મંદિર વિશ્ર્વ -અમિત આચાર્ય
પુરીના જગન્નાથ મંદિરમાં ૧૨ વર્ષ બાદ ભગવાનની મૂર્તિઓ બદલવામાં આવે છે. મૂર્તિ બદલતી વખતે, પૂજારી આંખ પર પટ્ટી બાંધે છે અને મંદિરમાં અંધારું કરવામાં
આવે છે.
જગન્નાથ મંદિરનું રહસ્ય
હિંદુ ધર્મ અનુસાર બદરીનાથ, દ્વારકા, રામેશ્ર્વરમ અને પુરી ચાર ધામ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર ધામ પર સ્થાયી થયા હતા, ત્યારે તેઓ પહેલા બદરીનાથ ગયા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું, ત્યારબાદ તેઓ ગુજરાતના દ્વારકા ગયા હતા અને ત્યાં કપડાં બદલ્યા હતા. દ્વારકા પછી તેમણે ઓડિશાના પુરીમાં બપોરનું ભોજન લીધું અને છેલ્લે તામિલનાડુના રામેશ્ર્વરમ ખાતે આરામ કર્યો. પુરીમાં ભગવાન શ્રીજગન્નાથનું મંદિર છે.
પુરીના આ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની કાસ્ટની મૂર્તિઓ છે. લાકડાના શિલ્પો સાથેનું આ અનોખું મંદિર છે. જગન્નાથ મંદિરની આવી ઘણી વિશેષતાઓ છે, સાથે જ મંદિર સાથે જોડાયેલી એવી ઘણી વાર્તાઓ છે જે સદીઓથી રહસ્ય બનીને રહી છે.
દર ૧૨ વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે
જગન્નાથ પુરી મંદિરની ત્રણેય મૂર્તિઓ દર બાર વર્ષે બદલવામાં આવે છે. જૂની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ બદલવાની આ પ્રક્રિયા સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો પણ છે. જ્યારે મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે સમગ્ર શહેરમાં વીજળી ડુલ થઈ જાય છે.
જગન્નાથ મંદિરની આસપાસ સંપૂર્ણ અંધારું હોય છે. મંદિરની બહાર ઈછઙઋ સુરક્ષા તૈનાત હોય છે. એ સમયે મંદિરમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે. મંદિરમાં ફક્ત તે જ પૂજારીઓને પ્રવેશ આપવામાં આવે છે જેમણે મૂર્તિઓ બદલવાની હોય છે.
પૂજારીની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે. હાથમાં મોજા પહેરવામાં આવે છે. આ પછી મૂર્તિઓ બદલવાની પ્રક્રિયા શરૂ થાય છે. જૂની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓ બદલવામાં આવે છે, પરંતુ એક વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી, તે છે બ્રહ્મ પદાર્થ. જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે.
શું છે બ્રહ્મ પદાર્થ?
આ બ્રહ્મ પદાર્થ શું છે તેની આજ સુધી કોઈને કોઈ માહિતી નથી. મૂર્તિ બદલનાર પૂજારીઓ પાસેથી માત્ર થોડીક વાર્તાઓ સાંભળવામાં આવી છે. આ બ્રહ્મ પદાર્થ દર બાર વર્ષે જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં બદલવામાં આવે છે, પરંતુ મૂર્તિ બદલનાર પૂજારીને પણ ખબર નથી કે તે શું છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ આ બ્રહ્મ પદાર્થને જુએ છે, તો તે મૃત્યુ પામે છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ આ પદાર્થને જુએ તો વ્યક્તિના શરીરના ચીંથરા ઉડી જાય છે.
ભગવાન કૃષ્ણનું હૃદય
આજે પણ ધબકે છે
પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ લાકડાની છે. માન્યતા અનુસાર, જ્યારે ભગવાન કૃષ્ણએ તેમનો દેહ છોડ્યો ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણનું બાકીનું શરીર પંચતત્ત્વમાં ભળી ગયું, પરંતુ તેમનું હૃદય સામાન્ય અને જીવંત રહ્યું. એવું કહેવાય છે કે આ હૃદય હજી પણ સુરક્ષિત છે અને તે ભગવાન જગન્નાથની મૂર્તિમાં ધબકે છે.
એક વાયકા એ પણ છે કે આ બ્રહ્મ પદાર્થ હંમેશા શ્રી કૃષ્ણ સાથે જોડાઈને દેખાય છે. મૂર્તિ બદલનારા કેટલાક પૂજારીઓએ જણાવ્યું છે કે જ્યારે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે, ત્યારે તેને હાથ વડે મૂકવામાં આવે છે, તે સમયે એવું લાગે છે કે હાથમાં કંઈક કૂદતું હોય છે, જેમ કે સસલું છે. કોઈ એવી વસ્તુ છે જેમાં જીવન છે, કારણ કે હાથમાં મોજાં છે, તેથી તે પદાર્થ વિશે ઘણું ખબર નથી, એટલે કે, બ્રહ્મ પદાર્થ જીવંત પદાર્થ હોવાની વાર્તાઓ ચોક્કસપણે છે, પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે કોઈ જાણતું નથી.
સિંહ દ્વારનું રહસ્ય
જગન્નાથ પુરી મંદિર સમુદ્ર કિનારે આવેલું છે. મંદિરમાં સિંહ દ્વાર છે. કહેવાય છે કે જ્યાં સુધી સિંહ દ્વારની અંદર પગ ન મૂકે ત્યાં સુધી સમુદ્રના મોજાનો અવાજ સંભળાય છે, પરંતુ સિંહ દ્વારની અંદર પગ મૂકતા જ મોજાનો અવાજ ગાયબ થઈ જાય છે. એ જ રીતે સિંહ દ્વારથી નીકળતી વખતે પહેલું પગથિયું બહાર આવે કે તરત જ સમુદ્રના મોજાનો અવાજ ફરી સંભળાવવા લાગે છે.
એવું પણ કહેવાય છે કે સિંહ દ્વારમાં પગ મૂકતા પહેલા નજીકમાં સળગતી ચિતાની ગંધ પણ આવે છે, પરંતુ સિંહ દ્વારની અંદર પગ મૂકતાની સાથે જ આ ગંધ પણ ગાયબ થઈ જાય છે. સિંહ દ્વારના આ રહસ્યો પણ અત્યાર સુધી રહસ્ય જ રહ્યા છે.
ભગવાન જગન્નાથના મંદિરની ધ્વજાનું રહસ્ય
જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ ૨૧૪ ફૂટ છે. સામાન્ય રીતે કોઈ પણ ઈમારત કે વસ્તુ કે મનુષ્યનો પડછાયો દિવસના અમુક સમયે જમીન પર દેખાય છે, પરંતુ જગન્નાથ મંદિરનો પડછાયો ક્યારેય કોઈએ જોયો નથી. આ સિવાય મંદિરની ટોચ પર સ્થાપિત ધ્વજાને લઈને પણ એક મોટું રહસ્ય છે. આ ધ્વજાને રોજ બદલવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે જો એક દિવસ ધ્વજા બદલવામાં નહીં આવે તો કદાચ આગામી ૧૮ વર્ષ સુધી જગન્નાથ મંદિર બંધ થઈ જશે. આ સિવાય આ ધ્વજા હંમેશાં પવનની વિરુદ્ધ દિશામાં ફરફરે છે.
મંદિરની ટોચ પર સુદર્શન ચક્ર પણ છે. કહેવાય છે કે જો આ સુદર્શન ચક્ર પુરીના કોઈપણ ખૂણેથી જોવામાં આવે તો તેનું મુખ તમારી તરફ દેખાય છે.
મંદિરના રસોડા વિશે ખાસ વાત
કહેવાય છે કે જગન્નાથ મંદિરમાં દુનિયાનું સૌથી મોટું રસોડું છે. આ રસોડામાં ૫૦૦ રસોઈયા અને ૩૦૦ તેમના સહયોગી કામ કરે છે. આ રસોડા સાથે જોડાયેલ એક રહસ્ય એ છે કે અહીં લાખો ભક્તો આવે તો પણ પ્રસાદની ક્યારેય કમી નથી આવતી, પરંતુ જગન્નાથ મંદિરનો દરવાજો બંધ થવાનો સમય થતાં જ પ્રસાદ આપોઆપ ખતમ થઈ જાય છે, એટલે કે અહીંનો પ્રસાદ ક્યારેય વેડફાતો નથી.
આ સિવાય જગન્નાથ મંદિરમાં ચડાવવામાં આવતો પ્રસાદ લાકડાના ચૂલા પર બનાવવામાં આવે છે. આ પ્રસાદ સાત વાસણોમાં બનાવવામાં આવે છે. સાત વાસણો એક પછી એક મૂકવામાં આવે છે. એટલે કે સાતેય વાસણો ચૂલા પર સીડીની જેમ રાખવામાં આવે છે.
સૌથી નવાઈની વાત એ છે કે જે વાસણ સૌથી ઉપર હોય છે એટલે કે સાતમા નંબરના વાસણને સૌથી પહેલા પ્રસાદ બનાવીને તૈયાર કરવામાં આવે છે. આ પછી છઠ્ઠા, પાંચમા, ચોથા, ત્રીજા, બીજા અને પહેલા એટલે કે નીચેના વાસણનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.
મંદિર ઉપર પક્ષીઓ ઉડતા નથી
ભગવાન જગન્નાથના મંદિરના ઘુમ્મટ પર ક્યારેય કોઈ પક્ષી બેઠેલું જોવા મળ્યું નથી. આ મંદિર ઉપરથી વિમાનોને પણ ઉડવાની મંજૂરી નથી.
જગન્નાથ મંદિરનો પુરાતત્વીય ઇતિહાસ
આ જગન્નાથ મંદિરનો સૌપ્રથમ ર્જીણોદ્ધાર ૧૦મી સદીમાં કલિંગના ગંગા સામ્રાજ્યના રાજા અનંતવર્મન ચોડાગંગા દેવ દ્વારા કરવામાં આવ્યો હતો. શોધેલી તાંબાની પ્લેટો પરથી જાણવા મળે છે કે મંદિરના રાજા અનંતવર્મન ચોડાગંગા દેવના શાસન દરમિયાન બાંધવામાં આવ્યા હતા. તેમના પછી અનંગ ભીમદેવે આ મંદિરને આજનું સ્વરૂપ આપ્યું.
૪૦૦ વર્ષ સુધી મંદિરમાં સતત પૂજા થતી રહી, પરંતુ વર્ષ ૧૫૫૮માં અફઘાન સેનાપતિ કાલા પહરે ઓરિસ્સા પર હુમલો કરીને તેને કબજે કરી લીધો. આ દરમિયાન મંદિરને પણ નુકસાન પહોંચ્યું હતું અને પૂજા પણ રોકી દેવામાં આવી હતી. મૂર્તિઓને આક્રમણકારોથી બચાવવા માટે તેને ચિલિકા તળાવસ્થિત એક ટાપુમાં રાખવામાં આવી હતી. રામચંદ્ર દેબ દ્વારા રાજ્યની આઝાદી પછી મૂર્તિઓને ફરીથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.