દાઉદ ઈબ્રાહિમ, મુંબઈ રમખાણો સંબંધિત મુદ્દાઓ સામે આવ્યા પરંતુ એમવીએ સરકાર અનિર્ણાયક રહી: સીએમ શિંદે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શાસક ગઠબંધન છોડવા માટે 50 વિધાનસભ્ય પાસે મોટું કારણ હોવું જોઇએ એમ નોંધતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું કે અગાઉની એમવીએ સરકારનો ઘટક પક્ષ શિવસેના હિંદુત્વ, વીર સાવરકર, મુંબઈ બ્લાસ્ટ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ જેવા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લઇ શકતો નહોતો.
એકનાથ શિંદેએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન હિંદુત્વથી લઈને દાઉદ ઈબ્રાહિમ સુધીના તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે શિવસેના-ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા અને શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. આ કારણે જ્યારે પણ હિંદુત્વનો મુદ્દો આવ્યો, દાઉદનો મુદ્દો આવ્યો, મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો મુદ્દો અને અન્ય ઘણા મુદ્દાઓ આવ્યા, ત્યારે અમે કોઈ નિર્ણય લઈ શક્યા નહીં.
તેમણે કહ્યું કે જ્યારે અમે ચૂંટણી જીતીએ છીએ ત્યારે અમારા મત વિસ્તારના મતદારોને વિકાસની અપેક્ષાઓ હોય છે. પરંતુ અમારા ધારાસભ્યો કામ કરી શકતા ન હતા, ફંડનો અભાવ હતો. અમે અમારા સિનિયર સાથે આ અંગે વાત કરી પરંતુ અમને સફળતા મળી નહીં. એટલા માટે અમારા 40-50 ધારાસભ્યોએ આ ભૂમિકા ભજવી.
અમે અમારા હિંદુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની હિંદુત્વ વિચારધારાને, તેમની ભૂમિકાને આગળ લઈ જવાનું નક્કી કર્યું છે. જો 50 ધારાસભ્યો આવું પગલું ભરે છે, તો તેનું મોટું કારણ હોવું જોઈએ. કોઈ નાના કારણોસર આટલો મોટો નિર્ણય લેવાતો નથી. એક કોર્પોરેટર પણ આવો નિર્ણય લેતો નથી. 50 ધારાસભ્યોએ આવો નિર્ણય કેમ લીધો? આ અંગે વિચારવાની જરૂર હતી,” શિંદેએ કહ્યું.
શિંદે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમની આ વર્ષે ફેબ્રુઆરીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મની-લોન્ડરિંગની તપાસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટોનો મુખ્ય આરોપી છે જેમાં 257 લોકો માર્યા ગયા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મે મહિનામાં મની લોન્ડરિંગ કેસમાં મલિક વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.
મુખ્ય પ્રધાને કહ્યું કે અમે કોઈ ગેરકાયદેસર કામ નથી કરી રહ્યા. લોકશાહીમાં કાયદા હોય છે, નિયમો હોય છે, તે પ્રમાણે કામ કરવું પડે છે. આજે આપણી પાસે બહુમતી છે. સુપ્રીમ કોર્ટમાં અમારી વિરુદ્ધ ગયેલા લોકોને પણ કોર્ટે ફટકાર લગાવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.