પ્રિય પપ્પા… -આશિત દેસાઇ
હું આશિત દેસાઇ. મારા પપ્પાનું નામ કુંજબિહારી દેસાઇ. અમારું મૂળ વતન આણંદ નજીક પેટલાદ. અમે પપ્પાને ભઇ કહીને બોલાવતા અને મમ્મીને મા કહીને બોલાવીએ છીએ. મારા દાદા ડૉક્ટર. મારા પિતાજીને છ ભાઇઓ. અમારા કુટુંબમાં સંગીત નસેનસમાં વહે છે એવું કહી શકાય, કારણ કે મારા દાદી ખૂબ જ કર્ણપ્રિય ગાતાં. ઘરમાં નાનપણથી સંગીતનું વાતાવરણ. પપ્પા મેટ્રિક સુધી ભણ્યા હતા. પેટલાદથી તેઓ વડોદરા શિફ્ટ થયા પણ સંગીતનો મહાવરો તો એમણે ચાલુ રાખ્યો જ હતો. એ હારમોનિયમ પણ સરસ વગાડતા અને એમનો અવાજ પણ સુરીલો હતો. તેથી મુંબઇ આવીને ઑલ ઇન્ડિયા રેડિયોમાં એમણે ગાવાનું શરૂ કર્યું. તેથી રેકોર્ડિંગના કામ માટે મુંબઇ અવાર-નવાર આવવાનું થતુ. બાદમાં તેઓ મુંબઇ આવી ગયા. ૧૯૬૨ સુધી તેઓ મુંબઇમાં જ રહ્યા અને તે દરમિયાનમાં જ મારા મમ્મી મયૂરી દેસાઇ સાથે તેમના લગ્ન થયાં. મારા મમ્મી પણ સુંદર ગાય છે. તેઓ પણ ઑલ ઇન્ડિયા રેડિયો પર ગાતાં હતાં. એના કારણે જ તેમનો સંબધ બંધાયો. સંગીત મને પણ વારસામાં મળ્યું એવું કહી શકાય.
નાનપણથી અમારા ઘરનું વાતાવરણ સંગીતમય રહેતું. ઘરમાં કોઇ હારમોનિયમ વગાડતું હોય, કોઇ વાંસળી વગાડતું હોય, કોઇ ગાતા કે રિયાઝ કરતા હોય, કોઇ વાયોલિન વગાડે, કોઇ તબલા વગાડતું હોય. ઘરમાં મારા કાકાઓ અને પપ્પા ભેગા મળે ત્યારે સંગીતની જ વાત હોય.
હું નાનપણથી જ ઘરમાં સંગીતનો જલસો જોતા-જોતા મોટો થયો છું. એવું કહી શકાય કે મને નાનપણથી મારાં માતા-પિતા તરફથી સંગીતના વારસાની સાથે-સાથે પ્રોત્સાહન પણ ખૂબ મળ્યું. બીજા છોકરાઓનાં મા-બાપ સંતાનને ભણવાનું કહેતા હોય, જ્યારે મારા પપ્પા કહેતા કે ચાલો ભણવાનું બહુ થયું હવે આપણે ગાઇએ. તેઓ મને પ્રોગ્રામમાં ગીતો સાંભળવા માટે લઇ જાય અને કહેતા કે ‘જો તું સાંભળીશ તો તું પોતે સારું ગાઇ શકીશ.’ એમણે મને સંગીતનો અભ્યાસ પણ કરાવ્યો. અમે ક્લાસિકલ સંગીત શીખ્યા નથી, પણ પહેલાંથી સુગમ સંગીતમાં મસ્ત રહેતા. મને પણ નાનપણથી જ વૃત્તિ હતી કે હું પણ સંગીત શીખું. મારા ભઇ અને મા પાસેથી મને સંગીતના સંસ્કાર મળ્યા છે. જે ભગવાનની દયાથી હજી સુધી
ટક્યા છે.
પપ્પાની ટ્રાન્સફર કલકતા થઇ. એમાં પણ કુદરતનો કોઇ સારો સંકેત છુપાયેલો હશે. પપ્પા એ વખતે શોખથી ગાતા. તેઓ ખૂબ જ સારા ગાયક હતા પણ પ્રોફેશનલી એ ગાતા નહોતા. ત્યાંનો માહોલ અને સંસ્કૃતિ એવી કે લોકો સતત સંગીતની દુનિયામાં જ ગુલતાન હોય. મારી શાળામાં એક શિક્ષક હતા. એમણે મને સંગીત શીખવા માટે ખૂબ પ્રેરણા આપી. મારા પપ્પાએ તેમને કહી જ દીધું હતું કે આને તમારો દીકરો સમજીને સંગીતની તાલીમ આપો. એ શિક્ષક પણ મને મોટી મોટી સંગીતની ક્ધસર્ટમાં લઇ જતા અને સંગીતની સમજ આપતા. ભગવાનની દયાથી મારો અવાજ પણ ખૂબ જ મધુર હતો. તેથી હું નાનપણમાં હિન્દી ફિલ્મોના ક્લાસિકલ ટચના સંગીતવાળાં ગીતો ગાતો. હું મારા જીવનમાં સંગીતક્ષેત્રે સફળ થઇ શક્યો એ મારા-પિતાના કારણે જ. મને સતત એમનું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહેતું હતું. હું જ્યારે પણ ગાતો ત્યારે પપ્પા મારી સાથે હારમોનિયમ લઇને બેસી જતા અને જો મારી કોઇ ભૂલ થાય તો એના વિશે મને અવગત કરતા અને એને સુધારવા માટે માર્ગદર્શન પૂરું પાડતાં.
કોલકતાથી ૧૯૬૭માં પપ્પા વડોદરા આવીને વસ્યા. મેં વડોદરાની સંગીત કોલેજમાંથી વોકલનો ડિપ્લોમા કર્યો. તેમાં પણ પાછો ક્લાસિકલનો બેઝ હતો, એના કારણે મારો સંગીતનો બેઝ વધારે મજબૂત બન્યો. ક્લાસિકલ સંગીતમાં એવું છે કે એમાં તમારો બેઝ જેટલો મજૂબત હોય એટલુ સારું તમે સંગીત બનાવી શકો. મેં ક્લાસિકલ સંગીતની સંપૂર્ણ તાલીમ લીધી નથી, કારણકે પપ્પાની ટ્રાન્સફરેબલ જોબના કારણે એ શક્ય બન્યું નહોતું. વડોદરાથી મેં બી.કોમ.ની ડિગ્રી પણ લીધી. એ વખતે મારા ભઇ અને મને ખબર હતી કે સંગીતક્ષેત્રે આગળ વધવું હશે તો વડોદરમાં એ શક્ય નથી. ત્યાં પ્રોગ્રામ થતા હતા, પરંતુ બેઠકમાં ‘વાહ’ અને ‘ચાહ’ જ મળતી. દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે તેમનું સંતાન એમની સાથે રહીને જ આગળ વધે. પણ એ પણ જાણતા અને હું પણ જાણતો હતો કે મુંબઇ આવ્યા વગર મારું કામ આગળ નહીં વધે. તેથી એમણે કાળજા પર પથ્થર મૂકીને મને વડોદરાથી મુંબઇ જવા માટે પ્રોત્સાહિત કર્યો. મારી પણ ઇચ્છા હતી જ કે હું મુંંબઇ જાઉ અને સંગીતક્ષેત્રે પ્રોફેશનલી કામ કરું, જેથી મારું ભવિષ્ય પણ સુધરે. ત્યાર બાદ જે થયું એ ઇતિહાસ છે.
મને મારા ભઇ ક્યારેય વઢ્યા નથી. જો મને કઇ કહેવાનું હોય તો મારા મમ્મી જ કહે. એક બહુ રસપ્રદ વાત છે. જે મારા દિલથી બહુ નજીક છે. એકવાર મમ્મીએ જમવામાં કારેલાનું શાક બનાવેલું. એ મને ભાવે નહીં. તેથી હું જમ્યો નહીં. એની નોંધ પપ્પાએ લીધી પણ મને કશું કહ્યું નહીં, પરંતુ પપ્પાએ મારા મમ્મીને કહ્યું કે આવતા સાત દિવસ સુધી તું કારેલાનું શાક જ બનાવ. આ રીતે તેમણે મને કોઇ જ પ્રકારનો ઠપકો આપ્યા વગર કે મારી પર ગુસ્સો કર્યા વગર મને કારેલા ખાતો કર્યો. જે અત્યારે પણ હું મસ્તીથી
ખાવ છું.
અમારે ત્યાં જનકલ્યાણ નામનું મેગેઝિન આવતું. એમાં જો સારા આર્ટિકલ આવે તો એ મારી સાથે એના વિશે સંવાદ કરતા અને વાંચીને સંભળાવતા હતા. એમાં ભક્તિપ્રધાન ગીત અને ભજનો આવતાં. એમાં એક વખત મારા પપ્પાએ અબુભાઇ શેખાણી નામના શાયરની ‘જન કલ્યાણ’માં છપાયેલી ગઝલ મને આપી અને તેમણે મને ભારપૂર્વક કહ્યું હતું કે ‘તુ આ ગઝલ કંપોઝ કર. બહુ સરસ છે.’ એના શબ્દો એકદમ સાધારણ હતા, પરંતુ ચોટદાર હતા.
‘જિંદગીમાં જિંદગીનું રહસ્ય કાઇ સમજાયું નહીં,
શું કમાયો જિંદગીમાં કાઇ દેખાયું નહીં.’
જિંદગી વિશેની આ ગઝલ એ મારી જિંદગીનું સૌપ્રથમ સ્વરાંકન (કંપોઝિશન) બન્યું. મેગેઝિનમાં જાણીતા કવિઓની સારી કવિતા, ગીત કે ગઝલ આવે તો પપ્પા મને અચૂક આપતા. હું એમનો ખૂબ જ આભારી છું કે એમણે મને હંમેશાં આ રીતે જ પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
આ ક્ષેત્રમાં આર્થિક ઉપાર્જનમાં ખૂબ જ ઉતાર-ચઢાવ આવતા હોય છે એટલે જ એમણે મને બી. કોમ. સુધી ભણાવ્યો. જેથી નોકરીની સાથે-સાથે હું મારું સંગીતનું કામ કરી શકું. મુંબઇ આવ્યો ત્યારે દિવસે નોકરી કરતો અને સાંજે કાર્યક્રમો, કારણકે કાર્યક્રમો રાત્રે જ યોજાતા હતા. રેકોર્ડિંગનું કામ તો પછીથી શરૂ થયું. મુંબઇમાં દિલીપ ધોળકીયા, વિનાયક વોરા, નિનુભાઇ મજુમદાર, પુરુષોતમભાઇ ઉપાધ્યાય વગેરે મારા પપ્પાના મિત્રો હતા. પપ્પાએ મને આ બધાને નામે પત્ર લખીને આપ્યો હતો અને કહ્યું હતું કે તું એ લોકો પાસે જઇને તારી ઓળખાણ આપજે. એ લોકો તને તેમનાથી બનતી મદદ કરશે. મને એ વાતની ખુશી છે કે એ બધા મહાનુભાવોએ મને તેમની સાથે કામ કરવાની તક આપી. મને અવિનાશભાઇ વ્યાસ, દિલીપ ધોળકીયા, પુરુષોતમભાઇ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, અજિત મર્ચન્ટ. વિનાયક વોરા, નિનુ મજુમદાર, મારા બે કાકા રાસબિહારીકાકા અને પરાશરકાકાએ ખૂબ સપોર્ટ કર્યો. એમનું સંગીતનું જે પણ કામ હોય એમાં હું હોઉ જ. હું એમનો સગો છું કે એમનાં મિત્રનો દીકરો છું એટલે એ લોકો મને કામ નહોતા આપતા, પરંતુ મારી લાયકાતના કારણે મને કામ આપતા. એ સમયે સ્પર્ધા હતી પણ આજના જેટલી નહોતી. મારા સદ્નસીબે એ વખતે મારી વયજૂથમાં પ્રોફેશનલ સિંગરો બહુ ઓછાં હતાં. ધીરે-ધીરે એ લોકો સાથે કામ કરીને મુંબઇમાં ઘડાતો ગયો અને ૧૯૭૪થી મારી ગાડી પૂરપાટ દોડવા લાગી. ૧૯૭૭માં હેમા સાથે
લગ્ન થયા. એની સાથે મુલાકાત પણ સંગીતના કારણે જ થઇ.
પપ્પા વડોદરા રહેતા અને અમે મુંબઇ. અમે લોકો વડોદરા મહિનામાં એક-બે વાર જતાં અને એમની સાથે સમય ગાળતા. ક્યારેક ભઇ-મા મુંબઇ અમારી પાસે આવતા. એ રીતે અમે એકબીજાના સંપર્કમાં રહેતા. છ વર્ષ પહેલાં તેઓ પડી ગયાં અને એમને થાપાનું ઓપરેશન કરાવવું પડયું. ત્યારબાદ તેઓ ચાર વર્ષ સુધી પથારીમાં જ રહ્યા. બાદમાં તેમનું અવસાન થયું. છેલ્લી ઘડી સુધી અમે ફોનથી એમના સંપર્કમાં હતા જ. એ સિવાય ચાર વર્ષ દરમિયાન પપ્પાની સાર-સંભાળ માટે મારી પત્ની હેમાએ નિયમિત રીતે મુંબઇથી વડોદરા એટલી બધીવાર ચક્કર માર્યા હતા કે ટ્રેનના ટી.સી. પણ એમને ઓળખતા થઇ ગયા હતા અને ક્યારેક રિઝર્વેશન ન હોય તો પણ એ લોકો એને સીટની વ્યવસ્થા કરી આપતા. પપ્પાની એક વાત જરૂરથી કહીશ કે આટલી લાંબી માંદગીના કારણે ભલા ભલા લોકો જીવનથી કંટાળી જતા હોય છે અને ભગવાન પાસે જવાની માગણી કરતા હોય છે, પરંતુ પપ્પા એમના સ્વભાવ પ્રમાણે હંમેશાં હસતા રહેતા. હેમા વડોદરાથી નીકળે ત્યારે પપ્પા લાગણીસભર હૈયે તેને ફક્ત એટલું જ કહેતા કે ‘મારા કારણે તમને લોકોને ખૂબ જ તકલીફ વેઠવી પડે છે.’ ભઇ સાથે અમારે છેલ્લે સુધી પ્રેમના જ સંબંધો રહ્યા. એમણે આપેલા સંસ્કારોને કારણે પપ્પા સાથે ક્યારેય મનભેદ કે મતભેદ થયા નથી. એ મને ક્યારેય ઊંચા અવાજે બોલ્યા હોય એવું મને યાદ નથી. હું મારી જાતને બહુ જ સૌભાગ્યશાળી માનું છું કે મને આવાં માતા-પિતા મળ્યા, જેમણે મને ખૂબ જ પ્રેમ આપ્યો. મા હજુ હયાત છે. એ અમારી સાથે જ રહે છે. એમની ઉંમર ૯૨ વર્ષ છે.
ભઇના સ્વભાવની વાત કરું તો એ એકદમ મૃદુ સ્વભાવના હતા. ભઇ બહુ ઓછું બોલે અને જે બોલે એ ઇશારામાં જ બોલે, જ્યારે મા એમનાથી સાવ વિરુદ્ધ દિશામાં. મા બહુ બોલકા સ્વભાવનાં. જે પણ બોલે એ સરસ જ બોલે. પપ્પા સાથે હું બેઠો હોવ ત્યારે પણ અમારે સંગીતની વાતો જ વધારે થતી. મેં જે નવા સ્વરાંકન કર્યા હોય એ તેમને સંભળાવું. હું એવું કહી શકું કે મારા ભઇ સાથેના સંબંધો એક પિતા-પુત્ર જેવા નહીં પણ મિત્ર જેવા હતા.