Homeએકસ્ટ્રા અફેરમમતા કૂણાં પડ્યાં પછી કૉંગ્રેસ અકડાઈ બતાવે એ ના ચાલે

મમતા કૂણાં પડ્યાં પછી કૉંગ્રેસ અકડાઈ બતાવે એ ના ચાલે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કર્ણાટકમાં કૉંગ્રેસને મળેલી ભવ્ય જીતના પગલે દેશના બીજા ભાજપ વિરોધી પક્ષોના કૉંગ્રેસ તરફના વલણમાં ફેરફાર આવ્યો છે. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અત્યાર લગી કૉંગ્રેસને ગણકારતાં જ નહોતાં ને તેમણે પણ કૉંગ્રેસ તરફ કૂણું વલણ કરીને દોસ્તી કરવાની તૈયારી બતાવી છે ત્યાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી આડા ફાટ્યા છે.
મમતા બેનરજીએ આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન પર ભાર મૂકીને બેઠકોની વહેંચણીની રણનીતિ અંગે ચર્ચા કરવાની તૈયારી બતાવી હતી. મમતાએ કહેલું કે, હું કર્ણાટકમાં કૉંગ્રેસની સાથે છું પણ કૉંગ્રેસે પશ્ર્ચિમ બંગાળમાં મારી સામે લડવાનું બંધ કરવું જોઈએ. કૉંગ્રેસ મારી સામે લડ્યા કરે છે એ એ નીતિ યોગ્ય નથી. તમારે કંઈક સારું જોઈતું હોય તો તમારે બલિદાન આપવું પડે.
મમતાએ જે વાત કરેલી એ બરાબર હતી ને સામે કૉંગ્રેસે પણ એ જ ભાષામાં વાત કરીને નરમાશથી વર્તવાની જરૂર છે ત્યારે લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સાવ તોછડાઈથી કહી દીધું છે કે, અમે પશ્ર્ચિમ બંગાળમાં જ નહીં પણ જ્યાં જરૂર પડશે ત્યાં બધે જ તૃણમૂલ કૉંગ્રેસ સામે લડીશું. ચૌધરીએ તો સવાલ પણ કર્યો કે, મમતા બેનરજીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલાં ક્યારેય કહ્યું હતું ખરું કે, ભાજપને હરાવવા માટે કૉંગ્રેસને મત આપો?
ચૌધરીના કહેવા પ્રમાણે તો હવે કર્ણાટકમાં કૉંગ્રેસની જીત પછી મમતા બેનરજીને લાગવા માંડ્યું છે કે, કૉંગ્રેસ વિના પશ્ર્ચિમ બંગાળમાં તેમના માટે આગળ વધવું મુશ્કેલ છે કેમ કે બંગાળમાં કૉંગ્રેસની પકડ મજબૂત થઈ રહી છે. આ કારણે મમતા હવે કૉંગ્રેસને મનાવવા મથી રહ્યાં છે. ચૌધરીએ તો કટાક્ષ પણ કર્યો કે, આ એ જ મમતા બેનરજી છે કે જે ભાજપ સામે લડી રહેલાં રાજકીય પક્ષોને ટેકો આપવા માટે ઉત્તર પ્રદેશ અને બિહાર ગયાં છે પણ કૉંગ્રેસને ટેકો આપવા માટે મમતા કર્ણાટક કેમ ના ગયાં?
ચૌધરીએ તો મમતા બેનરજી પર રાહુલ ગાંધીની અવગણના કરવાનો આક્ષેપ પણ મૂક્યો છે. ચૌધરીએ કહ્યું કે, કર્ણાટકમાં કૉંગ્રેસની જીત પછી મમતા બેનરજીએ એક વાર પણ રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી. ચૌધરીએ બીજી પણ ઘણી વાતો કરી છે ને એ બધી વાતો કરી શકાય તેમ નથી પણ કૉંગ્રેસના નેતાઓની માનસિકતા કેવી છે તેનો આ પુરાવો છે.
કર્ણાટક વિધાનસભામાં કૉંગ્રેસે મેળવેલી જીત બહુ મોટી છે એ વાતનો ઈન્કાર કરી શકાય તેમ નથી. કૉંગ્રેસ બધે જ ભાજપ સામે હારી રહી છે ત્યારે કર્ણાટકમાં કૉંગ્રેસે ભાજપને હરાવીને ભાજપને ખરેખર મોટો આંચકો આપી દીધો છે. ભાજપને કર્ણાટકમાં જીતની કલ્પના નહોતી પણ કૉંગ્રેસ આવી કારમી હાર આપશે એવી કલ્પના પણ નહોતી. કૉંગ્રેસે એકલા હાથે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા કબજે કરીને ભાજપને કમ સે કમ કર્ણાટકમાં તો જમીન પર લાવી દીધો છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી પણ આ જીત એટલી મોટી પણ નથી કે, આ જીતના કારણે રાષ્ટ્રીય રાજકારણમાં ફરી તાકાતવર બની ગઈ છે એવું કહી શકાય, કૉંગ્રેસ ભાજપનો વિકલ્પ બની શકે છે એવો દાવો કરી શકાય.
કૉંગ્રેસે સાબિત કર્યું છે કે, એ ભાજપને હરાવી શકે છે પણ એ જ એક માત્ર ભાજપનો વિકલ્પ છે એવું કૉંગ્રેસે સાબિત કરવાનું બાકી છે. કમનસીબી એ છે કે, આ એક જીતના કારણે કૉંગ્રેસના નેતા રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં કઈ રીતે ભાજપને હરાવી શકાય છે એ વિચારવાના બદલે હવામાં ઉડવા માંડ્યા છે. મજાની વાત એ છે કે, કર્ણાટકમાં કૉંગ્રેસની જીતનો જશ જેમને જાય છે એવા નેતા કશું બોલતા નથી ને અધીર રંજન ચૌધરી જેવા ખાલી વાગવા માંડ્યા છે.
ચૌધરી જેવા નેતા અત્યારે મમતા બેનરજીનો વાંક કાઢવા માંડ્યા છે ત્યારે એક વાત ભૂલી જાય છે કે, મમતા બેનરજીએ તો બહુ પહેલાં જ મોટપ બતાવીને કૉંગ્રેસ સાથે દોસ્તીની તૈયારી બતાવી હતી. ૨૦૨૧માં પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસની ભવ્ય પછી મમતા બેનરજીએ સામે ચાલીને કૉંગ્રેસ સાથે મળીને ભાજપ સામે લડવાની વ્યૂહરચના બનાવવાની તૈયારી બતાવી હતી.
મમતાએ પોતે ભાજપ વિરોધી મોરચાની પહેલ કરી હતી. આ મોરચામાં કૉંગ્રેસને સામેલ કરવા માટે પણ એ તૈયાર હતાં. આ કારણે જ મમતા બેનરજી સામેથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવા ગયાં હતાં. મમતાએ સોનિયાને આગળ કરીને ઉદ્ધવ ઠાકરે, એમ. કે. સ્ટાલિન જેવા ભાજપ વિરોધી પક્ષોના મુખ્યમંત્રીઓ અને અખિલેશ યાદવ, શરદ પવાર જેવા વિપક્ષી દિગ્ગજોની બેઠક બોલાવી હતી.
મમતા કૉંગ્રેસ સાથે એક થઈને ભાજપ સામે લડવાની વાત કરતાં હતાં. ભાજપ વિરોધી બધા પક્ષોને ભેગા કરીને ભાજપને ભોંયભેગો કરી દેવાની વ્યૂહરચના ઘડતાં હતાં પણ કૉંગ્રેસે મમતાને ભાવ ના આપતાં મમતાએ પોતાનું અભિયાન સમેટી લેવું પડ્યું હતું.
મમતાની એ વાત પણ સાચી છે કે, બંગાળમાં કૉંગ્રેસે મમતા સામે લડવાની વાત બાજુ પર મૂકવી પડે કેમ કે તેમાં ભાજપનો ફાયદો છે. કૉંગ્રેસ બંગાળમાં સાવ પતી ગયેલી છે ને ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક જીતી નહોતી. હમણાં પેટાચૂંટણીમાં એક બેઠક જીતી તેના કારણે ચૌધરી કૉંગ્રેસ બંગાળમાં મજબૂત થઈ રહી છે એવું માનતા હોય તો તેના કરતાં હાસ્યાસ્પદ વાત બીજી કોઈ ના કહેવાય.
કર્ણાટકની જીત પછી કૉંગ્રેસના નેતાઓએ શશિ થરૂરની વાતને ગાંઠે બાંધીને કામ કરવું જોઈએ. થરુરે કહેલું કે, કૉંગ્રેસનું નેતૃત્વ મારી પાસે હોત તો મેં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે નાના નાના પક્ષો અને પ્રાદેશિક પક્ષોને વિપક્ષના જોડાણમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યા હોત. મોટા ભાગના વિપક્ષો હવે એકસાથે આવવાનું અને એકબીજાના મતોનું વિભાજન થતા અટકાવવાનું નહીં વિચારે તો ભાજપને નહીં રોકી શકે. વિપક્ષો એક થઈ જાય તો ભાજપ માટે પણ ૨૦૨૪ની ચૂંટણીમાં બહુમતી મેળવવી પણ અઘરી થઈ જાય. વિપક્ષોની એકતા ભાજપને ભારે પડી શકે.
અધીર જેવા નેતાઓને આ વાત સમજાતી નથી. સમજાતી હોત તો કૉંગ્રેસની આ અવદશા જ ના હોત ને?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -