આઈલેન્ડ પ્રકરણ ૪૦

ઉત્સવ

પ્રવીણ પીઠડિયા

પીટર ચકરાવામાં પડયો. ખાલીખમ વિજયગઢ એકાએક તેને ખાવા ધાતું હોય એવી બેચેની તેના જીગરમાં ઊમટી. એ સમયે જ તેણે ખણખોદ આદરી અને ટૂંક સમયની અંદર જ તાળો મેળવ્યો હતો કે નગરમાં આવેલા રૂદ્રદેવનાં મંદિરમાં થોડા સમય પહેલા કંઈક ભેદી હલચલ થઈ હતી. એ સમાચારે તેના માંહ્યલામાં હજારો દીવાઓ ઝગમગ્યાં હોય એવી ખૂશી ભરી દીધી હતી. તેના કાને ખબર પહોચ્યાં હતા કે જે દિવસે વિજયગઢ પડયું એ રાત્રે નગરનાં મંદિરમાં કેટલાક રહસ્યમય માણસો એકઠા થયા હતા અને કશીક ગતિવિધિ ચાલતી હતી. તેણે તુરંત એ બાબતની છાનબીન શરૂ કરી અને ગણતરીનાં થોડા સમયની અંદર જ જાણકારી હાસલ થઈ હતી કે મંદિરનાં ભોયરામાંથી ભારે માત્રામાં કોઈક સામાનની હેરાફેરી કરવામાં આવી હતી. તે ચોંકી ઉઠયો. તેને એક વત્તા એક બરાબર બે કરતાં સમય લાગ્યો નહીં. ચોક્કસ કોઈ કિંમતી વસ્તુઓને સગેવગે કરાઈ હશે એમા કોઈ શંકા નહોતી. વધુ ખણખોદ કરતા એ પણ જાણવા મળ્યું કે દાયકાઓથી એક કહાની નગરમાં વહેતી હતી કે એ મંદિરનાં ભોયરામાં અતી કિંમતી ખજાનો દટાયેલો છે. જો એ કહાની અને એ રાત્રે થયેલી ભેદી હલચલને એકસાથે રાખવામાં આવે તો! તેની આંખો ચમકી ઉઠી. તેણે તાબડતોબ એ સમાચાર કર્નલ જેમ્સ કાર્ટરને મળે એવી વ્યવસ્થા ગોઠવી અને નાનકડી સેનાને સાબદી કરી મંદિર તરફ કૂચ આરંભી.
પરંતુ માણસ ધારે એવું કંઈજ બનતું નથી. જો એમ થતું હોત તો આજે માણસ ખુદ ઈશ્ર્વર બની બેઠો હોત. એ સમયે બે ઘટનાઓ એવી બની હતી જેણે આ કહાનીની દિશા સમૂળગી બદલી નાખી હતી. પીટરે મોકલેલો સંદેશો કર્નલને મળ્યો જ નહી અને બીજી તરફ પીટરનાં હાથે પણ કશું લાગ્યું નહીં. એ કેમ કરતા થયું એ આજે પણ અણ-સુલઝેલો કોયડો બની રહ્યો છે. કદાચ કુદરત નામની ચીજે પોતાનો પરછમ લહેરાવ્યો હતો જેમાં ભલભલા આંટી ખાઈ ગયા હતા.
***
ત્રણ દિવસ બાદ કર્નલ જેમ્સ કાર્ટરનો રસાલો તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યો હતો. એ એક નાનકડા કસ્બા જેવું, છૂટાછવાયા આઠ-દસ ઝૂંપડાઓનો સમૂહ ધરાવતું, અઘોર જંગલની વચ્ચોવચ વસેલું ગામ હતું. કાર્ટર ખાસ મકસદ લઈને અહી આવ્યો હતો. એ મકસદ હતો ખજાનાને સગેવગે કરવાનો. વેંકટા પાસેથી મળેલો ખજાનો કોઈપણ ભોગે તે અંગ્રેજ ખજાનામાં જમા કરવા માગતો નહોતો એટલે જ તેણે એક બીજી વ્યવસ્થા વિચારી હતી અને ગાડાઓમાં ભરેલા સામાનને તેના ગંતવ્ય સ્થળે પહોંચાડવા તેણે આ ગામ ઉપર પસંદગી ઉતારી હતી. એ ઉપરાંત સામાન ભરવા માટે બ્રિટિશ હુકુમતનાં સૈન્યમાં વપરાતા અને લગભગ ખખડધજ થઈને ભંગારમાં જવા લાયક ખટારાઓ મગાવ્યાં હતા. એ ખટારાઓ મગાવવાનું ખાસ કારણ એ હતું કે તેનો ઉપયોગ હવે નહીવત થતો. મોટેભાગે તો તેને ‘ક્રેપ’ ગણીને ભંગારવાડે મોકલી અપાયા હતા અને તેમાથી જ કાર્ટરે બે ખટારાઓ ઉપાડયા હતા. એ ખટારાઓ વિશે પૂછવાવાળું કે ઈન્કવાયરી કરવાવાળું કોઈ નહોતું જેનો ભરપૂર લાભ કાર્ટરને મળ્યો હતો. એક દિવસ પહેલા જ એ ખટારાઓ ગામમાં આવી પહોંચ્યાં હતા એટલે વધું સમય બગાડયા વગર કાર્ટરે ગાડાઓનો માલ ખટારાઓમાં ચઢાવ્યો હતો અને તેને બંદરગાહ તરફ રવાના કરાવીને નિરાંતનો દમ ખેંચ્યો હતો.
તેનું કામ પૂરું થયું હતું. જે મકસદથી તેણે હિન્દુસ્તાનની રાહ પકડી હતી એ મકસદ લાંબા સમયનાં અંતરાલ બાદ આખરે હાંસિલ થયો હતો. તે ખૂશ હતો. હવે તે અઢળક દોલતનો સ્વામી હતો. એક વખત આ દોલત ઈંગ્લેન્ડની ધરતી ઉપર સહી-સલામત ઉતરી જાય પછી હંમેશાં માટે તે માર્ગારિટાને લઈને ઈંગ્લેન્ડ પોતાને માદરે વતન ચાલ્યાં જવાનો મનસૂબો ધરાવતો હતો અને બાકીની જિંંદગી એશો-આરામથી વિતાવવા માગતો હતો. જાણે ઈંગ્લેન્ડની ધરતી ઉપર અત્યારે જ પહોંચી ગયો હોય એમ મનમાં જ ગણતરીઓ માંડીને તે ઝૂમી રહ્યો હતો. પરંતુ એ એટલું આસાન નહોતું.
***
પીટર મુંઝાઇ ગયો. તેણે સમગ્ર મંદિરમાં સઘન તપાસ કરી લીધી હતી પરંતુ ક્યાંય કશું જ હાથ લાગ્યું નહીં. અરે મંદિરમાંથી કોઈ ચીજ ગુમ થઈ છે અથવા તો એવી કોઈ હલચલ થઈ છે એનો નાનો અમથો અંદેશો પણ મળ્યો નહીં. તે અંદાજ નહોતો લગાવી શકતો કે આખરે એવું બને કેમ? શું તેના ગુપ્તચરોએ ખોટી માહિતી પહોંચાડી હતી..? નહીં, એ શક્ય નહોતું. તેણે માથું ખંજવાળ્યું અને બાજુમાં ઉભેલા વજાખાન તરફ દ્રષ્ટી ઘુમાવી. તે અહીનો બાશિંદો હતો, ચોક્કસ તેને આ બાબતે જાણકારી હશે. નજરોથી જ પ્રશ્ર્ન પૂછાયો હોય એમ વજાખાને પણ ‘મને ખબર નથી’ એવા ભાવથી ખભા ઉલાળ્યાં. તે પણ હેરાન હતો. તેઓએ ફરી વખત મંદિરનાં પરીસરનો ખૂણે-ખૂણો ઈંચે-ઈંચ જગ્યા તપાસી લીધી. ઘોર માયૂસી સિવાય તેમને કંઈજ હાંસિલ થયું નહી. એ રાત્રે પીટરને ઊંઘ ન આવી. તેની ખુલ્લી આંખોની સામે મંદિર ચકરાવા લઈ રહ્યું હતું. તેને ખાતરી હતી કે વિજયગઢનાં મંદિરનું કોઈ તો રહસ્ય છે જે તેની સમજમાં ઊતરતું નથી. નજરો સામે બધુ જ હોવા છતાં જાણે કોઈ છળાવાની જેમ એ રહસ્ય તેની સાથે સંતાકૂકડી રમી રહ્યું છે. પડખા ઘસી-ઘસીને આખી રાત વીતી ગઈ છતાં કંઈ જ ન સમજાતા મનોમન નિર્ણય કર્યો કે કોઈપણ ભોગે તે આ રહસ્યને સુલઝાવીને જ રહેશે. પછી ભલે તેમા ગમે તેટલો લાંબો સમય કેમ ન લાગે! તેની રગોમાં દોડતું અંગ્રેજ લોહી એટલી આસાનીથી હાર માનવા તૈયાર નહોતું. એ નિર્ણય પછી ચંદ મિનિટોમાં જ તે ઘસઘસાટ ઘોર્યો હતો. એ સમયે જ એક નવો અધ્યાય લખાવાની તૈયારીઓ આરંભાઈ ચૂકી હતી.
***
વસંત માડુની નજરોમાં એકાએક ચમક ઊભરી. ધોધમાર ખાબકતા વરસાદની પેલે પારથી આછી માંદલી રોશનીની ઝલક દેખાતા જ તેના હદયમાં આનંદનો ઊભરો છલકાયો અને તેણે હાકલ મારીને પોતાના સાથીદારોને જે રાહ જોઈ-જોઈને કંટાળીને અર્ધનિદ્રામાં સરી પડયા હતા તેમને જગાડયા. પછી તે કેબિન છોડીને બહાર દોડયો. સામેની તરફથી ભયંકર અવાજ કરતાં બે ખખડધજ ખટારાઓ આવી રહ્યાં હતાં. એ ખટારાઓમાં જે સામાન હતો તેને ‘વેટલેન્ડ’માં ચડાવાનો હતો. એ કામ પત્યાં પછી જ તેમને છુટ્ટી મળવાની હતી એટલે વસંતે દૂરથી જ હાથનાં ઈશારા વડે ટ્રક ડ્રાઈવરને છેક વેટલેન્ડ જહાજની નજીક, જ્યાં ઊંચુ પ્લેટફોર્મ બનેલું હતું તેની ધારે ટ્રક લઈ આવવાનો ઈશારો કર્યો. બરાબર એ સમયે જ આકાશમાં ભયંકર વીજળી કડકી ઉઠી. ચમકદાર વીજળીનાં પ્રકાશમાં વસંતે એ ખટારાઓને બરાબર નિરખ્યાં અને તેના શરીરમાંથી કોણ જાણે કેમ પણ ભયંકર ડરનું લખલખું પસાર થઈ ગયું. એ ભંગાર ખટારાઓની હાલત કોઈ યમદૂતનાં વાહન જેટલી બિહામણી હતી. આકાશમાં છવાયેલો ઘોર અંધકાર, તેમા બે હાથ દૂરનું દૃશ્ય પણ દેખાય નહીં એટલું ધોધમાર ખાબકતું પાણી, માથે કડકતી ડરામણી વિજળીનાં ચમકારા, સમુદ્રમાં સર્જાતા ભયાવહ ઉફાણનાં કારણે કિનારાઓ વળોટીને છેક અંદર સુધી ઘૂસી આવતા વિકરાળ મોજાં, એ બધાનું પ્રતિબિંબ વસંત માડુનાં હદયમાં ઝિલાતું હતું અને તેના કારણે જે ભય ઉત્પન્ન થતો હતો એ તેને અત્યારે જ અહીથી પલાયન કરી જવા પ્રેરતો હતો. પરંતુ તે જઈ શકે તેમ નહોતો. ઉપરી સાહેબની સખત સૂચના હતી કે માલ જહાજમાં ચઢાવ્યાં વગર કોઈને ઘરે જવાનું નથી એટલે ક-મને તેણે કામ આદર્યું હતું.
ખટારાઓનાં ચાલકોએ બન્ને ખટારાઓને એક પછી એક જેટ્ટીનાં ઊંચાઈવાળા ભાગ પાસે લાવીને ઊભા રાખ્યાં. એ સાથે જ માડુનાં માણસોએ દોટ મૂકી હતી અને ખટારાઓનાં પાછલા પડખા ખોલી નાંખ્યાં હતા. અને એકાએક તેમાથી એક માણસે વસંત માડુને બૂમ પાડી હતી.
ઓ સાહેબ, આ જૂઓ.. અને તે પોતાની કમરે બન્ને હાથ ટેકવીને ખટારાની પાછલી ટ્રોલીનાં ફર્શ પડેલા સામાનને નિરખતો ઊભો રહી ગયો હતો. માડુને ધ્રાસકો પડયો. ક્યાંક આ લોકો કોઈ ગેરકાનૂની સામાન તો લઈને તો નથી આવ્યાં ને..? તે જલદીથી પ્લેટફોર્મ ઉપર ચઢયો અને ખટારાનાં ખુલ્લા થયેલા ફાટકની અંદર નિરખ્યું.
ત્યાં લાકડાઓની બનેલી મોટી મોટી પેટીઓ પડી હતી. લગભગ દસેક પેટીઓ હશે. એ પેટીઓ હમણાં તાજી જ લાકડાને વહોરીને બનાવાઈ હોય એવું જણાતું હતું.
શું છે ધમલા..? પેટીઓ જ છે. તેમા બૂમો પાડવાની શી જરૂર છે..? માડુનો પિત્તો છટક્યો કારણ કે એક તો તે ડરેલો હતો તેમા ધમલાની રાડે તેને ઓર બીવડાવી દીધો હતો.
પણ માલીક..? તે કંઈક બોલવા ગયો.
બંધ કર તારી તૂતડી. પેલા આ પેટીઓ ઉઠાવીને જહાજનાં ગોદામમાં જમાવ. તેણે ધમલાને લગભગ ધમકાવી જ નાંખ્યો. પણ ધમલો હલ્યો નહી. તે અડીયલ ઘોડાની જેમ વસંત માડુ સામે ઊભો રહી ગયો. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.