડોને ભીંસીને અલકનંદા મેદાનો તરફ જવા દોડી રહી છે. ઉતાવળ નો કોઈ પાર નથી. ભેંકાર પડઘા પાડતી મોટા પત્થરો સાથે પછડાટ ખાતી નંદા કોઈ પહાડી સ્ત્રીની જેમ દોડી જાય છે. રસ્તો સતત ઉપર ચઢાણ ચઢતો આગળ વધે છે. આવું ઊંચું ચઢાણ તો આ પહેલા ક્યારેય નથી આવ્યું એમાં પાછુ મોટા ડુંગરો માથા પર જ ઝળુંબ્યા છે. ડુંગરમાં ખાંચા પાડી ને રોડ બનાવેલો હોવાથી આપણા ઉપર તો ડુંગરનું છત્ર રહે, ક્યારે નીચે પડી જાય કંઈ કહેવાય નહીં. સતત ઉપર ધ્યાન રાખતા ચાલવું પડે. એમાંય વળી ભુસ્ખલન ક્ષેત્રના બોર્ડનું જંગલ ખડકાઈ ગયું છે. મનમાં ભયની વૃદ્ધિ કરનારા આ બોર્ડનો ગુનો નથી પણ રસ્તો જ એવો સાંકડો-ટુટેલો માંડ-માંડ એક ગાડી જઈ શકે તેવો છે. પગે ચાલીને જનારાની સ્થિતિ તો જોવા જેવી થાય. અમે ધીરે-ધીરે સંભાળીને આગળ વધી રહ્યા છીએ ૭ કિ.મી. ચાલ્યા ત્યાં ગોવિંદ ઘાટ આવ્યું. ગામ તો ઘણું મોટું નથી પણ પાર્કિંગ ઘણા મોટા છે. હેમકુંડ સાહિબ અને ફલાવર વેલી જવાવાળા લોકોને વાહનો અહીં મૂકવાના હોય, આગળ તો ચાલીને જ જવાનું હોય.
અહીંથી ફલાવરવેલી ૧૮ કિ.મી. અને હેમકુંડ સાહિબ ૨૦ કિ.મી. થાય કહે છે. ફલાવરવેલીમાં ૩૦૦ જાતનાં વિવિધ જંગલી ફૂલો ઊગે છે. જોવા જેવું ક્ષેત્ર છે. અમારું મન પણ હતું કે ફલાવર વેલી જઈએ. પણ હમણા તો ગમે તેમ કરી પહેલા બદ્રીનાથ પહોંચવું છે. ફલાવર વેલી માટે ૧૮ કિ.મી. ચાલવાનું નહીં પણ ૧૫૦૦ ફૂટ ડુંગર ઉપર ચઢવાનું ભારી કામ હતું. જોઈએ, પગ સાથ આપશે તો જઈશું. આગળ ચાલ્યા ત્યાં પાંડુકેશ્ર્વર આવ્યું. અહીં યોગબદ્રીનું મંદિર છે. પદ્માસનમાં ચતુર્ભુજ વિષ્ણુની મૂર્તિ છે. બહાર રોડ પર ઘંટાકર્ણનું મંદિર છે હમણા બંધ છે. કારણ કે બદ્રીનાથનાં કપાટ ખુલે ત્યારે અહીંથી ઘંટાકર્ણવીરની મૂર્તિ પણ તેમની સાથે લઈ જવાય. બદ્રીમંદિરની બાજુમાં જ ઘંટાકર્ણનું નાનુ મંદિર છે તેમાં છ મહિના પુજાય. પાછા અહીં પધરાવાય. એક કુબેરનું મંદિર છે એ પણ ૬ મહિના અહીં પૂજાય. અમે આગળ ચાલ્યા. દોઢેક કિ.મી. ચાલ્યા ત્યાં નિખીલપીઠ આશ્રમ આવ્યો. આજનો બસેરો અહીં છે આશ્રમ ખુબ મોટો છે અલકનંદા ના સામા કિનારે ઊંચા ડુંગર નજીક જ છે. આશ્રમનાં કંપાઉન્ડમાં જ એક ઉપાશ્રય જેવો જુદો હૉલ બનાવીને જ રાખ્યો છે અહીં ભૂતકાળમાં બે વખત સાધ્વી મ. એ ચાતુર્માસ કરેલ છે. સ્થાન સરસ છે. આશ્રમમાં પદ્માવતીજીનું મંદિર છે. આશ્રમનાં મઠાધિશ રાહુલેશ્ર્વરાનંદજી ભૂતકાળમાં જૈન સાધુ હતા એ પછી તેઓ અહીં આશ્રમ બનાવીને રહ્યા છે. હમણા તો અહીં આશ્રમ બનાવીને રહ્યા છે. હમણા તો અહીં નથી. એમના ૩-૪ શિષ્યો બધો કારભાર સંભાળે છે. સંતપ્રેમી માણસો છે. અહીંથી તો માત્ર બદ્રીનાથજી હવે ૧૯ કિ.મી બાકી છે આવતી કાલે આદીશ્ર્વર પ્રભુનાં ચરણોમાં પહોંચી જઈશું. કેટલા વરસે ભાવના સફળ થશે. પગ તો થાકથી ભરાઈ ગયા છે. છતાં જલદી પ્રભુ દર્શન ને ઈચ્છે છે. સાંજે વરસાદ ન હતો પણ ઠંડીનો ચમકારો પણ સારો હતો અમે ૪ વાગે નિકળ્યા. વાતાવરણ શીતાગાર થઈ ચુક્યું હતું. ચાલવા માંડ્યા એટલે થોડી ગરમી આવી. એક દોઢ કિ.મી. ચાલ્યા ત્યાં તો ભારે ભૂસ્ખલન ક્ષેત્ર ચાલુ થયું. રોડ તો હતો જ નહીં