માનવીના આરોગ્યને તરોતાજા બનાવે છે ગોળ

પુરુષ

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

તહેવારો માનવીના જીવનને તાજગી બક્ષે છે. સતત કામમાં વ્યસ્ત રહેવાને કારણે વ્યક્તિ જીવનમાં ક્યારેક ખાલીપો અનુભવવા લાગે છે. આવા સમયે માનસિક તાણનો ભોગ બની શકે છે. ભારતીય તહેવારો માનવીના જીવનને પૂરતું ટોનિક આપવા સક્ષમ ગણાય છે. ભારતીય સંસ્કૃતિ તથા તહેવારોની વિવિધતાને કારણે જ આજે પણ ભારતીયો કુટુંબપ્રથા કે સામાજિક એકતાથી જોડાયેલાં રહ્યાં છે. વાર-તહેવારે એકબીજાના તહેવારોમાં ઓતપ્રોત થવાનો આનંદ પ્રત્યેક ધર્મના લોકો માણવા આતુર હોય છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તહેવારોની મોસમ પણ પૂરબહારમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં તો શિવ-પાર્વતીના પ્રેમાળ પુત્ર શ્રી ગણેશજીની પધરામણી બાદ ભક્તો આનંદમાં જોવા મળે છે. ભગવાન શ્રી ગણેશને રિઝવવા તેમને પ્રિય લાડુ બનાવીને ખાસ નૈવેદ્ય ધરાવવામાં આવે છે.
અવનવી સજાવટની સાથે ગણેશજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવતાં ખાસ ગોળના લાડુ આપે પણ બનાવ્યા જ હશે. લાડુ આમ તો વિવિધ રીતે બનાવી શકાય છે, જેમકે ગોળના લાડુ, ખાંડના લાડુ, લાકડશી લાડુ, તલના લાડુ, શિંગદાણાના લાડુ, મમરાના લાડુ, રાજગરાના લાડુ, બુંદિયા લાડવા, ગુંદરના લાડવા, બરફી ચુરમુ વગેરે. ગોળ-ઘઉંના જાડા લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતાં લાડુ માનવીના આરોગ્યને પણ તરોતાજા બનાવી દે છે. ખાંડની સરખામણીમાં ગોળ વધુ સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવે છે. ગરીબોની મીઠાઈ ગણાતાં ગોળમાં સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો સમાયેલાં છે. આપણે ત્યાં તો સગાઈની વિધિ વખતે પણ ગોળ-ધાણા ખાઈને પ્રસંગની ઊજવણી કરવામાં આવે છે. ચાલો આપણે પણ જાણી લઈએ ગોળના સ્વાસ્થ્યવર્ધક લાભ.
ગોળમાં પ્રાકૃત્તિક રીતે જ મીઠાશ સમાયેલી છે. વિવિધ પ્રકારની બીમારીથી રક્ષણ આપે છે. સામાન્ય રીતે ભારતીય રસોઈઘરમાં ગોળનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો જ હોય છે. ગ્રામ્યજીવનની વાત કરીએ તો વહેલી સવારના શિરામણ કે નાસ્તામાં રાતે બનાવેલી ભાખરી, રોટલી, રોટલો કે પરાઠા સાથે ગોળ ખાવાની પ્રથા જોવા મળે છે. બપોરના ભોજન બાદ પણ ગોળનો એક ટૂકડો ખાઈને શરીરને ઍસિડિટી કે છાતીમાં બળતરાની સમસ્યાથી બચાવી શકાય છે. ગોળ-ચણા ભેળવીને ખાવાથી પણ શરીરમાં શક્તિનો સંચાર થવા લાગે છે. ગોળમાં પ્રાકૃતિક રીતે જ કૅલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશ્યિમ, ફોલિક ઍસિડ તથા આયર્ન જેવા પોષક ગુણો સમાયેલાં જોવા મળે છે.
હાડકાં મજબૂત બનાવવામાં મદદરૂપ: ગોળનો આહારમાં ઉપયોગ કરવાથી હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહે છે. ગોળમાં ભરપૂર માત્રામાં કૅલ્શિયમ તથા ફોસ્ફરસની માત્રા સમાયેલી હોય છે. બંને સત્ત્વ હાંડકાંને મજબૂતાઈ બક્ષે છે. એવું પણ કહેવાય છે કે શિયાળાની ઠંડીમાં શરીરમાં સાંધાનો દૂખાવો તેજ થાય છે. આવા સંજોગોમાં ખાસ ગોળની સાથે આદૂં કે સૂંઠનો આહારમાં ઉપયોગ કરવાથી દૂખાવામાં રાહત મેળવી શકાય છે.
શરદી-ખાંસીમાં લાભકારી: ગોળનો ઉપયોગ શરદી-ખાંસીમાં અત્યંત ગુણકારી ગણાય છે. ગોળની તાસીર ગરમ ગણાય છે. તેથી ઉનાળામાં ગોળ પ્રમાણભાન રાખીને ખાવાની સલાહ આપવામાં આવે છે. તો શિયાળામાં ઠંડીને કારણે શરદી-ખાંસીની તકલીફથી રાહત મેળવવા સૂંઠની ગોળ નાખીને બનાવેલી ગોળી ખાવાથી રાહત મળે છે. મરીના ભૂકામાં ગોળ ભેળવીને ખાવાથી પણ શરદીમાં રાહત મેળવી શકાય છે.
લોહીની ઊણપ દૂર કરવામાં ગુણકારી: ગોળમાં આયર્નની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. હિમોગ્લોબીન ઓછું હોવાને કારણે વ્યક્તિ અશક્તિ અનુભવે છે. થોડું કામ કરીને પણ તે થાકી જાય છે. શરીરમાં નબળાઈ લાગે છે. આવા સંજોગોમાં નિયમિત ગોળનું સેવન કરવાથી શરીરમાં લોહીનો સંચાર સુચારૂ રૂપે થવા લાગે છે.
વજન નિયંત્રણમાં રાખવામાં લાભકારી: ખાંડનું સેવન કરવાથી વજન ઝડપથી વધવા લાગે છે. તો બીજી તરફ ગોળનું સેવન કરવાથી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. ગોળમાંથી બનેલી ચાનો ઉપયોગ કરીને વજન ઘટાડી શકાય છે.
ખીલની તકલીફથી રાહત: ગોળનું સેવન કરવાથી લોહીમાં સમાયેલાં હાનિકારક ટોક્સિન બહાર નીકળવા લાગે છે. ગોળનું સેવન ખીલની તકલીફમાં રાહત આપે છે. ત્વચા ચમકદાર બનાવે છે.
કબજિયાતની તકલીફમાં ગુણકારી: ગોળનું સેવન નિયમિત પ્રમાણભાન રાખીને કરવાથી શરીરમાં પાચક રસ બનવાની પ્રક્રિયામાં સુધારો આવે છે. મળ ત્યાગની પ્રક્રિયા સરળ બને છે. ભોજન બાદ ગોળનો નાનો ટૂકડો ખાવાથી લાભ મળે છે.
લિવરને ડિટોક્સ કરવા માટે ગુણકારી: ગોળમાં કુદરતી રીતે જ શરીરને શુદ્ધ કરવાની શક્તિ સમાયેલી છે. ગોળના સેવનથી શરીરમાં હાનિકારક વિષેલા પદાર્થો બહાર નીકળી જાય છે. લિવરને સાફ કરવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વરદાન સમાન: બ્લડપ્રેશરના દર્દીઓ માટે ગોળનું સેવન અત્યંત ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ છે ગોળમાં સોડિયમ તથા પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જે શરીરમાં બનતાં ઍસિડને નિયંત્રણમાં રાખવામા મદદ કરે છે, જેને કારણે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ
મળે છે.
નારી માટે વરદાન સમાન: પિરિયડસ્ની સમસ્યા હોય કે પ્રસૂતિ બાદની સમસ્યામાં ગોળનું સેવન કરવાથી શરીરને ઊર્જા મળી રહે છે. જેને કારણ અકારણ થાકી જવાની કે કમજોરી આવવાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. પેટમાં થતાં દર્દ કે સ્વભાવ ચીડિયો થવાની સમસ્યાથી પણ ગોળનું પ્રમાણભાન રાખીને કરેલું સેવન ગુણકારી સાબિત થાય છે.
ગોળને બનાવવા માટે શેરડીના રસનો ઉપયોગ કરવામાં આવે છે. શેરડીના રસને મોટી કડાઈમાં લઈને ઉકાળવામાં આવે છે. ધીમે ધીમે શેરડીનો રસ ઘટ્ટ બનવા લાગે છે. ગોળ બની જાય છે. ખાંડ પણ શેરડીના રસમાંથી જ બનાવવામાં આવે છે, પરંતુ તે શેરડીના રસનું રિફાઈન્ડ સ્વરૂપ ગણાય છે, જ્યારે ગોળ અનરિફાઈન્ડ સ્વરૂપ ગણાય છે. તેથી જ ગોળમાં ખાંડની સરખામણીમાં વધુ પોષક ગુણો સમાયેલાં જોવા મળે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે: એવું માનવામાં આવે છે કે ગોળનું સેવન કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ગોળ ધીમે ધીમે પચે છે શરીરને લાંબા સમય સુધી એનર્જી પ્રદાન કરે છે.
સામાન્ય રીતે શેરડીના રસમાંથી બનતાં ગોળ વિશે જ આપણને જાણ હોય છે. ખજૂર તથા નાળિયેરનો ગોળ પણ બજારમાં મળે છે, જેના ફાયદા પણ અલગ જોવા મળે છે. ફૂડ સાયન્સ ઍન્ડ ન્યૂટ્રિશન દ્વારા પ્રકાશિત એક જર્નલ અનુસાર નારિયેળના રસમાંથી બનેલાં ગોળમાં સ્વાસ્થ્ય માટે જરૂરી મિનરલ્સ, ઍન્ટિ ઑક્સિડન્ટ તથા વિટામિન્સ સમાયેલાં હોય છે. નારિયેળમાંથી બનતાં ગોળમાં આથો ન આવેલાં એવાં અન ફર્મેનટેડ રસનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ ગોળ થોડો કડક જોવા મળે છે. આ ગોળમાં પણ ભરપૂર માત્રામાં આયર્ન, પોટેશિયમ તથા મેગ્નેશિયમની માત્રા સમાયેલી હોય છે. જે સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે.
ખજૂરનો ગોળ ભારતના પૂર્વીય રાજ્યો જેવા કે પશ્ર્ચિમ બંગાળ – ઝારખંડ માં લોકપ્રિય ગણાય છે. ખજૂરનો ગોળ કે પાતાલીના ગોળ તરીકે તે જાણીતો છે. યુનાઈટેડ નેશનના ફૂડ ઍન્ડ એગ્રીકલ્ચર આોર્ગેનાઈઝેશનમાં પ્રસાશિત એક રિપોર્ટ પ્રમાણે ખજૂરના અર્કમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન બી, વિટામિન સી, આયર્ન તથા કૅલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે, જે શરીરને માટે અત્યંત લાભદાયક ગણાય છે. ખજૂરનો ગોળ વ્યક્તિની મીઠું કે ગળ્યું ખાવાની ઈચ્છાને પૂર્ણ કરે છે. માઈગ્રેનના દર્દીઓ માટે ખજૂરનો ગોળ અત્યંત ગુણકારી ગણાય છે.
આ વર્ષે ગણેશને નૈવેદ્ય ધરાવો ત્યારે તેમાં ખાંડના લાડુને બદલે ગોળના લાડુ બનાવવાનો આગ્રહ રાખજો. જે આપના મનની સાથે આપના સ્વાસ્થ્યને પણ તરોતાજા બનાવશે. ખાંડ ભેળવીને ચાના રસિયાઓ પણ ગોળની ચા પીવાની આદત કેળવે તો તે સ્વાસ્થ્યપ્રદ છે.
ગોળમાં પણ હવે તો વિવિધ વેરાયટી સરળતાથી મળી રહે છે. ગોળના નાના ટૂકડાં, ગોળની કણી, ગોળનો રવો. ઓર્ગેનિક ગોળ વગેરે.
ગોળની ચા: ૨૫૦ ગ્રામ પાણી, ૨ નાની ચમચી ચાની પત્તી, ચપટી એલચી પાઉડર, ચપટી જાયફળ પાઉડર, ૩ ચમચી ઑર્ગેનિક ગોળની કતરણ, ૧ કપ ગરમ દૂધ.
બનાવવાની રીત: સૌ પ્રથમ ૨૫૦ ગ્રામ પાણીને ઉકાળવા મૂકવું. તેમાં એલચી-જાયફળનો પાઉડર ભેળવવો. ચાની પત્તી ભેળવીને પાણીને ઉકાળવું. પાણી બરાબર ઊકળવા લાગે એટલે ઑર્ગેનિક ગોળની કતરણ ભેળવીને એક ઊભરો લેવો. તેમાં દૂધ ભેળવીને બે મિનિટ ચાને ઢાંકીને રાખ્યા બાદ ગરમાગરમ ચાને સર્વ કરવી. આ ચા ડાયાબિટીસના દર્દી માટે ઉત્તમ વિકલ્પ ગણાય છે. તો સ્વાદમાં ફેરબદલ થવાથી પણ ચાની ચૂસકી લેવાનો આનંદ મળશે. વળી સ્વાર્સ્થ્યવર્ધક હોવાને કારણે તમે વધુ પણ પી શકો છો. તો હવે ખાંડને બદલે ગોળની ચા પીવાની મજા અચૂક માણજો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.