દિવ્યાંગો માટે અવરોધ મુક્ત વિશ્ર્વનું નિર્માણ કરવાનું સપનું છે આ દિવ્યાંગજનનું

પુરુષ

કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

નાનપણથી પોલિયોથી ગ્રસ્ત, પણ ભણવામાં પાવરધા સૂરસિંહ સોલંકીએ બેરિયર ફ્રી વર્લ્ડ નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે એ તમામ દિવ્યાંગજનો ઉપરાંત દિવ્યાંગો માટે કામ કરતી અનેક સંસ્થાઓને ઉપયોગી થઈ પડે એમ છે
—————
૧૯૮૦ની આસપાસનો એ સમય. નાનકડા સૂરસિંહનો ગરદન નીચેનો તમામ ભાગ પોલિયોગ્રસ્ત થયો. એ વખતે પોલિયોની રસીનું ચલણ નહોતું છતાંય પિતા જવાનસિંહ જે ખુદ પોલીસ ઈન્સ્પેક્ટર હતા તેમણે અને સૂરસિંહની માતા બેઉએ મળીને તેમનાથી બનતી તમામ સારવાર કરાવી સૂરસિંહને કાખઘોડી પર ચાલતો કર્યો.
કુદરતને ત્યાં દેર હશે, પણ અંધેર નથી. ભગવાને સૂરસિંહની ગરદન નીચેનો ભાગ ભલે અશક્ત કર્યો, પણ ગળા અને તેની ઉપરના ભાગમાં (મગજમાં) અખૂટ શક્તિ ભરીને જીવન સમતોલ કરી આપ્યું.
જી હા, સૂરસિંહ સૂરમાં ગાઈ શકે એટલું સુંદર ગળું તો તેમને આપ્યું જ છે. તેઓ સારા ગાયક તો છે જ એ ઉપરાંત મગજશક્તિ સોળે કળાએ ખીલી છે. નાનપણથી જ ભણવામાં અવ્વલ એવા સૂરસિંહ તેમની દિવ્યાંગ જનોની સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયા. એ વખતે કોઈ દિવ્યાંગ વધુ અભ્યાસ માટે વિજ્ઞાનની શાખા પસંદ કરે તે આશ્ર્ચર્ય ગણાય, પરંતુ સૂરસિંહે તો સાયન્સ લાઇન લીધી. ઈલેક્ટ્રોનિક્સના વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું. એમ.સી.એ. નામની કોમ્પ્યુટર વિષય પરની માસ્ટર્સ ડિગ્રી પણ હાંસલ કરી. જે સમયમાં નોર્મલ વિદ્યાર્થીઓને પણ કોમ્પ્યુટર વિષય પ્રમાણમાં નવો અને અઘરો લાગતો હતો એ સમયમાં તેઓ કોમ્પ્યુટરમાં માસ્ટર્સ બની ગયા.
જોકે આટલું સૂરસિંહ માટે પૂરતું ન હોય એમ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા ત્યાં વર્ષ ૨૦૦૫માં ગુજરાત સરકાર તરફથી ‘બેસ્ટ એમ્પ્લોયી’નો એવોર્ડ પણ મળ્યો એ પણ ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે.
આટલી સિદ્ધિ મેળવીને અટકી જાય એ સૂરસિંહ સોલંકી નહીં. અમદાવાદના આ સૂરસિંહ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગના મહારથી. પોતાની કંપનીમાં તો દિલ દઇને કામ કરે, અનેકોના લાડકા બનીને અનેક એવૉર્ડ્સ-ઇનામ-અકરામ તો મેળવી જ ચૂક્યા છે. ઉપરાંત એબિલિમ્પિક્સ સ્પર્ધામાં પણ સફળતા હાંસલ કરી ચૂક્યા છે. જેમ સામાન્ય માણસો માટે ઓલિમ્પિક્સ સ્પર્ધાઓ હોય છે એમ દિવ્યાંગજનો માટે પેરાલિમ્પિક સ્પર્ધાઓ હોય છે એ તો તમને ખબર હશે જ, પણ કૉમ્પ્યુટર ક્ષેત્રે જે સ્પર્ધાઓ થતી હોય છે તેને એબિલિમ્પિક્સ કહેવાય છે. આ સ્પર્ધાઓમાં ૨૦૦૧માં રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ અંગેની એબિલિમ્પિક્સ સ્પર્ધામાં સૂરસિંહે સિલ્વર મેડલ મેળવ્યો છે એટલું જ નહીં, પણ દિલ્હી ખાતે યોજાયેલી એબિલિમ્પિક્સ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું માન પણ તેમને મળ્યું છે.
ઘણા નોર્મલ માણસો પણ ગ્રેજ્યુએટ થઇ સારી ક્ંપનીમાં સારી પોસ્ટ ગ્રહણ કરી મોજમાં રહેતા હોય છે, પરંતુ આ દિવ્યાંગજન સૂરસિંહને આટલાથી સંતોષ ન થયો. તેમના જેવા કેટલાય દિવ્યાંગજનોને જીવનમાં કેટકેટલી તકલીફ આવતી હશે તેની અનુભૂતિ તેમના સિવાય વધુ બીજા કોને થાય?
કૉમ્પ્યુટર અને ડિજિટલ માધ્યમના નિષ્ણાત સૂરસિંહે તો દિવ્યાંગોની સમસ્યાને વાચા આપતી એક ચેનલ યુટ્યુબના માધ્યમ દ્વારા ઊભી કરી છે. છેલ્લાં ૧૦ વર્ષથી ચાલતી આ ચેનલનું નામ છે BarrierFreeWorld. આ ચેનલને દિવ્યાંગો માટેની ભારતની શ્રેષ્ઠ ચેનલ કહી શકાય જેના લાખો દર્શકો છે. દિવ્યાંગો માટે કે દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓને અનેક ઉપયોગી માહિતી આ ચેનલ દ્વારા મળી રહેશે એમાં શંકાને કોઇ સ્થાન નથી. આ ઉપરાંત અન્ય લોકો પણ આ ચેનલ જોઇ તેમની આસપાસ રહેતા કોઇ દિવ્યાંગજનનો માર્ગ પ્રશસ્ત કરી શકે છે જે એમને માટે દીવાદાંડીનું કામ કરી શકે છે.
સૂરસિંહભાઇ કહે છે કે અમને દિવ્યાંગજનોને દયા નથી જોઇતી, પણ દરેક ક્ષેત્રે કે સ્થળે પહોંચવા માટે સુવિધાઓની જરૂર છે. સૂરસિંહે દિવ્યાંગજનોની એક્સેસિબિલિટી (સુગમ પ્રવેશ) માટે અઢળક કામ કર્યું છે. ગુજરાતનાં અનેક શહેરોમાં ખાનગી તેમ જ સરકારી સંસ્થાઓમાં દિવ્યાંગોએ પ્રવેશ કરવો હોય કે આ મકાનોમાં ચઢઊતર કરવી હોય તો સુવિધાઓનો અભાવ હોય છે. અરે, એટીએમમાંથી પૈસા કાઢવા હોય તો પણ બીજાની મદદ લેવી પડે છે. કોઇ અજાણ્યા માણસ પર ભરોસો મૂકીને તેમને પાસવર્ડ પણ ન આપી શકાય. જાહેર કે ખાનગી પ્રવાસ બસોમાં પણ કોઇ દિવ્યાંગજને પ્રવાસ કરવો હોય તો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિદેશમાં દિવ્યાંગોની સુવિધા માટે જે સગવડ-સાધન હોય છે તેનો ભારતમાં હજી પણ અભાવ છે. સૂરસિંહે લિટરલી અનેક સરકારી કાર્યાલયોમાં ટાંટિયા (વ્હીલચેર પર કે કાખઘોડી દ્વારા) ઘસીને દિવ્યાંગજનોના સરળ પ્રવેશ માટે અનેક જગ્યાએ સુવિધા ઊભી કરી છે. સૂરસિંહ સારા આરટીઆઇ એક્ટિવિસ્ટ પણ છે. દિવ્યાંગજનો માટે તેમણે જ્યાં જ્યાં પણ જરૂરી હોય ત્યાં ત્યાંથી ઉપયોગી માહિતી એકઠી કરીને લોકોની સેવા કરી છે.
સૂરસિંહે પોતાનો બ્લોગ ઊભો કર્યો છે તેમાં અનેક સાહિત્યિક વાતો તેમ જ ખુદની રચેલી કવિતાઓ પણ મૂકી છે. સૂરસિંહ ખરેખર ઓલરાઉન્ડર છે. ક કોમ્પ્યુટરના ક થી લઇ ક કવિતાના ક સુધી તેમણે મહારથ હાંસલ કરી છે. શારીરિક રીતે અક્ષમ હોવા છતાં સમાજસેવા માટે દોડાદોડ કરી મૂકે છે. પોતાની ઓફિસના કર્મઠ કર્મચારી પૂરા સમાજ માટે સત્કર્મનો ભેખ લઇને ફર્યા કરે છે.
તેમનાં લગ્ન થયાં એક સાંગોપાંગ મહિલા હેમલતાબહેન જોડે એની પણ એક રસપ્રદ કહાણી છે, જેનો ઉલ્લેખ બીજી વાર કરીશું, પણ એક બીજું ઉમદા કાર્ય કરવા માટે તેમણે પત્નીનો સાથ આપ્યો છે તેનો ઉલ્લેખ કરવાની લાલચ ટાળી શકાતી નથી. તેમણે પત્નીને પાર્ટનર એબલ્ડ.કોમ નામની વેબસાઇટ શરૂ કરવામાં મદદ કરી છે. આ વર્ષના એપ્રિલ મહિનામાં શરૂ થયેલી વેબસાઇટ દિવ્યાંગજનોને જીવનસાથી મેળવવામાં મદદ કરે છે. અત્યારના સમયમાં નોર્મલ છોકરા-છોકરીઓને પણ યોગ્ય જીવનસાથીની પસંદગી કરવી
હોય તો કેટલી બધી તકલીફ પડે છે, તો પછી દિવ્યાંગોને તેમના જેવા જ કે તેમના પૂરક એવા જીવનસાથી મેેેળવવા હોય તો કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. આ સમસ્યા આ દંપતીના ધ્યાનમાં પણ આવી અને તેમણે આ વેબસાઇટ શરૂ કરી. લોકોએ શાબાશીનો વરસાદ વહેવડાવવો શરૂ કર્યો. હાલમાં જ ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તેમને આ પ્રવૃત્તિને બિરદાવતો પ્રશંસાપત્ર મોકલ્યો છે. અત્યાર સુધીમાં અનેક બાયોડેટા ભેગા કરીને તેમણે આ વેબસાઇટ પર મૂક્યા છે અને આનંદની વાત તો એ છે કે સાવ ટૂંકા ગાળામાં નવ અવિવાહિત દિવ્યાંગોને થાળે પાડ્યા છે.
ખરેખર સૂરસિંહભાઇ એટલી બધી પ્રવૃત્તિ કરે છે કે તેમને દિવ્યાંગ નહીં, દિવ્ય સૂરસિંહભાઇ કહીને સંબોધવા જોઇએ. તેઓ જેટલી પ્રવૃત્તિ કરતા હશે તેના માટે દિવસના ૨૪ કલાક પણ ઓછા પડતા હશે. હાલ ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ક્ષેત્રે સોલ્યુશન આર્કિટેક્ટ (એસ.એ.પી.) તરીકે કામ કરતા સૂરસિંહને દિવ્યાંગ સમાજના સોલ્યુશન આર્કિટેક્ટ (સોસાયટી સોલ્યુશન આર્કિટેક્ટ – એસ.એસ.પી) કહીને સંબોધીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. આવાં સામાજિક કાર્યો કરવા માટે ભગવાન તેમને વધુ ને વધુ સક્ષમ બનાવે તેવી પ્રાર્થના.

3 thoughts on “દિવ્યાંગો માટે અવરોધ મુક્ત વિશ્ર્વનું નિર્માણ કરવાનું સપનું છે આ દિવ્યાંગજનનું

  1. પરાઈ પીડ જાણનાર આવી વ્યક્તિનું વ્યક્તિત્વ દર્શન કરાવી તેમનાં સમાજઉપયોગી કાર્યો ને બિરદાવવા બદલ મુંબઈ સમાચાર નો આભાર..

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.