જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
જીવનમાં સાચું સુખ શાંતિ શેમાંથી ઉદ્ભવે, એ કઈ રીતે પ્રાપ્ત થાય અને એના માટે શું કરવું જોઈએ એવો પ્રશ્ન હર કોઈના દિલમાં ઊભો થાય છે. આફત, મુશ્કેલી, મૂંઝવણ, માંદગી અને દુ:ખના સમયમાં ઉપરના પ્રશ્નોની આંતરખોજ સતત ચાલતી રહે છે. માંદગી અને દુ:ખના સમયમાં માણસ ફિલસૂફ જેવો બની જાય છે. સાચું શું અને ખોટું શું એની પરખ કરવાની કસોટી આવા કટોકટીના કાળમાં થાય છે. દુ:ખ, મુશ્કેલી અને સમસ્યાઓ માણસને નરમ બનાવી નાખે છે. ગમે તેવો માથાભારે માણસ હોય પણ આવા સમયે હલબલી જાય છે. કપરા કાળમાં જ માણસને અંતરમાં ડોકિયું કરવાની ફૂરસદ મળે છે. જીવનનો હિસાબ કિતાબ આવા સમયે થાય છે. ખોટાં કામો, કાર્યો કર્યા હોય તો તેનો પસ્તાવો પણ થાય છે. મુસીબતમાં ઘેરાયેલો કઠોર માણસ પણ સંત જેવો બની જાય છે. કેટલાક માણસો આમાંથી બોધપાઠ લઈને સુધરે છે તો કેટલાક જરાક મુશ્કેલી દૂર થઈ કે હતાં ત્યાંને ત્યાં જ આવીને ઊભા રહી જાય છે. આ જ્ઞાન લાંબો સમય ટકતું નથી.
બધાં શાસ્ત્રોએ, તત્ત્વજ્ઞાનીઓએ અને સંત પુરુષોએ જેમણે આ અંગે ગહન રીતે વિચાર કર્યો છે અને હકીકત અનુભવી છે તેનું તારણ છે કે સાચું સુખ અને શાંતિ અંતરની છે બહાર નથી. બહારનું ગમે તેટલું સુખ હોય પરંતુ અંદર વલોપાત હોય તો સાચું સુખ અનુભવી શકાતું નથી.
સાચી શાંતિ ભીતરમાં છે તે કેમ ઉદ્ભવતી નથી એવો પ્રશ્ન પણ સહેજે થાય. જ્ઞાની પુરુષો કહે છે કે અંદર જે કચરો છે. જે ઝાળાંઓ ગૂંચવાયેલા પડ્યાં છે તેને દૂર કરવાની જરૂર છે. સ્વાર્થ, વાસના, કામ, ક્રોધ, લોભ અહંકાર અને પૂર્વગ્રહના આવરણો અંદરના સુખ શાંતિને બહાર નીકળવા દેતા નથી. આ બધા મલિન આવરણોને દૂર કરી શકાય તો સુખ અને શાંતિ એની મેળે ઉદ્ભવે. જ્યાં સુધી માણસ અંદરથી ખુશ ન હોય, આનંદનો અનુભવ કરી શકતો ન હોય, તનાવથી ઘેરાયેલો હોય ત્યાં સુધી એ સુખનો અનુભવ કરી શકે નહીં. સુખ એ આનંદની અનુભૂતિ છે. બહારના સુખની સૃષ્ટિ ઝાંઝવાના જળ જેવી છે. જેમ જેમ નજીક સરકતા જાવ તેમ તેમ તે દૂર થતી જાય છે અને અંતે નિરાશા સાંપડે છે. અંતરને ઓળખવાની સાચી દૃષ્ટિ જેણે કેળવી છે તેને માટે સુખ અને શાંતિનો સ્રોત અંદરથી વહેતો રહે છે. સ્વાર્થ, ક્રોધ, લોભ, લાલસા, અને આસક્તિ શાંતિ અનુભવવા દેતા નથી. આ બધું જાણવા છતાં જીવનમાં ઉતારી શકાતું નથી.
ભગવાન મહાવીરે કહ્યું છે કે દુ:ખનું કારણ હિંસા છે. જાણ્યે અજાણ્યે બીજાને દુ:ખ અને કષ્ટ ન આપો. ભગવાન બુદ્ધે કહ્યું છે કે તૃષ્ણા જ દુ:ખનું મૂળ છે. ગીતામાં કહ્યું છે કે બધા દુ:ખનું મૂળ આસક્તિમાં છે માટે અનાસક્ત બનો. આ બધાનો મૂળભૂત ભાવાર્થ એ છે કે આપણે રાગ દ્વેષ, લાલસા, પરિગ્રહ, સત્તા કીર્તિ જેની પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છીએ એ ક્ષણિક વસ્તુ છે. તેનું સુખ કાયમી નથી. સમય ફરે એટલે બધું ફરી જાય છે. સાચું સુખ એ છે કે જે સદાય સુખમય રહે. અને કદી દુ:ખમાં ન પરિણમે. જીવનમાં રાગ અને દ્વેષ એટલાં પ્રબળ છે જે માણસને ગુલામ બનાવી દે છે. મોહ અને આસક્તિના બંધનોમાંથી મુક્ત થવાનું એટલું સરળ નથી. આપણે કેટલી વસ્તુઓ રાખીએ છે તેના પર તે આધારિત નથી. માણસને નાની એવી નકામી ચીજ માટે પણ મોહ અને આસક્તિ હોઈ શકે છે. આ અંગે એક નાની કથા બોધરૂપ છે.
એક ગુરુએ પોતાના શિષ્યને અંતિમ શિક્ષણ માટે ભોગ અને વિષયમાં રિક્ત એવા સમ્રાટ પાસે મોકલ્યો. શિષ્યને આશ્ર્ચર્ય અને દુ:ખ પણ થયું. હું એક સંન્યાસી અને અંતિમ શિક્ષણ માટે ભોગી સમ્રાટ પાસે જાઉં. જે ધન, પદ અને પ્રતિષ્ઠાની દોડમાં છે અને જે મોજ શોખ અને એશ આરામમાં વ્યસ્ત છે. તે મને શો બોધ આપવાનો? ગુરુની આજ્ઞા હતી એટલે મને કમને ગયા વગર છૂટકો નહોતો. સમ્રાટના દરબારમાં એ પહોંચ્યો ત્યારે મહેફિલ જામી હતી. નૃત્યની રમઝટ બોલતી હતી. સમ્રાટ નશામાં મસ્ત હતો અને દરબારીઓ ડોલતા હતા. શિષ્ય તો આ બધું જોઈને દંગ થઈ ગયો. ત્યાંથી ભાગી છૂટવાનું મન થયું. પરંતુ સમ્રાટે આગ્રહ કર્યો. આવ્યા છો તો એક રાત રોકાઈ જાઓ અને મજા માણો. શિષ્ય આંખો બંધ કરીને મહેફિલમાં બેસી રહ્યો. સમ્રાટે કહ્યું; મહારાજ આમ બંધ આંખે જોવાં કરતાં ખુલ્લી આંખે જુઓ તો વધુ મજા આવશે. સવારે શિષ્યને લઈને સમ્રાટ મહેલ પાસે વહેતી નદીમાં નાહવા ગયા. બંને જણાએ વસ્ત્રો ઉતારીને મહેલના કઠોડા પર મૂક્યાં. અને નદીમાં ઉતર્યા. થોડીવાર નાહ્યા પછી સંન્યાસી શિષ્યે બૂમ મારી. અરે જુઓ શું થયું? તમારા મહેલમાં આગ લાગી છે. દોડો દોડો… સમ્રાટ નદીના વહેતા જળમાં મસ્ત બનીને આનંદથી આ નીરખી રહ્યો હતો. તેણે કહ્યું ત્યાં ઘણા લોકો છે સંભાળી લેશે. જે થવાનું હશે તે થશે. આગ લાગી તો ભલે લાગી. આ સંસારમાં બધી વસ્તુઓનો વહેલો કે મોડો નાશ થવાનો છે. ચિંતા કરો નહીં. આનંદથી સ્નાનક્રિયા ચાલુ રાખો. સંન્યાસી પ્રસરતી જતી આગને જોઈને વિહવળ બની ગયો. અને કઠોડા પર મૂકેલાં પોતાનાં વસ્ત્રો બચાવવા દોટ મૂકી. સમ્રાટે સાદ દીધો. અરે મહારાજ જરા વિચારો તો ખરાં મારો આખો મટેલ બળી રહ્યો છે અને તમે માત્ર તમારાં ત્રણ કપડાને બચાવવાં દોટ મૂકી રહ્યા છો. કોનો મોહ વધારે? કોની આસક્તિ વધારે? ઓશોએ ટાંકેલી આ કથાનો સાર એ છે કે નાની નાની ચીજો સાથે આપણે બંધાઈ જઈએ છીએ. આ બંધન છે. વળગણ છે. આપણને કોઈએ બાંધ્યા નથી. આપણે જાતે બંધાઈ ગયા છીએ. સંસારને છોડીને પણ આ પ્રકારનો ભાવ ન હોય તો ત્યાગી બની શકાય નહીં. ત્યાગ ખરા અર્થમાં મુક્તિ છે. આ પછી કશું હોય કે ન હોય કશો ફરક પડતો નથી.
જ્ઞાની માણસો કહે છે…
(૧) જો તમે શાંતિથી રહેવા માગતા હો તો પ્રથમ બીજાના દોષો, ઉણપો અને ત્રુટિઓ જોવાનું બંધ કરી દો અને પોતાના તરફ નજર કરો. અને તમારામાં કશી ખામી હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. બીજા તરફ નજર તકાયેલી હશે તો સુખનો અનુભવ નહીં કરી શકો.
(૨) ક્રોધ, રોષ અને ગુસ્સાને કાબૂમાં રાખો. ક્રોધ કરશો તો સામા માણસને જે કાંઈ થવાનું હશે તે થશે પણ તમને ચોક્કસ નુકસાન થશે. ક્રોધ અગ્નિ જેવો છે તે તમને બાળી નાખશે.
(૩) સ્વાર્થ અને લોભ માણસને મનથી કંગાળ બનાવી નાખે છે. કશું છૂટતું નથી. સ્વાર્થ આવે ત્યારે બધા સંબંધો તૂટે છે. માણસ કોઈનો રહેતો નથી.
(૪) જીવનમાં રાગ અને દ્વેષ શાના માટે? આપણે કાયમના માટે આ દુનિયામાં ક્યાં રહેવાનું છે. આ ટૂંકી સફરમાં કોઈની સાથે વેરઝેર બાંધીને શા માટે બગાડવું? આ બોજો ઉપાડીને ક્યાં સુધી ચાલ્યા કરીશું? તારું મારું છોડીને હળવા ફૂલ બની જઈએ તો જીવન આનંદમય બની જશે.
(૫) સુખ અને દુ:ખ માણસની ધારણા અને અપેક્ષાઓ પર નિર્ભિત છે. સાચો આનંદ મનનો છે. આપણે મનથી રાજી નથી તો સોનાના મહેલો પણ નકામાં છે.
(૬) સાચા સુખનું લક્ષણ એ છે કે આપણા કારણે કોઈને દુ:ખ ન પહોંચે અને આપણું સુખ બીજાના દુ:ખનું કારણ બનવું જોઈએ નહીં.
(૭) “કરણી એવી ભરણી જેવું કરીશું તેવું પામીશું. કર્મનો બદલો મળ્યા વગર રહેતો નથી. ખોટું કામ કરીએ ત્યારે અંતર ડંખતું હોય છે અને વસવસો પણ રહે છે આમ નહીં કર્યું હોત તો સારું થાત એવો વિચાર પણ આવે છે. પરંતુ જ્યાં સુધી ભીતરનાં દ્વારો ખુલતા નથી ત્યાં સુધી ચેતનાની ક્ષણો સર્જાતી નથી.
જીવનમાં જેટલી જરૂરિયાત ઓછી એટલું સુખ. મારાપણું આવ્યું એટલે બધું ખતમ. મારી મિલકત, મારા પૈસા, મારી મહેલાતો, મારી કીર્તિ આ બધી વાત આવે એટલે સ્વાર્થ શરૂ થયો. આ બધું ટકાવી રાખવા માટે રાગ, દ્વેષ અને પ્રપંચ રહેવાના. મોહ અને લોભ વધ્યો એટલે ત્યાગની ભાવના નષ્ટ થઈ ગઈ. મન સંકુચિત બની ગયું. દરેક વસ્તુની હયાતી અને તેના અભાવમાં આગવી સુંદરતા છે. વસ્તુ હોય ત્યારે અને ન હોય ત્યારે પણ તેમાંથી આનંદની અનુભૂતિ પ્રાપ્ત થવી જોઈએ. આનાથી માણસ પરવશ કે પરાધીન બનતો નથી પરંતુ મુક્તિેનો સાચો અહેસાસ માણી શકે છે.