કવર સ્ટોરી-ગીતા માણેક
હું આઠ વર્ષની ઉંમરની હતી ત્યારથી મારો સગો બાપ મારું જાતીય શોષણ કરતો હતો, પરંતુ હું પંદર વર્ષની થઈ ત્યાં સુધી તેની સામે એક હરફ ઉચ્ચારી શકી નહોતી આવો ચોંકાવનારો ખુલાસો અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી ખુશ્બુ સુંદરે જાહેરમાં કર્યો છે.
તાજેતરમાં જ નેશનલ કમિશન ફોર વુમનનો કાર્યભાર સંભાળનાર જાણીતી અભિનેત્રી ખુશ્બુએ કહ્યું હતું કે તેના પિતા જ તેનું જાતીય શોષણ કરતા હતા. પોતાના દર્દનાક ભૂતકાળ વિશે વાત કરતા ખુશ્બુ સુંદરે કહ્યું હતું કે જ્યારે એક બાળકનું જાતીય શોષણ થાય છે ત્યારે એનાં જખમો તેના માનસ પર આયુષ્યભર માટે રહી જાય છે પછી ભલે તે છોકરી હોય કે છોકરો હોય. મારા કિસ્સામાં પણ આવું જ થયું હતું. મારી મા પર અત્યંત અત્યાચાર થતો હતો. મારા પિતા એવું માનતા હતા કે પત્નીની પિટાઈ કરવી, બાળકોને ઢિબેડી નાખવા અને પોતાનાં જ બાળકો અને ખાસ તો પોતાની દીકરીનું જાતીય શોષણ કરવું એ તેનો જન્મસિદ્ધ અધિકાર છે. મારા પિતાએ જ્યારે મારું જાતીય શોષણ શરૂ કર્યું ત્યારે મારી ઉંમર ફક્ત આઠ વરસની હતી અને જ્યારે મેં તેમનો વિરોધ કરવા માંડ્યો ત્યારે હું પંદર વર્ષની થઈ હતી.
ખુશ્બુ સુંદરે કહ્યું હતું કે ‘હું મારા પર સગા બાપ દ્વારા થતા જાતીય શોષણની વિરોધમાં બોલવાની હિંમત નહોતી કરી શકતી, કારણ કે મને ડર હતો કે મારી મા જ મારી આ વાત સ્વીકારશે નહીં, કારણ કે તે એવા વાતાવરણમાંથી આવી હતી જ્યાં કંઈ પણ થઈ જાય ‘મેરા પતિ મેરા દેવતા હૈ.’ એવું જ માનવું એ તેની માનસિકતા હતી, પરંતુ છેવટે પંદર વર્ષની ઉંમરે મેં મારા પિતાનો વિરોધ કરવાનો શરૂ કર્યો. હું જ્યારે સોળ વર્ષની હતી ત્યારે તેઓ અમને મૂકીને ચાલ્યા ગયા અને અમારું તે પછીનું ભોજન ક્યાંથી આવશે એની અમને ખબર નહોતી.
નેશનલ કમિશન ઑફ વુમનના વડા બનેલાં ખુશ્બુ સુંદરે કહ્યું હતું કે જેમના પર અત્યાચાર થઈ રહ્યો હોય એવાં બાળકો મોં ખોલે એ જરૂરી છે. આ બાળકોના મનમાં સૌથી મોટો ડર એ હોય છે કે આસપાસના લોકો અને સમાજના લોકો તેના પર જ દોષનો ટોપલો નાખશે. ખાસ કરીને છોકરીને કહેવામાં આવે છે કે તેં જ એવું કંઈક કર્યું હશે કે જેને લીધે તે પુરુષ ઉશ્કેરાયો હશે. તું જ ઉઘાડા કપડાં પહેરે છે અથવા વધુ પડતી મુક્તપણે વર્તે છે જેને કારણે તે પુરુષે એવું વર્તન કર્યું હશે. મોટા ભાગે બાળકો પર જાતીય અત્યાચાર પરિવારના કે પરિચિત પુરુષો દ્વારા જ થતા હોય છે.
અન્ય ઘણાં બાળકોની જેમ પોતે પોતાના પિતા સામે હરફ પણ ઉચ્ચારી નહોતી શકી એ માટેનું કારણ આપતા ખુશ્બુએ કહ્યું હતું કે મોટા ભાગના કિસ્સામાં બનતું હોય છે એમ શોષણ કરનાર પુરુષ ધમકી આપતો હોય છે કે હું તારા ભાઈ-બહેન કે નજીકના સગાંને નુકસાન પહોંચાડીશ. મારી સાથે પણ આવું જ બન્યું હતું. મારા પિતા મને ધમકી આપતા હતા કે તેઓ મારી સાથે જે જાતીય વર્તાવ કરી રહ્યા છે એના વિશે જો મેં કોઈને જણાવ્યું છે તો તેઓ મારી મા અને મારા ત્રણ નાના ભાઈઓને નુકસાન પહોંચાડશે. મારી જેમ જ અન્ય બાળકો પણ આવી ધમકીઓને કારણે કંઈ બોલી શકતાં નથી. તેણે કહ્યું હતું કે જો એ વખતે પોક્સો એટલે કે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હોત તો તે ચોક્કસ પોતાના પિતાને કોર્ટમાં ઘસડી ગઈ હોત.
ખુશ્બુ સુંદરે પોતાની કારકિર્દીની શરૂઆત ‘ધ બર્નિંગ ટ્રેન’ નામની હિન્દી ફિલ્મથી કરી હતી પણ પછીથી તેઓ સાઉથની ફિલ્મોમાં કામ કરીને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિય થયાં હતાં. ૨૦૧૦ની સાલથી તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું છે અને હવે તેમની નિયુક્તિ નેશનલ કમિશન ફોર વુમનના વડા તરીકે થઈ છે.
ખુશ્બુ સુંદર જેવી સેલિબ્રિટીએ પોતાના બાળપણના આ અત્યંત દર્દનાક બનાવની વાત કરીને બહુ મહત્ત્વનું પગલું ભર્યું છે. તેમણે પોતાના પિતા દ્વારા થતા જાતીય શોષણ વિશે જાહેરમાં વાત કરી ત્યાર પછી તેમનો અસંખ્ય લોકોએ સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેમની આ રીતે જાહેરમાં આ વાતને ઉચ્ચારવાથી તેમનામાં પણ હિંમત આવી છે.
ખુશ્બુ સુંદરના પિતાનું એક વર્ષ પહેલાં મુંબઈમાં મૃત્યુ થયું હતું. ખુશ્બુની સફળતા બાદ તેના પિતાએ અનેકવાર તેને સંદેશો પાઠવ્યો હતો. તેઓ ફરી પાછા આવવા માગતા હતા પણ તે નરાધમ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવાનું તેમણે ટાળ્યું હતું. ખુશ્બુ સુંદરે કહ્યું હતું કે મેં મારા ઘરના દરવાજા ફરી ક્યારેય મારા પિતા માટે ખોલ્યા નહીં. કર્મનું ચક્ર એવું છે કે બૂરાં કર્મોની ભરપાઈ કરવી જ પડે છે. મારા પિતાનું મૃત્યુ થયું ત્યાર બાદ ત્રણ-ત્રણ દીકરા હોવા છતાં તેમને પુત્રના હાથે અંતિમ સંસ્કાર નસીબ થયા નહોતા, કારણ કે એક પણ દીકરો તેમની અંતિમ યાત્રામાં સામેલ થયો નહોતો.
૧૯૮૦ના દાયકામાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરનાર ખુશ્બુ સુંદરે ફિલ્મોમાં મોટા ભાગે મક્કમ અને સ્વતંત્ર સ્ત્રી તરીકેનાં પાત્ર જ
નિભાવ્યાં છે અને એ પાત્રો હંમેશાં પિતૃસત્તાક વ્યવસ્થા અને સમાજમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારની વિરુદ્ધ લડતા જોવા મળ્યા છે. ખુશ્બુ સુંદર ૨૦૧૦માં ડીએમકે અને ત્યાર બાદ કૉંગ્રેસમાં જોડાયાં હતાં અને ૨૦૨૦માં તેઓ ભાજપમાં જોડાયાં હતાં.
નેશનલ કમિશન ઑફ વુમનના વડા તરીકે પોતાના પર પિતા દ્વારા થયેલા જાતીય અત્યાચારની વાત જાહેરમાં કરીને ખુશ્બુ સુંદરે બહુ જ સારી પહેલ કરી છે. એને કારણે ઘણાં લોકોમાં પોતાનું શોષણ કરનારાઓ વિરુદ્ધ બોલવાની હિંમત આવશે.
હજુ ગઈકાલે જ આપણે ‘વિશ્ર્વ મહિલા દિવસ’ ઉજવ્યો છે પણ હકીકત એ છે કે ભારતીય સમાજમાં કેટલીય નાની-નાની દીકરીઓ હજુ પણ પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી. તાજેતરમાં પોતાની પુત્રી પર બળાત્કાર કરનાર પિતાએ કોર્ટમાં બેશરમીથી કહ્યું હતું કે તે મારી પુત્રી છે અને તેની સાથે મારે જે કંઈ કરવું હોય એ કરવાનો અધિકાર છે. કેટલાય પરિવારમાં કાકા, મામા, ભાઈ, પિતા કે પિતરાઈ ભાઈઓ અથવા પરિવારના જ અન્ય પુરુષ સભ્યો નાની-નાની છોકરીઓનું જાતીય શોષણ કરે છે પણ બીકના માર્યા આ છોકરીઓ બોલી શકતી નથી. અખબારોમાં આવા કિસ્સાઓ છપાતા રહે છે પણ મીડીયા સુધી નથી પહોંચતા એવા કિસ્સાઓની સંખ્યા અનેકગણી વધુ છે. ખુશ્બુ સુંદર જેવી જાહેર જીવનમાં હોય તેવી વ્યક્તિ જ્યારે ખુલીને પોતાના પર થયેલા જાતીય અત્યાચારની વાત કરે ત્યારે અનેક છોકરીઓ અને મહિલાઓમાં પણ આ વિશે બોલવાની હિંમત આવે છે. આ પહેલ કરવા માટે ખુશ્બુ સુંદર ખરેખર પ્રશંસાને પાત્ર છે.