Homeએકસ્ટ્રા અફેરનોટબંધીનો કડવો અનુભવ તાજો ના થાય તો સારું

નોટબંધીનો કડવો અનુભવ તાજો ના થાય તો સારું

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટને પાછી ખેંચી લેવાનું એલાન કરીને લોકોને ફરી એક વાર આંચકો આપી દીધો. રિઝર્વ બૅંકે કરેલી જાહેરાત પ્રમાણે, જેમની પાસે બે હજાર રૂપિયાની નોટો છે એ લોકો ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં બે હજાર રૂપિયાની નોટો બૅંકમાં પોતાના ખાતામાં જમા કરાવી શકશે. બૅંકના ખાતામાં જમા ના કરાવવી હોય તો આ નોટો બૅંકમાં જઈને બદલી શકાય છે અને એ માટે પણ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
સામાન્ય લોકોને નોટ બદલવામાં કોઈ તકલીફ ના પડે એટલે પૂરતી વ્યવસ્થા કરવા બૅંકોને પણ જાણ કરવામાં આવી છે. રિઝર્વ બૅંક પોતે પણ નોટો સ્વીકારવાની વ્યવસ્થા કરી છે. રિઝર્વ બેંકે તમામ બૅંકોને ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર સુધી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી આપવાની સૂચના આપી છે તેથી આજે સોમવારથી તેનો અમલ શરૂ થશે. મતલબ કે, સોમવારથી લોકો બે હજાર રૂપિયાની નોટો બદલી શકશે. જો કે એક દિવસમાં બૅંકો બે હજાર રૂપિયાની દસ એટલે કે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી આપશે. રિઝર્વ બૅંક ૨૦૦૦ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે પણ હાલની નોટો અમાન્ય નહીં ગણાય એવી સ્પષ્ટતા પણ કરાઈ છે.
આ બધી તો સરકારી જાહેરાતની વાતો થઈ પણ અસલી મુદ્દો રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાને સૂઝેલા આ તુક્કાને કારણે લોકોની શું હાલત થશે તેનો છે. આ પહેલાં રિઝર્વ બૅંક ૨૦૧૬ના નવેમ્બરમાં ૫૦૦ રૂપિયાની નોટો બંધ કરીને નવી નોટો બજારમાં મૂકવાની ને ૧૦૦૦ રૂપિયાની નોટો તો સાવ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે જાહેરાત કરવા આવ્યા હતી. રાષ્ટ્રજોગ સંબોધનમાં મોદીએ મોટી મોટી વાતો કરીને નોટબંધીનું એલાન કરેલું. નોટબંધીના કારણે કાળાં નાણાં પર કઈ રીતે અંકુશ આવી જશે એ પણ મોદીએ કહેલું.
મોદીનો નોટબંધીનો નિર્ણય ઐતિહાસિક હતો તેમાં શંકા નથી. કાળાં નાણાંને નાથવાનો ઉદ્દેશ પણ શુભ હતો તેમાં પણ શંકા નથી પણ મોદી માટે કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી જેવો ઘાટ થયેલો. આપણે ત્યાં સિસ્ટમ ભ્રષ્ટ છે તેથી કાળાં નાણાં પર અંકુશ તો ના આવ્યો પણ લોકો પરેશાન થઈ ગયાં. નોટબંધી દરમિયાન ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની જે નોટો બંધ કરવામાં આવી હતી તેને બદલવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો પણ તેને માટે કોઈ પૂરતી વ્યવસ્થા નહોતી કરાઈ. બૅંકોમાં નોટો બદલવા માટે લાગેલી લાંબી કતારોને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. મહિનાઓ લગી દેશમાં બૅંકોની બહાર લાઈનો જ લાઈનો જોવા મળતી હતી ને લોકોને જે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેની તો વાત થઈ જ શકે તેમ નથી.
હવે રિઝર્વ બૅંકે ફરી એનો જ નિર્ણય લેવો પડ્યો છે ત્યારે લોકોનું શું થશે તેની ખબર આજે સોમવારથી નોટો બદલવાની શરૂઆત થશે ત્યારે પડશે. ૨૦૧૬ની જેમ ફરી લોકોએ લાઈનો લગાવવવી પડે છે કે નહીં તેની ખબર કાલથી પડવા માંડશે. આ વખતે પણ ૨૦૧૬ની જેમ લાઈનો લાગશે તો લોકોની હાલત ખરાબ થઈ જશે કેમ કે એ વખતે તો શિયાળાનો સમય હતો તેથી લોકો લાંબો સમય લાઈનોમાં ઊભા રહી શકતા હતા. અત્યારે મે છે ને મે મહિનાની કાળઝાળ ગરમીમાં અડધો કલાક ઉભા રહેવું પડે તો લાશો પડવા માંડે. આશા રાખીએ કે એવું કશું ના થાય ને સરળતાથી બધું પતે. ચલણી નોટો સાથે ૨૦૧૬ની કડવી યાદો જોડાયેલી જ છે ને તેમાં હવે ઉમેરો ના થાય.
આપણે એ પણ આશા રાખીએ કે, રીઝર્વ બેંકે જે ઉદ્દેશથી આ જાહેરાત કરી છે એ પણ પાર પડે. રિઝર્વ બૅંકે આ જાહેરાત અચાનક કરી છે પણ આ તુક્કો અચાનક સૂઝયો નથી કેમ કે રિઝર્વ બૅંકે ૨૦૧૯થી ૨૦૦૦ રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. બે હજાર રૂપિયાની નોટ નવેમ્બર ૨૦૧૬માં રિઝર્વ બૅંકે ચલણમાં મૂકી હતી ને તેના બે-અઢી વર્ષમાં તો બે હજાર રૂપિયાની નોટો છાપવાનું બંધ પણ કરી દેવાયું તેના કારણે ધીરે ધીરે બે હજાર રૂપિયાની નોટ ચલણમાં ઘટી જ રહી હતી. રિઝર્વ બૅંકે એ રીતે બે હજાર રૂપિયાની નોટ ચલણમાંથી દૂર કરવાનો તખ્તો તો બહુ પહેલાં જ ઘડી કાઢ્યો હતો. હવે તેની સત્તાવાર જાહેરાત કરાઈ છે કે, બે હજારની નોટ ચલણમાંથી બંધ કરાઈ છે ને હવેથી બૅંકો ૨૦૦૦ની નોટ નહીં આપે. આ જાહેરાત પાછળ લાંબા સમયનું આયોજન છે તો સાથે સાથે એક ચોક્કસ ઉદ્દેશ પણ છે. આ ઉદ્દેશ બ્લેક મનીના દૂષણને નાથવાનો છે એ કહેવાની જરૂર નથી.
જો કે ૨૦૧૬માં પણ આ જ ઉદ્દેશ હતો પણ એ પાર નથી પડ્યો એ કહેવાની જરૂર નથી ન એટલે જ આ નિર્ણય લેવો પડ્યો છે. ૨૦૧૬માં નોટબંધીની જાહેરાત કરાઈ ત્યારે કેન્દ્ર સરકારને આશા હતી કે ભ્રષ્ટાચારીઓના ઘરેથી જંગી પ્રમાણમાં કાળાં નાણાં બહાર આવશે. એ વખતે સરકારને આશા હતી કે, ચાર-પાંચ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર આવશે પણ એવું થયું નહીં. સત્તાવાર રીતે અપાયેલા આંકડા પ્રમાણે માત્ર ૧.૩૦ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર આવ્યું. જે ઉદ્દેશ સાથે નોટબંધી જાહેર કરાયેલી એ ઉદ્દેશ પાર ના પડ્યો.
આશા રાખીએ કે, આ વખતે એવું ના થાય ને . આ વખતે એક જ ઝાટકે બ્લેક મનીમાંથી મોટા ભાગનો ખાતમો થઈ જાય. બ્લેક મની દેશના અર્થતંત્રને ખતમ કરી નાંખે છે એ જોતાં બ્લેક મનીનો ખાતમો કરવો જરૂરી છે. આ વખતે ખરેખર જંગી પ્રમાણમાં કાળાં નાણાં બહાર આવે ને બહાર ના આવે તો પણ એ નાણાં કોઈ કામમાં ના આવે. આ વખતે એવી સ્થિતિ સર્જાય કે, સરકારે કે રિઝર્વ બૅંકે ફરી આવો નિર્ણય ના લેવો પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -