જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
વાતાવરણ સાફ હતું. ઘડિયાળમાં ૧૨.૩૦ થઈ ચુક્યા હતા. રાજુ, લાભભાઈ, સંજય, માનેન્દ્ર બધાની પાસે સામાનના મોટા થેલા હતા. સામાનમાં તો શું હોય, ઢાબળા, ચાદર, હાથપગનાં મોજા, ૨ છત્રી અને બધાને ૨ દિવસ ચાલે એટલું ‘મમ મમ’ કારણ કે જંગલમાં કંઈ મળવાનું હતું નહીં. વળી હમણા તો વાતાવરણ સારું છે પણ ક્યારે મિજાજ બદલે તે કંઈ કહેવાય નહીં. રાજુ પાસે વજનદાર થેલો હતો. તે હોય જ ને, પોતે ભારી માણસ અને એનો થેલોય ભારી. સૌથી પાછળ એની સવારી ચાલી આવતી હતી. એક સ્થાને અમે વિશ્રામ કરવા અખરોટના છાંયે બેઠા. રાજુએ સમયસરની રજૂઆત કરી “સાહેબ! ‘ઉટા માડુ’ એટલે ક્ધનડ ભાષામાં ‘ભોજન કરવું’ એવો અર્થ થાય. ‘માડી’ને જ હવે આગળ વધીએ થોડીવારમાં એક વાગી જશે. બધાએ એ બાબતમાં સંમતિ આપી. સાચી વાત છે. ગોચરી વાપરીને આગળ વધશું. થોડા આગળ વધ્યા ત્યાં એક ભેંસોની ગમાણ જેવું છાપરું હતું અને આજુ બાજુ ભયંકર જંગલની ચાડી ખાતા કેટલાંક ઘનઘોર વૃક્ષો હતાં. બસ એ જ અમારું વિશ્રામ સ્થાન બન્યું.
દૂર નીચે અમે મૂકી આવ્યા એટલા રસ્તા ગામ અને ઝાડવાઓ દેખાતા હતા. વરઘોડાની ભીડમાં ફસાયેલા માણસ માથું ઊંચું કરીને જુએ તેમ પહાડોની ભીડમાં ફસાએલા ગિરિશિખરો ક્ષિતિજ
પર ઊંચું માથું કરીને જાણે અમને જોઈ રહ્યા હતા.
સર્વ સમ્મતિથી એવું નક્કી કરેલું, આહાર ગ્રહણ કરી, થોડો વિશ્રામ કરી અહીંથી ૩ વાગે નીકળીશું. દોઢ કલાકના કદાચ ૨ કલાક થાય તોય પાંચ વાગ્યા સુધી પહોંચી જવાશે અને એ પછી બે-અઢી કિ.મી. નીચે ઊતરવાનું જ છે. નંદગામ જઈને રાત્રિ વિશ્રામ કરીશું.
બધાએ ભોજનને ન્યાય આપ્યો. વધારે ભોજન તો હતું જ નહીં. વધારે જમીએ તો ચલાય નહીં, અહીં હજુ તો ૮ કિ.મી. ચઢવાનું હતું. આવા સમયે પેટ ભરવા માટે શ્રેષ્ઠ આહાર સીંગ, ચણા, ગોળ છે. શક્તિ જળવાઈ રહે અને ભારે ન પડે. કામ થઈ ગયું. સીંગ-ચણામાં વાર કેટલી લાગે. ૨ વાગ્યા સુધીમાં તો બધા તૈયાર થઈ ગયા આગળ વધવા માટે. હવે એક કલાક અહીં બેસીને કરવું શું. ચાલો ધીરે-ધીરે ચઢીએ, જેટલું ચઢાય તેટલું નફામાં જ છે. બધું તૈયાર જ હતું. અમારી ટુકડી આગળ વધી. સૌથી આગળ માનેન્દ્રસિંહ, તે પછી મુ. રત્નયશ મ. એ પછી અમે બધા, છેલ્લે લાભભાઈ અને રાજુ… હજુ તો ૧૫-૨૦ મિનિટ ચઢ્યા ત્યાં ખબર પડી ગઈ. ડુંગરા ચઢવા કેટલા દોહ્યલા છે. પહાડ ચઢવાની વાતો વાંચવી-સાંભળવી બહુ ગમે, પણ જ્યારે ચઢવા લાગીએ ત્યારે એક પગ ઉત્તરમાં જાય તો બીજો પગ દક્ષિણમાં દોડે. છફૂટી હતી પણ તેમાં એકે ફૂટનું ઠેકાણું નહીં. પથ્થરો પર જાળવીને પગ મૂકતાં મૂકતાં આગળ વધવાનું. બાજુમાંથી ઝરણું સરકી આવે તો પથ્થર નીચેથી જતું રહે. પથ્થર ઉપરથી ચાલતું હોય તો તે પથ્થર કૂદી જવો પડે. એમાં વળી ચીડનાં પાંદડાંનો પાર નહીં. પગ મૂકીએ તો લપસી જવાય. ભૂલેચૂકે તેના પર પગ મુકાય જ નહીં. માટીમાં પગ મૂકો તો લીલોતરી, એ પણ વિકલ્પ અમારા માટે બંધ. બસ પથ્થરો કૂદી કૂદીને જ આગળ વધવાનું. ૫૦ મીટર જેટલું ચાલીએ કે શ્ર્વાસ ભરાઈ જાય. આજુબાજુ ઊંચાં ઊંચાં ડબલ તાડ જેવાં મોટાં ઝાડવાં, રાક્ષસી વેલા, જાણે અમે મોગલીની જંગલબુકમાં આવી ગયા હોઈએ તેવું લાગે છે. દૂર દૂર સુધી કોઈ માણસ જોવા ન મળે. બાજુમાં કંઈક સૂકા પાંદડાનો અવાજ થાય તો ઘોડાના કાનની જેમ અમારા કાન ઊંચા થઈ જાય. શું હશે? કયું જાનવર હશે? પણ ક્યારેક જંગલી કૂકડા હોય કે વાંદરા હોય. વાંદરા એટલે વાંદરા, તેઓને ક્યાંય જપ વળે નહીં. જ્યાં જાય ત્યાં ઊછળકૂદ તો સાથે જ લઈ જાય. ધીંગામસ્તીનો પાર નહીં. અચાનક અમને જોઈને એમની મસ્તીમાં વિઘ્ન પડે. અમને જોઈને દાંતિયું કરે. જાણે અમે એમના ખેલમાં વિક્ષેપ કર્યો. અમે વિશ્રામ લેવા થોડી વાર એમને જોતાં જોતાં ઊભા રહીએ તો આખી ટીમ દૂર જતી રહે, જાણે કહેતા હોય કે ‘જાવ અમે બીજે ક્યાંક જઈને રમીશું’. તેઓને જતા જોઈને અમે પણ આગળ વધવા લાગ્યા.
અમે ઘણા ઉપર આવી ગયા હતા. ઘડિયાળમાં ૪ વાગ્યા એટલે કે અમે ૨ કલાક ચાલ્યા. દૂર ક્ષિતિજ પર હિમશિખરો અમારું અભિવાદન કરતાં હતાં. હજારો, લાખો, કરોડો મણ બરફ ખડકાયેલો પડ્યો હતો. એમાંય સૂરજનાં કિરણો બરફમાં આર-પાર થઈને અનેરી શોભા વધારી રહ્યાં હતાં. આવી ઉત્કૃષ્ટ જીવંત કુદરતના શણગારને જોવાની હિંમત કોઈની થતી ન હતી. અંગેઅંગ થાકી ગયું હતું, હવે તો ૧૦ મીટર ચાલીએ તોય પગ ઊપડતા જ ન હતા. શ્ર્વાસ ભરાઈ જતો હતો. ગળું સુકાતું જતું હતું. બરફીલી તીક્ષ્ણ ઠંડી હવા સતત વહેતી હતી. અહીં વિચિત્ર વાત એ છે કે જેમ જેમ બરફની હવામાં ઉપર જઈએ તેમ તેમ ગળું સુકાતું જાય. ગમે તેટલું પાણી પીએ તોય ૨ મિનિટમાં તો ગળામાં શોષ પડે. પેટમાં તો જગ્યા નહીં અને ગળું સુકાય. શું કરવું? પેલા માનેન્દ્રને પૂછ્યું, ‘અરે ભાઈ! હજુ કેટલું ચાલવાનું છે.’ તેણે કહ્યું, ‘અભી આધા ઘંટા ચલના હૈ, ઉપર પહોંચ જાયેંગે.’ ભલા માણસ! તેં દોઢ કલાક કહ્યું હતું, અમે ૨ કલાક ચાલી ગયા છીએ અને હજુ અડધો કલાક કહે છે. તેણે કહ્યું, ‘પરંતુ આપ તો ધીરે ધીરે ચલતે હૈ ઐસે ચલેંગે તો એક ઘંટા ભી લગ સકતા હૈ!’ માર્યા ઠાર, આ ‘ભૂતનો ભાઈ’ હજુ તો એક કલાક ચાલવાનું કહે છે. ચાલવું જ પડશે, નહીં ચાલે અહીં બેસી રહેવાથી, પણ આ પગ તો જાણે ૫૦-૫૦ કિલોના થઈ ગયા હોય તેટલા ભારી લાગતા હતા. તોય ઢસડાતા પગે અમે આગળ વધતા રહ્યા. છફૂટી ઉપર ૫૦ ફૂટ મોટા લાકડાનાં ઠૂંઠાં પડ્યાં છે. કેટલાંય ઊંચાં ઝાડ તૂટીને આડાં પડ્યાં છે. અહીં અવરજવર કરતા કેટલાક લોકોએ આવાં ઠૂંઠાં વચ્ચેથી કાપીને રસ્તો કર્યો છે. ભારે પવનમાં જૂનાં ઝાડ પડી જાય. એમાંથીએ અમે તો ચાલ્યા. ખરેખર પરીક્ષાની ઘડીઓ હતી. હિમ્મત હારી જઈએ તો ચાલે તેમ હતું જ નહીં. એમાં વળી શિખર પાછળથી જ મેઘરાજાનો ગર્જારવ ચાલુ થયો. વીજળીઓ ચમકવા લાગી. ‘ભગવાન! આ શું? અડધો કલાક પહેલાં તો બધું સમુંસૂતરું હતું અને અચાનક આ પધરામણી કેમ? માનેન્દ્રએ ભવિષ્ય ભાખ્યું, ‘સબ જલદી ચલો, અભી બરફ કી બારિશ હોગી. ઉપર જલદી પહોંચ જાયે તો અચ્છા. યહાં સબ ઠંડી મેં ઠંડે હો જાયેંગે.’ અમારા મુખમાંથી શબ્દો સરી પડ્યા હવે? એ બોલતાં તો બોલી ગયો, પણ અમે કંઈ જલદી ચાલી શકીએ તેમ હતા જ નહીં. પણ એની સામે આવા ભયંકર વનમાં બરફના વરસાદની વચ્ચે અમારા કેવા હાલ થશે એની કલ્પના કરતાં જ આખા શરીરે એક લખલખું આવી ગયું. આદિશ્ર્વર દાદા ખરી પરીક્ષા કરી રહ્યા હતા. અષ્ટાપદ તીર્થ પર જવું કંઈ જેવા તેવાનું કામ નથી. અષ્ટાપદજી તો હજુ ઘણું દૂર છે, એ પહેલાંના શિખર પર ચઢવું પણ કેટલું ભારી ભરખમ અને ભયંકર છે. અમારી હાલતની કલ્પના કોઈ કરી જુઓ.
સવારથી અમે અવિરત પહાડ ચડ ચડ કરીએ છીએ, પગ પાકીને થાંભલા જેવા થઈ ગયા છે.
હૈયામાં શ્ર્વાસ સમાતો નથી.
ગળું સુકાઈને લાકડા જેવું થઈ ગયું છે.
સીંગ-ચણા તો ક્યારનાંય હજમ થઈ
ગયાં છે.
હજુ આગળ કેટલું ચઢવાનું છે ખબર નથી.
રસ્તા પર એકલા પથરા અને લાકડાનાં ઠૂંઠાં પડેલાં છે.
ચીડ અને બીજાં જંગલી સૂકાં પાંદડાંના થર જામેલા છે.
ઉપર ગડડાંગ ગડડાંગ વરસાદ ગાજી
રહ્યો છે.
આભ હમણાં ફાટે કે હમણાં ફાટે કંઈ કહેવાય નહીં.
વીજળીના ચમકાર વધુ તેજ થવા લાગ્યા.
ટાઢો હીમ પવન જોરથી વાતો ઊંચાં ઊંચાં વૃક્ષોને ડોલાવતો દોડ્યો જતો હતો. એક તરફ જંગલી જાનવરોની વચ્ચે અમે હતા. ગમે ત્યારે ગમે તે બાજુથી કોઈ પણ રીંછ કે દીપડો આવી શકે. કોઈની કંઈ ગેરંટી નહીં. અમે બધા એક સાથે ચાલી શકીએ તેમ હતા જ નહીં. કોઈ આગળ ચાલે, કોઈ પાછળ ચાલે. વળી આ છફૂટી અમને એક સાથે ચાલવા દે તેવી ક્યાં હતી?
બસ ભગવાન ભરોસે એકેક ડગલું આગળ વધતા હતા. ખરેખર ચોવિહાર છઠ્ઠ કરીને શત્રુંજય ગિરિરાજની ચોથી, પાંચમી કે છઠ્ઠી જાત્રામાં ઘેટીપાગથી ઉપર ચઢતા હોઈએ એવું લાગે. પાણી વિના ગળું સુકાતું હોય અને છેક સાંજે છઠ્ઠી યાત્રામાં ઉપર ચઢતા હોઈએ. એથીએ વધુ વિષમતા તો અહીં હતી. થોડા ચાલીએ, થોડા બેસીએ, થોડા ઊભા રહીએ. શ્ર્વાસ થોડો હેઠો બેસે ત્યાં બે ડગલાં આગળ વધીએ. ઉપર નજર કરી તો શિખર તો હવે ઘણું ઊંચું ન હતું, પણ એ છેતરામણી સવારથી ચઢવા લાગ્યા ત્યારથી અમે જોઈ રહ્યા હતા. ઉપરનું શિખર લાગે હવે થોડું જ ઉપર છે. એના પર અમે પહોંચીએ ત્યાં એની પાછળ જ નવું શિખર જન્મ લે. એ ચઢીએ ત્યાં ત્રીજું. આ રીતે કેટલું ચઢી ગયા.
ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. ક્યાંય ઊભા રહી શકાય તેવું છાપરું નથી કે ઝાડ નથી. ચીડના ઝાડનું ગજુ નહીં વરસાદનું પાણી રોકવાનું. તોય એક ઘટાદાર વૃક્ષની નીચે અમે ઊભા રહ્યા, પણ પેલો માનેન્દ્ર… એ કહેતો હતો, ‘ખડે મત રહો જલદી ચલો. બારિસ બઢ જાય