(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના ખરાબ દિવસો હતો ત્યારે બાળાસાહેબ ઠાકરેએ નરેન્દ્ર મોદીને બચાવ્યા હોવાનું કહીને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષના નેતા ઉદ્ધવ ઠાકરેએ હિંદુત્વના મુદ્દા પર ભાજપની ટીકા કરી હતી. ગોરેગામમાં ઉત્તર ભારતીય નાગરિકો સાથે રાખેલા સંવાદ મેળાવા દરમિયાન વડા પ્રધાન મોદીની ‘મન કી બાત’ પર પણ કટાક્ષ કર્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે મરાઠી મતોની સાથે જ ઉત્તર ભારતીયોના મત પણ એટલા જ મહત્ત્વના હોવાનું દરેક પક્ષ જાણે છે. શિવસેનામાં ભંગાણ બાદ શિવસેનાને મજબૂત કરવા પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હવે દરેક સમાજ સાથે સંવાદ યોજી રહ્યા છે, જેમાં રવિવારે ગોરેગામમાં ઉત્તર ભારતીય સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે મરાઠી ભાષા બોલનારા અને મુંબઈમાં વસી ગયેલા ઉત્તર ભારતીયો સાથે શિવસેના કોઈ ભેદભાવ કરતું નથી.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હિંદુત્વના મુદ્દા પર ભાજપની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે ભાજપ સાથે ૨૫-૩૦ વર્ષ મિત્રતાનો ધર્મ પાળ્યો પણ અમને શું મળ્યું ? ભાજપવાળા કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ તેમને ત્યાં સુધી જેમણે પહોંચાડ્યા છે તે અકાલી દલ હોય કે શિવસેના હોય તેમને જોઈતા નથી. ભાજપના ખરાબ દિવસો હતા ત્યારે બાળાસાહેબ ઠાકરેએ નરેન્દ્ર મોદીને બચાવ્યા હતા.
બાળાસાહેબ ઠાકરેએ જે દેશદ્રોહી હોય તે પછી કોઈ પણ ધર્મનો હોય તેને શિક્ષા મળવી જ જોઈએ એવું કહ્યું હતું. અમે ભાજપનો સાથ છોડ્યો છે, હિંદુત્વ નહીં. એવો કટાક્ષ પણ ઉદ્ધવે આ સમયે કર્યો હતો.
ભાજપ સાથે વિશ્ર્વાસઘાત કર્યો હોવાનો સતત શિવસેના પર આરોપ થઈ રહ્યો છે એ મુદ્દા પર ઉદ્ધવે કહ્યું હતું કે અમને કૉંગ્રેસ સાથે જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આજે અમુક લોકો ગળામાં પટ્ટો બાંધીને ગુલામગીરી કરી રહ્યા છે. શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ આવું શીખવાડ્યું નથી. વડા પ્રધાન મોદી મુંબઈમાં આવ્યા હતા ત્યારે જે કર્યું તે જો મેં કર્યું તો મેં હિંદુત્વ છોડ્યું હોવાનો આરોપ કર્યો હતો. મુંબઈના વોહરા સમાજના લોકો શિવસેનાની સાથે જ હોવાનું પણ આ સમયે ઉદ્ધવે કહ્યું હતું.
૧૯૯૨-૯૩માં થયેલા કોમી રમખાણ સમયે શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા હતા, ત્યારે મરાઠી-બિનમરાઠી એવો ભેદભાવ કર્યો નહોતો. કોરોના મહામારી દરમિયાન હિંદુ-મુસ્લિમ, મરાઠી-બિનમરાઠી એવો ભેદભાવ પણ કર્યો નહોતો. શિવસેનાએ રક્તદાન કરીને માણસાઈ પણ દેખાડી હતી. પાંચ વર્ષ આપણે બધા સાથે હોઈએ છીએ પણ ચૂંટણી સમયમાં અલગ કેમ થઈ જઈએ છીએ એવો સવાલ પણ ઉદ્ધવે આ સમયે કર્યો હતો.
ભાજપ પર કટાક્ષ કરતા ઉદ્ધવે કહ્યું હતું કે લોકોને એકબીજા સાથે લડતા રાખવાનું આ લોકોનું કામ છે. આપણને જે રસ્તે લઈ જઈ રહ્યા છે તેનાથી દેશ જ બદનામ થવાનો છે.
રામમંદિરનો વિષય ચર્ચામાં નહોતો, છતાં અમે રામમંદિર માટે વિશેષ કાયદો કરવાની માગણી કરી હતી. અમે ૨૦૧૮માં અયોધ્યામાં ગયા, સરયૂ નદીના કિનારા પર આરતી પણ કરી હતી. અયોધ્યામાં જવા પહેલા શિવનેરી જઈ આવ્યો. શિવજન્મભૂમિની માટી લઈને રામ જન્મભૂમિ ગયો હતો. ત્યાર બાદ રામમંદિરનો પ્રશ્ર્ન ઉકેલાયો હતો. હિંદુઓને જાગૃત કરવાનું કામ બાળાસાહેબ ઠાકરેએ કર્યું હતું. દેશ પર પ્રેમ કરનારા મુસ્લિમ પણ અમારી સાથે આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
ભાજપ સતત દાવો કરી રહ્યું છે કે મહારાષ્ટ્રની જનતા તેમની સાથે છે અને તેઓએ ‘મહાવિજય’ અભિયાન ચલાવ્યું છે ત્યારે ઉદ્ધવે ભાજપને પડકાર આપતા કહ્યું હતું કે તમારા હિંમત છે, તો ચૂંટણીના મેદાનમાં સામે આવો. રાષ્ટ્રીયત્વ એ જ અમારું હિંદુત્વ છે.