ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા
સરસ્વતી માતાના આશીર્વાદ સાથે. આપણે આપણું સપ્તાહ શરૂ કર્યું હતું. શુભ રહ્યુ હશે તેવી આશા.
મારે મત ‘માતા પિતા’ જીવિત ભગવાન છે. તેઓ તમે કરેલા દરેક ગુસ્સાને શિવની જેમ ગળી જાય છે. અને બાળકોને અમૃતમ આપે છે. આશિષ આપે છે. એટલે આશા કે તમે બધા તમારા ભગવાનના આશીર્વાદના કારણે કુશળ હશો.
આજનો રવિવાર પણ દિવસ પૂરો થતા સુંદર રીતે ખીલશે અને સુંદર મજાની આજે રાત્રે પૂર્ણિમાના દર્શન થશે. ચંદ્રદેવ ખીલશે પૂર્ણ ગોળ આકારમાં અને ચાંદની વિખેરશે. અંધકાર દૂર કરશે. મજાના પ્રેમીપંખીડાઓ આજે આકાશમાં શિતચંદ્ર જોઇ પ્રેમને પાંગરી રહ્યા હશે. ‘પૂર્ણિમા હંમેશાં એક સુંદર મજાની રાત્રી’. શીતળતા આપતું આકાશ આખું જાણે એક અલગ જ ઉજાસમાં નહાતું હોય છે. હમણાં બુધવારે આકાશમાં ૫૦,૦૦૦ વર્ષમાં પહેલીવાર ગ્રિન કોમેટ પૃથ્વી નજીક દેખાયું હતું. (આમ ઘણું દૂર પણ એમ કહેવાય) જે તારા જોવાના પ્રેમીઓ હોય છે. તેઓ આ બધું જોવા ખાસ પહાડો પર જાય. જેમ આપણે બધા શોખીન લોકો દુનિયાની ઝાકઝમાળ જોવા દોડે એમ આપણામાંના અમુક જીવો અવકાશમાં ડોકિયા કરતા હોય છે.
મજાની દુનિયા છે.(મને ખૂબજ ફેસિનેટ કરે બ્રહ્માંડ.).
મિત્રો હું આ બધું વિચારી રહી હતી, થોડુંક ખોવાયેલી બેઠી હતી. ત્યાં ફોન રણક્યો, હું સહેજ ઝબકી, થાયને પેલું આપણે કોઈ વિચારમાં ઊંડાણમાં ઊતરી ગયા હોઇએ અને ફોન વાગે કે કોઇ બોલાવે અને આપણને થાય હેં હું ક્યાં હતી ને હવે અચાનક આ રિયાલિટી. ફોર એ સેકંડ તમે બ્લેંક થઈ જાવ. એવું જ મને થયું. ફોન ઉપાડ્યો, ને સામેથી અવાજ આવ્યો, ‘દેવર્ષીની સગાઇ થઇ ગઇ…’મને સગાઇ શબ્દ સંભળાયો જ નહીં.. હાહાહા. નામ અને ગઇ, એ સંભળાયું. ફોન પર મારા ફોઇએ મને પૂછ્યું હેલો ક્યાં ખોવાયેલી છે? બધું ઓલરાઇટ છેને બેટા??
હું બોલી: હા ફોઇ વડીલોના આશીર્વાદ, બધુ સારું છે.( એવું હોતું નથી પણ આપણે બધા સકારાત્મક જીવ એટલે એમજ કહીએ. બરાબરને!) હેહેહે.
હું ખોવાયેલી હતી પણ સભાન હતી.
મને ખબર હતી, કશુંક મને સંભળાયું નથી. બાકી બધું ઓલરાઇટ છે. હાહા. અવાજના ઉત્સાહથી હતું કે સારા સમાચાર છે. મેં કહ્યુ ફુઇ નેટવર્ક ઇશ્યુ છે. ફરી કહો શું બોલ્યા? અને તેમણે કહ્યું કે સગાઇમાં તમારે બન્ને બહેનોએ આવી પહોંચવાનું છે, મને ખુશી થઈ. હું બોલી અરે વાહ નેકી ઓર પૂછ પુછ? (આ મુહાવરો અહીં લાગતોજ નથી).હાહાહા અને હું તેમને સમજાઇ ગઇ કે આ કંઇ લોચા છે. મને પુછ્યું કે શું થયુ બેટા? કેમ ઉદાસ છે? (હું ઉદાસ નહી લખવામાં ખોવાયેલી હતી) છતાં મારા મોઢામાંથી નીકળી ગયુ કે ‘માં’ ક્યાં છે એ ગોતું છું. મિત્રો ઇમોશન એવી વસ્તુ છેને, કોક સ્હેજ લાગણીથી આપણને કંઇક કહેને તો તરત પીગળી જઇએ આપણે. હેને! સરસ રીતે હસીને વાળી ભર્યું.હાહાહા.
પણ એ જે વાત છેને સાહેબ, સંવેદનાથી ભરપૂર. કે કોઇક તમારું પોતીકું અચાનક તમને પૂછે કે બોલને વહાલા શું વાત છે? કેમ મન ઉદાસ છે? ને આપણે ગળગળા થઈ જઇએ. અને એમાં પણ, કુમળા ને ભક્તિભાવવાળા હૃદયને જો અચાનક કોકવાર કૃષ્ણ આવીને પૂછે કે કેમ ઉદાસ છે? તો આપણી શું હાલત થાય મિત્રો!
માતા, પિતા, પ્રકૃતિ, ને પ્રભુ. આ એવી શક્તિઓ છે જેની સામે પહાડો પણ પીગળી જાય, આપણે તો માટીના. બરાબરને મિત્રો!
તો એવી જ એક સુંદર મજાની વાત તમારા માટે વહેતી મૂકું છું. સમજો તમને આજે કૃષ્ણ પૂછે તો ‘ઓપન માઈન્ડ’ સાથે તમે તેમની સાથે કેવો સત્સંગ કરો? કેવી પોતાના મનની મૂંઝવણને તમે કહો? એ વાતને સુંદર રીતે કંડારેલી કૃતિ ખાસ કૃષ્ણ ભક્તો માટે, કૃષ્ણ ભગવાન તરફથી આ લ્યો..
પૂછ્યું કૃષ્ણએ મને
મંદ મુસ્કાન સાથે,
બોલને શું વાત છે.
આજે કેમ ઉદાસ છે ?
મેં કહ્યું મારા જીવનમાં
સંઘર્ષ કેમ.?
ઉદ્દેશ્ય શું મારા જીવનનો.?
મારી સામે જોઈ
હસી પડ્યા મુરલીધર
બોલ્યા, જાણે છે તું?
હું જન્મ્યો એ પહેલા જ
મને મૃત્યુ આપવા
તૈયાર હતા મારા જ મામા.
હું જન્મ્યો જેલમાં
જીવન આખું સંઘર્ષમાં
દરેક ડગલે પડકાર.
જન્મતા સાથેજ જનેતાથી
થયો અલગ.
બાર વર્ષે ગોકુળથી અલગ.
જેણે પ્રેમ આપ્યો
એ ‘માં’ યશોદા.
જેને પ્રેમ આપ્યો
એ રાધા ગોપીઓ અને
ગોવાળોને પણ છોડ્યા.
મથુરા છોડ્યું અને દ્વારકા વસાવ્યું.
જીવનમાં આટલો
સંઘર્ષ તો પણ કોઈનેય
જન્મકુંડળી નથી બતાવી.
ના કોઈ ઉપવાસ કર્યા
ના ખુલ્લા પગે ચાલવાની
બાધા માની,
ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા.
મેં તો યજ્ઞ કર્યો
ફક્ત અને ફક્ત કર્મનો.
યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને
ધનુષ્ય બાણ નીચે નાંખ્યા.
ના અર્જુનના જન્માક્ષર જોયા,
ના કોઈ મુહૂર્ત જોયું,
ના તો કોઈ દોરો કે તાવીજ આપ્યા.
બસ એને એટલું જ કહ્યું.
આ તારું યુદ્ધ છે
તારે જ લડવાનું છે.
હું માત્ર તારો સારથી.
કર્મ તું કર, માર્ગ હું બતાવીશ.
મારું સુદર્શન ચક્ર ચલાવી
સંહાર કરી શકત,
આખી કૌરવ સેનાનો.
પણ તારું ધનુષ્ય તું ઉપાડ.
તારા તીર તું ચલાવ.
હું આવી ને ઊભો રહીશ
કોઈ ને કોઈ સ્વરૂપમાં
તારા પડખે તારી સાથે
તારો સારથી બનીને.
દુનિયાની તકલીફોમાં તું જાતે લડ.
હું હંમેશાં તારી આગળ ઊભો હોઈશ.
તું સારા કર્મ કર. તારી તકલીફોને હું હળવી કરીશ.
બસ હું આવું ત્યારે ઓળખજે મને તું.
‘મારી ગીતાનો સંક્ષિપ્ત સાર’.
નથી જોઈતા તારા કોઈ ઉપવાસ,
કોઈ માનતા કે નથી બાધા જોઈતી.
માત્ર શુદ્ધ કર્મ કર…
ખુલ્લાં મનથી જીવનને આવકાર.
પ્રત્યેક ક્ષણને ભરપૂર માણ
હું આવતો રહીશ,
બસ ઓળખજે મને તું.
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ,
દુખ હરે.
મિત્રો! આ આખો સંવાદ ભલે કાલ્પનિક હોય. પણ ભાવના સમજશો તો સંવેદના પહોંચશે. અને કદાચ આજે રાત્રે, થોડીક વાર સમય કાઢીને આકાશી ટીવીમાં ચંદ્ર દર્શન કરવાનો સમય પણ નીકળી આવશે. એને એ બહાને સોશિયલ મીડિયા માટે ફોટા પણ પડી જશે. તો હોજાય ‘ચંદ્ર (કૃષ્ણ) સાથે ફેસ ટુ ફેસ વાત આજ રાત’!! ભગવાન ઓકે.
હંહંહં ભગવાનને પણ ખબર છે કે આજકાલ બેનિફિટ ઓફર હોય તો
બધા ઉત્સાહથી બહાર નીકળે છે. હાહાહા. (જસ્ટ જોકીંગ).
પણ વાહ વાહ ક્યા બાત હે મિત્રો! પૂર્ણિમાની રાત છે, કૃષ્ણનો સાથ છે. તો જીવનમાં શિતળ ઉજાસ છે. કહોને હા. કૃષ્ણ કરે નહીં કોઇને સજા..ઓકે! હવે તમે બધા કરો મજા.