આઈલેન્ડ પ્રકરણ ૩૮

ઉત્સવ

પ્રવીણ પીઠડિયા

સબૂર… એ મારો શિકાર છે. કાર્ટર ગર્જી ઊઠ્યો હતો અને તેણે તેના સિપાહીઓને રોક્યા હતા. તલવાર બાજીમાં તે એક્કો હતો, સામે વેંકટો પણ કંઈ કમ નહોતો. તે બન્નેની તલવારો વીજળીના ચમકારાની જેમ ચમકતી હતી. પહેલો વાર કાર્ટરે જ કર્યો હતો.
“ખનનન તલવારોના આપસમાં ટકરાવાનો ભયંકર અવાજ થયો અને ચમકારા મારતા તિખારાઓની બૌછાર ઊડી. એ સાથે જ કાર્ટરના હાથમાં ભયાનક થડકો લાગ્યો અને આપોઆપ તે પાછળ ધકેલાયો. ઘડીક તો એવું લાગ્યું જાણે તેના હાથ ઉપર કોઈએ ભારેખમ હથોડો ઝીંકી દીધો છે. તેણે વેંકટા રેડ્ડી જેવા ભીમકાય વ્યક્તિ સાથે તલવાર યુદ્ધ છેડ્યું હતું એ કંઈ ખાવાના ખેલ નહોતું. એ તેનાથી ત્રણ ગણો શક્તિશાળી અને પહાડ જેટલો ઊંચો હતો. તેની સામે કાર્ટર નાનકડું બચ્ચું જ લાગતો હતો. એક રીતે તો તેણે રીતસરની મોત સાથે બાથ ભીડી હતી પરંતુ આજે ખૂદને અજમાવાનાં મૂડમાં હોય એમ ફરીથી તે દોડયો હતો અને વેંકટા ઉપર તલવારનો ઘા કર્યો હતો. વેંકટાએ તેની તલવાર આડી કરીને એ ઘા ઝીલ્યો અને એ હાલતમાં જ પગ ઉઠાવીને કાર્ટરનાં પેડુમાં લાત ઠોકી દીધી. ભયંકર ફોર્સથી એ લાત કાર્ટરનાં પેટ અને કમરનાં વચ્ચેનાં ભાગે લાગી. કાર્ટર કરાહી ઊઠ્યો. તેને લાગ્યું જાણે તેનું પેટ ફાટી પડ્યું છે અને તેમાંથી આંતરડાઓ બહાર નિકળી આવ્યાં છે. એટલું ઓછું હોય એમ તે વેંકટાની ફેંટથી હવામાં ઉછળ્યો હતો અને દૂર જઈને એક ઝાડનાં થડ સાથે પીઠભેર અથડાયો હતો. એ પછડાટથી તેની કમરજજુમાં કડાકો બોલી ગયો હતો. બેવડા મારથી તેની આંખોમાં આસું ઊભરાઈ આવ્યાં. ઘડીભર માટે તેનું મગજ સૂન્ન પડી ગયું હતું અને કાનમાં એક સાથે હજજારો તમરા ઘૂસી ગયા હોય એવો ગુંજરાવ શરૂ થયો હતો. વેંકટાનાં એક જ પ્રહારે તેનું અભિમાન રસાતાળમાં ધરબાઈ ગયું હતું અને તે સમજી ગયો હતો કે તેનો પનારો કોઈ સામાન્ય આદમી સાથે નથી પડયો, પરંતુ એક રાક્ષસ સાથે પડ્યો છે.
કર્નલની હાલત જોઈને તેની સાથે આવેલા સૈનિકો તેની નજીક દોડી આવ્યા હતા. કાર્ટરનાં હુકમના કારણે તેઓ રોકાયા હતા નહીંતર અત્યાર સુધીમાં તેમણે વેંકટાને ગોળીઓથી ભૂંજી નાખ્યો હોત, પરંતુ હવે તેમને પણ ડર લાગવા માંડયો હતો, કારણ કે તેણે કર્નલની એક જ ફેંટમાં જે હાલત કરી નાખી હતી એ ભલભલાને છળાવી મૂકવા પૂરતું હતું.
“બંદૂક મારી બંદૂક લાવો! કાર્ટરે એકાએક તેની નજીક ઊભેલા એક સૈનિકને ઉદ્દેશીને કહ્યુ. તેના ગળામાંથી મહા-મુસીબતે અવાજ નીકળ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે સામે ઊભેલા દાનવને તે દ્વંદ્ધ યુદ્ધમાં તો ક્યારેય હરાવી નહીં શકે એટલે એનો ખાતમો કરવા બીજી નીતિ અપનાવવી પડશે. હુકમ થતાં જ પેલો સૈનિક દોડયો હતો અને કાર્ટરે જમીન ઉપર ફેંકી દીધેલી બંદૂક શોધી લાવીને કાર્ટર તરફ લંબાવી હતી. કાર્ટરે ધ્રૂજતા હાથે બંદૂક લીધી અને મહા-મહેનતે વેંકટા તરફ નાળચું તાક્યું. વેંકટા રેડ્ડી હજું પણ એમ જ ઊભો હતો. તેને કાર્ટરનાં ઊભા થવાની રાહ હતી, પરંતુ એકાએક તેણે કાર્ટરનાં હાથમાં વિલાયતી બંદૂક જોઈ અને તે હસ્યો. પહેલા ધીરેથી અને પછી જોરથી અટ્ટહાસ્ય વેર્યું. તેના હાસ્યથી આખું જંગલ ધ્રૂજી ઊઠયું હતું. કાર્ટર અને તેના બાશિંદા ફાટી આંખોએ તેને હસતો જોઈ રહ્યાં. એમાં હસવા જેવું શું હતું? જો બંદૂક ચાલી તો તેનું મોત નિશ્ર્ચિત હતું છતાં તે હસી રહ્યો હતો એ ભયંકર આશ્ચર્યજનક હતું. કાર્ટરે દાંત ભિસ્યા. વેંકટો તેની મજાક ઉડાવી રહ્યો હોય એ તેનાથી સહન થયું નહી અને તેણે ટ્રિગર દબાવી દીધું. ગોળી ચાલવાનો ધડાકો થયો અને તેની બીજી જ પળે ખણિંગ કરતો અવાજ આવ્યો. ફરીથી વેંકટાનાં અટ્ટહાસ્યથી જંગલની ધરા થથરી. કાર્ટરનાં જિગરમાં દુનિયાભરનું વિસ્મય આવીને સમાયું. એ ઘટના અવિશ્ર્વનિય અકલ્પનિય હતી. કોઈએ તલવારની ધારથી બંદૂકની ગોળી રોકી હોય એવો તેના જીવનનો આ પહેલો અને કદાચ છેલ્લો કિસ્સો હતો. તેની જેમ તેના સૈનિકો પણ એ હૈરતઅંગેજ દ્રશ્ય જોઈને છળી પડ્યા હતા. તેમને પણ હવે વેંકટાનો ડર પેઠો હતો. જે રીતે વેંકટાએ તલવારથી કાર્ટરની બંદૂકમાંથી નીકળેલી બૂલેટને રોકી એ કોઈ અસૂરી શક્તિનો ઓછાયો તેમને જણાયો એટલે તેઓ એ સમયે જ હથિયાર હેઠા મૂકીને ભાગવા લાગ્યા. એ જોઈને કાર્ટરનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો. સ્ટોપ ઈટ… આઈ સે સ્ટોપ, અધરવાઈઝ આઈ વીલ ફાયર ઓલ ઓફ યુ. તે ચિલ્લાઈ ઉઠયો. તેની આંખોમાં લોહી ધસી આવ્યું હતું અને લાલઘૂમ નજરોથી જ તેણે વેંકટા ભણી જોયું. એ હજું પણ ઉપહાસપૂર્ણ રીતે હસી રહ્યો હતો. કાર્ટરે તેની બંદૂક નીચે મૂકી અને એક સૈનિક હમણાં જ રાઈફલ મૂકીને ભાગ્યો હતો એની રાઈફલ ઉઠાવી. તેણે વેંકટાનું નિશાન તાક્યું અને આંખો બંદ કરીને ટ્રિગર દબાવી દીધું. “ધાંય. કરતો ધડાકો થયો… અને આ વખતે વેંકટો ઊછળ્યો. રાઈફલમાંથી છૂટેલી ગોળી સીધી જ તેના સીનામાં સમાઈ ગઈ હતી અને તેની છાતીની ડાબી તરફ લાલચોળ રક્તનો ધબ્બો ઊપસી આવ્યો. તેણે નજરો નીચી કરીને છાતીમાંથી ઉભરાતા લોહીને તાક્યું. ઘડીક તો તેને સમજાયું નહીં કે એ કેમ કરતાં બન્યું. તે પોતાની તાકાત ઉપર મુસ્તાક હતો. એમ સમજોને કે વેંકટો હંમેશાં પોતાને અપરાજીત માનતો હતો. તેને ખ્યાલ હતો કે તેને હરાવવો લગભગ અસંભવ સમાન છે. પરંતુ તે એક વાત ભૂલી ગયો હતો કે તેનો પ્રભાવ નિર્જીવ વસ્તુઓ ઉપર ઘણી વખત ચાલતો નહીં. તે ફક્ત જીવિત વ્યક્તિઓ કે વસ્તુઓને પોતાની શક્તિઓ વડે કાબૂમાં કરી શકતો પરંતુ ક્યારેક જડ પદાર્થો ઉપર તેનો પ્રભાવ વર્તાતો નહીં. અત્યારે પણ એવું જ થયું હતું. એક વખત તેણે કાર્ટરની બંદૂકમાંથી નીકળેલી ગોળીને પોતાની તલવાર આડી ધરીને ચૂકવી હતી, પરંતુ બીજી વખત તે ચૂકી ગયો હતો. તેણે તલવાર તો જરૂર આડી ધરી પણ આ વખતે કાર્ટરની રાઈફલમાંથી છૂટેલી ગોળી તલવારને ચાતરીને સીધી જ તેના સીનામાં ધરબાઈ ગઈ હતી.
અને એ જોઈને કાર્ટરના હૃદયમાં દીવાઓ ઝળહળ્યાં. એક પણ સેક્ધડ ગુમાવ્યાં વગર તેણે ફરીથી ગોળી ચલાવી દીધી. અને પછી એ અટક્યો નહીં. ધડાધડ કરતાં રાઈફલમાં કારતૂસ ભર્યાં અને આંખો મીચીને બેફામ ગોળીબાર શરૂ કર્યો. માત્ર થોડી ક્ષણોમાં જ તેણે વેંકટાની છાતીને કોઈ ચારણીની માફક વિંધી નાખી હતી. વેંકટો કોઈ હરકત કરે કે કાર્ટરનો પ્રતીકાર કરવાની કોશીશ કરે એ પહેલા તો તેનો પહાડી દેહ ધડામ કરતો ધરતી ઉપર ખલાઈ ચૂક્યો હતો. માત્ર ગણતરીની સેક્ધડોમાં એ ખેલ ભજવાઈ ગયો હતો અને વેંકટો ધરાશાયી થયો હતો. કાર્ટર માટે તો એ અકલ્પનિય ઘટના સમાન દ્રશ્ય હતું. તેના જિગરમાં એકસાથે હજજારો દીવાઓ ઝગમગ્યાં હતા. રાઇફલને એમ જ હાથમાં પકડીને ઊભો થયો અને તે દોડ્યો હતો. પેટમાં ઉઠયાં વમળોને અવગણીને તે વેંકટાની નજીક પહોંચ્યો. તે એટલો ઉત્સાહમાં આવી ગયો હતો કે ઘડીભર માટે પોતાની પીડાને પણ વિસરી ગયો હતો. વેંકટાએ પહેરેલું ખમીસ અને તેની ઉપરનું આવરણ લોહીથી ઉભરાતું હતું. તેની આંખો ઊંચે આકાશ ભણી તકાયેલી હતી. હાથમાં પકડેલી તલવાર એમ જ રહી ગઈ હતી. તે મહા-મહેનતે શ્વાસ લઈ રહ્યો હતો. કદાચ એ તેના છેલ્લા શ્ર્વાસોશ્ર્વાસ હતા. કાર્ટરને પોતાના માથે ઝબૂંળતો જોઈને તેણે ઉભા થવા પ્રયત્ન કર્યો. તે હજુ પણ હાર માનવા તૈયાર નહોતો પરંતુ તેનું શરીર નકામું પડી ચૂક્યું હતું. હાથની આંગળીઓ જાણે ખોટી પડી ગઈ હોય એમ તલવાર ઊપરની પકડ છૂટી ગઈ હતી. શરીરના અણુએ ગરમ લહાય સળગતી હોય એમ તેનું શરીર તપવા લાગ્યું હતું. તેની ખૂલ્લી આંખોએ છેલ્લી વખત એક ઝબકારો માર્યો. તેની પાપણો હલી અને શ્ર્વાસ ગળામાં જ અટકી ગયો. એ હાલતમાં જ તે મૃત્યુ પામ્યો. મરતી વખતે તેને શંકરે સોંપેલું કાર્ય પૂર્ણ ન કર્યાંનો વસવસો હતો, પરંતુ આખરે મૃત્યુ જીત્યું હતું અને કાર્ટરની ગોળીઓથી તે મરાયો હતો.
કાર્ટરે એ જોયું. વેંકટાનાં છેલ્લા શ્ર્વાસો તૂટયા પછી તે તેના નિષ્પાણ દેહની નજીક ઉભડક પગે બેઠો. તેણે રાઈફલનાં નાળચેથી વેંકટાનો દેહ હલાવીને ખાતરી કરી લીધી કે ખરેખર તે મરી ચૂક્યો છે કે નહી કારણ કે હજુ પણ તેના જિગરમાં વેંકટાનો ખૌફ છવાયેલો હતો. પરંતુ તે મરી ચૂક્યો હતો. કાર્ટરને અજીબ રાહત ઊપજી. તેણે એક લાંબો શ્ર્વાસ પોતાની છાતીમાં ભર્યો અને ત્યાં જ બેસી પડયો. એ દરમ્યાન ભાગી છૂટેલા તેના સૈનિકો પણ પાછા આવ્યાં હતા. કાર્ટરે એ વખતે જ એ તમામને ફાંસીને માચડે લટકાવાનો નિર્ણય કરી લીધો હતો પરંતુ અત્યારે તેમની જરૂર હતી એટલે કંઈ બોલ્યો નહીં.
પણ… વેંકટા જેવો બહાદૂર અને સ્વામી ભક્ત વ્યક્તિ હણાયો હતો એ સત્ય હકીકત હતી. એક વિદેશી આક્રાંતાને આજે ફરી વખત જીત હાંસલ થઈ હતી એ હિન્દુસ્તાનની કમનસીબી હતી. એટલું ઓછું હોય એમ વિજયગઢનો ખજાનો પણ તેના હાથે લાગ્યો હતો. એ સમયે જ કાર્ટરે ખજાનો ભરેલા ગાડાઓને પાછાં વાળ્યાં હતાં અને તેને પોતાની અંગત જાગીરમાં સમાવેશ કરી દીધા હતા. હવે એ ખજાનો બ્રિટિશ ગવર્મેન્ટનો નહીં પરંતુ તેનો પોતાનો હતો.
(ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.