પ્રવીણ પીઠડિયા
‘એ સચ્ચાઈ હું તને જણાવું.’ માનસા અમારી નજીક આવતા બોલી. તેની આંખોમાં એક ન સમજાય એવી ધ્રૂણા તરતી હતી. નજીક આવીને તેણે તેના ડેડીની સામું જોયું. શ્રેયાંશ એકાએક જ ઢિલો પડી ગયો. તારા માં-બાપનું ખૂન કરવાવાળું બીજું કોઈ નહી પરંતુ મારા ડેડી જ છે.
‘વોટ?’ ઉછળી પડયો હું.
‘હાં, તેઓ ખજાના વિશે જાણી ગયા હતા એટલે તેમને રસ્તા વચ્ચેથી હટાવી નાંખવામાં આવ્યા હતા. એટલું જ નહી, જીવણાને પણ તેણે જ માર્યો છે.’ માનસા એકધારું બોલી ગઈ અને મારા જીગરમાં દાવાનળ સળગ્યો. સામે ઊભેલો વ્યક્તિ મારા માતા-પિતાનો હત્યારો છે એ હકીકતે મારા રોમ-રોમમાં ક્રોધની જ્વાળામૂખી પ્રગટાવી મૂકી અને માનસા કે શ્રેયાંશ કંઈ સમજે એ પહેલા.. ‘થડાક’ પિસ્તોલનાં બટનો આડો કૂંદો મેં શ્રેયાંશનાં કપાળે ફટકારી દીધો. ભયાનક આઘાત અને દર્દથી કરાહી ઉઠયો શ્રેયાંશ. તેના કપાળની ચામડી ચીરાઈ અને તેમાથી લોહી વહી નિકળ્યું.
‘સ્ટોપ ઈટ રોની’ માનસા ચીખી ઊઠી અને તેણે મને ધક્કો માર્યો. જો તું પણ એ જ કરીશ તો
તારામાં અને ડેડીમાં ફરક શું રહેશે. હું પોલીસને ફોન કરું છું પછી એ લોકો ફોડી લેશે. તેણે ફોન કાઢયો અને દેવ બારૈયાનો નંબર ડાયલ કર્યો. હેલ્લો સર, હું માનસા જાગીરદાર. તમે જલદી અહી આવો જીવણાનાં મકાન પાસે, જંગલમાં. બસ તે એટલું જ બોલી શકી.
શ્રેયાંશ એકદમ જ તેની ઉપર ઝપટયો હતો અને તેણે ફોન આંચકીને નીચે પથ્થર ઉપર જોરથી ફેંક્યો હતો. અને એ સાથે જ તેણે માનસાનાં ગાલ ઉપર એક લાફો ઝીકી દીધો. તેનું મગજ ગુસ્સાથી ફાટફાટ થવા લાગ્યું હતું. તેની વર્ષોની તપસ્યા ઉપર તેની જ લાડકી દીકરીએ પાણી ફેરવી નાંખ્યું હતું.
‘હરામખોરો સાલાઓ ઊભા છો શું? પકડો આ બન્નેને અને નાખો એક જગ્યાએ.’ તેણે વજીર અને ડાગાને કહ્યું. આ તમામ સમય દરમિયાન વિક્રાંત અને ડેની એકદમ ખામોશ બનીને ઊભા હતા. જાણે તેઓ અહી હતા જ નહીં એમ સાવ નિર્લેપ બનીને તમાશો જોઈ રહ્યાં હતા. ખરેખર તો તેઓ ધરબાઈ ગયા હતા. જે ઝડપે ઘટનાક્રમ ભજવાયો હતો એમા તેના જેવા નવાણિયાઓ સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા હતા પરંતુ શ્રેયાંશની દહાડે એકાએક જ તેમને અહીંની પરિસ્થિતિનું ભાન કરાવ્યું હતું અને જાણે તેમનામાં જીવ આવ્યો હોય એમ તે બન્ને પણ વજીર અને ડાગા સાથે આગળ વધ્યાં હતા. એ ખતરનાક ક્ષણ હતી પરંતુ ‘ધાંય’ એક ફાયર થયો અને ડાગા ઉછળી પડયો. તેના પગમાં ગોળી વાગી હતી. એ ફાયર મેં કર્યો હતો.
સેક્ધડનાં સોમાં ભાગમાં એ રિએકશન આવ્યું હતું અને એ સાથે જ બધા સ્તબ્ધ બનીને જ્યાં હતા ત્યાં ખોડાઈ ગયા હતા. કોઈને એવી અપેક્ષા નહોતી કે હું ફાયર ઓપન કરીશ પરંતુ એ થયું હતું અને ડાગાનો પગ નકામો બની ગયો હતો. એ દરમિયાન માનસા મારી નજીક આવીને ઊભી રહી ગઈ હતી. એ જોઈને શ્રેયાંશનો લોહી ભિનો ચહેરો ઓર વિકરાળ બન્યો. તે ભૂરાયો થયો. આજ સુધી ક્યારેય તેણે શિકસ્ત ખાધી નહોતી એટલે હાર પચાવવી તેના માટે અઘરી હતી. અને આ તો અઢળક ખજાનાની વાત હતી. એ ખજાનો જે મેળવવા તેણે આકાશ-પાતાળ એક કર્યું હતું. તેને એટલી આસાનીથી તે સરકારનાં હાથમાં કેમ જવા દે..? તેના જીગરમાં ઝંઝાવાત ઉમડતો હતો અને એમ જ, કંઈપણ સમજ્યા વિચાર્યા વગર જ તેણે મારા હાથમાં રહેલી પિસ્તોલ ઉપર ઝપટ મારી. ‘ધાંય’ ફરી એક ફાયર થયો અને આ વખતે શ્રેયાંશની આંગળીઓ હવામાં ઊડી. એ સાથે જ તેની હથેળીમાંથી લોહીનો ફુવારો ઉડયો. શ્રેયાંશનાં ગળામાંથી રાડ ફાટી પડી. તેની બે આંગળીઓનાં એક સાથે ફૂરચા ઉડ્યાં હતા. એ કંઈ સમજે એ પહેલા ભયાનક દર્દથી તેનો ચહેરો તરડાયો અને બીજા હાથે પોતાની હથેળીને દબાવીને નીચે જમીન પર બેસી પડયો. તેની આંખોમાંથી આપોઆપ પાણી ઉભરાવા લાગ્યું હતું. ‘ડેડી’ માનસા તેના ડેડી તરફ દોડી પરંતુ હવે હું રોકાવા માગતો નહોતો. પરિસ્થિતિ વધુ બગડે અને મારા હાથમાંથી સરકી જાય એ પહેલા મેં વજીરનાં પગનું નિશાન લઈને ગોળી ચલાવી દીધી. એ સાથે વજીર પણ નકામો થઈને જમીન ઉપર પડયો. હવે વિક્રાંત અને ડેનીનો વારો હતો પરંતુ તેઓ સમજીને જ પાછા હટી ગયા હતા અને તેમના હાથ આપોઆપ શરણાગતિ સ્વિકારતા હોય એમ હવામાં ઉચકાયા હતા.
એ પછીનો ઘટનાક્રમ બહુ ઝડપે ઘટયો હતો. ઈન્સ્પેકટર દેવ બારૈયા ચીલઝડપે ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને તેની સાથે પૂરી ફોર્સ લઈને આવ્યો હતો. જીવણાનાં ઘરની આસપાસની હાલત જોઈને એ સ્તબ્ધ બની ગયો હતો પરંતુ તુરંત તે કામે વળગ્યો હતો.
* * *
સાંજ ઢળવા આવી હતી. સૂર્યનાં ત્રાંસા કીરણો જંગલમાં ઉભેલા ઊંચા વૃક્ષો ઉપર પથરાઈને ક્ષિતિજમાં વિલિન થવાની તૈયારી કરતા હતા. એવા સમયે વેટલેન્ડની બહાર બસ્તી પાછળનાં જંગલમાં એમ્બ્યૂલન્સ અને પોલીસ જીપોનો જમાવડો ખડકાયો હતો. બારૈયાનાં હાથે જેકપોટ લાગ્યો હતો. તેણે તુરંત આ ઘટનાની જાણ પોલીસ હેડ-ક્વાટરમાં કરી હતી એટલે કેટલાય ઉચ્ચ અધીકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને ત્યાર પછી આ મામલો છેક ગૃહ મંત્રાલય સુધીએ લંબાયો હતો. ખુદ રાજ્યનાં ચીફ મિનિસ્ટરે વર્ષોથી લુપ્ત દુર્લભ ખજાનો મળ્યાનાં સમાચારને ગંભીરતાથી લીધા હતા અને ખજાનાને સરકાર હસ્તક લેવાના આદેશો અપાયા હતા.
* * *
શ્રેયાંસ, વજીર અને ડાગાને તાત્કાલિક હૉસ્પિટલ ભેગા કરવામાં આવ્યાં હતાં. દેવ બારૈયાએ મને અને માનસાને એક તરફ બેસાડયા હતા જ્યારે વિક્રાંત અને ડેનીને પોલીસ જીપમાં ચડાવવામાં આવ્યાં હતાં. બારૈયાની નજરોમાં મારા પ્રત્યે પ્રશંસા તરવરતી હતી. આજે સવારે જ તેને સમુદ્રકાંઠે વેટલેન્ડ જહાજ મળી આવ્યું હતું (એવું તેનું માનવું હતું. ખરેખર એ વેટલેન્ડ જહાજ હતું કે નહીં એની કોઈ ખાતરી નહોતી.) અને હવે વેટલેન્ડનો ખજાનો તેની નજરો સમક્ષ હતો એ કોઈ પરીકથાથી કમ નહોતું. તેણે એ સમયે જ નક્કી કરી લીધું હતું કે જે ખજાનો મળ્યો છે એના શોધકર્તા તરીકે મારું નામ સરકાર સમક્ષ રાખશે જેથી તેના અમૂક ટકા રકમ ઈનામ તરીકે મને આપવામાં આવે. બીજું કામ તેણે શ્રેયાંશ જાગીરદારને તેના કર્મોની સજા અપાવવાનું કરવાનું હતું. શ્રેયાંશ જાગીરદારે ત્રણ-ત્રણ ખૂન કર્યા હતા એટલે તેની ઉપર દફા ૩૦૨ લાગવી નક્કી હતું.
* * *
મારા મનમાં અજીબ ખાલીપો સર્જાયો હતો. વર્ષોથી મને પજવતા પ્રશ્ર્નોનો એકાએક જવાબ જડયો હતો. મારા માતા-પિતા વેટલેન્ડનાં ખજાનાની બલિએ ચડયા હતા એ હકીકત પચાવતા સમય લાગવાનો હતો છતાં દિલમાં અજીબ સુકુન છવાયું હતું. તેનું બીજુ એક કારણ માનસા પણ હતી. તે મારા ખભે માથું ઢાળીને બેઠી હતી.
અજાણતા જ તે મારા જીવનમાં પ્રવેશી હતી અને હું તેને ચાહવા લાગ્યો હતો. હું જાણતો હતો કે તે પણ મને ચાહે છે. મેં તેના વાળમાં આછું ચુંબન કર્યું. તેણે ડોક ઉઠાવીને નજરો મેળવી અને હસી. પછી સહેજ ઊંચી થઈને મારા હોઠ ઉપર તેણે આછેરું પરંતુ આહ્લાદક ચુંબન કર્યું. અને પછી એ જ અવસ્થામાં સેકંડો વીતી. હું ચાહતો હતો કે આ સમય ક્યારેય ખતમ ન થાય અને અમે અનંત સુધી અહી જ બેસી રહીએ. હું થોડોક ફર્યો અને તેને મારી બાહોમાં સમાવી લીધી.
એ સમયે સુરજ ક્ષિતિજોનાં સિમાડા વળોટીને ધરતીમાં સમાઈ ચૂક્યો હતો.
હજુ ઘણા પ્રશ્ર્નો અન-ઉત્તર હતા જે વહેતા સમય સાથે સપાટી ઉપર તરી આવવાનાં હતા. કહેવાય છે ને કે સત્ય ક્યારેય કોઈનાથી છુપાવી શકાતું નથી. કુદરતી રીતે એ ક્યારેક તો સામે આવે જ છે. મને એ સમયની રાહ હતી. (સમાપ્ત)