દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડે આજે બપોરે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત મંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલા જગદીપ ધનખડ બાપુના સ્મારક પર ગયા હતા.આજે બપોરે સાડા બાર વાગે તેમનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો.
6ઓગસ્ટે થયેલી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કુલ 725 સાંસદે મતદાન કર્યું હતું, જેમાં 700 મત યોગ્ય અને 15 મત અયોગ્ય ઠર્યા હતા. એમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડને 525 મત અને માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા હતા.
18 મે, 1951ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના એક ગામમાં એક કૃષિ પરિવારમાં જન્મેલા ધનખરે તેમનું શાળાકીય શિક્ષણ ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક પૂર્ણ કર્યા પછી, તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું હતું. 71 વર્ષીય ધનખરે રાજસ્થાન હાઈકોર્ટ અને ભારતની સુપ્રીમ કોર્ટ બંનેમાં પ્રેક્ટિસ કરી છે. જનતા દળની ટિકિટ પર 1989ની લોકસભા ચૂંટણીમાં ઝુનઝુનુથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. ધનખરને 2019માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ તરીકે ધનખરની વરણી સાથે, લોકસભા અને રાજ્યસભા બંનેના પ્રમુખ અધિકારીઓ હવે રાજસ્થાનના છે.

Google search engine