માણસથી જાણે-અજાણે અનેક પાપો થઈ જતાં હોય છે. આવાં તમામ પાપોમાંથી મુક્ત થવા માટે જ આર્ષદૃષ્ટાઓએ વ્રતનો મહિમા વધારી હિન્દુસમાજને ઉદારતાપૂર્વક એક રસ્તો બતાવ્યો છે.
સનાતન હિન્દુ ધર્મ સૌથી પુરાતન છે. જેટલો પુરાતન છે એનાથી વધુ ઉદાર પણ છે. આથી જ મનુષ્ય જીવનમાં સર્જાતી તમામ સમસ્યાના સમાધાન માટે આપણા ઋષિઓએ વ્રતનો મહિમા રજૂ કર્યો છે. સમસ્યાનું સમાધાન કરતાં આવાં અનેક વ્રતોમાંનું એક વ્રત છે,એકાદશી વ્રત. વર્ષની કુલ 24 એકાદશીનાં અલગ અલગ નામ, મહિમા અને ફળ બતાવવામાં આવ્યું છે. આમાંની એક એકાદશીનું નામ ‘પાપમોચની’ એકાદશી જે ફાગણ મહિનાના વદ પક્ષમાં આવે છે.
આજે પાપમોચની એકાદશીનું વ્રત કરીને જાણે-અજાણે આપણાથી થયેલાં પાપોમાંથી મુક્ત થઈએ.
‘પાપમોચની’ એકાદશી સાથે આ પૌરાણિક કથા જોડાયેલી છે.
પુરાણકથા મુજબ વસંતઋતુ જ્યારે પૂર્ણકળાએ ખીલી હતી,ત્યારે મંજુઘોષા નામની એક અપ્સરા વનવિહાર માટે સખીઓ સાથે ચિત્રરથ નામના વનમાં આવી.આ સમયે મહર્ષિ ચ્યવનનો યુવાન પુત્ર મેધાવી શિવઉપાસના કરી રહ્યો હતો. વસંતઋતુમાં રમણીય ચિત્રરથ વનમાં વિહાર કરતાં-કરતાં મંજુઘોષાએ યુવાન શિવતપસ્વી મેધાવીને જોયો. દેવતુલ્ય સ્વરૂપવાન મેધાવીને જોતાં જ મંજૂઘોષા તેના પર મોહિત થઈ ગઈ.
મોહિત થયેલી અને કામપીડિત મંજૂઘોષા મેધાવીની તપસ્યાભંગ કરવા માટે સુંદર શણગાર સજીને નૃત્ય કરી ગીતો ગાવા લાગી. ઘણી મહેનત પછી પણ તે તેમાં કારગત ન નીવડી,ત્યારે તેણીએ કામદેવ પાસે મદદ માગી.યુવાન મેધાવી શિવભક્ત હતો એટલે કામદેવ તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયા, કારણ કે શિવે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો તેથી તેમના મનમાં શિવ પ્રત્યે એક ઘૃણા હતી જ. શિવઘૃણાને લીધે મેધાવીને તપથી વિમુખ કરવા માટે કામદેવે તેના મનમાં પ્રવેશ કરી વિકાર ઉત્પન્ન કર્યો. વિકાર ઉત્પન્ન થવાથી મેધાવી વિચલિત થઈ ગયો અને તેની બંધ આંખો ખૂલી ગઈ. વિકારયુક્ત મેધાવીએ તેની સામે મંજૂઘોષાને જોઈ. જોતાં જ તે પણ તેના પર મોહિત થઈ ગયો. તેના અંગ-અંગમાં કામપીડા થવા લાગી. બે મોહિત અને કામપીડિત આમનેસામને હતાં, પછી જે કંઈ થયું તે બિલકુલ સહજ હતું.
કામતૃપ્તિ પછી જ્યારે મંજૂઘોષાએ સ્વર્ગમાં પરત જવા મેધાવીની રજા માગી ત્યારે મેધાવીને ખબર પડી કે સ્વર્ગની આ અપ્સરાએ કામદેવની મદદથી મને તપોભંગ કર્યો છે. હકીકતની જાણ થવાની સાથે જ યુવાન શિવભક્તિ મેધાવીનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો. તેણે મંજૂઘોષાને શાપ આપી દીધો: ‘હે પાપીણિ! તેં ભયંકર પાપ કર્યું છે. માટે તું અપ્સરામાંથી પિશાચયોનિને પામ!’
શાપ મળવાથી મંજૂઘોષાને પણ પોતાની ભૂલ સમજાઈ. તેણીએ પગમાં પડી માફી માંગી અને શાપ પરત લેવા પ્રાર્થના કરી ત્યારે ચ્યવનપુત્ર મેધાવીએ કહ્યું: ‘હે સુંદરી! તેં પાપ કર્યું છે એટલે શાપ મિથ્યા નહીં જ થાય. હું તને એક ઉપાય બતાવું છું. તું તે મુજબ કરીશ તો અવશ્ય શાપમુક્ત થઈશ. ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષની એકાદશી ‘પાપમોચની’ એકાદશી કહેવાય છે. તું આ એકાદશીનું વ્રત કરજે અને વિષ્ણુની ઉપાસના કરજે. આ વ્રત કરવાથી તું શાપમુક્ત થઈને પુન: અપ્સરાપદ પ્રાપ્ત કરીશ.’
પિશાચયોનિ પામેલી મંજૂઘોષાએ ઋષિપુત્રના કહેવાથી પાપમોચની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેણે જે પાપ કર્યું તે પાપ બળી ગયું. પરિણામે પિશાચયોનિમાંથી મુક્ત થઈને પુન: અપ્સરાપદ પ્રાપ્ત કરી સ્વર્ગમાં સ્થાન પામી. બીજી બાજુ મંજૂઘોષાને ઉપાય બતાવી મેધાવીએ પુન: શિવસાધનામાં લીન થવા પ્રયત્ન કર્યો, પણ તેનું મન શિવસાધનામાં લાગ્યું નહીં. વિચલિત થયેલો મેધાવી તેના પિતા ચ્યવનઋષિ પાસે આવ્યો અને સઘળી વાત કરી. વાત સાંભળી પિતાએ પુત્રને કહ્યું: ‘વત્સ! પાપ તો તારાથી પણ થયું જ છે. હવે તું પણ પાપમોચની એકાદશીનું વ્રત કરીને પાપમુક્ત થા. પાપમુક્ત થયા પછી જ શિવસાધનામાં તારું મન લીન થશે.’ પિતાની સલાહથી મેધાવીએ પણ આ એકાદશીનું વ્રત કર્યું અને પાપમુક્ત થયો.