પ્રવીણ પીઠડિયા
કમરો શાનદાર હતો. અને કેમ ન હોય, વેટલેન્ડનો સૌથી ધનિક અને સૌથી પાવરફૂલ આદમી તેમાં રહેતો હતો. શ્રેયાંશ જાગીરદાર એ નામ જ કાફી હતું તેની ઓળખાણ માટે. પાછલાં ઘણાં વર્ષોથી એમ સમજોને કે વેટલેન્ડની ઉત્પત્તિથી જાગીરદાર કુટુંબ વેટલેન્ડમાં એકહથ્થું શાસન ભોગવતું હતું એવું કહેવામાં કોઈ અતિ-શયોક્તિ નહોતી. કાયદેસર રીતે તે એક એમએલએ હતો, પરંતુ સત્તા કોઈ મહારાજા જેટલી ભોગવતો હતો. લોકવાયકાઓ તો એવી પણ વહેતી હતી કે તેના પૂર્વજોએ જ વેટલેન્ડની નિંવ નાખી હતી. મતલબ કે એક વખતના નિર્જન ટાપુને વેટલેન્ડ જેવા અફલાતૂન, બહેતરીન નગરમાં તબદિલ કરવામાં જાગીરદાર કુટુંબનો સિંહફાળો હતો. આવું તો ઘણું મેં સાંભળ્યું હતું, પરંતુ એ બધું અત્યારે કોઈ મહત્ત્વ ધરાવતું નહોતું અને મને તેની પરવા પણ નહોતી કારણ કે હું સ્તબ્ધ હતો. અને કેમ ન હોઉં મને લાગ્યું જાણે હું કોઈ સેવનસ્ટાર હોટેલનાં સૌથી બહેતરીન સ્યૂટમાં આવી પહોચ્યો છું.‘વાહ’ બસ એટલા જ શબ્દો નીકળ્યા મારા ગળામાંથી.
અરે ત્યાં શું ઊભો છે. અહી આવ એકાએક માનસાના અવાજે મને વાસ્તવિક દુુનિયામાં લાવી દીધો નહીંતર હું આ ભવ્ય મહેલ જેવા શાનદાર કમરાને જોવામાં જ ખોવાઈ ગયો હતો. એ એક વિશાળ ટેબલ પાસે ઊભી હતી. મારા પગ આપોઆપ એ તરફ ચાલ્યા.
આ સમય, આ ઘડી, અને હું જે જોવાનો હતો એ દ્રશ્ય મારું સમગ્ર જીવન બદલી નાખવાના હતા. ફક્ત મારું જ નહીં, પરંતુ વેટલેન્ડનું નસીબ પણ પલટાઈ જવાનું હતું.
***
ઘેરા લાલ, કાળા રંગનાં અજીબ મિશ્રણનું, ઓરિજનલ સિસમનાં લાકડામાંથી એ ટેબલ બનેલું હતું. તેની મજબૂતાઈનો ફક્ત એક નજરે જોવાથી જ ખ્યાલ આવતો હતો. તેની લંબાઈ અંદાજે આઠેક ફૂટ અને પહોળાઈ ચાર ફૂટ જેટલી હશે. મારું ધ્યાન સૌ પહેલા એ ટેબલ તરફ ખેંચાયું હતું અને પછી મેં તેની ઉપર ગોઠવાયેલી ચીજોને જોઈ હતી. દુનિયાભરમાંથી એકઠી કરેલી એન્ટિક ચીજોનો ટેબલ ઉપર જાણે શંભુ-મેળો રચાયેલો હતો. મને તેમાં કોઈ રસ નહોતો. મારી નજરો એક જ વસ્તુને ખોજી રહી હતી.
ક્યાં છે એ મેં અધીરાયભેર માનસાને પૂછયું. મારી જેમ માનસા પણ ટેબલ ઉપર નજર ફેરવી રહી હતી. અચાનક તેની આંખોમાં ચમક ઊભરી. હાથ લંબાવીને તેણે એ ટુકડાને ઊંચકયો અને મારી સમક્ષ ધર્યો. બિલકુલ મારી પાસે હતો એવો જ એ ટુકડો હતો. મારા જીગરમાં એકાએક ઉત્સાહ છલકાયો અને હાથ લંબાવીને એ ટુકડાને મેં તપાસ્યો. હવે એક જેવા બે ટુકડા મારી પાસે હતા. એક મારા ઘરે અને એક માનસાનાં ઘરે. એવું કેમ બને? પહેલી વખત એ ટુકડો મને જીવણાનાં સ્ટ્રેચર પરથી મળ્યો ત્યારે મને એ કોઈ વજનદાર ધાતુનો બનેલો માલૂમ પડયો હતો પરંતુ એવું નહોતું. એ સિસમના લાકડાનો, ખાસ રીતે ‘કોરી’ને બનાવ્યો હોય એવો પથ્થર જેટલો મજબૂત ટુકડો હતો. હું આ લઈ જાઉં? મેં માનસાને પૂછયું
ડેડી મને મારી નાખશે.
તું આટલું નહીં કરી શકે?
નહી, એ શક્ય નથી. માનસા સાફ નામૂકર ગઈ. હું વિચારમાં પડ્યો. તું અહીં જ કેમ નથી જોઈ લેતો..? આખરે છે શું આ અજીબ દેડકા જેવા લાકડાના ટુકડામાં..? તેણે પૂછયું. હવે હું એને કેમ સમજાવું કે આવો જ એક ટુકડો મને મૃત પડેલા જીવણા પાસેથી મળ્યો હતો જે મારા ઘરનાં ટેબલ પર તેણે પણ જોયો હતો.
મારે પણ એજ જાણવું છે. હું ત્યાંજ એક ભવ્ય ચેર પર બેસી પડયો અને એ ટુકડાને નિરખવા લાગ્યો. એ કોઈ ‘રગ્બી’ મેચનાં બોલની નાની પ્રતિકૃતિ સમાન હતો. ગોળ અને અકબંધ. માનસા મારી સામેની ચેરમાં ગોઠવાઈ. તેની આંખોમાં પણ જબરી ઉત્સુકતા ચમકતી હતી. લગભગ પંદરેક મિનિટ એ ટુકડાને બરાબરનો ઊલટાવી સુલટાવીને મેં નિરખ્યો. એ બસ એક વિચિત્ર પ્રકારનો ટુકડો જ હતો. એ સિવાય કશું જ નહીં. આખરે થાકીને મેં તેને સામે પડેલી ટિપોઈ ઉપર મૂકી દીધો અને કંટાળીને ચેરને ટેકો દઈને બેઠો. મારી નજરો પેલા ટેબલ ભણી ખેંચાઈ હતી અને પછી દીવાલે લટકતા ચિત્ર તરફ.
એ પેઈન્ટિંગ કોનું છે? એમ જ, કંટાળો દૂર કરવા માનસાને મેં પૂછયું.
મારા દાદા, કે એના પણ દાદાનું હશે. મને ચોક્કસ ખ્યાલ નથી. તેણે ખભા ઉલાળતા જવાબ આપ્યો. મને એકાએક એ ચિત્રમાં દિલચસ્પી જાગી અને ઊભા થઈને એ ચિત્ર પાસે પહોંચ્યો. લગભગ અડધા ટેબલને આવરતું એ ભવ્ય ચિત્ર હતું. તેની ફ્રેમ જાડી અને મજબૂત જણાતી હતી. જાણે કોઈ નાનો ‘કપબોર્ડ’ જોઈ લો. મને એ વાતનું આશ્ર્ચર્ય ઊભર્યું. હાથ લંબાવીને એ ચિત્રની કિનારીઓ હું ફંફોસવા લાગ્યો અને
માયગોડ એકાએક મારો શ્ર્વાસ અધ્ધર થઈને મારા જ ગળામાં સલવાઈ ગયો. એ એ ચિત્ર એક બાજુથી ખૂલે એવું હતું. મતલબ કે ઓહગોડ, મને એ સમજતા થોડી ક્ષણો થઈ પરંતુ સમજાયું ત્યારે મારાં ઉત્સાહનો કોઈ પાર રહ્યો નહીં. એ ચિત્રનાં એક તરફનાં ભાગે નાનકડી ‘કળ’ હતી જેને દબાવવાથી તે કોઈ બારીની જેમ ખૂલી જતું હતું. મેં એ કળ દબાવી. ‘ખટ્ટ’ કરતો અવાજ આવ્યો અને એકદમ ખામોશીથી તેનો આગળનો ભાગ એકતરફ ખૂલી ગયો. એ દરમ્યાન માનસા મારી નજીક દોડી આવી હતી અને તેની આંખોમાં પણ ભયંકર આશ્ર્ચર્ય છવાયું હતું.
રોની! તે બસ એટલું જ બોલી શકી. મેં હળવેકથી દરવાજો ખોલ્યો. મારી તાજજુબી વચ્ચે તેની પાછળ, દીવાલમાં એક નાનકડી તિજોરી જડેલી હતી. એ તિજોરીના બારણે લાલ લાઈટ ઝબકતી હતી અને એ ઉપરાંત તેમાં એકથી દસ આંકડા લખેલા બટન હતા. મતલબ કે કોઈને ખ્યાલ ન આવે એ રીતે આ નાનકડી તિજોરીને પેલા ચિત્રની પાછળ ખૂફિયા રીતે સંતાડીને બનાવાય હતી. મારું અનુમાન કહેતું હતું કે પેલા લાકડાના ગોળ ટુકડાનું રહસ્ય ચોક્કસ આ તિજોરીમાં હોવું જોઈએ. તું એ ખોલવાનું વિચારે છે? સહસા માનસાએ પ્રશ્ર્ન ઉછાળ્યો.
મેં ફક્ત તેની સામું જોયું. એ સમજી ગઈ. મારી જેટલી ઉત્સુકતા તેના જહેનમાં પણ ઉછળતી હતી. ઘડીભર માટે તે ભૂલી ગઈ હતી કે તે તેના ડેડીનાં કમરામાં ચોરી-છૂપીથી એક અજાણી વ્યક્તિને લઈ આવી છે અને જો તેના ડેડીને ખબર પડી કે માનસાએ તેમની ખાનગી ચીજોને હાથ લગાવ્યો છે તો શું વલે થશે.
તને આનો કોડ નંબર ખબર છે? એ પ્રશ્ર્ન બેવકૂફી ભર્યો હતો. ભલા માનસાને એની ક્યાંથી ખબર હોય.
ડોન્ટ નો. તેણે ખભા ઉલાળ્યા.
કોડ નંબર વગર આગળ કામ ચાલે એમ નહોતું. અમે બન્ને એક-બીજાનું મોં જોતા એમ જ ઊભાં રહ્યાં.
***
એ નંબર મળ્યો, સાવ અન-અપેક્ષિત અને આશ્ર્ચર્યજનક રીતે. માનસા જાણતી હતી કે તેના ડેડી તેને અનહદ ચાહે છે. એટલે સાવ રમત કરતી હોય એમ તેણે તેની બર્થ ડેટ એ ડિવાઈસમાં ડાયલ કરી અને અમને બન્નેને આશ્ર્ચર્યનો ઝટકો લાગ્યો. તિજોરીની રેડ લાઈટ ગ્રિન લાઈટમાં તબદીલ થઈ અને એક હળવા અવાજ સાથે તિજોરી ખૂલી ગઈ.
ઓહ વાઉ માનસા ઉછળી પડી અને તિજોરીમાં હતી એ તમામ વસ્તુઓ બહાર કાઢી ટેબલ ઉપર પાથરી દીધી. મને અચરજ થયું. એક એવી તિજોરી કે જેને અત્યંત ભેદી રીતે બનાવીને ચિત્ર પાછળ દીવાલમાં સંતાડી રાખવામાં આવી હોય તેમાં માત્ર થોડા જુનવાણી કાગળો, એક નાનકડું અમથું પુસ્તક અને જાડા પાનાનું નકશા જેવું જ કશુંક હતું એ વિસ્મયકારક બાબત હતી. મને એમ કે તિજોરીમાં અત્યંત કિંમતી હીરા, જવેરાત કે એવું કંઈક હશે. પણ ખેર અમારે ઉતાવળ
કરવી પડે એમ હતી એટલે મેં એ તમામ કાગળો તથા નકશાનાં ફોટા મારા મોબાઈલમાં પાડીને તેને ફરીથી પાછા તિજોરીમાં મૂકી દીધા અને તિજોરી બંધ કરી, જે ચિત્રની પાછળ તેને સંતાડવામાં આવી હતી એ ચિત્ર, એટલે કે માનસાના દાદા કે વડ દાદાના ચિત્રનો ફોટો ખેંચી અમે ઝડપથી માનસાનાં કમરામાં પાછા ફર્યાં. એટલું કરવામાં પણ અમારા બન્નેનાં શ્ર્વાસ ફૂલી ગયા હતા. જોકે સાવ અનાયાસે જાણે અમને જેકપોટ લાગ્યો હોય એવો આનંદ થતો હતો. પેલો લાકડાનો ટુકડો પણ તેની જગ્યાએ યથાવત ગોઠવી દીધો હતો.
એ પછીની ઘટનાઓ બહુ ઝડપથી ઘટી હતી. મેં અને માનસાએ એ ફોટાનું વિશ્ર્લેષણ કરવું શરૂ કર્યું હતું અને તેમાંથી જે તારણ નીકળતું હતું એ દિલ ધડકાવનારું હતું.
(ક્રમશ:)