ગૌતમ ગંભીરે કોને માટે કહ્યું આવું તે જાણો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતનો વાઇસ કેપ્ટન કેએલ રાહુલ પ્રથમ બે ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે પડતો મુકાયો હતો. ત્યાર બાદ ભારતના પૂર્વ ખેલાડી અને IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર કેએલ રાહુલના સમર્થનમાં સામે આવ્યા હતા.
કેટલાક સમય પહેલા સુધી કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાના ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના ખરાબ ફોર્મને કારણે ટીમ મેનેજમેન્ટનો માથાનો દુખાવો વધી ગયો છે. કેએલ રાહુલને માત્ર ઉપ-કપ્તાની જ નહીં, પરંતુ ટેસ્ટ અને ટી20 ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.
આ જમણા હાથના બેટ્સમેનની પ્રતિભા વિશે હંમેશા ચર્ચા થતી રહી છે, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને ક્યારેય બહાર બેસવું પડ્યું નથી. ICC T20 વર્લ્ડ કપ 2022માં તેના નિરાશાજનક પ્રદર્શન બાદથી રાહુલને કોઈપણ T20 ટીમમાં સ્થાન મળ્યું નથી. ODIમાં તેની શરૂઆતની બેટિંગની જગ્યા, ટેસ્ટમાં તેની વાઇસ-કેપ્ટન્સી અને પછી પ્લેઇંગ XIમાં તેનું સ્થાન પણ છીનવી લેવામાં આવ્યું હતું. આ તમામ બાબતોને જોતા ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કેએલ રાહુલને લઈને ખૂબ જ ચિંતિત દેખાતા હતા.
ગૌતમ ગંભીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આવી બાબતો દરેક ક્રિકેટર સાથે થાય છે, તમે એવા ક્રિકેટરની સાથે આવો વર્તાવ કરી રહ્યા છો જેણે શરૂઆતથી અંત સુધી સતત રન બનાવ્યા હોય અને આવી વસ્તુઓ તેમને નુકસાન પહોંચાડે છે. જ્યારે તમે કોઈ બીજાને રમતા જોશો, અને તમે પાણી પાઈ રહ્યા છો, ત્યારે તેનાથી તમને દુઃખ થશે.’
આઈપીએલમાં કેએલ રાહુલનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. રાહુલે છેલ્લી પાંચ સિઝનમાંથી ચારમાં 600+ રન બનાવ્યા છે. 2019ની સિઝનમાં આવું નહોતું થયું, પરંતુ ત્યારે પણ રાહુલે 593 રન બનાવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે તેમનો સ્ટ્રાઈક રેટ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે.
ગંભીરનું માનવું છે કે કેએલ રાહુલ ભલે 600 રન ન બનાવી શકે, પરંતુ સારી સ્ટ્રાઈક રેટ સાથે 400 રન પણ પૂરતા હશે