તેજાવતને થયું કે બસ, હવે વધુ નહીં હોં

ઇન્ટરવલ

ગુજરાતનો જલિયાવાલા કાંડ -પ્રફુલ શાહ

સ્વતંત્રતા પૂર્વેનો કાળ ખૂબ કપરો હતો. એમાંય આદિવાસીઓ માટે મહામુશ્કેલ સમય, જે હજી ઝાઝો સુધર્યો નથી. આ સરનામા, ઓળખ અને સન્માન વગરના માનવીઓને હજી સ્વતંત્રતા, વિકાસ કે પ્રગતિના ફળ આજેય પૂરેપૂરા ચાખવા મળ્યાં નથી.
પરંતુ ઓગણીસમી સદીના આરંભે તો બમણો માર. એક તરફ દેશી રજવાડા ને બીજીબાજુ અંગ્રેજો, છોગામાં સ્થાનિક માથાભારે માણસો, મોટા ખેડૂતો અને વેપારીઓનો ત્રાસ. આવા અમાનવીય સમયમાં યુવાન મોતીલાલ તેજાવત હૃદયમાં ટીસ સાથે આ બધું વારંવાર જોતા હતા.
કોલિમારીના જાગીરદાર કરણસિંગે તો મોતીલાલના પિતા નંદલાલને અકારણ, વગર વાંકે જુતા ફટકારવાની ધમકી આપીને રૂપિયા ૫૦નો દંડ કર્યો હતો. ૧૯૨૦ની આસપાસ આ રકમ કેટલી મોટી ગણાય. એનું એક ઉદાહરણ જુઓ: એક તોલા સોનું રૂ. ૧૬.૧૭માં વેચાતું હતું. અત્યાર સુધી પારકા અને લાચાર સાથે થતા અન્યાયનો રેલો મોતીલાલના પગ નીચે આવ્યો અને તેઓ એકદમ હચમચી ગયા. પણ કરવું શું? જીવનની જવાબદારીઓ પગની બેડી બની ગઇ હતી. આ ઘા પર સમયનો મલમ લાગે અને અગાઉ પિતરાઇ પન્નાલાલ અને કાકાની કોઇપણ વાંક ગુના વગર જાગીરદારના માણસોએ ખૂબ મારપીટ કરી.
મોતીલાલ તેજાવત ગમ ખાઇને બેસી રહ્યાં પણ નોકરી નિમિત્તે પીડિત આદિવાસીઓનો સંપર્ક બનતો જતો હતો. ગરીબ આદિવાસીઓ સાથે અમાનુષ વર્તન કરાતું રહ્યું. કાળી મજૂરીની આવક જાગીરદારો આંચકી લે. કરપેટે જે કંઇ રકમ ચુકવે એની કોઇ રસિદ ન મળે. અનિવાર્ય કારણોસર ઉધારી લઇને એકવાર જાગીરદાર કે શાહુકારના ચોપડાના ચક્રવ્યુહમાં પ્રવેશ થઇ ગયો તો વ્યાજ પર વ્યાજ ચુકવવામાં અડધા થઇ જાય પણ આજીવન તો ઠીક, મર્યા બાદ પણ એમના ચોપડામાંથી નામ ભૂંસાવી કે કઢાવી ન શકાય. આ વિસ્તારની સ્ત્રીઓની આવરૂપ જોખમમાં સરકાર કોઇ ફરિયાદ પર દાદ જ ન આપે. મોતીલાલના આખા થઇ ચૂકેલા વ્યથિત મનને વધુ એક ભયંકર આંચકો લાગ્યો. ઝાડોલના મદિરા-પ્રેમી જાગીરદાર રાવ સરદારસિંહની સવાર, બપોરે, સાંજ કે રાત ન દારૂ વગર શરૂ થાય કે ન પૂરી થાય. આ ઐયાશીનો ખર્ચો પોતાની જાગીરના ગરીબ, અભણ અને નિર્દોષો પાસેથી બળજબરીથી વસુલ કરાય. આ રાવે એક દિવસ મોતીલાલને બોલાવીને આદેશ આપ્યો કે બસો રૂપિયા આપી દો થોડા સમયમાં આંચકો શમી ગયા બાદ મોતીલાલે સ્પષ્ટ શબ્દોમાં નાનૈયો ભણી દીધો. જે થાય એ કરી લો હું બસો રૂપિયા આપવાનો નથી, નથી ને નથી. આ નાફરમાનીથી ક્રોધિત રાવે જે મોતીલાલને હવેલીના દરવાજા પાસે જ કેદ કરાવી દીધા. એટલું જ નહીં રાતભર તેમને જુતાથી મારવામાં આવ્યા કોઇ સ્વમાની માણસ આવું સહન ન કરી શકે. પરંતુ જો ગુમાલીનો સમય હતો, અત્યાચાર-અન્યાય રોજબરોજની બાબત હતી. સૌ ચૂપચાપ લોહીના આંસુ પી જતા હતા.
પરંતુ મોતીલાલ તેજાવત કંઇક માટીમાંથી ઘડાયેલા મનેબ નીકળ્યા. મેવાડના મહારાણાની જયાં જયાં પધરામણી થાય ત્યારે રજવાડાની સ્થાનિક પરંપરા મુજબ અત્યાચારનો મહોત્સવ શરૂ થાય. તેજાવતે જોયું કે ભીલ, ગરાસિયા અને અન્ય ખેડૂતોને અકારણ બંદી બનાવીને તેમની પાસે કાળી મજૂરી કરાવાતી હતી. આના માટે ક્યારેક કંઇક નજીવુું ચુકવાય તો ચુકવાય પણ અપમાન-માર- અત્યાચારના બોનસ અવશ્ય મળે અને છતાં ક્યાંય કોઇ કચાશ રહી જાય કે ભૂલ થાય તો હવાલાતમાં ઠોસીને ભૂખ્યા-તરસ્યા રખાય. નાના વેપારીઓ પાસે મહારાજા અને એમના કાફલા માટે ખાદ્યસામગ્રી લેવાય પણ એની મનફાવી કિંમત જ ચુકવાય.
આ બધુ જોઇને મોતીલાલના હૃદયમાં આદિવાસીઓ માટે અનુકંપા, દયા અને પ્રેમની લાગણી વધતી ગઇ. સાથોસાથ રજવાડાના અત્યાચાર સામે મનમાં વિદ્રોહની જવાળા ઉગ્ર બનતી ગઇ. આદિવાસીઓ માટે કંઇ ન કરી શકવાની લાચારી અને વિદ્રોહની જવાળા લાંબો સમય સહન ન કરી શકયા. અંતે તેમણે સૌને ચોંકાવી દેતો નિર્ણય લીધો. ઠેકેદારની નોકરીને લાત મારી દીધી. આ આસાન નહોતું કારણકે ઘર-પરિવારના ગુજરાન માટે બાપ-દાદાની માલ-મિલકત નહોતી. એટલે ભંડોળમાં એક વેપારીની દુકાને મુનીમ તરીકે કામકાજ શરૂ કર્યું. આમાં તેમની ઇચ્છા મુજબ ભીલોને વધુને વધુ મળવાનું થતું ગયું. આ અવધિમાં એક ભારે આંચકો લાગ્યો કે આ ભીલોની સાથે જાનવરો સાથે ય અન્યાય કરાતો હતો. આ વખતે તેમને વધુ સમજાયું કે આદિવાસીઓની કાળી મજૂરીની કમાણી કેટલાંક જાગીરદારો, ઠેકેદારો અને એમના મળતિયા વેપારીઓની ભાગબટાઇમાં ચવાઇ જતી હતી. આ સંજોગોમાં ય થોડો ઘણો વેરો ચુકવાય તો કોઇ રસિદ ન મળે. એટલે એમના નામે સામે ઉઘરાણું રાતે ન વધે એટલું દિવસે વધી અને દિવસે ન વધે એટલું રાતે વધે. એના ઉપર પાછું કમરતોડ ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવાય. આટઆટલા અધમ અન્યાય છતાં ક્યાંય ફરિયાદ કરવાની નહીં. કોઇ સાંભળે તો રાવ કરે ને? એટલે આદિવાસીઓના મન મગજમાં એક ઉકળાટ હતો, રઘવાટ હતો. સંઘર્ષના બીજ રોપાવા માંડ્યા હતા. પણ એને સાથ, સમર્થન અને નેતાગીરીના પાણી, સૂર્યોદય અને ખાતરની જરૂર હતી.
ઉપરછલ્લી દૃષ્ટિએ ભલે બધા શાંત લાગતા હતા. નીચી મુંડીએ સહન કર્યે જતા હતા. પણ આ એક મોટા આંદોલન પહેલાની ચુપકીદી હતી. જે શોષિતોના કાન, આંખ અને સંવેદનાના પરીધમાં પ્રવેશી શકતી નહોતી. પરંતુ મોતીલાલ તેજાવતનું મન કહેતું હતું કે બસ, હવે વધુ નહીં હો ઘણું થઇ ગયું. કંઇક નક્કર કરવાનો સમય આવી ચૂક્યો છે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.