Homeઉત્સવપ્રચંડ ગરમીના પ્રકોપને નેસ્તનાબૂદ કરવા ગરમી પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો બેઠકમાં નિર્ણય...

પ્રચંડ ગરમીના પ્રકોપને નેસ્તનાબૂદ કરવા ગરમી પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો !!!

પ્રાસંગિક -ભરત વૈષ્ણવ

“મિ. ગિરધરલાલ અને રાજુ રદી તાબડતોબ નવી દિલ્હી પહોંચો.ત્યાં એક અગત્યની મિટિંગ છે. તેનું ફર્સ્ટ કલાસ રિપોર્ટિંગ વીથ વીડિયો ક્લિપ લઇને આવી જજો. એક્સકલૂઝિવ રિપોર્ટિંગ કરવાનું છે. જો સારું રિપોર્ટિંગ કરશો તો બન્નેને ખુશ કરી દઇશ. બખડજંતર ચેનલના કર્તા, હર્તા, સમાહર્તા અને નુકસાનકર્તા બોસ બાબુલાલના તેવર બદલાયા હતા. સાલ્લો ચાના કપમાં પડેલી માખી પણ કપમાં નિચોવીને ચા ગટગટાવી જાય તેવો રિયલ મખ્ખીચૂસ. એ આટલી ઉદારતા દાખવે? મારું માથું ભમવા લાગ્યું. એનું ચાલે તો છકડામાં નવી દિલ્હી મોકલે અને ધર્મશાળા – સરાઇમાં રહેવાની ફરજ પાડે! એના બદલે ફલાઇટ-ફાઇવસ્ટારમાં રહેવાની વ્યવસ્થા. નક્કી કોઇ બોકડો કતલ કર્યો હોવો જોઇએ! મેં એકાઉન્ટ સેકશનમાં જઇ ફલાઇટની ટિકિટ લીધી. ડેઇલી એકસપેન્સ લીધો. મિટિંગની વિગત લીધી.
હું અને રાજુ રદ્ી નવી દિલ્હી પહોંચીને ટેકસી કરી મિટિંગના સ્થળે પહોંચ્યા. બેઠકના સ્થળે ખાસી ઉત્તેજના. આવી બેઠક હોય? બધાનો ગણગણાટ. કેટલાક લોકો કોલર ઊંચો કરીને હવે એનું આવી બનવાનું એમ ઉછળી ઉછળીને કહેતા હતા. હવે ગરમીને ખબર પડશે કે સિંહ સાથે પનારો પડ્યો છે! ગરમી ઊભી પૂંછડીએ યુક્રેન ભાગી જશે. આઝાદી મળ્યા પછી પંચોતેર વરસે ગરમી પર લગામ સાહેબ જ કસી શકે તેવી ચાંપલૂસી કરતા હતા. વિપક્ષો પદયાત્રા કરવા અને દાઢી વધારવા (દાઢી વધારવા અને બુદ્ધિ વધારવા વચ્ચે કોઇ સહ કે વ્યસ્ત સંબંધ નથી તેમ એક મંત્રી મહોદય કહે છે!) સિવાય કશું હકારાત્મક કામ કરતા નથી. નયા ભારતની વિકાસયાત્રામાં એવરેસ્ટ જેટલા રોડા ગબડાવે છે! કેટલાક લોકો સ્થળ અને સમય વિશે કચવાટ કરતા હતા. એક સ્થૂળકાય બાબુ “બહુ ગરમી છે. આવી ગરમીમાં ગરમી સામે લડવાની બેઠક કરવાની હોય? એક સ્થૂળકાય સનદી અધિકારી બબડયા.
“બબુવા એસન બાંતો કે વાસ્તે હિલસ્ટેશનવામે બેઠકવા કરના ચાહિબ. દિલ્લીમે બાંતા કરકે કાં ફાયદા? યુપીના અધિકારી મહાશય ઊકળ્યા. આટલો તો ગરમીનો પારો ઊછળતો નહીં હોય!?
“અરે ચપરાશીજી તનિક એસી ચિલ્ડ કિજીયે! ફરવરીમે ઇતની ગર્મી હૈ તો મે જૂન મેં કયાં હોગા? હમ સાલા જુલસ જાયેગા!! એક આધેડ અધિકારી બોલ્યા.
એસપીજી-એનએસજીના લાવલશ્કર સાથે મદોન્મત્ત ગજરાજની અદાથી સાહેબ મિટિંગ સ્થળે પ્રવેશ્યા. સાહેબનો પ્રચંડ ગગનભેદી બોદો જયજયકાર બોલાવ્યો. કેટલાક ( અતિ)ઉત્સાહી લોકો હર ઘર મોટા સાહેબ. વંદે માતરમ, ભારત માતાકી જય પોકારતા હતા. મોગેમ્બો સોરી સોરી સાહેબ પ્રસન્ન થયા. એંકરે ચાપલૂસીની તમામ સીમાઓ અતિક્રમીને અમૂલ બટર લગાવીને વખાણ કર્યા.વખાણ કોના હોય? સાહેબના જ હોયને!!
“મિત્રો, ગરમી એ માનવજીવનને ત્રસ્ત કરતી ગહન મહામારી છે.( સાહેબે ઇશારો કરીને ટેલિપ્રોમ્પટરના ફોન્ટ મોટા કરવા સૂચના આપી. નાના ફોન્ટ હોવાથી સાહેબ ગહનને બદલે ગબન બોલી ગયા!) સાહેબે પૂછયું પણ ખરું કે ગરમીને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે? એ હાજર છે કે નહીં? આપણે ભારતની તાકાતથી ગરમીને તેની ઔકાત બતાવવી પડશે . આમ કહી સાહેબે એક હાથમાં તમાકુ-ચૂનો મસળે પછી બીજા હાથે ચૂનાવાળા હાથ પર ટપાકા મારે તેવી અદા કરી.
“સાલ્લી ગરમી તો ઉત્તર પૂર્વનાં રાજ્યોની ચૂંટણીમાં પણ ન હતી. એમસીડીની ચૂંટણી પછી મેયરની ચૂંટણીમાં ગરમીનું મોજું આવી ગયું.માવઠું થયા પછી વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવું ટાઢોડું હતું. લોકસભાની ચૂંટણીની દાહકતા પેટા ચૂંટણીમાં આવી ગઇ. દિલ્હીમાં તો પંદર પંદર વરસથી ફૂલ એસી કરવા છતાં આપની ગરમી ઘટતી જ નથી. ગરમી ખાંસતી રહે છે. આ ગદ્ાર ગરમીને ગોળી મારવી જ પડશે સાહેબે ગ્લોબલ ગરમીનું એનાલિસિસ કર્યું.
“ડુંગળીના વપરાશથી પણ ગરમી વધે છે!! લઘરવઘર વસ્ત્રધારી મહિલા મંત્રીએ કહ્યું.
“ગરમી વધારે છે. એસીનું કુલિંગ ન વધે તો રાફેલનો ફેન તો આપો. હાથ પંખાથી હવા ખાઈશું!! રક્ષામંત્રી બોલ્યા. “ગરમી વધી છે. મિટિંગમાં બે ગળ્યા, બે ખારા, બે ક્રિમ બિસ્કિટ અને ચા-કોફીના બદલે મુંબઇ ચોપાટીની ચિલ્ડ કુલ્ફી સર્વ કરજો હું ખાતો નથી અને ખાવા પાર્ટીના ખાટસવાદિયા નેતા બોલ્યા.
“અહીં કલાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન ગ્રોથ, વિકાસની વિનાશક અસરો વગેરે ગહન મુદા પર પાણી વલોવીને નવનીત કાઢવાની કોશિશ કરીએ છીએ અને તમને નાસ્તાની પડી છે. ધિક્કાર છે તમારી વૃકોદર વૃત્તિને!! જેમની ડાબી આંખ અકારણ લબુકઝબુક થાય છે તેવા બાબા બોલ્યા!!
“જુઓ, ભાઇઓ કામ કરવા કરતાં કામ કરતા રહીએ છીએ તેવો ભ્રમ ફેલાવવો જરૂરી છે. આજકાલ કમનસીબે આપણું હવામાન ખાતું ભૂલ ભૂલમાં વરસાદ, વાવાઝોડા, પૂરની સાચી આગાહી કરતું રહ્યું છે. તેમાં એનડીઆરએફ, એસજીઆરએફ ઘંધે લાગે છે. અતિવૃષ્ટિ થાય તો સાહેબ તાડપત્રી લઇને તેમાં વાદળોને થોડા લપેટી શકવાના છે?? છોકરીઓ ગરમીથી (વાસ્તવમાં, દુપટ્ટો પાટાના રોલની જેમ ચહેરા પર લપેટે છે. એમાં ધૂળ કે ગરમીથી બચવાનો હેતુ કરતા ચહેરો છુપાવવાનો હોય છે!!ઘણી તો રાત્રે પણ બુકાની પહેરીને એકટીવા પર ધાડ પાડવા જતી ન હોય !!) સાહેબે ધ્રુવ પ્રદેશમાં ગ્લિેસિયર ઓગળવાની ઘટનાને રોકી કાઢેલી . જો કે ગાંધીનગર હતા ત્યારે પિરાણાનો કચરાનો ડુંગર હટાવી શકેલ નહીં. જેતપુરના ડાઇ ઉદ્યોગને લીધે નદી તળાવનું થતું લાલ પાણી કે ખારીકટ
કેનાલનો મુદો સોલ્વ કરી શકેલા નહીં.નાના સવાલોના જમેલામાં સાહેબ પડે તે સાહેબની વૈશ્ર્વિક પ્રતિભાને શોભે પણ નહીં!! આવું જ કર્ણાવતી ( કર્ણાવતી દાબેલી કે કર્ણાવતી ક્લબની વાત નથી. નામકરણ આયોગ અસ્તિત્વમાં આવે કે અમદાવાદનું આશાપલ્લી, આશાવળ કે કર્ણાવતી કરવાનું નગરજનોનું વેન પૂરું કરવાનું છે!!)નું છે!!
આ બેઠકમાં ચર્ચા, વિચારણા પરામર્શ થયા ગરમીના પ્રકોપ અંગે મીડિયામાં અવરનેસ, સમજૂતી, નિશાળિયાને ગરમીની અસર માટે લેકચર આપવા વગેરે સૂચન થયા. ગરમી સામે બહુપાંખિયા ઓપરેશન કરવા માટે નિર્ણય લેવાની તમામ સત્તા સાહેબને એનાયત કરાઇ. સાહેબે ન આવ, ન તાવ જોયા વગર મૂંછ પર તાવ દેતા ગરમી પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો લશ્કરને હુકમ કરી દીધો છે. જ્યારે આકાશમાં વાદળ હોય ત્યારે વિમાનો રડારમાં ન દેખાય તે રીતે ગરમી પર હુમલો કરવા નિર્ણય લેવાઇ ગયો છે!!?
ભરત વૈષ્ણવ (આ લેખ હાસ્ય નિષ્પન્ન કરવા માટે લખાયો છે. કોઇનું અપમાન કે ઉતારી પાડવાનો અમારો ઇરાદો નથી. જેથી મહેરબાની કરીને બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular