રોહિત શર્મા આઉટ.. ?: નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશનના મેદાનમાં રમાતી ભારત
અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચના પહેલા દિવસે ક્રીઝ પર રમતા ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા એલબીડબલ્યુ આઉટ થયા હોવાની અપીલ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓએ કરી ત્યારનું દૃશ્ય (તસવીર: પીટીઆઈ )
———-
નાગપુર: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. નાગપુર ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંત સુધી ભારતીય ટીમ મેચમાં મજબૂત સ્થિતિમાં છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગમાં ૧૭૭ રનના જવાબમાં ભારતે એક વિકેટ ગુમાવી ૭૭ રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત ૫૬ રન બનાવીને અણનમ છે.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મોહમ્મદ સિરાજ અને શમીએ ભારત માટે શાનદાર શરૂઆત કરી હતી. બે રનના સ્કોર પર કાંગારૂ ટીમના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સ્મિથ અને લાબુશેને શાનદાર ભાગીદારી કરીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
બીજા સેશનમાં જાડેજાએ માર્નસ લાબુશેનને ૪૯ રન પર આઉટ કરીને ૮૨ રનની ભાગીદારી તોડી અને પછીના જ બોલે મેટ રેનશોને આઉટ કર્યો હતો. થોડા સમય બાદ સ્ટીવ સ્મિથ પણ ૩૭ રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૦૯ રનમાં પાંચ વિકેટ ગુમાવીને બેકફૂટ પર આવી ગઈ હતી. પીટર હેન્ડ્સકોમ્બ અને એલેક્સ કેરીએ ૫૩ રનની ભાગીદારી કરી હતી. અશ્ર્વિને કેરીને આઉટ કરી ટેસ્ટ કરિયરમાં ૪૫૦ વિકેટ પૂરી કરી હતી.
ત્રીજા સેશનમાં જાડેજાએ પીટર હેન્ડ્સકોમ્બને ૩૧ રને આઉટ કર્યો અને ટેસ્ટ ક્રિકેટમાં ૧૧મી વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. આ પછી અશ્ર્વિને સ્કોટ બોલેન્ડને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો ૧૭૭ રનમાં અંત આણ્યો હતો. અશ્ર્વિને આ સમયગાળા દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૪૫૦ વિકેટ પણ પૂરી કરી હતી. તે ટેસ્ટમાં ૪૫૦ વિકેટ લેનાર સૌથી યુવા ભારતીય બન્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ૧૭૭ રનના જવાબમાં કેપ્ટન રોહિત શર્મા અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત અને રાહુલે પ્રથમ વિકેટ માટે ૭૬ રનની ભાગીદારી કરી હતી. દરમિયાન રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં તેની ૧૫મી અડધી સદી પણ પૂરી કરી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધી રોહિત ૫૬ અને અશ્ર્વિન શૂન્ય પર અણનમ છે.
પ્રથમ દિવસે જાડેજા-અશ્ર્વિનની કમાલ, નાગપુર ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં
RELATED ARTICLES