Homeએકસ્ટ્રા અફેરસમલૈંગિક લગ્નો મુદ્દે સુપ્રીમ નિર્ણય લે એ જ યોગ્ય

સમલૈંગિક લગ્નો મુદ્દે સુપ્રીમ નિર્ણય લે એ જ યોગ્ય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્ર સરકારે સજાતિય એટલે કે સમલૈંગિક લગ્નનો વિરોધ કરીને તેને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો ને સુપ્રીમ કોર્ટે આ મામલો પાંચ જજની બંધારણીય બેંચને સોંપ્યો એ સાથે સજાતિય એટલે સમલૈંગિક લગ્નનો મુદ્દો ફરી ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ સમલૈંગિક લગ્નની માન્યતા માટે સજાતિય સંબંધો ધરાવતા બે પુરુષોએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી અને તેની સામે કેન્દ્ર સરકારે આપેલો જવાબ છે. આ મામલે બીજી પણ અરજીઓ થઈ છે પણ મુખ્ય મુદ્દે આ બે પુરુષોનો છે.
આ બંને પુરુષોની મુલાકાત ૧૭ વર્ષ પહેલાં થઈ હતી. શરૂઆતમાં બંનેમાં દોસ્તી થઈ અને પછી પ્રેમ થયો ન પછી શરીર સંબધ બંધાયા. બંને પુરુષ છેલ્લાં ઘણા વરસોથી સજાતિય સંબંધો ધરાવતા ગે કપલ તરીકે સાથે રહે છે. બંને સાથે મળીને બાળકોનો ઉછેર પણ કરે છે પણ સત્તાવાર રીતે તેમને બાળકો દત્તક નથી અપાયાં કેમ કે, કાયદો સજાતિય સંબંધો ધરાવતા દંપતિને બાળક દત્તક લેવાનો અધિકાર આપતો નથી. ભારતમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા મળી નથી તેથી એ કપલ તરીકે બંને બાળકને દત્તક ના લઈ શકે.
આ વાત આમ તો એકદમ હાસ્યાસ્પદ કહેવાય કેમ કે એકલી રહેતી વ્યક્તિ બાળકને દત્તક લઈ શકે છે પણ સજાતિય સંબંધો હોય એવું દંપતિ બાળકને દત્તક ના લઈ શકે. ખેર, બંને દંપતિ તરીકે જ બાળકને દત્તક લેવા માગે છે તેથી તેમણે પોતાના લગ્નને માન્યતા અપાવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે ભારત સરકાર પાસેથી ૪ સપ્તાહમાં સમલૈંગિક લગ્ન અંગે જવાબ માગ્યો હતો.
કેન્દ્ર સરકારે રવિવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો હતો. કેન્દ્રની ૫૬ પાનાની એફિડેવિટમાં સમલૈગિંક લગ્નને ભારતીય પરંપરાથી વિરુદ્ધ ગણાવાયાં છે. ભારતમાં સામાજિક વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ પતિ-પત્ની તરીકે રહે ને તેમનાથી બાળકો પેદા થાય એ પ્રકારની છે. સમલૈગિંક સંબંધો ધરાવતાં યુગલોનાં બાળકો આ વ્યવસ્થા પ્રમાણે નથી હોતાં તેથી મોદી સરકારે વિરોધ કર્યો છે.
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલ હતી કે, દેશના દરેક નાગરિકને પ્રેમ કરવાનો અને તેને વ્યક્ત કરવાનો અધિકાર છે. આ અધિકારમાં કેન્દ્ર સરકાર દખલ કરતી નથી પણ તેનો અર્થ એવો નથી કે તેમને લગ્ન કરવાની મંજૂરી આપવી જોઈએ. મહેતાની દલીલ પ્રમાણે, સ્પેશિયલ મેરેજ એક્ટમાં પણ સ્ત્રી અને પુરુષના લગ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવામાં આવશે તો સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવાનો હેતુ નષ્ટ થશે અને તેની અસર સમગ્ર સમાજ પર પડશે.
સજાતિય સંબંધો ધરાવનારા લોકો સજાતિય એટલે કે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા મળે એ માટે લાંબા સમયથી ખેંચતાણ ચાલે છે. ભાજપ સહિતના મોટાભાગના રાજકીય પક્ષો સમલૈંગિક લગ્નની વિરુદ્ધ છે. જ્યારે સજાતિય સંબંધો ધરાવતા લોકોને સમલૈંગિક લગ્નને મંજૂરી જોઈએ છે. આ લોકો સોશિયલ મીડિયા પર સક્રિય છે ને સામે તેનો વિરોધ કરનારા પણ સક્રિય છે તેથી લાંબા સમયથી સોશિયલ મીડિયા પર પણ જંગ છેડાઈ ગયેલો છે.
આ જંગ અને સામસામી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે હવે આ કેસને ૫ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ મોકલ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે ૧૮ એપ્રિલે આગામી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટ સહિત દેશની તમામ હાઈ કોર્ટમાં દાખલ થયેલી સમલૈંગિક લગ્નને માન્યતાને લગતી બધી જ અરજીઓની સુનાવણી એકસાથે કરવાનો નિર્ણય પહેલાં જ લઈ લીધો છે. સુપ્રીમ કોર્ટે ૬ જાન્યુઆરીએ આ મુદ્દા સાથે જોડાયેલી બધી જ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરાવી હતી તેથી ૧૮ એપ્રિલે તમામ અરજીઓની સુનાવણી પણ થવાની છે. આ કેસની આગામી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે તેથી આખો દેશ સમલૈગિંક લગ્નોની તરફેણ અને વિરુદ્ધમાં શું દલીલ થાય છે એ જોઈ શકશે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ શું ચુકાદો આપે છે એ જોવાનું રહે છે. દેશના બંધારણનું અર્થઘટન કરવાનો અધિકાર સુપ્રીમ કોર્ટને છે. સુપીમ કોર્ટ એ અધિકારનો ઉપયોગ કરીને જે પણ ચુકાદો આપે એ માથે ચડાવવાનો હોય તેથી સમલૈગિંક લગ્નો કાયદેસર થવાં જોઈએ કે ના થવાં જોઈએ એ વિશે કશું પણ કહેવાનો મતલબ નથી પણ સમલૈગિંક લગ્નને મુદ્દે આપણા સમાજમાં બેવડાં માપદંડ તો છે જ તેમાં બેમત નથી.
ભારતમાં સજાતિય શારીરિક સંબંધો કાયદેસર છે પણ એ સંબંધો રાખનારા લોકો વચ્ચેનાં લગ્ન કાયદેસર ના ગણાય એ હાસ્યાસ્પદ જ કહેવાય. કેન્દ્ર સરકારે એવી વાહિયાત વાત કરી છે કે, કેન્દ્ર સરકાર સજાતિય સંબંધોમાં દખલ કરતી નથી. વાસ્તવમાં સરકાર દખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી.
સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બેન્ચે ૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ ઐતિહાસિક ચુકાદો આપીને બંધારણની કલમ ૩૭૬ નાબૂદ કરી દીધી હતી. આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ એકબીજાની મંજૂરીથી બંધાતા સમલૈંગિક સંબદો પણ અપરાધ ગણાતા હતા ને તેના માટે જેલની સજા થતી હતી. સુપ્રીમ કોર્ટે કલમ જ નાબૂદ કરી દીધી તેથી હવે સજાતિય સંબંધો રાખવા અપરાધ જ નથી રહ્યા. આ સંજોગોમાં સરકાર કોઈને કઈ રીતે રોકી શકે?
કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નોને ભારતીય પરંપરાની વિરુદ્ધ ગણાવ્યાં છે. ભારતીય પરંપરા એવું હથિયાર છે કે જેનો ઉપયોગ આલિયો, માલિયો, જમાલિયો કોઈ પણ પોતાની મુનસફી પ્રમાણે કરી શકે છે. કેન્દ્ર સરકાર પણ એ જ કરી રહી છે. કેન્દ્ર સરકારે સમલૈગિંક સંબંધો ધરાવતાં દંપતિના બાળકો અંગે કરેલી દલીલનો તો એમ કહીને છેદ ઉડાવી જ દીધો કે, સમલૈંગિક યુગલના દત્તક લીધેલા સંતાનનું સમલૈંગિક હોવું જરૂરી નથી.
કેન્દ્ર સરકાર સ્પષ્ટપણે સમલૈંગિક લગ્નોની તરફેણમાં વલણ લઈ શકે તેમ નથી કેમ કે આ મુદ્દો મતબૅંક સાથે જોડાયેલો છે. ભારતીય સમાજમાં સમલૈંગિક સંબંધોને તરફ લોકોને સૂગ છે. માત્ર હિંદુઓ જ નહીં પણ મુસ્લિમ-ખ્રિસ્તી સહિતના તમામ ધર્મ સજાતિય સંબધોને પાપ માને છે ત્યારે સમલૈંગિક સંબંધોને તો લોકો કઈ રીતે સ્વીકારે? આ કારણ સરકાર પોતે તેનો વિરોધ કરે છે, હવે સુપ્રીમ કોર્ટે જે નક્કી કરવું હોય એ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular