આઈલેન્ડ પ્રકરણ ૩૫

ઉત્સવ

પ્રવીણ પીઠડિયા

દમયંતી દેવીની આંખોમાં ખોફ ઉભરાતો હતો. વેંકટાનાં દીદાર જોઈને જ તેમનાં મોતિયા મરી ગયા હતા અને પોતાનું મોત નજરો સામે નાચતું દેખાયું. પરંતુ તેમના ઘોર આશ્ર્ચર્ય વચ્ચે વેંકટા થોભ્યો હતો અને તેણે તેની તલવાર હેઠી કરી હતી.
હું ઓરતો ઉપર હાથ ઉઠાવતો નથી એટલે તમને જીવિત જવા દઉં છું, બાકી આપે જે કર્યું છે એની સજા મોત સિવાય બીજી હોઈ જ ન શકે. આ સામે તેણે હાથ ઊંચો કરી તલવારની અણીએ જંગલની બહાર જતી કેડી ચિંધી. અવંતીપૂરમનો મારગ દેખાય છે. આપ સકુશળ જઈ શકો છો. વેંકટાનાં અવાજમાં એક ન સમજાય એવી ધાર હતી જે દમયંતી દેવીને છેક અંદર સુધી દઝાડી ગઈ હતી. તેમણે નિસહાય નજરોએ પોતાના રથની આગળ ઉભેલા ખજાના ભરેલા ગાડાઓ તરફ જોયું. જે ધન-દોલત મેળવવા તેઓ સાવ છેલ્લી, અધમ કહી શકાય એ કક્ષાએ ઊતરી ગયા હતા, અરે ખુદ પોતાના જ પતિનું ઠંડા કલેજે કાળસ કાઢી નાંખ્યું હતું, જેના ઉપર વિજયગઢનાં રહેવાસીઓનો પહેલો હક હતો, એ દોલત આજે તેમના હાથમાંથી સરકી રહી હતી અને તેઓ કંઈપણ કરી શકવા અસમર્થ બન્યા હતા. તેનું કારણ હતો તેમની સામે ઉભેલો એક માણસ. કોણ જાણે ક્યાંથી તે રાક્ષસ જેવો દેખાતો પહાડી આદમી અચાનક આવી ચડયો હતો અને તેણે એકલે હાથે હુકમસિંહની આખી ટુકડીનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો હતો. તેમને હુકમસિંહનાં મોતનો અફસોસ વ્યક્ત કરવાનો સમય પણ મળ્યો નહીં અને તેઓ ઘોર નિરાશાભર્યા વદને અવંતીપૂરુમ તરફ ચાલી નિકળ્યાં. વેંકટાએ તેમનો રથ સુધ્ધા આંચકી લીધો હતો એટલે તેઓ પગપાળા જ એકલા પોતાના પિયર તરફ જંગલ વિંધતા આગળ વધ્યાં.
એ સમયે આકાશમાં આછો પ્રકાશ ફેલાઈ ચૂક્યો હતો. એક નવો દિવસ ઘણી નવી ઘટનાઓનો સાક્ષી બનવાની તૈયારીઓ સાથે પ્રગટી રહ્યો હતો.
વેંકટાએ ખજાનો ભરેલા બળદગાડાઓને પાછા વાળ્યાં હતા અને શંકરનાં આદેશ મૂજબ ફરી વિજયગઢનાં રસ્તે હંકારી મૂક્યા હતા. પરંતુ તે નહોતો જાણતો કે એ તેની ભયંકર ભૂલ સાબિત થવાની હતી કારણ કે કોઈક હતું જેને આ સમગ્ર ઘટનાની જાણ થવાની હતી. અને એ હતો કર્નલ જેમ્સ કાર્ટર. તેનાં એક ખબરીએ ફાટી આંખોએ વેંકટાનો નર-સંહાર નિહાળ્યો હતો અને વેંકટો જતાં જ તે વિજયગઢનાં રસ્તે પડયો હતો.
* * *
જેમ્સ કાર્ટર પોતાના તંબુમાં આરામ ફરમાવી રહ્યો હતો. તે યુદ્ધ ભૂમીમાં હતો છતાં અત્યારે તેને જોઈને કોઈ કહી શકે એમ નહોતું કે તેના કારણે વિજયગઢ તબાહ થયું છે. એટલી પરમ શાંતિથી તે મુલાયમ બિસ્તર ઉપર લાંબો થઈને પડયો હતો. ચાની તલબ ઉદ્ભવતાં તેણે ચા બનાવવાનો ઓર્ડર કર્યો હતો. હિન્દુસ્તાનની ધરતી ઉપર આવીને તેને ચાની લત લાગી હતી એ વિચારે તેના ચહેરા ઉપર ધીમું હાસ્ય આવ્યું. ગરમ ધરતી ઉપર ગરમ પીણું તેને રાસ આવી ગયું હતું. તેનો ઓર્ડરલી ચા લઈને આવ્યો કે તુરંત ઊભા થઈને તેણે ચાની ચૂસ્કીઓ લીધી હતી અને વિજયગઢની અંદર મોકલેલા તેના ગુપ્તચરો ત્યાંથી શું સંદેશો લઈને આવે તેની રાહ જોવા લાગ્યો. હજુ સુધી તેના કાને જાલમસંગનાં મોતનાં સમાચાર પહોંચ્યાં નહોતા એ ભારે અચરજની વાત હતી. તેને તો એમ જ હતું કે જાલમસંગ જીતની ઉજાણીમાં મસ્ત બનીને શરાબની મહેફિલ જમાવીને બેઠો હશે.
એ દરમિયાન તેનો બીજો એક ગુપ્તચર કંઈક અલગ જ સમાચાર લઈને તેની સમક્ષ હાજર થયો હતો અને એ સમાચારે તેના જીવનની આખી રાહ જ પલટાવી નાખી હતી. એ ગુપ્તચર દેહાતી માણસ હતો અને અંગ્રેજ સેના વતી પોતાનાં આંખ, કાન, નાક ચલાવતો હતો. અહીં આવ્યો ત્યારે તેની આંખોમાં ભારોભાર ખોફ પથરાયેલો સ્પષ્ટ નજરે ચડતો હતો. કાર્ટરે તેની સામું જોયું ત્યારે એ રીતસરનો ધ્રૂજી રહ્યો હતો.
સાહેબ, અવંતીપૂરમ તરફનાં જંગલમાં કંઈક ઘમાસાણ મચ્યું છે. મને થયું આપને એ સમાચાર પહોંચાડું. તે બોલ્યો. તેનો અવાજ ફાટતો હતો. ખરેખર તો એ કોઈ ‘મિશન’ પર નહોતો કે નહોતો તેને અંગ્રેજ કંપની તરફથી જાસૂસી કરવાનો કોઈ આદેશ મળ્યો. એ તો અવંતીપૂરમથી આ તરફ આવી રહ્યો હતો ત્યારે જંગલમાં તેણે જે દૃશ્ય જોયું એનાથી તેનું હૃદય ફાટી પડયું હતું. માંડ-માંડ પોતાની જાતને સંભાળતો તે ત્યાંથી ભાગ્યો હતો અને સીધો જ કાર્ટર પાસે પહોંચ્યો હતો.
“શું થયું છે જંગલમાં? કાર્ટરે ફરી ચાની ચૂસ્કી ભરી અને કપ ટેબલ પર મૂક્યો.
“ઘમાસાણ યુદ્ધ. પણ! દેહાતી આદમી બોલતાં ગભરાતો હોય એમ તેનું ગળું સુકાતું હતું.
“પણ શું? કાર્ટરે કંટાળાભર્યાં સ્વરે પૂછયું. આ દેહાતી લોકો અંગ્રેજ સાહેબોને ઈમ્પ્રેસ કરવા નાની અમથી ઘટનાને પણ વધારીને કહેતા હોય છે એનો ખ્યાલ હતો તેને એટલે જ તેણે વધું ધ્યાન આપ્યું નહીં.
“એ રાક્ષસ તેણે એકલા હાથે આખી સેનાનો સફાયો બોલાવી દીધો. કમસેકમ વીસ પચ્ચીસ સૈનિકો હશે અને એક બાઈ પણ હતી. અંધારામાં કળાયું નહીં કે એ કોણ છે પરંતુ એ રાક્ષસે તેને જીવતી છોડી મૂકી હતી. એટલું બોલતાં પણ જાણે તેને બીક લાગતી હોય એમ તેની આંખોનાં ડોળા ચારેબાજું ફરી રહ્યાં હતાં.
અચ્છા! કાર્ટરને એકાએક રસ જાગ્યો. “કોણ હતો એ રાક્ષસ..?
“હું નથી જાણતો. લાંબો, ઊંચો લગભગ બસ્સો કિલો જેટલું વજન હશે તેનું અને તેનો ચહેરો આદમી ફરીથી ધ્રૂજયો. વિકરાળ વરું જેવો હતો.
“પણ તેણે એ સૈનિકોને માર્યાં શું કામ? કાર્ટરનાં મનમાં હજુ કંઈ ગડ બેઠી નહોતી.
“એ તો મને શું ખબર. હાં એ લોકોને ખતમ કરીને તે એ કાફલા સાથે જે ગાડાઓ ભર્યા હતા એને કોઈ અજાણી દિશામાં હંકારી ગયો હતો. મેં ફક્ત એટલું જ જોયું. બીકનાં માર્યાં હું થીજી ગયો હતો. એ ગયો ત્યાં સુધી હું સંતાઈને એક જ જગ્યાએ પડયો રહ્યો હતો. એ પછી હું ત્યાંથી ભાગ્યો હતો. મને ખબર હતી કે આપનો કાફલો વિજયગઢની સીમમાં રોકાયો છે એટલે સીધો જ અહીં આવ્યો. તે એક શ્ર્વાસે વિસ્તારથી બધું બોલી ગયો.
“હમમમ્ કાર્ટનાં કપાળે સળ પડયાં. તે કંઈક વિચારમાં ખોવાયો. આ બાબત કેટલી અગત્યની છે એનો તાગ મળે તો જ સમજાય કે અવંતીપૂરમનાં જંગલમાં આખરે થયું શું હતું. અને એ જાણવા માટે કોઈ જાણભેદું વ્યક્તિની મદદ જરૂરી હતી. તેણે પેલા ખબરીને બક્ષિસ આપીને રવાનાં કર્યો અને બીજા એક વ્યકતિને તલબ કર્યો હતો.
એ દરમ્યાન વિજયગઢમાંથી તેને પસંદ આવે એવા સમાચાર આવ્યાં હતા. જે ગુપ્તચરો વિજયગઢની અંદરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગયા હતા તેમાંથી બે માણસો પાછા આવ્યાં હતા અને તેમણે જાલમસંગનાં મૃત્યુનાં સમાચાર આપ્યાં હતા. એ સમાચાર સાંભળીને કાર્ટર સન્નાટામાં આવી ગયો હતો. જાલમસંગ જેવા બાહુબળિયાને મારવો એ કોઈ ખાવાનો ખેલ નહોતો અને એ પણ એવા સમયે જ્યારે તેણે સમગ્ર વિજયગઢને ધમરોળીને તેના પર ફતેહ હાંસલ કરી હોય. અણીનાં સમયે જ તે મરાયો હતો એ તાજજૂબી કરતાં પણ ભયંકર આશ્ર્ચર્યની વાત હતી. જોકે કાર્ટર માટે તો કંઈ કર્યાં વગર જ મોમાં પતાસું આવી પડયું હતું. તેના રસ્તાનો કાંટો જાલમસંગ એની મેળે જ હટી ગયો હતો અને તે જાણતો હતો કે જે સેનાનો ભૂખ્યાં મરાય એ સેના એ સમયે જ અડધી હારી જતી હોય છે. મનોમન તેણે જાલમસંગને મારનાર વ્યક્તિનો આભાર માન્યો અને આગળની રણનીતિ તૈયાર કરવામાં મશગૂલ બન્યો. છતાં એક પ્રશ્ર્ન તેના જહેનમાં ઘુમરાઈ રહ્યો હતો કે આખરે જાલમસંગને કોણે માર્યો હશે..?
એ દરમ્યાન તેના તંબુની બહાર કોઈકનાં આવવાની આહટ સંભળાઈ અને થોડીવાર રહીને એક હટ્ટો-કટ્ટો માણસ અંદર દાખલ થયો. એ વજા ખાન હતો. તેનું સાચું નામ તો વજીર ખાન હતું પરંતુ સમય જતાં નામ અપભ્રંશ થઈને વજા ખાન થઈ ગયું હતું. કાર્ટરનો એ ખાસ ચહેતો આદમી હતો જેના પર તે આંખો બંધ કરીને ભરોસો કરી શકતો. એ અંદર આવીને ખામોશ ઊભો રહ્યો. કાર્ટરે તેની સામું જોયું.
“સાંભળ્યું છે કે અવંતીપૂરમ નજીકનાં જંગલમાં કંઈક ગડમથલ મચી છે. જરા તપાસ તો કર કે મામલો છે શું..? કાર્ટરે ફક્ત એટલું જ કહ્યું. વજા ખાને માથું નમાવ્યું અને બહાર નીકળી ગયો. તેના માટે એટલા જ શબ્દો પર્યાપ્ત હતા. બહાર આવી તેણે પોતાનો ઘોડો સાબદો કર્યો અને અવંતીપૂરમનાં ગહેરા જંગલ તરફ મારી મૂક્યો.
* * *
વજા ખાન ઉડતાં પંખીને પણ પાડી શકે એવો શખસ હતો. તે એક વખત કોઈ કામ હાથમાં લે પછી એને કોઈપણ ભોગે પાર પાડીને જ રહેતો. એ તેની ફિતરત હતી. તે સીધો જ જે જગ્યાએ ધમાસાણ થયું હતું ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્યાંની ભુગોળ જોઈને તે આશ્ર્ચર્યચકીત બની ગયો હતો. કેટલીય લાશો ત્યાં રઝળી રહી હતી. મતલબ કે કાર્ટરને જે સમાચાર મળ્યાં હતા એ સંપૂર્ણપણે સાચા હતા. ચોક્કસ અહીં કંઈક તો એવું બન્યું હતું જેનો પડછાયો વિજયગઢ કે અવંતીપૂરમ સુધી લંબાયો હતો. બાજ નજરે તેણે ત્યાંની ધરતીની ઈંચે-ઈંચ જગ્યાનો જાયજા લીધો અને એવા તારણ ઉપર આવ્યો કે કોઈક હતું જે
અવંતીપૂરમ તરફ ગયું છે. મતલબ કે અહીં જે બન્યું હતું તેને નજરે જોનાર એક સાક્ષી જીવત હતો. જો તે એ વ્યક્તિ સુધી પહોંચી જાય તો પછી અહીં ખરેખર શું થયું હતું એની તમામ માહિતી મળી શકે.
સમય ગુમાવ્યાં વગર તે અવંતીપૂરમનાં રસ્તે પડયો અને જલદી જ તેણે દમયંતી દેવીનું પગેરું મેળવ્યું હતું. એ બહું આસાન કામ નીવડયું હતું કારણ કે દમયંતી દેવી એક માત્ર એવી વ્યક્તિ હતા જે હમણાં જ અવંતીપૂરમ આવ્યાં હતાં. વજા ખાન અત્યંત કાબો અને કાબેલ હતો. તડજોડ કરીને તે સીધો જ દમયંતીદેવી સુધી પહોંચી ગયો હતો અને…
* * *
દમયંતી દેવીનાં મનમાં આગ સળગતી હતી. તેમની વર્ષોની મહેનત એળે ગઈ હતી. એ ઉપરાંત હુકમસિંહ મરાયો હતો એ અલગથી. વળી આ બાબતે તેઓ પોતાનાં પિયરમાં પણ કોઈને કંઈ કહી શકવાની સ્થિતિમાં નહોતાં એટલે અંદરો-અંદર તેઓ સખત ધૂંધવાતા હતા. તેમાં વજા ખાનનાં આગમને તેમની એ ધૂંધવાશ બહાર નીકળી આવી હતી અને તેમણે વિજયગઢનાં ખજાનાની સમગ્ર હકીકત વજા ખાનને કહી દીધી હતી. એ ખજાનો હવે તેમનાં હાથમાં આવવાનો નહોતો એ સત્ય હકીકતને તેઓ જૂઠલાવી શકે એમ નહોતા એટલે જે વસ્તુ તેમને મળવાની જ નથી એ વસ્તુ બીજા કોઈને પણ શું કામ મળે એ દાઝમાં જ તેમણે વજા ખાન સમક્ષ બધું બકી નાખ્યું હતું. એ સાંભળીને વજા ખાનનાં ચહેરાની એક રેખા સુદ્ધ ફરકી નહોતી અને તે ત્યાંથી રવાનાં થયો હતો. એ સમયે દમયંતી દેવી હાથ મસળતાં વજા ખાનની પીઠને તાકી રહ્યાં.
* * *
વજા ખાન મારતે ઘોડે ફરી પાછો કેમ્પમાં પહોંચ્યો. તેણે સમગ્ર ઘટનાક્રમ કાર્ટરને કહી સંભળાવ્યો. એ સાંભળીને કાર્ટરનું મોં ખૂલ્લું જ રહી ગયું હતું. તેણે એ સમયે જ એક યોજના ઘડી કાઢી હતી જે આવનારા ભવિષ્યમાં કેટલાય ભયાનક વમળો સર્જવાની હતી. જેનો એક છેડો વેટલેન્ડ જહાજ સાથે અને એક છેડો વેટલેન્ડ આઈલેન્ડ સાથે જોડાવાનો હતો. (ક્રમશ:)

 

 

1 thought on “આઈલેન્ડ પ્રકરણ ૩૫

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.