ઉપરાષ્ટ્રપતિપદે જગદીપ ધનખડ

દેશ વિદેશ

૫૨૮ વિરુદ્ધ ૧૮૨ મતથી વિજય

નવી દિલ્હી: દેશના નવા ઉપરાષ્ટ્રપતિના પદે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ મતસંખ્યાના મોટા તફાવતથી ચૂંટાઈ આવ્યા હતા. વિરોધ પક્ષોનાં સંયુક્ત ઉમેદવાર ૮૦ વર્ષનાં માર્ગારેટ આલ્વા સાથે સીધી સ્પર્ધામાં એનડીએના ઉમેદવાર ૭૧ વર્ષના જગદીપ ધનખડનો ભવ્ય વિજય થયો હતો. મતગણતરીના અંતે જગદીપ ધનખડને ૫૨૮ અને માર્ગારેટ આલ્વાને ૧૮૨ મત મળ્યા હતા અને ૧૫ મત અમાન્ય ગણવામાં આવ્યા હતા. તેથી રિટર્નિંગ ઑફિસરે જગદીપ ધનખડને વિજેતા જાહેર કર્યા હતા.
શનિવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સવારે ૧૦.૦૦ વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે પાંચ વાગ્યે પૂરું થયું ત્યારે ૯૩ ટકા મતદાન નોંધાયું હતું. ૭૮૦માંથી ૭૨૫ સંસદસભ્યોએ મતદાન કર્યું હતું. પંચાવન સાંસદોએ મતદાન કર્યું નહોતું. તૃણમૂલ કૉંગ્રેસના નિર્ણય અનુસાર એ પક્ષના લોકસભાના ૨૩ સભ્યો સહિત ૩૯ સંસદસભ્યોએ મતદાનથી વેગળા રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, પક્ષના બે સાંસદો શિશિરકુમાર અધિકારી અને દિબ્યેન્દુ અધિકારીએ પક્ષના નિર્ણયને અવગણીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ભાજપના બે સાંસદો સની દેઓલ અને સુનીલ ધોત્રેએ મતદાન કર્યું નહોતું. સાંજે છ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં
આવી હતી. બપોરે બે વાગ્યા સુધીમાં ૮૫ ટકા સંસદસભ્યોએ મતદાન કર્યું હતું. ભારતના ૧૩મા ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુની હોદ્દાની મુદત ૧૦ ઑગસ્ટે પૂરી થઈ રહી હોવાથી નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટવા માટે સવારે પ્રારંભિક તબક્કામાં મતદાન કરનારાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલ અને ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડા સહિત અનેક મહાનુભાવોનો સમાવેશ હતો. કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, રેલવેપ્રધાન અશ્ર્વિની વૈષ્ણવ, વિજ્ઞાન અને ટૅક્નોલૉજી ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહ, તેલંગણ રાષ્ટ્ર સમિતિના સંસદસભ્યો તેમ જ વાયએસઆર કૉંગ્રેસના રઘુરામ રાજુએ બપોરે બાર વાગ્યા પછી મતદાન કર્યું હતું.
સંસદના બન્ને ગૃહોની કુલ ૭૮૮ બેઠકોમાંથી ૮ બેઠકો ખાલી છે. એ ૭૮૦ સાંસદોમાંથી ૬૭૦ સંસદસભ્યોએ બપોરે બે વાગ્યા સુધીમાં દેશના ઉપરાષ્ટ્રપતિઓની પરંપરામાં ૧૪મા ક્રમના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહની તબિયત સારી નહીં હોવાથી તેઓ વ્હીલચૅરમાં મતદાન માટે આવ્યા હતા. તેમને મતદાન કરવામાં માર્ક્સવાદી પક્ષના સાંસદ જ્હોન બ્રિટ્ટાસ તથા અન્યોએ મદદ કરી હતી. કૉંગ્રેસના સંસદસભ્ય અભિષેક સિંઘવી કોરોનાગ્રસ્ત હોવાથી તેમણે પીપીઈ કિટ પહેરીને મતદાન કર્યું હતું.
ભાજપની લોકસભામાં બહુમતી અને રાજ્યસભામાં ૯૧ સભ્યો હોવાને કારણે શરૂઆતથી જગદીપ ધનખડનો વિજય નિશ્ર્ચિત મનાતો હતો. પોતાને ખેડૂતપુત્ર તરીકે ઓળખાવતા જગદીપ ધનખડ અગાઉ પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રના પ્રધાનપદ સહિત અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા શોભાવી ચૂક્યા છે. પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલપદના કાર્યકાળ દરમિયાન અનેક વખત મુખ્ય પ્રધાન મમતા બેનરજી જોડે ઘર્ષણ અને વિવાદના પ્રસંગો બન્યા હતા. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.