બોલીવૂડ અભિનેત્રી અને મોડેલ જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોનમેન (ઠગ) સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત ચાર્જશીટમાં તેને આરોપી ગણાવી છે. આ પૂરક આરોપનામુ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવ્યું છે.
જેકલીન પહેલાથી જ જાણતી હતી કે સુકેશ ગુનેગાર અને ખંડણીખોર છે, એવો EDએ દાવો કર્યો હતો. આ કેસમાં હજુ સુધી જેકલીનની ધરપકડ કરવામાં આવી નથી. કારણ કે અત્યાર સુધી કોર્ટે ચાર્જશીટની નોંધ લીધી નથી. જોકે, એવું ચોક્કસપણે કહેવામાં આવી રહ્યું છે કે જેકલીનને ભારતની બહાર મુસાફરી કરવાથી રોકવામાં આવશે.
EDની ટીમ જેકલીનની પૂછપરછ કરી ચૂકી છે. શ્રીલંકન મૂળની અભિનેત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે તે 2017 થી સુકેશના સંપર્કમાં છે. સુકેશે જેકલીનને મોંઘીદાટ ભેટ આપી હતી. જે બાદ EDએ તેની સામે કાર્યવાહી કરી અને તેની રૂ.7 કરોડની સંપત્તિ જપ્ત કરી. ચાર્જશીટમાં એવો પણ ખુલાસો થયો છે કે સુકેશ ચંદ્રશેખરની સહકર્મી પિંકી ઈરાનીએ સુકેશને જેક્લીન સાથે મુલાકાત કરાવી હતી. સુકેશે પિંકી ઈરાનીની મદદથી જેકલીનને મોંઘીદાટ ભેટ અને રોકડ આપી હતી. જેક્લીને વધુમાં જણાવ્યું કે સુકેશે પોતાની ઓળખ સન ટીવીના માલિક તરીકે આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે તત્કાલીન મુખ્ય પ્રધાન જયલલિતાના રાજકીય પરિવાર સાથે ઘરોબો ધરાવે છે અને તે જેક્લીનનો મોટો ફેન છે. જેક્લીન દક્ષિણની ફિલ્મમાં કામ કરે એવી સુકેશની ઇચ્છા હતી.
નોંધનીય છે કે કોનમેન સુકેશે અભિનેત્રીને જે અમૂલ્ય ભેટો આપી હતી તેમાં હીરાની બુટ્ટી, બ્રેસલેટ, બર્કિનની બેગ, લુઈસ વીટન શૂઝ અને મિની કૂપર કારનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિવાદ વચ્ચે જેકલીન અને સુકેશની નિકટતા સાથે જોડાયેલા કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક થયા હતા. બંને વચ્ચે અફેર હોવાની પણ ચર્ચા હતી.

Google search engine