Homeલાડકીક્રેનબેરીઝને નિયમિત ડાયટમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે

ક્રેનબેરીઝને નિયમિત ડાયટમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે

ફોકસ -કલ્પના શાહ

સફરજન, કેળા, સંતરા, અનાર, પપૈયું આ બધા એવા ફળો છે જેને આપણે તેની દરેક સીઝનમાં ખાઇએ છીએ અને એના ફાયદા વિશે પણ જાણીએ છીએ. આજે એક એવા એક્સોટિક ફ્રૂટસ વિશે જણાવવા માગીએ છીએ, જેના વિશે બહુ ઓછા લોકો માહિતગાર છે, પરંતુ તેના ઔષધિય ગુણોના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એ ફળ છે ક્રેનબેરીઝ. ક્રેનબેરીઝ લાલ કલરનું ખૂબ જ નાનું ફળ છે, પરંતુ આ નાના ફળના ફાયદા બહુ મોટા છે. એ ન્યૂટ્રિએન્ટસનું પાવર હાઉસ છે. વિટામીનની સાથે-સાથે આમાં બીજા પણ અન્ય પોષક તત્વો છે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારકની સાથે-સાથે તે કેટલીય બીમારીઓથી પણ બચાવે છે. હેલિકોબેક્ટર પાયલોરી (એચ. પાયલોરી)ના ચેપની સારવારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચેપ લાગવાની શરૂઆત સામાન્ય રીતે બાળપણમાં થાય છે. એચ. પાયલોરી બેક્ટેરિયા તમારા પેટને ચેપ લગાડે છે. પેટના અલ્સર (પેપ્ટીક અલ્સર)નું એક સામાન્ય કારણ એચ. પાયલોરી છે. જે ચેપ વિશ્ર્વના અડધાથી વધુ લોકોમાં હોઈ શકે છે.
એચ. પાયલોરી ચેપના ઇલાજ માટે પણ ક્રેનબેરીનો ઉપયોગ કરવામાં આવે છે, એવું સંશોધકોનું માનવું છે. તમે એનો જ્યુસ જરૂરથી પીધો હશે અને કદાચ એનો સોસ પણ ખાધો હશે કે એના વિશે સાંભળ્યું પણ હશે, પરંતુ હવે ક્રેનબેરીઝને ફળ તરીકે ડેઇલી ડાયટમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે.
રિસર્ચમાં એ પણ સાબિત થયું છે કે ક્રેનબેરીઝમાં રહેલા ફાઈટોકેમિકલ્સ ટયૂમર અથવા કૅન્સરના કોષોના વિકાસને અટકાવે છે. જેના દ્વારા બ્રેસ્ટ કૅન્સર, કૉલોન કૅન્સર, ફેફસાના કૅન્સર જેવાં રોગોને વધતા અટકાવી શકાય છે. એટલું જ નહીં, તમારા રોજિંદા આહારમાં ક્રેનબેરીઝનો સમાવેશ કરવાથી ઘણા પ્રકારના કૅન્સરથી પણ બચી શકાય છે. ક્રેનબેરીઝમાં એન્ટિ-કાર્સિનોજેનિક કમ્પાઉન્ડ હોય છે, જે શરીરમાં કૅન્સરના કોષોના વિકાસને અટકાવે છે.
ક્રેનબેરીઝ આંતરડામાં હાજર સારા બેક્ટેરિયાને વધારવામાં અને હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. શરીરમાં હાજર ગટ બેક્ટેરિયાનું સંતુલન જાળવવું જરૂરી છે, જેથી ખોરાકમાં રહેલા ફાયદાકારક સંયોજનોને દૂર કરી શરીરમાં પહોંચાડી શકાય અને પેટની તકલીફથી બચી શકાય. વધુમાં ક્રેનબેરીઝમાં હાજર પીએસી એક અન્ય પ્રકારના બેક્ટેરિયાને દબાવવામાં મદદ કરે છે, જે પેટના અલ્સર માટે જવાબદાર છે.
ક્રેનબેરીઝમાં ક્વિનિક એસિડની સાથે-સાથે અન્ય ઘણા પોષક તત્ત્વો પણ જોવા મળે છે, જે કિડનીની પથરીની સમસ્યાને રોકવામાં મદદ કરે છે. તે કિડનીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને કિડનીને તંદુરસ્ત રાખવામાં મદદગાર સાબિત થાય છે.
મોઢાના રોગો દૂર રહે છે
જો તમે ઈચ્છો છો કે તમારી દાંતની દરેક પ્રકારની સમસ્યાઓ તમારાથી દૂર રહે, તમારા શ્ર્વાસ હંમેશા તરોતાજા રહે અને શ્ર્વાસમાં દુર્ગંધ કે દુર્ગંધની સમસ્યાનો સામનો ન કરવો પડે તો એના માટે ક્રેનબેરીઝ ખાવાનું શરૂ કરો દો. ક્રેનબેરીઝમાં પ્રોએન્થોસાયનિડિન હોય છે, જે મોઢામાં પેદા થતા પ્લેક, પોલાણ અને પેઢાનાં રોગનું કારણ બનતા બેક્ટેરિયાને રોકવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થશે
ક્રેનબેરીઝનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બીએમઆઇ પણ ઓછો થાય છે, જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. એ સિવાય એ બ્લડ શુગરનું સ્તર પણ નિયંત્રણમાં રાખે છે. જો તમે ઈચ્છો તો ક્રેનબેરીઝનો રસ (જ્યૂસ) અથવા પાઉડરનું સેવન પણ કરી શકો છો.
વજન ઘટાડવામાં મદદરૂપ
ક્રેનબેરીઝમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ ભરપૂર હોય છે અને તેના કારણે તે શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેની સાથે-સાથે ચરબી પણ ઓછી થવા લાગે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત ક્રેનબેરીઝમાં પણ ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેને ખાધા પછી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને તમને ભૂખ પણ લાગતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular