આઈલેન્ડ પ્રકરણ ૩૧

ઉત્સવ

પ્રવીણ પીઠડિયા

ચોધાર આસુંએ શંકર રડતો હતો. ખબર નહીં કેટલો સમય એજ અવસ્થામાં બેસીને તે આસું સારતો રહ્યો હશે. તે જન્મ્યો ત્યારથી રુદ્ર દેવનાં ખજાનાની અવનવી કહાનીઓ લોક મોઢે સાંભળતો આવ્યો હતો. એ કહાનીઓમાં કોઈને વિશ્વાસ હોય કે ન હોય પરંતુ તે દ્રઢપણે માનતો હતો કે મંદિરમાં ખજાનો છે જ. એનું કારણ તેની રુદ્ર દેવ ઉપરની અપાર આસ્થા હતી. એ શ્રદ્ધા આજે ફળી હતી. તેની નજરો સામે શુદ્ધ સોનાથી બનેલા અસંખ્ય શિવલિંગોનો ઢગલો પડયો હતો. આટલી મોટી સંખ્યામાં શિવલિંગોને જોઈને તે ભાવ-વિભોર બની ગયો હતો. તેના અંતરમાં આપમેળે જ લાગણીઓનું ઘોડાપૂર ઉમટી પડયું હતું અને તેની આંખો આસુંઓથી છલકાઈ ઊઠી હતી. મશાલની ફફડતી રોશની પાતળી સેર બનીને રૂમની છત સુધી રેળાતી રહી. રહી રહીને તેનાં જીગરમાં એક જ પ્રશ્ર્ન ઉદ્ભવતો હતો કોણે બનાવ્યાં હશે આ શિવલિંગ? અને આટલી મોટી સંખ્યામાં ફક્ત શિવલિંગો બનાવવા પાછળનું પ્રયોજન શું હશે? તેણે આવાં કોઈ ખજાના વિશે ક્યારેય સાંભળ્યું નહોતુ કે જેમાં કોઈ એક જ વસ્તુનો સંગ્રહ કરવામાં આવ્યો હોય. પરંતુ અત્યારે એવો કોઈ વિચાર કરવાનો તેની પાસે સમય નહોતો. તેણે ઉતાવળ કરવી જરૂરી હતી. બહાર થતાં ધમાકાઓનો અવાજ ધીમે ધીમે વધતો જતો હતો. એ ધમાકાઓનો મતલબ ન સમજે એટલો તે નાદાન નહોતો. તે ઊભો થયો અને કમરાને એમ જ ખૂલ્લો રહેવા દઈને બહાર નીકળ્યો. જો ખજાનો મળે તો એનું શું કરવું એનું આયોજન તેણે પહેલેથી જ કરી રાખ્યું હતું . ખજાનાને હવે કોઈપણ સંજોગોમાં વિજયગઢમાં રહેવા દેવાય એમ નહોતો. તેને બીજા કોઈ સલામત સ્થળે ખસેડવો જરૂરી હતો. બહાર નીકળીને તે મકાનનાં પરસાળમાં આવીને ઊભો રહ્યો અને આકાશ તરફ મીટ માંડી. ઘણે આઘે દૂર આકાશની ક્ષિતિજોમાં ભયાનક આગની લપટો ઉઠતી દેખાતી હતી. તે સમજી ગયો કે ડફેરોએ નગર ઉપર હુમલો કરી દીધો છે અને વિરસેન એ હુમલાને નાથવામાં નિષ્ફળ નીવડયો છે. તેનું પ્યારું વિજયગઢ પડવાની અણી ઉપર હતું અને હવે તે એકલો એને બચાવી શકવાનો નહોતો. મહારાજા ઉગ્રસેનનું મૃત્યું થયું ત્યારે જ તે સમજી ગયો હતો કે હવે વિજયગઢનાં વળતાં પાણી શરૂ થયાં છે. જે રાજ્યમાં ગદ્દારો પાકતાં હોય એ રાજ્ય ક્યારેય અડીખમ રહી શકે નહીં. જેની ઉપર પૂરેપૂરો વિશ્ર્વાસ હોય એવા ઘરનાં અંગત વ્યક્તિઓ જ જ્યારે દગો કરે ત્યારે ખુદ ભગવાન આવીને બચાવે તો પણ એનો નાશ નિશ્ર્ચિત થાય.
તે લડવાં માંગતો હતો, ડફેરોનો સામી છાતીએ સામનો કરીને કેસરિયા કરવાં માંગતો હતો પરંતુ એમ કરવામાં રુદ્ર દેવનો ખજાનો જોખમમાં મૂકવો પડે. વર્ષોથી, કદાચ સદીઓથી વિજયગઢનાં વડવાઓએ જે ખજાનાને સાચવ્યો હતો એ ખોટી બહાદુરી બતાવવામાં એક ક્ષણમાં ગુમાવવો પડે એ તેને પરવડે એમ નહોતો. એટલે જ તેણે પોતાનાં મન ઉપર અંકુશ રાખ્યો અને સૌથી પહેલાં ખજાનાને સલામત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
* * *
દક્ષિણનો આખો વિસ્તાર ડફેરોએ ધમરોળી નાંખ્યો હતો. એ પછી તેઓ ભયાનક કીકીયારીઓ કરતાં આગળ વધ્યાં. બરાબર એ સમયે જ વિરસેનની સેનાએ તેમનો માર્ગ આંતર્યો હતો. ડફેરો વિજયગઢની મુખ્ય બજારમાં પ્રવેશે એ પહેલા વિરસેન સેના સાથે પહોંચી ગયો હતો અને તેણે ડફેરોને લલકાર્યાં હતા. એ આસાન કામ નહોતું. એક તરફ વિજયનાં ઉન્માદમાં જનૂની બનેલા ડફેરોની રાક્ષસી સેના હતી તો તેની સામે માનસિકરીતે ભાંગી ચૂકેલી વિરસેનની નાનકડી ફોજ હતી.
ડફેરોનો સરદાર જાલમસંગ સૌથી આગળ હતો. તેણે સીધો જ હુમલો બોલી દીધો. ઘડીભરમાં તો ત્યાં ધમાસાણ મચી ગયું. ધૂળની ડમરીઓ સાથે મરણચીખોથી આખું ગગન ગૂંજી ઉઠયું. ચારેકોર ભયંકર આંધાંધૂંધી ફેલાઈ. કોણ કોને મારે છે એની જાણે હરીફાઈ જામી હોય એમ હવામાં તલવારો વિંજાતી રહી, બંદૂકો ફૂટતી રહી અને જેટલી જલદી યુદ્ધ શરૂ થયું હતું એટલી જ જલદી એ ઘમાસાણ સમેટાઈ પણ ગઈ હતી. ડફેરોનાં જંગી ધાડા સામે વિરસેનની નાનકડી ટુકડીનો જોતજોતામાં સોથ નીકળી ગયો હતો. કેટલાય સૈનિકોનાં મસ્તક તેના ધડથી અલગ થઈને ધૂળમાં રંગદોળાયાં હતા. લોહીની જાણે નદીઓ વહેતી હતી. ચારેકોર લાશોનાં ઢગલાં ખડકાયા હતા. ખુદ વિરસેન વિજયગઢનો સર સેનાપતી ભયંકરરીતે ઘાયલ થઈને એ ઢગલાની વચ્ચે પડયો હતો. તેનો ડાબો હાથ ખભાથી વિખૂટો પડી ગયો હતો. માથામાં, કપાળનાં ભાગે તલવારનો ઊંડો ઘા થયો હતો અને કપાળની ચામડી કાગળની જેમ ચીરાઈ હતી. તેની અંદરનું સફેદ હાડકું બહાર દેખાતું હતું અને કપાળેથી રીસતાં લોહીમાં આખો ચહેરો તરબોળ બન્યો હતો. તે મર્યો ત્યારે આકાશ તરફ તેની આંખો ખૂલ્લી હતી. જાણે તે ભગવાનને ફરિયાદ કરતો હોય કે સાવ આવું મોત તો તેના નસીબમાં ન હોય. ડફેરો તેના શરીર ઉપર પગ દઈને રીતસરનાં ચગદોળતાં આગળ વધી ગયાં હતા. વિરસેનનાં મૃત્યું સાથે જ વિજયગઢની રહી-સહી આશા પણ મરી પરવારી હતી. કોઈ એવી વ્યક્તિ બચી નહોતી જે વિજયગઢની આબરું બચાવી શકે. જાલમસંગે વિરસેનની ટોળકીનો સફાયો બોલાવી અટ્ટહાસ્ય કર્યું અને પછી તે વિજયગઢનો મહેલ કબજે કરવાં આગળ વધી ગયો.
* * *
વેંકટા રેડ્ડીનો રથ જમીનથી બે વેંત અદ્ધર, ઊંચે ચાલતો હોય એમ રીતસરનો હવામાં ઊડી રહ્યો હતો. લોકોમાં એવી વાયકાઓ વહેતી હતી કે વેંકટા રેડ્ડી પાસે તિલસ્મી શક્તિઓનો ખજાનો છે જેનાથી તે ધારે ત્યારે હવામાં ઊડી શકે છે. એ લોકોની વાતોને ચોક્કસ આજે ઈજન મળ્યું હોત જો તેમણે આ દ્રશ્ય જોયું હોત. તે એકલો જ રથમાં સવાર હતો અને વિજયગઢનાં ગદ્દારોની શાન ઠેકાણે પાડવા તે એકલો જ કાફી હતો. તેણે તેજ ગતિએ મહારાણી દમયંતી દેવીનો પીછો પકડયો હતો.
લગભગ અડધા કલાકમાં તેણે દમયંતી દેવીનો કાફલો ક્યાં રસ્તે ગયો છે એનું પગેરું પકડયું હતું અને એની ચંદ મિનિટો બાદ ગાઢ જંગલમાં તેણે પહેલી સળગતી મશાલનું નાનું ટપકું જોયું હતું. હૂર્રર્રર.. હા..હા હૂર્રર્ર. વેંકટાએ જોરથી ઘોડાને ડચકાર્યાં હતા અને રાશને ઓર ઢીલી છોડી હતી.
* * *
શંકરે હોઠ ગોળ કર્યાં અને તીણો અવાજ કાઢયો. એ સાથે જ ઘોર અંધકારમાંથી ન જાણે ક્યાંથી ભૂતનાં માથાની જેમ કાળા ગમછા ઓઢેલા આઠેક ઓળા પ્રગટ થયા અને શંકર ઊભો હતો એ પરસાળ નજીક આવીને ઊભા રહી ગયા. શંકરે તેમની સામું જોયું અને સંતોષનો એક ઊંડો શ્ર્વાસ છાતીમાં ભર્યો. એ કુલ આઠ માણસો હતા. શંકરે પહેલેથી તેમને અહીં ગોઠવી રાખ્યાં હતા જેથી અણીનાં સમયે કામ આવે. તેણે આંખોથી જ તેમને ઈશારો કર્યો અને જાણે એની જ રાહ જોવાતી હોય એમ એ લોકો કામે વળગી ગયાં. કોઈએ કંઈ પૂછયું નહી કે કોઈ કંઈ બોલ્યું નહીં. એકદમ ખામોશીથી કામ શરૂ થયું જાણે પહેલેથી જ એ બધું નક્કી થઈ ચૂક્યું ન હોય..! તેઓ કોઈ મશીનની જેમ મૂંગા મોઢે કમરામાં દાખલ થયાં હતા અને સાથે લાવેલાં જંગી કોથળાઓમાં શિવલિંગોને સાવધાનીપૂર્વક ગોઠવવા લાગ્યાં હતા. એવું કરવામાં તેમનાં ચહેરાની રેખા સુદ્ધા ફરકી નહોતી. ખરેખર તો સોનાનાં શિવલિંગોનો ઢગલો જોઈને તેમને આશ્ર્ચર્ય થવું જોઈએ, મનમાં લાલચ જાગવી જોઈએ, પરંતુ નહીં..! તેઓ કોઈ નિષ્પૃહી વ્યક્તિઓની જેમ એકધારું કામ કરી રહ્યાં હતા. તેમને જાણે ખજાનાની કંઈ પડી જ નહોતી. શંકરે એવા જ માણસો એકઠાં કર્યાં હતા જે તેના અત્યંત વફાદાર હોય.
રાત્રિનો એક પ્રહર વિતતાં સુધીમાં એ કામ સંપૂર્ણ થયું હતું. બધા જ શિવલિંગોને વ્યવસ્થિતરીતે કોથળાઓમાં ભરી લેવામાં આવ્યાં હતા. એ દરમ્યાન એક માણસ જઈને કોણ જાણે ક્યાંકથી ઘોડાગાડીઓ લઈ આવ્યો હતો. અત્યંત ચૂપકીદિથી કોથળાઓને ઘોડાગાડીઓમાં મૂકવામાં આવ્યાં હતા અને સહેજે સમય ગુમાવ્યાં વગર ઘોડાગાડીઓને ઉત્તર તરફ રવાનાં કરવામાં આવી હતી. શંકરે રાહતનો દમ ખેંચ્યો. એક કામ સંપૂર્ણ થયું હતું. હવે વિજયગઢ તરફ લક્ષ્ય કરવાનું હતું. તેને ખ્યાલ હતો કે રુદ્ર દેવનો ખજાનો તેનાં યોગ્ય ઠેકાણે પહોંચી જશે. એક એવું ઠેકાણું જેના વિશે આ જગતમાં ફક્ત એક જ વ્યક્તિને જાણ હતી અને એ વ્યક્તિ તે પોતે હતો.
* * *
દૂર જતી મશાલોની આખી શૃંખલા વેંકટાની નજરે આબાદ ઝિલાઈ હતી. તે સમજી ગયો હતો કે એ દમયંતી દેવીનો જ કાફલો છે. તે સાબદો થયો અને ડચકારો કરીને ઘોડાને ધીમા પાડયાં. એકાંત જંગલમાં સાવ ધીમો અવાજ પણ દુશ્મનોને સચેત કરવા પૂરતો હોય છે અને તે સામેવાળાને એવો કોઈ મોકો આપવા માગતો નહોતો. એકદમ સાવધાનીથી તેણે રથમાં મૂકેલા ધનૂષ-બાણ ઉઠાવ્યાં અને ઘોડાઓને દમયંતી દેવીનાં કાફલા તરફ હંકારી મૂક્યાં. થોડી જ વારમાં તે એ કાફલાને આંબી ગયો હતો. જંગલનો આડબીડ રસ્તો કાપતાં કાફલો આગળ વધી રહ્યો હતો. અહી કોઈ સ્પષ્ટ રસ્તો કે કેડી નહોતી એટલે કાફલો ઘણો ધીમી ગતિએ ચાલતો હતો. અને આમ પણ હવે અવંતીપૂરમ વધુ દૂર નહોતું એટલે દમયંતી દેવીનાં હૈયે થોડીક નિરાંત હતી. એ ધરપતનાં કારણે આપોઆપ તેમની આગળ વધવાની ગતિ થોડીક ઓછી થઈ હતી જેનો ભરપૂર ફાયદો વેંકટાને મળ્યો હતો.
સૌથી પહેલા દસ સૈનિકો જંગલમાં રસ્તો કરતાં આગળ ચાલતા હતા. તેની પાછળ ખજાનો ભરેલા ગાડાંઓ હતા અને તેની પાછળ દમયંતી દેવીનો બગી જોડેલો રથ હતો. એ રથ પાછળ હુકમસિંહ તેના પાણીદાર ઘોડા ઉપર સવાર હતો અને એ પછી બાકી વધેલા દસ સૈનિકો પાછળનું ધ્યાન રાખતાં આગળ વધી રહ્યાં હતા. પણ હવે એ સૈનિકો કંટાળ્યાં હતા. તેઓ થાક્યાં પણ હતા. ઘનઘોર જંગલમાં આડબિડ એકધારું ચાલવાનાં કારણે તેમનાં શ્ર્વાસોશ્ર્વાસ ફૂલતા હતા, શરીર લસ્ત થવા આવ્યાં હતા અને એથી પણ વધું હવે તેઓ પહોંચી જ ગયા છે એ ખ્યાલે થોડાક વધું સૂસ્ત બન્યા હતા.
વેંકટા લગભગ તેમની નજીક પહોંચી ગયો હતો. એકાએક તેના હોઠ ફફડયાં હતા અને કોણ જાણે કેમ પણ તેના રથનાં પૈડાનો અવાજ શાંત પડી ગયો હતો. એકાએક ચારેકોર નિરવ સ્તબ્ધતા વ્યાપી ગઈ. તેનો રથ એજ રફતારમાં આગળ વધી રહ્યો હતો પરંતુ તેનો કોઈ જ અવાજ આવતો નહોતો. એ ભયાનક આશ્ર્ચર્ય સમાન હતું. રથ જાણે હવામાં ચાલતો હોય એમ તેના ગોળ ફરતાં પૈડાનો અવાજ ખામોશ બની ગયો હતો. લોકોમાં વેંકટા રેડ્ડી વિશે તરેહ-તરેહની લોકવાયકાઓ ફેલાયેલી હતી. કોઈ કહેતું કે તે ચાહે ત્યારે હવામાં ગાયબ થઈ શકતો અને પવનવેગે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકતો. તેણે એવી સિદ્ધિઓ આત્મસાત કરી હતી જેનાથી આજ સુધી તે અજેય રહ્યો હતો. સાચું ખોટું તો રામ જાણે પરંતુ અત્યારે કોઈએ તદ્દન નિરવતામાં ચાલી જતાં તેના રથને જોયો હોત તો ચોક્કસ બેહોશ થઈને ઢળી પડયો હોત.
તેણે ભાથામાંથી એક તીર કાઢયું અને ધનૂષ ઉપર અનુસંધાન કર્યું. ધનૂષની પણછ ખેંચીને નિશાન તાક્યું. રાતનાં ઘોર અંધકારમાં ચારેકોર ઉગેલા ઊંચા વૃક્ષોની પાછળ થોડે દૂર આગળ જતાં માણસોની એક નાનકડી હલચલ પણ તે સ્પષ્ટ જોઈ શકતો હતો. તેની નજરો એક લક્ષ્ય ઉપર સ્થિર થઈ. તેના હોઠ અનાયાસે જ ફરીથી ફફડયા હતા અને સ્વગત જ કંઈક બોલતો હોય એવો અવાજ ગળામાંથી નિકળ્યો. અને તેણે તીર છોડયું. સનનન કરતો હવામાં સૂસવાટો બોલ્યો અને દૂર ચાલ્યાં જતાં એક સિપાહીનાં માથાનાં પાછળનાં ભાગે તીર ઘૂસીને આગળનાં ભાગે, કપાળની બરાબર મધ્યમાંથી અડધું બહાર નિકળી ગયું. એ ભયાનક વિસ્યમકારક હતું. સેક્ધડનાં છઠ્ઠા ભાગમાં સૈનિકની ખોપરી વિંધાઈ ગઈ હતી અને તે ઉછળીને ઊંધેકાંધ નીચે પડયો હતો. પરંતુ આ શું? તે પડયો એનો પણ કોઈ અવાજ આવ્યો નહોતો.
(ક્રમશ:)
મિત્રો, આ કહાની આપને કેવી લાગે છે એ ફિડબેક જરૂરથી આપજો.

3 thoughts on “આઈલેન્ડ પ્રકરણ ૩૧

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.