દીમાપુર (નાગાલેન્ડ): કૉંગ્રેસે ઈશાન ભારતનો ઉપયોગ એટીએમ તરીકે કર્યો જ્યારે ભારતીય જનતા પક્ષ આઠ રાજ્યના આ વિસ્તારને અષ્ટ લક્ષ્મી (લક્ષ્મીના નવ સ્વરૂપ) માની એ વિસ્તારમાં શાંતિ અને વિકાસ સ્થાપવાની દિશામાં કાર્યરત છે એવો દાવો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કર્યો હતો.
દીમાપુર નજીક ચુમુકેઇદમા ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘રાજ્યમાંથી આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) કાયદો, ૧૯૫૮ સમૂળગો દૂર થઈ જાય એ માટે નાગાલેન્ડમાં કાયમી શાંતિ સ્થાપવાની દિશામાં એનડીએ કોશિશ કરી રહ્યું છે. દેશના જ લોકોનો અવિશ્ર્વાસ કરીને નહીં પણ તેમનો વિશ્ર્વાસ સંપાદન કરી તેમનો આદર મેળવીને દેશનું શાસન ચલાવવું જોઈએ. અગાઉ, ઈશાન ભારતમાં વિભાજનનું રાજકારણ હતું, પણ હવે અમે પવિત્ર શાસન હેઠળ લાવી દીધું છે. ધર્મ કે ધર્મ અથવા વિસ્તારના ધોરણે ભાજપ લોકોમાં ભેદભાવ નથી કરતો.’
કૉંગ્રેસના શાસન દરમિયાન નાગાલેન્ડમાં રાજકીય અસ્થિરતા હતી એનો ઉલ્લેખ કરી તેમણે દાવો કર્યો હતો કે ઈશાન ભારતનું સંચાલન કૉંગ્રેસ રિમોટ કંટ્રોલથી દિલ્હીથી કરતો હતો અને એના વિકાસ માટેની મૂડી બેઈમાનીથી સેરવી લઈ દિલ્હીથી દીમાપુર સુધી વંશીય રાજકારણને સર્વોપરી બનાવ્યું હતું. અમે ઈશાન ભારતમાં વિકાસ લાવી નાગાલેન્ડને રાજ્ય સભામાં પ્રથમ મહિલા સંસદ સભ્ય આપી છે. (પીટીઆઈ)