જય જય શિવ શંકર..

દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણનીસરવાણી -મુકેશ પંડ્યા

આજે આપણે ભગવાન શંકરના નામનું વિશ્ર્લેષણ કરીશું. શંકર શબ્દ બે શબ્દોનો બનેલો છે. શમ્ + કર. શમ્ એટલે સુખ, આનંદ અને કર એટલે કરનારા. સહુનું સુખ ઇચ્છનારા, સહુનું સુખ કરનારા, સહુનું હિત કરનારા હિતકારી. સાચે જ ભોળા શંકર સૃષ્ટિમાં દરેકનું કલ્યાણ કરનારા દેવ છે. માણસ હોય કે પશુ, દેવ હોય કે દાનવ, ભૂત હોય કે પ્રેત સહુનું કલ્યાણ કરનારા સહુને મુક્તિનો માર્ગ દેખાડનારા કોઇ દેવ હોય તો એ છે શમ્ના કરનારા શંકર.
હિંદુ ધર્મમાં પુનર્જન્મની થિયરીને માનવામાં આવે છે. દરેક માણસે જન્મ મરણના ફેરામાં ફસાવું પડે છે. મરણ પછી આત્મા શરીર બદલે છે. પરંતુ એ નવા ખોળિયામાં જાય એ પહેલાં પ્રેતના રૂપમાં ભટકતો હોય તો એના કલ્યાણની પણ શંકર ભગવાન ચિંતા કરે છે.
લાઇફ ઇન્સ્યોરન્સની જાહેરાતમાં વપરાતી બે પંક્તિઓ તમે સાંભળી કે વાંચી જ હશે. ‘જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી.’
હવે આ પોલિસીઓ જિંદગી દરમ્યાન સાથ આપે છે અને જિંદગી બાદ સાથ આપે છે પણ તમારા સંતાનને. જ્યારે શંકર ભગવાન તો સતત તમારા આત્મા સાથે હોય છે, પછી તે શરીરમાં હોય કે પ્રેતરૂપે બહાર ભટકતો હોય. ભૂત-પ્રેતોના નાથ એવા શંકરને એટલે જ તો ભૂતનાથ કહેવાય છે. એટલે ખરેખર તો શંકર ભગવાન માટે કહી શકાય કે એ જિંદગીની સાથે પણ હોય છે અને જિંદગીની પછી પણ હોય છે. આ એક જ ભગવાન એવા છે કે જે સતત તમારી સાથે રહે છે. જે સતત તમારું કલ્યાણ ઇચ્છે છે. અરે સમાજનું અહિત કરનારા-રાક્ષસી સ્વભાવવાળા કોઇ તેમને ખરા દિલથી યાદ કરે. તેમની પૂજા-અર્ચના માટે સમય ફાળવે તો ખુશ થઇ જાય છે.
એક વાર્તા મુજબ ચાતુર્માસ દરમ્યાન દેવપોઢી એકાદશીથી લઇને દેવઊઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ શયન કરવા જાય ત્યારે જગતનું ધ્યાન કોણ રાખશે તેવો પ્રશ્ર્ન ઊભો થયો હતો. આ સમયે શંકર ભગવાને જ બીડું ઝડપ્યું. તેઓ કોઇ પણ ઋતુ હોય સદાય જાગૃત રહે છે. એમાંય શ્રાવણ મહિનામાં તો ભગવાન શંકર તમારી વધુ નજીક આવે છે. તમારી દરેક પ્રાર્થનાનો સ્વીકાર કરે છે. બીજા બધા દેવદેવીઓની પૂજા અર્ચના કરવા તમારે વધતો ઓછો ખર્ચ કરવો પડે. શંકર ભગવાન તો પાણીના અભિષેકથી પણ ખુશ થઇ જાય છે. તેમના મંદિર બાંધવા પણ બહુ મોટા ખર્ચા કરવા પડતા નથી. બીજા બધા દેવદેવીઓના મંદિર બાંધવા ઘણું દ્રવ્ય ખરચવું પડે છે એટલે એ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી હોતાં, પરંતુ તમને શિવાલયો તો ગામડે ગામડે જોવા મળશે. શિવ શંકર માટે ખર્ચાળ મૂર્તિઓ પણ કંડારવાની જરૂર નથી. તેઓ લિંગરૂપે ભારતના નાના ગામડાઓમાં પણ સ્થાપિત હોય છે. અરે ભૂતનાથ હોવાથી દેશના દરેક સ્મશાનોમાં પણ તેમનો જ દબદબો હોય છે.
વિષ્ણુ ભગવાન વડા પ્રધાન જેવા છે. સૃષ્ટિનું સંચાલન કરવા તેમની સરકાર કાયદા ઘડે અને કાયદો ન પાળનારને સજા પણ કરે. જ્યારે શંકર ભગવાન રાષ્ટ્રપતિ જેવા છે. કોઇ ગૂનેગાર કે મોતની સજો પામેલો અપરાધી પણ તેમની સમક્ષ માફીની અરજી કરી શકે છે. જો શંકર ભગવાનને તેની અરજીમાં નિર્દોષતા દેખાય તો એ માફી આપી પણ શકે. ટૂંકમાં માણસ સારી જિંદગી ઇચ્છતો હોય કે સારું મોત, મૃત્યુંજય એવા ભગવાન શંકર બધાને ન્યાય આપે છે.
સાચે જ શંકર ભગવાન સાચા અર્થમાં દરેકનું સુખ ઇચ્છનારા છે. નિર્દોષ હોય કે ગૂનોગાર, ગરીબ હોય કે અમીર, દેવ હોય કે દાનવ, માણસ હોય કે ભૂત-પ્રેત સહુ કોઇ પોતાની શક્તિ પ્રમાણે તેમની ભક્તિ કરી શકે છે.
એ હાલો, શ્રાવણ મહિનામાં પેલું ભજન ગાઇએ,
‘મન તું શંકર ભજી લે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.