પ્રવીણ પીઠડિયા
દેવ બારૈયાને જાણે લોટરી લાગી હતી. તેણે વર્ષોથી ખોવાયેલું વેટલેન્ડ જહાજ શોધી કાઢયું હતું એની ખુશી તેના ચહેરા ઉપર સાફ ઝળકતી હતી. પરંતુ તે એ નહોતો જાણતો કે એ ખુશી જાજો ટાઈમ ટકવાની નથી. વેટલેન્ડ જહાજની સચ્ચાઈ જ્યારે સામે આવશે ત્યારે તેની આંખો ફાટી જવાની હતી અને એ બહુ જલદી થવાનું હતું.
***
વિક્રાંત અને ડેનીને જોઈને માનસાને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. તે એ બન્ને તરફ આગળ વધી હતી અને હું તેની પાછળ દોરવાયો. મને એક વાત બરાબર સમજાઈ હતી કે તેઓ અમથા તો આવ્યાં નહીં હોંય. જરૂર તેઓ ક્લબમાં થયેલા બખેડાનો બદલો લેવા મારી પાછળ આવ્યાં છે. હું એકાએક સતર્ક બન્યો. એ દરમ્યાન તેઓ પણ અમારી તરફ આગળ વધ્યા હતા અને થોડીવારમાં જ અમે આમને-સામને ઉભા હતા.
વોટ ધ હેલ વિક્રાંત? તું અહી શું કામ આવ્યો..? માનસા લગભગ ચિલ્લાઈ ઊઠી. તેને એમ જ લાગ્યું કે વિક્રાંત તેની જાસૂસી કરી રહ્યો છે. અને ડેની તું! ડેડીને ખબર પડશે તો તારી ખેર નહીં રહે. માનસા બોલી તો ખરી પણ એ વાત તેની ખૂદની ઉપર પણ લાગુ પડતી જ હતી. તે પણ એક અજાણી વ્યક્તિ સાથે જંગલમાં આવી જ હતી ને. ડેની કંઈ બોલ્યો નહીં. એ દરમ્યાન વિક્રાંતે ફાડી ખાતી નજરે મારી સામું જોયું અને હું કે માનસા કંઈ સમજીએ એ પહેલા તે મારી ઉપર તૂટી પડયો. ભયંકર તેજીથી તે આગળ વધ્યો હતો મારા મોં ઉપર એક ઘૂસો રસીદ કરી દીધો. પ્રહાર એટલો જોરદાર હતો કે મારાં મગજમાં તમરાં બોલવા લાગ્યાં. હું અસાવધ હતો એનો ભરપૂર લાભ તેણે ઉઠાવ્યો હતો. મને ખબર નહોતી કે તે એકદમ જ ઝપટી પડશે. મારી આંખોમાં પાણી ધસી આવ્યું અને નજરો સામે અંધકાર છવાયો. એ વેળા આપોઆપ જ મારા હાથ તેને અટકાવવા આગળ ફેલાયા હતા, પરંતુ એ ના-કાફી નિવડયું. બીજો ઘૂસો મારા પેટમાં પડ્યો. એ પ્રહાર ભયંકર હતો. એવું લાગ્યું જાણે કોઈએ મારા પેટમાં ભારેખમ ઘણ ઉઠાવીને ફટકારી દીધો છે. હું બેવડ વળી ગયો અને મારા ગળામાંથી ચિત્ર-વિચિત્ર અવાજો નીકળવા લાગ્યાં.
સ્ટોપ ઈટ વિક્રાંત. તું જલ્લાદ છે. માનસા એકાએક જ આગળ વધી હતી અને તેણે વિક્રાંતને અટકાવવા તેનો કોલર પકડી લીધો હતો, પરંતુ વિક્રાંતે એક હાથે તેને ધક્કો મારી દૂર કરી.
ડેની, બેવકૂફ, ઊભો છે શું? તારી બહેનને સંભાળ નહિતર આજે એની પણ ખેર નથી. તે બોલ્યો અને માનસાની પરવા કર્યા વગર તેણે પગ ઉલાળ્યો. ‘થડાક’ કરતા તેણે પહેરેલા બૂટની ‘ટો’ મારા ગોઠણ સાથે અથડાઈ. ન ચાહવા છતાં મારા ગળામાંથી રાડ ફાટી પડી. એ દરમ્યાન ડેની આગળ વધ્યો હતો અને તેણે માનસાના બન્ને હાથ ભેગા કરીને તેની પીઠ પાછળ વાળ્યા હતા અને મુશ્કેટાઈટ પકડયા હતા.
આનો જવાબ તારે આપવો પડશે ડેની. માનસાનાં અવાજમાં ભારોભાર ખૂન્નસ છલકતું હતું.
ચૂપ મર ચિબાવલી. ડેનીએ પકડ ઓર ટાઈટ કરી. માનસા છટપટાઈ ઊઠી.
હું કમજોર નહોતો, પરંતુ વિક્રાંત મારા કરતા વધુ શક્તિશાળી હતો એ સત્ય સ્વીકારવામાં મને સહેજે શરમ નહોતી. એ પ્રહારથી હું પાછળ ધકેલાયો હતો અને મારા પગ ધરતી પરથી ઉખડયા હતા. હું પીઠભેર જમીન ઉપર પડયો. એ મોકાનો લાભ ઉઠાવતો હોય એમ વિક્રાંત રીતસરનો મારી ઉપર તૂટી પડયો. તેના પગની લાતો ધફાધફ મારા પેટમાં, ઢગરા ઉપર, પીઠ ઉપર અને ન જાણે ક્યાં-ક્યાં પડતી રહી. હું એકાએક જ સાવ રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયો હતો અને બન્ને પગનું ટૂટિયું વાળીને ગુંડલું વાળી ગયો હતો. વિક્રાંતનો સામનો કરવાનો કે ત્યાંથી ઊભા થવાનો વિચાર સુધ્ધા મારા જહેનમાં ઉદભવતો નહોતો.
યુ બ્રૂટ, યુ રાસ્કલ હરામખોર છોડ એને નહિતર હું તારી ખાલ ઉતારી નાખીશ. માનસા એકધારું ચિખતી ચિલ્લાતી રહી. તેની બૂમો જંગલનાં શાંત વાતાવરણમાં દૂર સુધી પડઘાતી હતી.
***
ડાગા, તને નથી લાગતું કે તે પેલા છોકરાને મારી નાખશે..? દૂર ઊભા રહીને તમાશો જોઈ રહેલા વજીરને એકાએક ફડક પેસી કે બોસે જેની પાછળ તેમને મોકલ્યા છે એ છોકરાનો જીવ ખતરામાં છે.
એ હોય તેણે ડાગાને પૂછયું જરૂર હતું, પરંતુ પછી તેના જવાબની રાહ જોયા વગર જ તેણે ગળું ફાડીને બૂમ પાડી હતી અને એ દિશામાં દોડયો હતો.
એ અવાજથી એકાએક જ બધા ચોક્યાં. વિક્રાંત પણ સહસા જ રોકાયો હતો અને તેણે ડોક ફેરવી અવાજની દિશામાં જોવાની કોશિશ કરી. મારા માટે એ ગોલ્ડન ચાન્સ હતો. હું એકાએક જ સીધો થયો અને આસપાસ કંઈક એવી ચીજ શોધવા લાગ્યો જે મને મદદમાં આવે. અચાનક મારી આંખોમાં ચમક ઊભરી અને હાથ લંબાવીને ત્યાં નજીક પડેલો એક અણિયાળો પથ્થર ઉઠાવ્યો અને આંખો બંધ કરીને તેને વિક્રાંત તરફ ઉછાળ્યો. થડાક એક અવાજ આવ્યો અને પછી વિક્રાંતની ચીસ સંભળાઈ. એ ક્ષણનાં ચોથા ભાગમાં બની ગયું હતું. મેં સાવ અસંબંધ જ વાર કર્યો હતો જે એના ઠેકાણે લાગ્યો હતો. પથ્થર વિક્રાંતનાં માથે, પાછળનાં ભાગે વાગ્યો હતો અને તેનો અણિયાળો ભાગ તેની ખોપરી સાથે બરાબરનો ટિંચાયો હતો. હવે રોકાવાનો કોઈ અર્થ નહોતો. ભયંકર રીતે દુખતાં શરીરને મેં સંકોર્યું હતું અને ઊભડક બેઠા થઈને સીધો જ વિક્રાંત ઉપર ખાબક્યો હતો. મારું માથું ભયાનક ફોર્સથી તેના પેડું સાથે ટકરાયું, એ ધક્કાથી તે પાછળની બાજું ઊથલી પડયો. એ સાથે જ બીજી એક ઘટના બની ગઈ. માનસાએ પણ એક હરકત કરી હતી. તેણે પગ ઉઠાવ્યો અને ડેનીનાં બૂટ ઉપર દાંત ભિંસીને દઈ માર્યો હતો. માનસાનાં સેંન્ડલની અણિયાળી એડી ડેનીનાં પગે બરાબરની ખૂંપી હતી જેના લીધે આપોઆપ માનસાના હાથ ઉપરની પક્કડ ઢીલી પડી હતી. માનસાએ એ તકનો લાભ ઉઠાવ્યો અને પાછળ ફરીને તેણે ડેનીને ધક્કો માર્યો હતો. ડેની હડબડાઈને પાછળ ધકેલાયો એ દરમ્યાન માનસા મારી તરફ દોડી આવી હતી. માત્ર ચંદ સેક્ધડોમાં એ બધું બની ગયું હતું.
એ હોય ફરીથી એ અવાજ ગુંજયો અને અમે સંભળીએ એ પહેલા તો કોણ જાણે ક્યાંથી અંધકારભર્યા વાતાવરણમાંથી બે ઓળા અમારી તરફ દોડી આવ્યા. તે બન્નેના દેદાર વિચિત્ર હતા અને તેમાના એક આદમીનાં હાથમાં સિલ્વર કલરની ગન ચળકતી હતી જેની નોક અમારી તરફ મંડાયેલી હતી.
***
ચાલો બધા એક લાઈનમાં આવો. જેના હાથમાં ગન હતી એનો ઘોઘરો અવાજ સંભળાયો. મારા મનમાં ઝટકા વાગતા હતા. કોણ હતા આ લોકો? અને અચાનક ક્યાંથી પ્રગટ થયા..? ક્યાંક આ લોકો વિક્રાંતની જેમ અમારી પાછળ તો નથી આવ્યા ને..! પણ હું એ બન્ને માંથી એકેય ને ઓળખતો નહોતો. મેં વિક્રાંત તરફ જોયું. કદાચ આ લોકો તેના દુશ્મન હોય એવું બને કારણ કે વિક્રાંતે ગામ આખા સાથે દુશ્મની બાંધી રાખી હતી. એ દરમ્યાન અમે એક લાઈનમાં ઊભા રહી ગયા હતા. વિક્રાંતનો હાથ તેની ગરદન પાછળ ફરતો હતો. મેં ઉછાળેલો પથ્થર કદાચ બહુ જોરથી તેને વાગ્યો હતો.
હેલ્લો બોસ, અહીં ધમાચકડી મચી છે. હવે શું કરવાનું છે..? ગનવાળા આદમીએ તેનો ફોન કાઢયો હતો અને કોઈકને ફોન લગાવી અહીંની પરિસ્થિતિ વર્ણવી હતી. એ વજીર હતો અને તેણે તેના બોસ, એટલે કે શ્રેયાંશ જાગીરદારને ફોન લગાવ્યો હતો. સામા છેડે શ્રેયાંશ ચોંક્યો હતો. તેણે વજીર અને ડાગાને રોની પાછળ લગાવ્યા હતા પરંતુ કોણ જાણે કેમ રોની અને માનસાની સાથે હવે વિક્રાંત અને ડેની પણ ત્યાં હતા. અને એ વાત ખતરનાક હતી. તે વિચારમાં પડયો. તેને લાગતું હતું કે હવે ખૂલીને બાઝી ખેલવાનો સમય પાકી ગયો છે.
એક કામ કર, થોડીવાર એ લોકોને ત્યાં જ રોકી રાખ, હું આવું છું. અને તેણે ફોન કાપ્યો. આટલાં લાંબા સમયની રાહ જોયા પછી એક મોકો તેના હાથે લાગ્યો હતો એ મોકો ગુમાવવો તેને પાલવે એમ નહોતો. તે તૈયાર થયો. પેલો લાકડાનો ગોળ ટુકડો પણ તેણે સાથે લીધો અને સડસડાટ નીચે બેઝમેન્ટમાં પહોંચી તે કારમાં ગોઠવાયો અને કારને જંગલ ભણી મારી મૂકી.
એ સમયે કોઈ નહોતું જાણતું કે જંગલમાં એકઠા થયેલા તમામ લોકોનું ભવિષ્ય કઈ અંધકારભરી દિશામાં જવાનું હતું. હકીકત એ હતી કે રુદ્રદેવનો ખજાનો ખરેખર અહીં છે કે નહીં એ પણ કોઈ નહોતું જાણતું. બસ એક અનુમાન અને કેટલાંક તથ્યોનાં આધારે રોની, માનસા, શ્રેયાંશ, વિક્રાંત, ડેની, વજીર,ડાગા આ તમામ લોકો અહીં એકઠા થયા હતા. વિધિની વિચિત્રતા તો એ હતી કે રોની અને માનસા સિવાયના લોકો ખજાના વિશે જાણતાં સુધ્ધા નહોતા. એમને તેમની કિસ્મત અહીં સુધી દોરી લાવી હતી.
***
એ પછીનો સમય ભયંકર ઝડપે પસાર થયો હતો. જંગલ વચાળે જીવણા સુથારના ખખડધજ ઘર પાસે એક અજીબ ટેબ્લો પડયો હતો. શ્રેયાંશ જાગીરદાર ત્યાં આવી પહોંચ્યો હતો. તેને જોઈને મને જબરજસ્ત આશ્ર્ચર્ય ઉદભવ્યું હતું. મારી જેવી જ હાલત વિક્રાંત અને ડેનીની થઇ હતી. અમે કોઈ સમજી નહોતા શક્યા કે શ્રેયાંશ જાગીરદાર આખરે અહીં કેમ આવ્યો છે. અને એથી પણ વધુ આઘાત એ વાતનો હતો કે સામે ઊભેલા પિસ્તોલધારી ગૂર્ગાઓનો બોસ શ્રેયાંશ જાગીરદાર હતો. મારું માથું ભમતું હતું અને જિગરમાં સળ પડતા હતા. કઈક એવું હતું જે મને મૂંઝવી રહ્યું હતું. શ્રેયાંશનાં કમરામાં જોયેલી ચીજો અને અત્યારે તેનું અહીં હોવું કંઈક અમંગળ ઘટના ઘટવાનાં એંધાણ સૂચવતા હતા. મારા દિમાગમાં ક્યારની ખતરાની ઘંટડીઓ વાગવી શરૂ થઈ ચૂકી હતી. અને શરૂઆત શ્રેયાંશ જાગીરદારે જ કરી. (ક્રમશ:)