આઈલેન્ડ પ્રકરણ ૩૭

ઉત્સવ

પ્રવીણ પીઠડિયા

શંકરના આદેશ પ્રમાણે વેંકટા રેડ્ડી વિજયગઢનો ખજાનો દમયંતી દેવીનાં હાથમાંથી પાછો છીનવી લાવ્યો હતો અને હવે એ ખજાનો તેની નિશ્ર્ચિત કરેલી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનો હતો. એ સ્થાન વિશે કોઈ નહોતું જાણતું. અરે ખૂદ વેંકટાને પણ શંકરે સાવ છેલ્લી ઘડીએ જણાવ્યું હતું. એ જગ્યાનું નામ સાંભળીને પથ્થર જેવું જીગર ધરાવતો વેંકટો પણ એક વખત ધ્રૂજી ગયો હતો, કારણ કે એ જગ્યા સાક્ષાત મોતનાં કૂવા સમાન હતી. ત્યાં ગયેલો વ્યક્તિ આજ સુધી ક્યારેય જીવિત પાછો ફર્યો હોય એવું તેણે સાંભળ્યું નહોતું, પરંતુ શંકરે કંઈક વિચારીને જ એ જગ્યા પસંદ કરી હશે એમાં કોઈ શંકાને સ્થાન ન હોય એટલી શ્રદ્ધા વેંકટાને શંકર ઉપર હતી એટલે જ તે પવન ગતિએ તેના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ તે નહોતો જાણતો કે કોઈક હતું જે તેની પાછળ આવી રહ્યું છે જે તેમની બાજી ધૂળમાં મેળવી દેવાનું છે! એ અજાણ્યાં ખતરાથી બેખબર તે પોતાની ધૂનમાં આગળ વધી રહ્યો હતો.
એ હતો જેમ્સ કાર્ટર. તેની નાનકડી ફોજ વિજયગઢની સીમાઓ ફરતે ફેલાયેલા ગહેરા જંગલમાં આગળ વધી. કાર્ટરે જાણી જોઈને ખૂબ ઓછા અને વિશ્વાસપાત્ર માણસોને સાથે લીધા હતા. તે જે કામ માટે જઈ રહ્યો હતો એ અત્યંત ખાનગી રાહે કરવાનું હતું. તેમાં બ્રિટિશ સરકાર તો શું પોતાના નજીક ગણાતાં માણસોને પણ ભનક લાગવા દેવાની નહોતી, કારણ કે હવે આ મામલો તેનાં અંગત સ્વાર્થનો હતો. હિન્દુસ્તાનમાં તેણે ઘણી મહેનત કરી હતી. સાવ કંગાળ અવસ્થામાંથી આપબળે તે અનેક કાવા-દાવા કરીને આટલે સુધી પહોંચ્યો હતો. એ બધું આખરે અઢળક દોલત અને ઐશ્વર્ય કમાવા માટે જ હતું ને? હવે જ્યારે સાવ અનાયાસે જ એક સોનેરી મોકો તેને હાથ લાગ્યો હતો ત્યારે તે કોઈ ભૂલ કરે એવો પ્રશ્ર્ન જ ઉદ્ભવતો નહોતો.
લગભગ ચારેક કલાકની દિશાહીન દડમઝલ કાપ્યા પછી એકાએક તેની આંખો ચમકી. તેઓ આડબીડ જંગલનાં રસ્તાને વિંધતાં પેલા ખબરીએ બતાવેલા માર્ગે આગળ વધતા હતા કે અચાનક તે અટકી પડયો. તેની નજરો સામેની તરફ મંડાઈ. સામેનાં સીધા રસ્તે ગીચ વનરાજીને ચીરીને, તેને બળજબરી પૂર્વક કચડીને હમણાં જ અહીંથી કોઈ ગયું હોય એવા ચિન્હો સ્પષ્ટ નજરે ચઢતાં હતા. કાર્ટરનો ચહેરો એ જોઈને ખીલી ઉઠયો. મતલબ કે તે સાચા રસ્તે હતો. જ્યાં પગ રાખવો પણ દુષ્કર થઇ પડે એટલા ગીચો-ગીચ ઊગેલાં ઝાડવાઓ અને ઝાડી-ઝાંખરાઓનાં સમુહ વચ્ચે કેડી પડી હોય તો સાવ બિન-અનુભવી વ્યક્તિને પણ સમજતા વાર ન લાગે કે એ રસ્તે ચોક્કસ કોઈક ગયું છે. કાર્ટર ભૂલ કરે એવો માણસ ન હતો. તેની રગોમાં પાક્કા બ્રિટિશરનું લોહી વહેતું હતું. એકદમ ખામોશીથી તુરંત એ રસ્તે આગળ વધ્યો અને…
* * *
વેંકટાનાં કાન એકાએક સરવા થયા. હાં, તેણે આહટ સાંભળી હતી. એ અવાજ જંગલનાં વાતાવરણમાંથી ઉઠતાં ચિત્ર-વિચિત્ર અવાજોમાંનો નહોતો. એવા અવાજોને તે ભલી-ભાંતી ઓળખી અને અલગ તારવી શકતો. તેણે ચોક્કસ કોઈ ઘોડાનાં હણહણવાનો અવાજ સાંભળ્યો હતો. તેની પીઠ પાછળ છવાયેલા અઘોર વનમાં અચાનક કોઈ આવી ચડયું હોય એવો અંદેશો તેને થયો. એકાએક તે સતર્ક બન્યો અને આગળ ચાલતાં ગાડાઓને અટકાવ્યાં હતાં. એ ગાડાઓ ઘણી ધીમી ગતીએ આગળ વધતાં હતા એટલે જ તેને પરેશાની થઈ હતી નહિતર ક્યારનો તે પોતાનાં ગંતવ્ય સ્થાને પહોંચી ચૂક્યો હોત. કાન સરવા કરીને તેણે અવાજ જે દિશામાંથી આવ્યો હતો એ દિશા પકડવાની કોશીશ કરી. એ બાબતમાં તે અત્યંત પાવધરો હતો. વહેતી હવાની રુખ પારખીને તે નિર્ણયો લઈ શકતો કે આગળ શું કરવું.
એકાએક ફરીથી એ અવાજ આવ્યો અને આ વખતે સ્પષ્ટ રીતે કોઈક અશ્વનાં ફૂંગરાવાનો અવાજ તેણે સાંભળ્યો. એ જ પળે તેના હાથમાં ધનૂષ બાણ આવી ગયાં અને પ્રકાશનાં તેજ લીસોટાની જેમ તેમાથી તીર વછૂટયું હતું. વેંકટો બરાબર પારખી ગયો હતો કે કોઈએ તેનું પગેરું મેળવ્યું છે અને તેના પીછો કરી રહ્યું છે. એ ખતરનાક બાબત હતી. કારણ કે આ રસ્તે તેના સિવાય બીજું કોઈ આવી શકે એ શક્ય જ નહોતું. છતાં કોઈક તો આવ્યું હતું અને એ દોસ્ત તો હોઈ જ ન શકે એ પાક્કું હતું. સનનન કરતું અવાજભેદી તીર સીધું જ તેના લક્ષ્યને ભેદી ગયું. શાંત જંગલમાં એક ચીખ સંભળાઇ અને કઈકનાં નીચે પડવાનો ધબાકો સંભળાયો.
એ હૈરતઅંગેજ હતું. કાર્ટરે અત્યાર સુધીમાં હિન્દુસ્તાની યોદ્ધાઓની ચમત્કારીક શક્તિઓ વિશે ઘણી લોકવાયકાઓ, કહાનીઓ સાંભળી હતી. તેને એ બધું સાંભળીને રમૂજ ઉપજતી. એ બધી કહાનીઓ અતિશયોક્તિ ભરેલી લાગતી. કારણ કે તેણે અંગ્રેજોની બંદૂકો સામે ભલભલા યોદ્ધાઓને ઢેર થતાં જોયા હતા. પરંતુ અત્યારે તેની નજરો સામે જે દૃશ્ય ભજવાયું હતું એનાથી તેનાં દિલની ધડકનોમાં ધડબડાટી વ્યાપી ગઈ હતી. તેઓ વધારાનો સહેજપણ અવાજ ન થાય એમ આગળ વધી રહ્યાં હતા કે કોણ જાણે ક્યાંથી અચાનક એક સૂસવાટાભર્યો ચમકારો થયો અને તેનો માણસ ઘોડા ઢળી પડયો હતો. તીર સીધું જ તેની ગરદનની આરપાર નીકળી ગયું હતું એજ ક્ષણે તે મૃત્યું પામ્યો હતો. કાર્ટરે એકાએક પોતાની બંદૂક સાબદી કરી અને બીજા ઘોડેસવારોને એકદમ ખામોશ રહેવાનું ઈશારાથી સમજાવ્યું. એક વાત બરાબર તેને સમજાઈ હતી કે તે જેનો પીછો કરી રહ્યો છે એ આટલામાં જ ક્યાંક આસપાસમાં છે. ઘોડાની રાશ ઢીલી છોડીને તે નીચે ઉતર્યો. મોટેભાગે તેને પોતાની તલવારથી જ લડવાનું ફાવતું કારણ કે તલવારનાં એક ઘાએ દુશ્મનોની ગરદન કપાતાં જોવાનો જે આનંદ આવતો એ બંદૂકની ગોળીમાં નહોતો મળતો. પરંતુ જ્યારે સામે દુશ્મન જબરો અને બળુકો હોય ત્યારે ન-છૂટકે તેણે બંદૂક વાપરવી પડતી. અત્યારે પણ એવો જ માજરો હતો. તે અને તેના સાથીદારો સહેજે હલચલ વગર ઘોડાઓ ઉપરથી નીચે ઉતરીને જે દિશામાંથી તીર આવ્યું હતું એ દિશામાં આગળ વધ્યાં.
ભયંકર કટોકટીની ઘડી હતી. વેંકટાનાં કાન જંગલમાંથી ઉઠતાં એક-એક અવાજનું પૃથ્થકરણ કરતાં હતા. તેની આંગળીઓમાં અનુસંધાન પામેલું તીર એ અવાજને ભેદવા તલપાપડ બન્યું હતું. સામા પક્ષે કાર્ટર એકદમ દબાતાં પગલે આગળ વધતો હતો. તેમનાં હૃદય એટલા જોરથી ધડકતા હતા કે કાર્ટરને બીક લાગતી હતી કે ક્યાંક એ ધબકારાનો અવાજ તેમની હાજરીની ચાડી ન ખાય. અને બન્યું પણ એવું જ. તેની પાછળ ચાલતો સૈનિક એકાએક અટક્યો હતો કારણ કે તેના ભારેખમ બૂટ નીચે એક સૂકી ડાળખી કચડાઈને તૂટી. કાર્ટરે ભયંકર ક્રોધ ભરી નજરે તેની તરફ ડોકું ઘુમાવ્યું. પરંતુ એ મોડો પડયો. સૂકી ડાળખીનાં તૂટવાથી જાણે જંગલમાં ભૂચાલ આવ્યો હોય એમ ખળભળાટ મચી ગયો અને પેલો સૈનિક કંઈ સમજે, શું કરવું એ વિચારે એ પહેલા તેના ગળામાં તીર ખૂપી ગયું. તેની ફાટેલી આંખો ફાટેલી જ રહી ગઈ અને કોઈ ખ્યાલ આવે એ પહેલા તેનું પ્રાણ-પંખીડું ઉડી ગયું. એ જોઈને કાર્ટર સહિત સાથે હતા એ બધાનાં હાજાં ગગડી ગયા. એકાએક એવું લાગવા માંડયું જાણે તેઓએ જંગલમાં આવીને કોઈ ભયંકર ભૂલ કરી નાંખી છે. તેમનો પનારો કોઈ સામાન્ય વ્યક્તિ સાથે નથી પડયો પરંતુ સાક્ષાત મોતને રૂબરૂ તેઓ થયા છે. એકાએક તેઓ રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયા અને ત્યાં ઊગેલા વિશાળકાય વૃક્ષોનાં થડની ઓથે ભરાઈ ગયા.
વેંકટાની તેજ નજરો બાઝ પક્ષીની જેમ જંગલની વનરાજીની આરપાર જોઈ શકતી હતી. તેણે તેની તિલસ્મી શક્તિઓને જાગ્રત કરી હતી અને કાળની જેમ કાર્ટરનાં ગીરોહની ઉપર મંડરાવાનું શરૂ કર્યું હતું. કાર્ટરનાં બે સૈનિકો તેના અવાજભેદી બાણની બલીએ ચડી ગયા હતા. હવે બીજાનો વારો હતો. રથ ઉપર ઊભા રહીને જ તેણે ત્રીજું બાણ ચઢાવ્યું અને સામેથી કોઈ હરકત થાય એની રાહ જોવા લાગ્યો. બરાબર એ સમયે જ ઝાડ પાછળ છૂપાયેલા એક સૈનિકે સહેજ ડોકું બહાર કાઢી ખભે લટકતી રાઈફલ સરવી કરી. તે ગભરાયેલો અને સાવ અસમંજસમાં હતો કારણ કે સામે અઘોર વન સિવાય કશું જ દેખાતું નહોતું. ગોળી ચલાવે તો પણ કોઈ ‘ટાર્ગેટ’ તો સામે દેખાવો જોઈએ ને. એ ગભરાહટમાં જ તેનાથી ભૂલ થઈ ગઈ અને તેના ખભેથી રાઈફલનું ‘બટ’ નીચે સરકી સીધું ઝાડનાં થડીયા સાથે અફળાયું. એ અવાજથી તેનું જીગર ગભરાહટનાં માર્યાં બે-ઘડી માટે થંભી ગયું હતું પરંતુ હવે બાજી બગડી ચૂકી હતી. ઝાડનાં થડ સાથે બટ ભટકાવાનો બોદો અવાજ આવ્યો એની બીજી જ ઘડીએ તેના કપાળની બરાબર વચ્ચેનાં ભાગે તીર ખૂંપી ગયું. તે એમ જ ઝાડ સાથે ખલાયેલો રહ્યો કારણ કે તીર થડને ચીરીને તેના માથામાં ઘૂસ્યું હતું. એ ભયાનકતાની ચરમસીમા સમું દૃશ્ય હતું. એનાથી ખ્યાલ આવતો હતો કે સામેનો માણસ કેટલો પાવધરો અને શક્તિશાળી છે. કાર્ટરે એ જોયું અને એ સમયે જ તેને સમજાઈ ચૂક્યું હતું કે દુશ્મનને સમય આપવો
એ સામે ચાલીને મોતને આમંત્રણ આપવા બરાબર હતું. આ વખતે તેણે તીર ચોક્કસ કઈ દિશામાંથી આવ્યું એ બરાબર નોંધ્યું હતું. તે કંઈપણ વિચાર્યા વગર ઝાડની ઓથેથી બહાર નિકળ્યો હતો અને વિજળીની ઝડપે તેણે બંદૂકનું નિશાન તાકી ટ્રીગર દબાવી દીધું હતું. ગોળી ચાલવાનો એક ધમાકો થયો અને દૂર ક્યાંક ઘોડાની ભયાનક હણહણાટી સંભળાઇ. કાર્ટરે સાવ અંધારામાં જ ગોળીબાર કર્યો હતો જે તેના યોગ્ય ઠેકાણે લાગ્યો હતો. તેણે છોડેલી ગોળી વેંકટાનાં રથ સાથે જોડાયેલા બે ઘોડામાંથી એકની ગરદન વિંધી ગઈ હતી અને ઘોડો ઉછળીને પાછળ ધકેલાયો હતો. તેના પગ આપસમાં જ અટવાયા હતા અને રથ એક તરફ ખેંચાયો હતો. વેંકટો એ સમયે જ રથમાંથી બહાર કૂદી પડયો હતો અને તેના હાથમાંથી તીર-કામઠું છૂટી ગયું હતું. એ દરમ્યાન બીજો ઘોડો ભડક્યો હતો અને તેણે રથનાં લાકડાનાં બનેલા આધારમાંથી છૂટવા ધમપછાડા આદર્યાં હતા. એક તરફ નમી ગયેલો રથ જોતજોતામાં ડાબી તરફ, જે તરફ વેંકટા રેડ્ડી કૂધો હતો એ તરફ ઊંધો વળી ગયો. વેંકટો માંડ-માંડ એ રથ નીચે આવતાં બચ્યો હતો પરંતુ હવે એ રથ તેના માટે બેકાર હતો. તે એક પણ ક્ષણ ગુમાવ્યાં વગર ઊભો થયો અને ઊંધા વળી ચૂકેલા રથમાંથી તેની તલવાર ખેંચી કાઢી હતી અને ભયંકર ક્રોધથી કાંપતો તે આગળ વધ્યો હતો.
બરાબર એ સમયે જ કાર્ટર ઝાડીમાંથી પ્રગટ થયો. તેના હાથમાં બંદૂક ચમકતી હતી. તેણે વિશાળકાય વેંકટાને જોયો. વેંકટાનાં હાથમાં તલવાર હતી એ નોંધ્યું અને… એકાએક તેના ચહેરા ઉપર વિચિત્ર પ્રકારની મુસ્કાન રેલાઈ. તેણે એ ક્ષણે જ બંદૂક નીચે ફેંકી દીધી અને કમરે લટકતી તેની સૌથી પ્યારી તલવાર ખેંચી કાઢી હતી. હવે તેઓ બન્ને એકબીજાની સામે આવીને ઊભા હતા અને તેમની આંખોમાં જંગલી વરું જેવી શૈતાની ચમક ઊભરી આવી હતી. એ દરમ્યાન કાર્ટરનાં જીવિત બચેલા સૈનિકો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે વેંકટા તરફ બંદૂકો તાણી હતી.
‘સબૂર… એ મારો શિકાર છે. કાર્ટર તેના સૈનિકોને ઉદ્દેશીને બોલ્યો અને તલવાર હવામાં’ ઘૂમાવી. વેંકટો હસ્યો. તેના એકદમ સફેદઝગ દાંતોની પંક્તિ ઉજાગર થઈ. અને… (ક્રમશ:)

1 thought on “આઈલેન્ડ પ્રકરણ ૩૭

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.