પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે ઈસ્લામિક સ્ટેટની ભારતના શહેરો પર હુમલા કરવાની ઘમકી

ટૉપ ન્યૂઝ

ટીવી ચેનલ પર ડિબેટ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર કરેલી વાંધાજનક ટિપ્પણીનો મુદ્દો ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વિવાદને લઈને દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. ઇસ્લામિક દેશોએ પણ રોષ વ્યકત કર્યો છે. ત્યારે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે તેના બુલેટીનમાં ભારતના વિવિધ શહેરોમાં હુમલા કરવાની ધમકી આપી છે.

ખાડીના દેશોએ ભારત સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. કુવૈત, કતાર અને ઈરાને વિવાદાસ્પદ નિવેદનોને લઈને ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા. ત્યારે હવે ઇસ્લામિક સ્ટેટે પણ એક ન્યૂઝ બુલેટિન બહાર પાડ્યું છે. આ બુલેટિનમાં ઈસ્લામિક સ્ટેટે ભારત પર હુમલાની ધમકી આપી છે. ઇસ્લામિક સ્ટેટ ખુરસાન પ્રોવિન્સ (ISKP) એ તેનું ન્યૂઝ બુલેટિન શરૂ કર્યું છે. પ્રોફેટ મોહમ્મદ વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી ગુસ્સે થઈને આ બુલેટિનમાં નૂપુર શર્મા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને ઘણા વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય પ્રદર્શન અને વહીવટીતંત્રની બુલડોઝર કાર્યવાહીના દ્રશ્યો પણ આ બુલેટિનમાં બતાવવામાં આવ્યા છે.

બુલેટિન વિશે માહિતી આપતા, ધ ખોરાસન ડાયરીએ ટ્વીટ કર્યું કે, ‘ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે તેના ફાઉન્ડેશન દ્વારા એક ન્યૂઝ બુલેટિન કર્યું છે’. બુલેટિનમાં અફઘાનિસ્તાનમાં શીખો પર થયેલા હુમલાને પણ દર્શાવવામાં આવ્યો હતો. તે જ સમયે, બુલેટિનના અંતે, આ સંદેશ આપવામાં આવ્યો છે કે તે ટૂંક સમયમાં ભારત પર હુમલો કરશે.

ISKPએ અગાઉ 55 પાનાનું એક પેમ્ફલેટ પ્રકાશિત કર્યું હતું, જેમાં તેણે ભારતના મુસ્લિમોને તેમની સાથે હાથ મિલાવવાનું કહ્યું હતું. આ બુલેટિન પહેલા અલ-કાયદાએ પણ પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણીનો બદલો લેવાની વાત કરી હતી. વિવિધ આતંકવાદી સંગઠનોની ધમકીને પગલે ભારતની સુરક્ષા વ્યવસ્થા જોખમાઈ શકે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.