એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હીના ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે અનિલ બૈજલ વિદાય થયા અને વિજયકુમાર સક્સેનાની નિમણૂક થઈ એ સાથે જ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે પાછો જંગ શરૂ થઈ ગયો છે. સક્સેનાએ બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રી કેજરીવાલને સિંગાપોર જવાની મંજૂરી ના આપી તેનો વિવાદ હજુ ચાલુ છે, ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર વિજયકુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલની લિકર એક્સાઈઝ નીતિની સીબીઆઈ તપાસના આદેશ આપી દીધા છે.
આ સીબીઆઈ તપાસનું ટાર્ગેટ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા છે તેથી અરવિંદ કેજરીવાલ પોતે બચાવમાં મેદાનમાં ઉતર્યા છે. સામે ભાજપના નેતા લેફ્ટનન્ટ ગવર્નરની પાલખી ઉંચકીને કૂદી પડ્યા છે તેથી જંગ છેડાઈ ગયો છે. લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ઈશારે જ કામ કરે છે તેથી વાસ્તવમાં આ જંગ દિલ્હી વર્સીસ કેન્દ્ર સરકારનો જ છે.
લેફ્ટનન્ટ ગવર્નરે અરવિંદ કેજરીવાલની લિકર નીતિ સામે સીબીઆઈ તપાસના આદેશ ચીફ સેક્રેટરી નરેશ કુમારના રિપોર્ટના આધારે આપ્યા છે. આ રિપોર્ટમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આરોપીના પાંજરામાં ખડા કરી દેવાયા છે ને દાવો કરાયો છે કે નવી નીતિ દ્વારા લિકર લાઈસન્સ આપવાની જેમની પાસે સત્તા છે એવા અધિકારીઓને અને લિકર માફિયાઓને લાભ ખટાવાઈ રહ્યો છે.
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ પછી મનિષ સીસોદિયા પાસે ૧૯ વિભાગોની જવાબદારી છે ને તેમાં એક એક્સાઈઝ પણ છે તેથી લિકર પોલિસી માટે સિસોદિયાના માથે ગાજવીજ થઈ રહી છે. લેફ્ટનન્ટ ગવર્નરેની ઓફિસે સત્તાવાર રીતે આપેલી માહિતી પ્રમાણે, સિસોદિયાએ નવી પોલિસી બનાવવા માટે ઘણાં નિયમો તોડ્યા છે.
લેફ્ટનન્ટ ગવર્નરનું કહેવું છે કે સિસોદિયાએ જાણી જોઈને પોલિસીમાં ખામી રાખી હોવાથી તેમની સામે તપાસનો આદેશ કરાવમાં આવ્યો છે. નવી પોલિસી પ્રમાણે ૨૦૨૧-૨૨ માટે દારૂના લાઈસન્સ ધારકોને ટેન્ડરમાં ૧૪૪ કરોડનો ગેરકાયદેસર રીતે લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. દારૂ માફિયાઓને ફાયદો કરાવતી આવી નીતિના કારણે રાજ્યની તિજોરીને ઘણું નુકસાન થયું છે અને સરકારને કરોડોનો ચૂનો લાગી ગયો છે.
લેફ્ટનન્ટ ગવર્નરના આક્ષેપોની સામે કેજરીવાલ મેદાનમાં આવ્યા છે. મનીષ સિસોદિયા સામેના આરોપોને બકવાસ ગણાવતાં અરવિંદ કેજરીવાલે વીડિયો મેસેજમાં સિસોદિયાને દૂધે ધોયેલા ગણાવ્યા છે. કેજરીવાલનું કહેવું છે કે, હું મનીષ સિસોદિયાને બાવીસ વર્ષથી ઓળખું છું. સિસોદિયા ખૂબ પ્રમાણિક છે અને મનીષે રાત-દિવસ એક કરીને દિલ્હીની સ્કૂલોને શાનદાર બનાવી છે તેથી ભાજપ ફફડી ગયો છે એટલે સિસોદિયાને ફસાવવા મથે છે.
કેજરીવાલે હુંકાર પણ કર્યો છે કે અમે જેલથી ડરતા નથી એ વાત ભાજપવાળા સમજી લે. તમે સાવરકરના સંતાનો છો જ્યારે અમે ભગતસિંહના સંતાનો છીએ એવો ટોણો પણ તેમણે માર્યો છે. કેજરીવાલનો દાવો છે કે, ત્રણ કારણસર ભાજપવાળા અમારી પાછળ હાથ ધોઈને પાછળ પડ્યા છે. પહેલું કારણ એ કે આમ આદમી પાર્ટીના લોકો પ્રમાણિક છે અને દેશને તેમના પર વિશ્ર્વાસ છે. બીજું કારણ એ કે પંજાબમાં જીત્યા પછી અમને આખા દેશનું સમર્થન મળે છે તેથી ભાજપ ફફડી ગયો છે. ત્રીજું કારણ એ કે દિલ્હીની આખા દેશમાં ચર્ચા છે તેથી ફફડેલો ભાજપ દિલ્હીના વિકાસને રોકવા માગે છે.
કેજરીવાલની આ બધી વાતો રાજકીય છે તેથી તેની ચર્ચા કરવાનો અર્થ નથી પણ કેજરીવાલ સરકારની લિકર નીતિ સામે સીબીઆઈ તપાસનો આદેશ રાજકીય છે તેમાં શંકા નથી. કેજરીવાલ સરકારે નવેમ્બરમાં નવી એક્સાઈઝ નીતિ જાહેર કરી ત્યારથી ભાજપ તેની સામે વિરોધ કરી રહ્યો છે. આ નવી નીતિનો અમલ ૧૭ નવેમ્બર, ૨૦૨૧થી શરૂ થયો ત્યારથી ભાજપ વિરોધમાં મચી પડ્યો છે.
કેજરીવાલ સરકાર આ વિરોધને ઘોળીને પી ગઈ હતી ને લોકોને પણ વિરોધમાં રસ નહોતો તેથી છેવટે ભાજપે લેફ્ટનન્ટ ગવર્નર મારફતે કેજરીવાલ સરકારને સાણસામાં લેવાનો દાવ ખેલી નાખ્યો છે. ભાજપનો આક્ષેપ હતો કે અરવિંદ કેજરીવાલ સરકારે નવી એક્સાઈઝ નીતિ દ્વારા દિલ્હીમાં દર એક કિલોમીટરે દારૂના બાર ખોલી દીધા છે ને યુવાનોને બરબાદ કરવાનો ધંધો કર્યો છે. નવી એક્સાઈઝ નીતિ હેઠળ કેજરીવાલ સરકારે ૮૪૯ પ્રીમિયર લિકર પરમિટ આપી છે. આ રીતે લિકર શોપ્સની લહાણી કરાઈ છે તેથી શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક વિસ્તારો અને ધર્મસ્થોનોની નજીક પણ લિકર શોપ ખોલી દેવાઈ છે. હિંદીભાષી પટ્ટામાં જેમને ઠેકા કહે છે એવી આ લિકર શોપ્સના કારણે સામાન્ય લોકો દારૂડિયા થઈ જશે. લોકોમાં દારૂ પીવાનું પ્રમાણ વધી જશે. શૈક્ષણિક સંસ્થાઓની પાસે લિકર શોપ ખોલવામાં આવી તેના કારણે વિદ્યાર્થીઓ દારૂ પીવાના રવાડે ચડશે ને યુવાધન બરબાદ થઈ જશે.
આમ આદમી પાર્ટીનો દાવો હતો કે, નવી એક્સાઈઝ નીતિના કારણે ભાજપના નેતાઓની હરામની કમાણી બંધ થઈ ગઈ છે તેથી ભાજપના નેતા હોહા કરી રહ્યા છે. પહેલાં ભાજપના નેતાઓના મળતિયા એક્સાઈઝ ભર્યા વિના ગેરકાયદેસર રીતે દારૂના કારોબારને પોષીને અબજો રૂપિયા ઘરભેગા કરતા હતા. આ રીતે વર્ષે ૩૫૦૦ કરોડ રૂપિયાની એક્સાઈઝની ચોરી કરાતી. નવી એક્સાઈઝ નીતિના કારણે ૩૫૦૦ કરોડની કરચોરી બંધ થઈ ગઈ ને પોતાનાં ઘર ભરાતાં બંધ થઈ ગયાં તેમાં ભાજપના નેતાઓને મરચાં લાગી ગયાં છે. લોકોનું અહિત થવાનું છે એ બહાને એ લોકો વિરોધ કરવા ઉતરી પડ્યા છે પણ સાચું કારણ એ છે કે, આ નીતિના કારણે દિલ્હીને ફાયદો થયો છે ને ભાજપના નેતાઓનું અહિત થયું છે.
આમ આદમી પાર્ટીએ કરેલા આક્ષેપો કેટલા સાચા છે તે આપણને ખબર નથી પણ ભાજપ આ નીતિનો વિરોધ કરતો હતો તેથી જ ચીફ સેક્રેટરીને તપાસ સોંપાયેલી. એ રિપોર્ટ શું આવશે એ પણ ખબર હતી ને હવે લેફ્ટનન્ટ ગવર્નરે તપાસ સોંપી તેનું શું પરિણામ આવશે એ પણ સ્પષ્ટ છે. લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્રના છે, સીબીઆઈ કેન્દ્ર સરકારની છે એ જોતાં ભાજપ માટે ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં જેવો ઘાટ છે. આ સંજોગોમાં સિસોદિયા બહુ જલદી જેલની હવા ખાતા થઈ જાય તો નવાઈ નહીં.

Google search engine