Homeધર્મતેજકોઈનો ઉદ્ધાર કરવો આસાન છે, સુધાર કરવો પણ આસાન છે, પરંતુ પડેલાનો...

કોઈનો ઉદ્ધાર કરવો આસાન છે, સુધાર કરવો પણ આસાન છે, પરંતુ પડેલાનો પ્રેમથી સ્વીકાર કરવો મુશ્કેલ છે

માનસ મંથન – મોરારિબાપુ

આ કથાની કેટલીક વિશેષ પ્રસન્નતા મારી વ્યાસપીઠને છે. મારા મનમાં એ કૈલાસી મનોરથ હતો કે એક વાર હું મારી વ્યાસપીઠને લઈને મારા કિન્નર સમાજ પાસે જાઉં અને કિન્નર અખાડાનાં આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી કે જેમને આપણે ‘લક્ષ્મી’ કહીએ છીએ અને જેમને કુંભના અવસરમાં મહામંડલેશ્ર્વર પદ પર અભિષિક્ત કર્યાં. જગદ્ગુરુની પાદુકા તો આપણી સાથે છે જ, પરંતુ આ નવી પાદુકા છે, જેને લોકોએ ઠોકર મારી હતી, જેને તોડીને ચૂરેચૂરા કરવાની કોશિશ કરી હતી! આ એક નવી પાદુકા જગદ્ગુરુનાં ચરણોમાં બિરાજમાન છે અને એનું નામ છે લક્ષ્મી.
‘માનસ’નો મંત્ર સ્વીકારનો મંત્ર છે અને મારા સદ્ગુરુ ભગવાનની કૃપાથી, મારા હનુમાનજીની કૃપાથી અને સમગ્ર જનતાની શુભકામનાથી મને આવાં કાર્યોમાં નિમિત્ત બનવાનો અવસર મળે છે. તલગાજરડા ગદ્ગદ છે! જે બીજ કૈલાસીવિચારમાંથી વાવવામાં આવ્યું હતું એ આજે ભગવાનના આશીર્વાદ્ક જળથી અંકુરિત થયું છે. મારી ઈચ્છા હતી કે આ કિન્નરસમાજની સામે એકવાર હું કથા ગાઉં. સમગ્ર સંસારના કિન્નર સમાજને ખબર છે કે લક્ષ્મીજીની આગેવાનીમાં નવ દિવસીય રામકથા કિન્નર સમાજને સમર્પિત થવા જઈ રહી છે. અને મને સૌથી વધારે પ્રસન્નતા એ વાતની છે કે મારી વ્યાસપીઠ, મારા રામ બધી જગ્યાએ ગયા છે. વિશ્ર્વામિત્ર ઈચ્છે તો એક શાપ આપીને, મારીચ, સુબાહુનું નિર્વાણ કરીને યજ્ઞ પૂરો કરી શકતા હતા પરંતુ વિશ્વામિત્રએ વિચાર્યું કે રાઘવ કેવળ, કેવળ દશરથના આંગણાના અજીર વિહારી જ બની રહેશે તો વિશ્ર્વના મિત્ર ક્યારે બનશે? એ રામને વિશ્ર્વના મિત્ર બનાવવા જોઈએ. એટલા માટે વિશ્ર્વામિત્ર રામને બોલાવવા ગયા અને રામ અને લક્ષ્મણને લઇને ચાલી નીકળ્યા. અવતાર બહાનું શોધે છે. પરમ તત્ત્વ સમગ્ર વિશ્ર્વના કલ્યાણનું બહાનું શોધે છે. વિશ્ર્વામિત્ર રામ -લક્ષ્મણને લઈને ચાલ્યા. આસુરી વૃત્તિઓ વાળાઓનું નિર્વાણ કર્યું. રામે વિચાર્યું, રામનો શિવ સંકલ્પ થયો કે અવધથી સિદ્ધાંશ્રમ સુધીની મારી પદયાત્રા જો આટલું સુંદર પરિણામ લાવી શકતી હોય તો એવું કોઈ બહાનું બનાવીને હું ચૌદ વર્ષ પદયાત્રા કરું અને રસ્તામાં આવે એ સૌનો સ્વીકાર કરું.
વિશ્ર્વામિત્રને રામ કહે છે, પ્રભુ, આ કોનો આશ્રમ છે? આ પથ્થરની માફક અચેતન બનીને કોણ પડ્યું છે ? અને અહલ્યાઓના પુનરાવર્તન થતા જ ગયા. થતા જ ગયા, થતા જ ગયા! અને આજે લક્ષ્મી સુધી અહલ્યાઓનો પુનરાવતાર પહોંચ્યો. રાઘવે જિજ્ઞાસા કરી કે આ કોણ છે? અહીં આજુબાજુમાં કોઈ કેમ નથી ? ભોગલોલુપ સમાજનો એક ઈન્દ્ર શોષણ કરીને ભાગી ગયો છે! સમાજે શું કર્યું સાહેબ! ભગવાન, મને આશીર્વાદ આપશો. અને મારા પર આપના આશીર્વાદ છે. મારે આ આખીય પૃથ્વી પ્રસન્નતાથી ભરાઈ જાય ત્યાં સુધી જીવવું છે. શું ગુનો કર્યો છે પરમાત્માની આ પરમ સૃષ્ટિએ કે જે મારી -મારી ઘૂમી રહી છે ! ઘણા લોકો આ કિન્નર સમાજને સ્પર્શતા નથી! ઠોકર, ઠોકર, ઠોકર! ઉદ્ધારક તો ઘણા આવ્યા; સુધારક પણ ઘણા આવ્યા પરંતુ સ્વીકારક બહુ ઓછા આવ્યા. ઉદ્ધાર કરવો આસાન છે, સુધાર કરવો પણ આસાન છે, પરંતુ પડેલાનો પ્રેમથી સ્વીકાર કરવો મુશ્કેલ છે. એ મારા રામે કર્યો; એ મારા રાઘવે કર્યો. અને જુઓ ભારતના ઋષિ ! શું પક્ષ લીધો છે મારા દેશના એક સાધુએ! રામને કહ્યું કે રાઘવ, આ ગૌતમની નારી પાપવશ નથી. એણે કોઈ પાપ નથી કર્યું. કેવો પક્ષ લીધો વિશ્ર્વામિત્રએ ! અહલ્યા પાસે એ ઊભા રહી ગયા. કહ્યું, આ ગૌતમની નારી શાપવશ છે, પાપવશ નથી.
તુલસી ક્રાંતિકારી છે. તુલસીને આ રૂપમાં જુઓ કે તુલસીના વિશ્ર્વામિત્ર અહલ્યા પાસે ઊભા રહી ગયા છે. હું એમના પક્ષમાં છું. આજે મારી રામકથા કિન્નર સમાજના પક્ષમાં છે. આ રામકથા પાઠશાળા નથી. આ ધર્મશાળા પણ નથી. આ તલગાજરડી પ્રયોગશાળા છે. એમાંથી કંઈક રિઝલ્ટ આવે, કંઈક પરિણામ આવે. સમાજની સામે કેટલીક નક્કર વસ્તુ નિર્મિત થાય, એમાં મારા આચાર્યોના આશીર્વાદ છે. વિશ્ર્વામિત્ર ઉભા રહી ગયા અહલ્યાના પક્ષમાં, ‘મહારાજ, એ આપની પાસેથી બીજું કંઈ નથી માંગતી. હા, આપના ચરણ કમળની રજ. રજનો મતલબ આપની થોડી એવી કૃપાદ્રષ્ટિ, રજમાત્ર કરુણા ઈચ્છે છે. એને સમાજમાં સ્થાપિત કરો.’ એટલા માટે તો સમાજમાં રામ આવ્યા છે. રામે ઈચ્છયું હોત તો તેઓ અયોધ્યાના સુંદર રથમાં સ્પીડમાં ચાલ્યા જાત પરંતુ એમણે પદયાત્રા એટલા માટે કરી કે સમાજની અનેક અહલ્યાઓ રસ્તામાં પડી છે,એનો સ્વીકાર કોણ કરશે ? અહલ્યા તપપુંજની માફક ઊભી થઈ, જ્યારે અહલ્યા ઊભી થઈ ત્યારે ગોસ્વામીજી કહે છે, પ્રગટ ભઈ તપપુન્જ સહી ! અને સૌથી મોટું તપ છે સમાજનું અપમાન સહન કરવું, સમાજનો તિરસ્કાર સહન કરવો. લક્ષ્મી અને આપના આ કિન્નર સમાજે સમગ્ર સમાજનું અપમાન સહન કરીને ઘણું તપ કર્યું છે. આજે આપણા એક આચાર્ય જગતગુરુ અહીં આવ્યા છે, જે તપનું ફળ મળવાનો આજે યોગ છે. તો રામે આ જનકપુર સુધીની નાની એવી પદયાત્રામાં અહલ્યાઓનો સ્વીકાર કર્યો, એમને સ્થાપિત કરી. રામને થયું કે ચૌદ વર્ષ પદયાત્રા કરું. રાઘવ ગયા કેવટો પાસે. એમને સુધારવા માટે નહીં, એમને સ્વીકારવા માટે. આપણે સૌને સુધારી શકીએ એ મુશ્કેલ છે. રામે જે કર્યું તે કરવું પડશે. રામ ચૌદ વર્ષ માં કેવટો પાસે ગયા; કૌલ કિરાતો પાસે ગયા; વાનરો પાસે ગયા; રીંછ પાસે ગયા; પત્થરો પાસે ગયા; પથ્થરો દ્વારા રામ લંકામાં અસુરો પાસે ગયા. રાવણે રામને નિમંત્રણ આપ્યું હતું ? રામ ખુદ સેતુ બનાવીને ગયા. સ્વયં ગયા. આ છે રામકથાનો પરમ વિચાર.
મારે નવ દિવસ કિન્નર સમાજ પર બોલવું છે. ‘માનસ’ માં જે કિન્નરની ગણતરી છે તે કેવા કેવા રૂપોમાં ગોસ્વામીજી કિન્નરોને આદર સાથે લાવી રહ્યા છે. કિન્નર શિવની
સ્તુતિના સૌથી મોટા ગાયક છે. કાન ખોલીને સાંભળી લો સાહેબ! શાસ્ત્રકાર કહે છે કે કિન્નર દેવતાઓનો એક ભાગ છે. જે સમાજની આપણે ઉપેક્ષા કરી, જેને અપમાનિત કર્યા, એનું પ્રાયશ્ર્ચિત કરવા માટે આ નવદિવસીય કથા છે. અપમાન, તિરસ્કાર, ઉપેક્ષા નું જેમણે ઝેર પીધું છે તેમના પ્રાયશ્ચિતનો આ સમય છે. મારા દેશનો ઋષિ કહે છે કે કિન્નર સમાજ મનુષ્યથી ઊંચો છે. જે રામને આશીર્વાદ આપી શકે એ આમને આશીર્વાદ ન આપી શકે ? હું સ્વીકાર કરનારો બાવો છું. મારું મિશન કોઈને સુધારવાનું નથી. સુધારનારા ઘણા આવ્યા, પરંતુ એ વિફળ થયા છે ! ક્યારેક ક્યારેક તો સુધારકના પરિવારજનો જ નથી સુધર્યાં ! સુધારવાનું બંધ કરો. જેવા છે એમને સ્વીકારવાનું શરૂ કરો. આજે ૨૧મી સદીનો આ સંદેશ હોવો જોઈએ.
સંકલન:. જયદેવ માંકડ
(માનસ – કિન્નર, થાને- મુંબઈ,૨૦૧૬)

RELATED ARTICLES

Most Popular