1994 ના કુખ્યાત ISRO જાસૂસી કેસમાં એરોસ્પેસ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનની ધરપકડ ગેરકાયદેસર હોવાનું CBI તપાસમાં સામે આવ્યું છે. નામ્બી નારાયણન પર માહિતી લીક કરવાના આરોપનો આધાર બનાવટી હતો. સીબીઆઈએ કેરળ હાઈકોર્ટને આ વાત જણાવી હતી. નારાયણન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના લિક્વિડ પ્રોપેલન્ટ એન્જિન વૈજ્ઞાનિક હતા. તેમના પર જાસૂસીનાં આરોપ લાગ્યા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈ લોકોની તપાસ કરી રહી છે તેમના આગોતરા જામીન અરજી પર નવેસરથી સુનાવણી હાથ ધરવામાં આવી છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે જાસૂસી કેસમાં નામ્બીને ફસાવવા શંકાસ્પદ રીતે આંતરરાષ્ટ્રીય કાવતરું કરવામાં આવ્યું હતું આ સાબિત કરવા માટે મંગળવારે એક કેસ ડાયરી બહાર પાડવામાં આવશે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે અને તેથી તેમને આગોતરા જામીન ન આપવા જોઈએ.
નોંધનીય છે કે નારાયણનને જાસૂસી કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેમના પર માલદીવના નાગરિક મારફતે પાકિસ્તાનને ક્રાયોજેનિક એન્જિન ટેક્નોલોજી વેચી હોવાના આરોપો લાગ્યા હતા. 1998માં સીબીઆઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે એ પહેલા તેણે સહયોગી વૈજ્ઞાનિક ડી.શશીકુમાર અને અન્ય ચાર લોકો સાથે 50 દિવસ જેલમાં વિતાવ્યા હતા.
1994ના કેસમાં નામ્બી નારાયણન આ કેસમાંથી પોતાનું નામ સંપૂર્ણપણે હટાવવા માગતા હતા. તેણે વળતર માટે કાનૂની લડાઈ લડી છે તેમજ તેમને ફસાવનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગણી કરી છે. તેમણે તેમના પુસ્તકોમાં આરોપ લગાવ્યો છે કે કાવતરાખોરો ભારતના અવકાશ કાર્યક્રમોને રોકવા માટે યુએસ જાસૂસી સંસ્થા, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA) સાથે મળીને કામ કરી રહ્યા હતા.