ઉપરાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર જગદીપ ધનખડ

દેશ વિદેશ

ભાજપ પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ અને મમતાના વિરોધીને ચૂંટણીમાં ઊભા રાખશે

નવી દિલ્હી: ભાજપના સંસદીય બોર્ડની શનિવારે મળેલી બેઠકમાં દેશના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડના નામની જાહેરાત કરી હતી.ભાજપના વડા જે. પી. નડ્ડાએ જગદીપ ધનખડને ‘ખેડૂત-પુત્ર’ અને ‘જનતાના ગવર્નર’ ગણાવ્યા હતા.
ભૂતકાળમાં પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનખડ વચ્ચે મતભેદ ઊભા થયા હતા. તેઓ ૨૦૧૯ના જુલાઇમાં પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા તે પછી તેમના અને મમતા બેનરજીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કૉંગ્રેસની સરકાર વચ્ચે વિવિધ મુદ્દે ઘર્ષણ ઊભું થતું હતું. જગદીપ ધનખડ સરકારી સેવામાં ત્રણ દાયકા કરતાં વધુ સમયથી છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે ઉચ્ચ હોદ્દા પર પહોંચવા માટે અનેક સામાજિક અને આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો હોવાથી તેમનામાં ‘નવા ભારતના નિર્માણ માટેનો જુસ્સો’ રહેલો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના પ્રધાનો – અમિત શાહ, રાજનાથ સિંહ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ભાજપના વડા જે. પી. નડ્ડા ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિપદ માટેના એનડીએના ઉમેદવાર માટે જીતવું સરળ હોવાનું મનાય છે. સંસદનું કુલ સંખ્યાબળ ૭૮૦ છે અને તેમાં ભાજપના સાંસદ ૩૯૪ છે. બહુમતી માટે ૩૯૦નું સંખ્યાબળ જ જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિપદની છઠ્ઠી ઑગસ્ટે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૯ જુલાઇ છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ ગણાય છે. અગાઉ, ભાજપ દ્વારા ૨૦૧૭માં પોતાના પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ અને કેબિનેટ કક્ષાના પ્રધાન એમ. વેંકૈયા નાયડુને ઉપરાષ્ટ્રપતિપદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.