જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
(ગતાંકથી ચાલુ)
રસ્તામાં પર્વતીય સૌંદર્ય જોવા માટે એક છત્રી બનાવેલી છે તેમાં વિશ્રામ કરવા બેઠા. અમે તો ઘણી ઊંચાઈ પર હતા. છેક નીચે નાનાં નાનાં વાદળો દોડાદોડ કરતાં હતાં. નાના હતા ત્યારે પરીઓની વાર્તા વાંચતા તેમાં પરીઓ વાદળ પર વિહાર કરતી વાંચીને વાદળ પર બેસીને ઉડવાનું ઘણું મન થતું. જોકે વાદળ પર બેસીને ઉડવાનું તો શક્ય નથી પણ વાદળથી પણ ઉપર બેઠા છીએ પરીઓનાં દેશમાં.
બાળપણનું બાળમન પરીઓની વાર્તા વાંચીને કેવા કેવા ખ્યાલ કરે. એની જ એક આછેરી ઝલક અમારી સામે સાક્ષાત્ હતી. દૂર બરફાચ્છાદિત શિખરોવાળા પર્વતોના પગપખાળીને દોડી જતી ગિરિનદીઓના વણાંકો કંઈ ઓછા લોભામણા ન હોય. અહીં બેઠા છીએ ત્યાંથી લગભગ ૩ કિ.મી. જેટલી નદી આડાઅવળા વણાંક લેતી દેખાય છે.
નદીનો ખળખળ નાદ અહીં સુધી પડઘા પાડે છે. તે ઉપર નાનાં નાનાં વાદળો તેથી ઘણા ઉપર અમે જાણે કોઈ મેરૂપર્વતની મેખલા પર બેઠા હોઈએ એવો આભાસ થાય. અડધો કલાક સુધી દિવ્યતાનું આચમન કરી અમે પગ ઉપાડ્યો.
ગોપેશ્ર્વર ગામમાં પહોંચ્યા અહીં એક વૈતરણી નામનો કુંડ છે. વૈતરણી નદી તો નરકમાં સાંભળેલી પણ આ તો ધરતી પર વૈતરણી કુંડ છે. અહીં એવી માન્યતા છે કે કોઈ વૈતરણી કુંડમાં સ્નાન કરી લે તો તેને વૈતરણી નદીમાં પડવું ન પડે. અમે પણ કુંડ જોયો પાણી ગંદું હતું. ભક્તો ડૂબકી લગાવીને નિતરતા રસગુલ્લાની જેમ બહાર નીકળી રહ્યા હતા. થોડા આગળ વધ્યા તો એક ખૂબ મોટું શિવમંદિર આવ્યું. અહીં તેને ગોપાનાથનું મંદિર કહેવામાં આવે છે. કહેવાય છે કે ૧૧મી સદીમાં કોઈક રાજાએ આનું નિર્માણ કર્યું હતું.
અહીં એક પ્રાચીન લાકડાની બનેલી ધર્મશાળા છે. પગે ચાલીને યાત્રા કરનાર સાધુ- સંન્યાસી માટે અન્નક્ષેત્ર પણ છે. અમને પણ આમંત્રણ મળ્યું, પણ અમે તો આગળ નીકળી જવાનું જ વિચાર્યું હતું. કારણ કે સિમેન્ટનાં શોર્ટકર્ટથી ચમોલી માત્ર ૪ કિ.મી. જ હતું. રોડથી જઈએ તો ૧૦. વળી નીચે સતત ઉતરાણ જ છે એક કલાકમાં પહોંચી જઈશું. પ્રાચીન મંદિરનું નિરીક્ષણ કર્યું. શિખરમાં એક સ્થાને બુદ્ધ પ્રતિમાનાં મુખ જેવા જુદા જુદા પાંચ મુખ કોતરેલા હતા.
આજુબાજુ દીવાલોનાં પથ્થર પર કેટલાક અસ્પષ્ટ લેખ લખેલા હતા. મંદિર પરિસરમાં ખંડિત મૂર્તિ અને મંદિરનાં કેટલાક અવશેષો મૂકેલા. આસપાસના ક્ષેત્રમાં સૌથી મોટા શિખરવાળું આ મંદિર છે.
ઉત્તરાખંડ ક્ષેત્રમાં એક વાત ખાસ નિરીક્ષણ કરી જે જે મંદિરો બનેલાં છે તે સ્થાનિક પથ્થરોની જ બનેલાં છે. એજ વાત અમે દક્ષિણ ભારતમાં તામિલનાડુ કર્ણાટક આદિમાં જોઈ હતી.
જો કે તે સારૂં છે. સ્થાનિક પથ્થરનું જ મંદિર નિર્માણ થાય તો તેનું આયુષ્ય હજારો વર્ષોનું થાય. અહીં ૧૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન મંદિરો આજે એવાં જ મજબૂત ઊભાં છે. ચૂનો- સીમેન્ટ હોય કે ન હોય પણ મંદિરોને કોઈ અસર નથી. કદાચ પથ્થરની ઉત્પત્તિ જે વાતાવરણમાં થઈ છે તે વાતાવરણમાં રાખવાથી એનું આયુષ્ય લંબાતું હોય. તેને વધારે ચોટકની જરૂર ન હોય. દક્ષિણ ભારતમાં તો એવાં મંદિરો પણ જોયાં કે સ્થાનિક પથ્થરથી બનેલ મંદિરમાં લાગેલા એક પથ્થરનાં સાંધા એકબીજા સાથે જોડાઈ ગયા હોય. જાણે એક જ મહાશીલાખંડમાંથી આખું મંદિર નિર્માણ પામ્યું હોય તેવું લાગે. ઈચ્છુકો બેલગામમાં નેમીવસતિ નામનું ૧૦૦૦ વર્ષ પ્રાચીન જૈન મંદિર જોઈ શકે. તેથી આગળ ગદગ (કર્ણા.) થી ૧૦ કિ.મી. દૂર લખુંડીમાં ૧૦-૧૨ દેરાસરો જોઈ શકાય.
મદુરાઈના કાળા પથ્થરનાં મંડપ જોઈ શકાય. કુંભાકોણંમ્ની મંદિર શ્રેણીઓ સાક્ષાત નજરની સામે છે. તામિલનાડુમાં કાંજીવરમ્થી પાંડીચેરી સુધીનાં દિગંબર જૈન તીર્થ ક્ષેત્રોના લગભગ ૨૦૦ જેટલાં મંદિરોમાં આ વસ્તુ જોવા મળી. એક દૂર શું જવું શત્રુંજય ગિરિરાજ પર તીર્થાધિરાજ આદિશ્ર્વર દાદાનું દેરાસર જુઓ ગિરનારજી પર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ દાદાનું ગ્રેનાઈટનું જિનાલય જુઓ એમાં ક્યાંય કોઈ સાંધો દેખાશે નહીં. દેલવાડા- મીરપુર- કુંભારીયામાં પણ સ્થાનિક પથ્થરનો જ ઉપયોગ કર્યો છે. એ તો વિશ્ર્વવિદિત છે.
વર્તમાનમાં દેરાસર બનાવવા માટે આરસનો જ આગ્રહ રાખવામાં આવે છે. કેટલું ઉચીત છે તે વિચારકોએ વિચારવું. ક્યારેક તો દેસારસ માટે એટલો ખરાબ આરસ વપરાય છે કે મન થાય આથી તો ઘાંસની ઝૂંપડીમાં પરમાત્મા વધારે સુંદર લાગે અને મનમાં શુભભાવો વૃદ્ધિ પામે.
અહીંનાં મંદિરોમાં સ્થાનિક પથ્થરનો ઉપયોગ કરીને ખૂૂબ બુદ્ધિમાનીનું કાર્ય કર્યું છે.
૧૦ વાગ્યા સુધી અમે ચમોલી પહોંચી ગયા. રહેવાની વ્યવસ્થા સરસ થઈ ગઈ. અલકનંદા દૂધપાક જેવા ધુલીધુસર ધવલજલને ખૂબ ઉતાવળે આગળ લઈ જતી હતી. આ ક્ષેત્રની સૌથી વધારે તોફાની નદીનો ઘેરો ઘોષ છેક ડુંગરની ટોચ સુધી ગાજતો હતો.
આખા વાતાવરણમાં જયઘોષનું એકચક્રી સામ્રાજ્ય પથરાયેલું છે.
અલકનંદા એટલે અલકનંદા એનો રૂબાબ જ જુદો, એની ચાલવાની છટા જુદી. ઊંચા-ઊંચા પહાડોની વચ્ચે પણ લીસોટા પાડીને આગળ વધતી પ્રચંડ સલીલા ખરેખર અનુપમ લાગતી હતી. (ક્રમશ:)