સીટ બેલ્ટના કાયદામાં સરકાર પાણીમાં ન બેસે તો સારું

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર-ભરત ભારદ્વાજ

ભારતમાં એક મોટી તકલીફ એ છે કે, સરકારમાં બેઠેલા લોકોને અને સામાન્ય લોકોને પણ કોઈ પણ નિયમ કે કાયદાનું મહત્ત્વ કોઈ મોટી દુર્ઘટના બને એ પછી જ સમજાય છે. આપણે ત્યાં કારમાં આગળની સીટ પર બેઠેલાં લોકોએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે તો પાછળની સીટ પર બેસનારાં લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજિયાત છે. આ કારણે જ દરેક કારમાં પાછળની સીટ પર બેસનારાં લોકો માટે પણ સીટ બેલ્ટ હોય છે પણ એ પહેરવો ફરજિયાત નથી એવી માન્યતાના કારણે સીટ બેલ્ટ તેથી શોભાના ગાંઠિયાની જેમ પડી રહે છે.
ચારેક દિવસ પહેલાં તાતા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન થયું. સાયરસ મિસ્ત્રી પૂરઝડપે ભાગી રહેલી કારમાં પાછળની બેઠક પર બેઠા હતા પણ સીટ બેલ્ટ નહોતો પહેર્યો તેથી એર બેગ ના ખૂલી ને તેમનું નિધન થયું. આગળની સીટ પર બેઠેલાં બંને લોકોએ સીટ બેલ્ટ પહેરેલો તેથી એર બેગ ખૂલી ગઈ તેમાં બચી ગયાં.
સાયરસ મિસ્ત્રીના નિધનના પગલે કેન્દ્ર સરકારને યાદ આવ્યું કે, કારમાં પાછળની સીટ બેઠેલાં લોકો માટે પણ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. આ બ્રહ્મજ્ઞાન લાધતાં મોદી સરકારે બહુ મોટો નિર્ણય લેતા હોય એમ એલાન કર્યું કે, હવેથી ગાડીમાં સવાર દરેક લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલાન કરી દીધું કે, તમે આગળની સીટ પર બેઠા હો કે પાછળની સીટ પર બેઠા હો, હવે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો આકરો દંડ થશે. ગડકરીએ સાયરસ મિસ્ત્રીના મોત પર ખરખરો કરીને આ નવા નિયમની જાહેરાત કરી નાખી.
ગડકરીની આ જાહેરાત જ આમ તો હાસ્યાસ્પદ છે કેમ કે આ નિયમ તો પહેલેથી છે જ. કેન્દ્રીય મોટર વાહન નિયમ (૧૯૮૯)ની કલમ ૧૩૮(૩) અનુસાર કારમાં તમામ બેઠકો પર સીટ બેલ્ટ આપવામાં આવે છે કે જે લગાવવો જરૂરી છે. ફાઈવ સીટર કારમાં પાછળ બેસતા લોકોએ સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે તો ૭ સીટર કારમાં પાછળ બેઠેલા લોકોમાંથી જેમના ચહેરા સામેની બાજુ હોય તેમણે પણ કાર ચાલતી હોય ત્યારે બેલ્ટ પહેરવો જરૂરી છે. આ કાયદાનું પાલન ન કરનારને દંડ પણ થાય છે.
૨૦૧૯માં ભારતમાં મોટર વાહન સંશોધન અધિનિયમ ૨૦૧૯માં ફેરફાર કરીને સીટ બેલ્ટ નહીં પહેરનારને દંડની રકમ ૧૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરાઈ હતી. આપણાં દેશમાં મોટા ભાગના લોકો સીટ બેલ્ટ બાંધવાનું ટાળે છે તેથી તેમને ખબર ના હોય એ સમજી શકાય પણ સરકારમાં બેઠેલા લોકોને પણ કાયદો અમલમાં છે તેની ખબર ના હોય એ જોઈને આઘાત લાગે. ગડકરીએ તો એવું પણ એલાન કર્યું કે, નવા નિયમ અંગે ત્રણ દિવસમાં સત્તાવાર રીતે આદેશ બહાર પાડી દેવાશે. જે કાયદો પહેલેથી અમલી છે તેના અંગે નવી જાહેરાત કરવાની વાત જ હાસ્યાસ્પદ છે.
ખેર, આપણે તેની વાત નથી કરતા કેમ કે આ મુદ્દો મહત્ત્વનો છે. સરકાર દેખાડો કરીને પણ કારમાં સીટ બેલ્ટ ફરજિયાત કરતી હોય તો એ લોકોના ફાયદામાં જ છે. ભારતમાં વધી રહેલા અકસ્માતો અને તેના કારણે વધી રહેલાં મોત જોતાં લોકોની સલામતી માટે જે પણ કરાય તેને આવકારવું જોઈએ તેથી મોદી સરકાર પહેલેથી અસ્તિત્વમાં હોય એ કાયદાને નવા નિયમનું સ્વરૂપ આપીને જશ ખાટે તો તેને આવકારવું જોઈએ. આ વાત લોકોના ફાયદાની છે ને તેના કારણે થોડાંક લોકોના પણ જીવ બચતા હોય તો કહેવાતી નવી જાહેરાત લેખે લાગશે.
ભારતમાં વાહન અકસ્માતો સામાન્ય છે ને મોટા પ્રમાણમાં લોકો તેના કારણે મરે છે. ભારતમાં દર વર્ષે ૫ લાખ એક્સિડન્ટ થાય છે અને તેમાં અંદાજે દોઢ લાખ લોકો મૃત્યુ પામે છે. તેમાં પણ ૬૫ ટકા તો યુવાનો હોય છે. અકસ્માતના કારણે થતાં મોતમાં ભારત મોખરે છે. ભારત પછી બીજા નંબરે ચીન છે. ચીનમાં વરસે ૫૬ હજારની આસપાસ લોકો અકસ્માતમાં મરે છે એ જોતાં ભારતમાં મોતનું પ્રમાણ બહુ વધારે કહેવાય.
આ અકસ્માતો થવાનાં ઘણાં કારણો છે. તેમાં મુખ્ય કારણ કાયદાનો ડર નહીં હોવાના કારણે કરાતું બેફામ ડ્રાઈવિંગ છે. દારૂ પીને વાહન ચલાવવું, મોબાઈલ પર વાત કરતાં કરતાં વાહન ચલાવવું કે સીટ બેલ્ટ ન બાંધવાના કારણે પણ મોટા પ્રમાણમાં રોડ એક્સિડન્ટ થઈ રહ્યા છે ને તેમાં પણ ઘણા લોકો મરે છે. જે લોકો આવી હરકતો કરે છે તેમને કઈ રીતે રોકવા એ મોટો સવાલ છે, પણ કમ સે કમ તેમણે સીટ બેલ્ટ બાંધ્યા હોય તો મરે નહીં તેમાં મીનમેખ નથી. આ કારણે પણ આ નિયમ આવકારવા જેવો છે.
જો કે આપણે ત્યાં તકલીફ એ છે કે, સરકાર નિયમ બનાવી નાખે છે પણ પછી વિરોધ થતાં કે તેની રાજકીય રીતે ખરાબ અસર પડશે એવું લાગે છે એટલે પાણીમાં બેસી જાય છે. ગડકરી તો તેમાં ચેમ્પિયન છે. ગડકરીએ બે વર્ષ પહેલાં મોટા ઉપાડે નવા મોટર વ્હીકલ એક્ટના અમલની જાહેરાત કરેલી. દેશમાં વાહન અકસ્માતો રોકવા માટે બનાવાયેલા નવા મોટર વ્હીકલ એક્ટનો ઉદ્દેશ શુભ હતો પણ આકરા દંડના કારણે ઉગ્ર વિરોધ થતાં મોદી સરકાર પાણીમાં બેસી ગઈ હતી.
‘એક દેશ એક કાયદા’નું સ્લોગન આપીને નવો મોટર વ્હીકલ એક્ટ બનાવનારી નરેન્દ્ર મોદી સરકાર માટે તેમનો કાયદો જ મુશ્કેલી બની જતાં તેને સાવ મોળો કરી દેવાયેલો. મંત્રી નીતિન ગડકરીએ મોટર વ્હિકલ એક્ટ ૨૦૧૯ને ઐતિહાસીક ગણાવ્યો હતો. તેમનો મત હતો કે, આ કાયદો લાગુ થતાં દેશમાં ૫૦ ટકા એક્સિડન્ટ ઓછા થઈ જશે. આ કાયદાના કારણે લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ વધશે ને અકસ્માતો ઘટશે તેથી મૃત્યુઆંક પણ ઘટશે. જો કે આકરા દંડના કારણે વિરોધ થતાં આકરા દંડની જોગવાઈઓને હળવી કરી દેવાઈ તેમાં તેનો ઉદ્દેશ સાવ મરી પરવાર્યો.
આશા રાખીએ કે, સીટ બેલ્ટના કાયદામાં એવું ના થાય.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.