એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં બીજું બધું ખાડે ગયું છે પણ ન્યાયતંત્ર હજુ સાબૂત છે તેનો અહેસાસ સમયાંતરે થયા કરે છે. ન્યાયતંત્રમાં પણ નીચલી કોર્ટોને તો બહુ વખાણવા જેવી નથી પણ હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટ હજુય સામાન્ય લોકોનો ન્યાયતંત્ર પર ભરોસો ટકી રહે એ રીતે વર્તે છે. હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટ હજુય સરકારનો કાન આમળે છે ને તેની સામે સવાલ પણ કરીને દેશમાં તંદુરસ્ત લોકશાહીને જાળવવા માટે મથ્યા કરે છે.
સુપ્રીમ કોર્ટે આવા જ એક ચુકાદામાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (ઈઊઈ)ની નિમણૂક કઈ રીતે થાય છે તે અંગે સવાલ ઉઠાવ્યા છે. હાલમાં ભારતમાં ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર કે ચૂંટણી કમિશ્નરની નિમણૂક માટેનાં કોઈ ધારાધોરણ નથી. આ ધારાધોરણ નક્કી કરીને ભવિષ્યમાં કોલેજિયમ સિસ્ટમ હેઠળ ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર કે ચૂંટણી કમિશ્નરની નિમણૂક થવી જોઈએ એવો મુદ્દો ઉપસ્થિત કરીને ૨૩ ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ અરજી કરાઈ હતી.
આ અરજીમાં સીબીઆઈના ડાયરેક્ટર, લોકપાલ કે તેના જેવા બીજા હોદ્દા પર માત્ર કેન્દ્ર સરકાર એકપક્ષીય રીતે નિમણૂક નથી કરતી એ રીતે ચૂંટણીપંચના કમિશ્નર કે મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક પણ કોલેજિયમ કે બીજી પ્રક્રિયા દ્વારા કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપે એવી માગણી કરાઈ છે. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ઘણી બધી મહત્ત્વની બાબતો ઉઠાવી છે.
સુપ્રીમ કોર્ટે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (ઈઊઈ)ની નિમણૂકની પ્રક્રિયા અંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષનો હોય છે પણ છેલ્લા અઢી દાયકાથી કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર પૂરાં છ વર્ષ સુધી ટક્યા જ નથી. મોટાભાગના કેસમાં છ વર્ષની મુદત પૂરી થાય એ પહેલાં વયમર્યાદાના કારણે દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને નિવૃત્ત કરી દેવાય છે. આ ચલણ સામે સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ૧૯૯૦થી ૧૯૯૬ દરમિયાન ટી.એન. શેષાન દેશના મુખ્ય ચૂંટણી કમિશનર હતા પણ તેમની નિમણૂક પછી કોઈપણ મુખ્ય ચૂંટણી કમિશરને તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂરો કરવાની તક મળી નથી.
સુપ્રીમ કોર્ટે કટાક્ષ પણ કર્યો કે, કેન્દ્ર સરકાર દેશના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક તેમની જન્મતારીખના આધારે કરે છે? સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચમાં નવા કમિશ્નર નિમાયેલા અરુણ ગોયલની નિમણૂક સામે પણ સવાલ ઉઠાવ્યા છે. મોદી સરકારે તાજેતરમાં ચૂંટણીપંચમાં નવા કમિશ્નર તરીકે અરુણ ગોયલની નિમણૂક કરી છે. આ નિમણૂક કઈ રીતે કરાઈ એ સવાલ પણ સુપ્રીમ કોર્ટે ઉઠાવીને એ અંગેની ફાઈલ રજૂ કરવા કેન્દ્ર સરકારને ફરમાન કર્યું છે.
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા મુદ્દે કેટલીક ગંભીર ટીપ્પણી પણ કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, યુપીએ સરકાર હોય કે વર્તમાન સરકાર પણ હવે બંધારણમાં ચૂંટણીપંચમાં નિમણૂક અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી તેનો ગેરલાભ લેવાનો ટ્રેન્ડ બની ગયો છે.
સુપ્રીમ કોર્ટે બીજી ઘણી વાતો કરી છે ને એ બધી માંડી શકાય તેમ નથી પણ સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો મુદ્દો ઉઠાવીને રાજકારણીઓની લુચ્ચાઈને છતી કરીને પ્રસંશનીય કામ કર્યું છે તેમાં બેમત નથી. રાજકારણીઓ એવી દલીલ કરતા હોય છે કે, આપણા બંધારણમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક માટે કોઈ કાયદો નથી તેથી સરકાર તેને શ્રેષ્ઠ લાગે તેની નિમણૂક કરે છે. આ દલીલ સાચી નથી કેમ કે બંધારણમાં ચીફ ઈલેક્શન કમિશનર અને બે ઈલેક્શન કમિશનરની નિમણૂક કરવા માટે કાયદો બનાવવાની જોગવાઈ છે જ.
આપણા બંધારણની કલમ ૩૨૪ (૨) હેઠળ સંસદમાં ચીફ ઈલેક્શન કમિશનર અને બે ઈલેક્શન કમિશનરની પસંદગી અને નિમણૂક માટે કાયદો બનાવવાનો આદેશ અપાયેલો જ છે પણ રાજકારણીઓએ પોતાના ફાયદા માટે છેલ્લા સાત દાયકામાં એવો કાયદો જ ના બનાવ્યો. દરેક સરકારે પોતાના માનીતાઓને ચૂંટણીપંચમાં ગોઠવીને મનમાની કરી નાંખી. આ વાત માત્ર મોદી સરકારની નથી પણ બધી સરકારોએ આ પાપ કર્યું છે.
બધા રાજકારણીઓ એવી સફાઈ ઠોકતા હોય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક નિષ્પક્ષ રીતે કરવામાં આવે છે પણ તેના માટે એક વ્યવસ્થા ગોઠવવામાં તેમને પેટમાં ચૂંક આવે છે. શેષાને મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે રાજકારણીઓમાં કાળો કેર વર્તાવેલો. એ પછી તો બધા ચેતી ગયા ને કાયદો બનાવવાની વાત જ અભરાઈ પર ચડી ગઈ. ચીફ ઈલેક્શન કમિશનર અને બે ઈલેક્શન કમિશનરની નિમણૂક માટે નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા અપનાવવી જોઈએ એ વાત જ બાજુ પર મૂકાઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટ રાજકારણીઓની આ લુચ્ચાઈનો ઉપાય શોધીને ચીફ ઈલેક્શન કમિશનર અને બે ઈલેક્શન કમિશનરની નિમણૂક માટે નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા અપનાવવા કાયદો બનાવવા ફરમાન કરે એ જરૂરી છે. છેલ્લાં કેટલાંય વરસોથી ચૂંટણીપંચ રાજકીય પક્ષોનું ને ખાસ તો સત્તામાં બેઠેલાં લોકોનું કહ્યાગરુ બનીને વર્તે છે. શાસક પક્ષમાં બેઠેલાં લોકોની ગેરબંધારણીય પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરે છે ને તેમને છાવરે છે. તેના કારણે ચૂંટણીપંચની પ્રતિષ્ઠા ધોવાઈ જ ગઈ છે. સીબીઆઈ કે ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓની જેમ ચૂંટણીપંચ પણ સત્તાધીશોનો પાળેલો પોપટ છે એવી માન્યતા દૃઢ બનતી જાય છે.
આ સ્થિતિ બદલવી જરૂરી છે. ચૂંટણીપંચને નિષ્પક્ષ રાખવું હોય તો નિમણૂકના નિયમો બનાવવા જરૂરી છે, બાકી તો કહ્યાગરા ને પાલતું અધિકારીઓ જ ચૂંટણીપંચમાં આવી જશે. લાયક ને સક્ષણ વ્યક્તિ ચૂંટણીપંચમાં આવે તો શું કરી શકે એ શેષાન કે લિગદોહના કિસ્સામાં આપણે જોયું જ છે. તેમના જેવા કડક ચૂંટણી કમિશનર આવી જાય તો રાજકીય પક્ષોને કાન પકડીને નિયમોનું પાલન કરાવી શકે. બાકી પાલતું અધિકારીઓને તો નેતાઓ ઘોળીને પી જાય છે.
ભારત લોકશાહી દેશ છે ને લોકશાહી દેશમાં નિષ્પક્ષ ચૂંટણી સૌથી મહત્ત્વની હોય છે. તેના કારણે જ લોકશાહી ટકે છે તેથી પણ સુપ્રીમ કોર્ટ આદેશ કરે એ જરૂરી છે. ઉ