કલ્પના શાહ

‘જન્નત-૨’થી બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરનારી ઈશા ગુપ્તાએ ‘રાઝ-૩’ અને ‘કમાંડો-૨’ જેવી ફિલ્મોમાં પણ જબરદસ્ત કામ કર્યું છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘આશ્રમ-૩’માં પણ તેને દર્શકોનો ઘણો પ્રમે મળ્યો. ભારતીય એથ્લીટ પી. ટી. ઉષાની બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા રાખનારી અભિનેત્રી આજે પણ બેફિકર થઈ રિક્ષામાં ફરવા નીકળી જાય છે. સમાજસેવા સાથે જોડાયેલી રહેવા માગતી ઈશા ઈચ્છે છે કે દેશમાં મહિલાઓ સંબંધિત કાનૂનમાં સખત ફેરફાર કરવામાં આવે. વીતેલા દિવસોમાં તે લખનઉ ગઈ હતી. આ દરમિયાન તેણે બોલીવુડમાં વિતાવેલા એક દસકા, મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દા અને ફિલ્મજગતમાં ભાષાના થતા વિવાદ પર મન ખોલીને વાત કરી હતી. ઈશા કહે છે, ‘ફિલ્મજગતમાં એક દસકો પૂરો થયા બાદ હું મારામાં ઘણું પરિવર્તન અનુભવું છું. આ બધા સાથે થાય છે કે જે આપણે કાલે હતા, તે આજે નથી. મારા હિસાબે એક વ્યક્તિએ હંમેશાં કંઈક બહેતર કરવા માટે બદલાવું જરૂરી છે. ખરાબ વ્યક્તિ તો ન જ બની શકાય. પરિવર્તનને ઘણી વાર લોકો નકારાત્મક રીતે પણ લે છે, પરંતુ સમય સાથે તે જરૂરી છે. હું જે દસ વર્ષ પહેલાં હતી તે હવે નથી. મને પોતાને ખબર નથી કે મારામાં શું ફેરફાર આવ્યા છે, પણ એ વાત સાચી છે કે મેં જીવનને મન ભરીને જીવ્યું છે. મેં મારી જાત સાથે પહેલાં કે પછી કોઈ ભેદભાવ રાખ્યો નથી. ત્યારે ફ્રેશર હતી, હવે અનુભવી થઈ ચૂકી છું. એક વાત એ છે કે હું મારી જાતને આજે પણ એ છોકરી માનું છું જેના પિતા એર ફોર્સમાં છે. મેં કાયદાનો અભ્યાસ કર્યો હતો, પણ હવે અભિનય કરી રહી છું. હું મુંબઈમાં ગમે ત્યારે રિક્ષામાં ફરવા નીકળી જાઉં છું, પરંતુ ક્યારેક કોઈ ફોટો ક્લિક કરે ત્યારે યાદ આવે છે કે ઓહ, હું તો અભિનેત્રી છું.’
‘મારો અત્યાર સુધીનો પ્રવાસ હું ઘણો સફળ માનું છું. મોટા ભાગે લોકો મને પૂછે છે કે તમે અભિનેત્રી કઈ રીતે બન્યાં તો હું તેમને એ જ કહું છું કે ભગવાન તમારી માટે જે લખીને મોકલે છે, તે થઈને રહે છે. જો હું ફિલ્મજગતમાં ન આવી હોત તો યુકેમાં જ રહેતી હોત અને કોઈ ફર્મમાં કામ કરતી હોત. ત્યાંથી જ મેં કાયદાનો અભ્યાસ કર્યો છે. તે સમયે હું થોડા સમય માટે ભારત આવી હતી. કોઈએ મને કહ્યું કે તું તો મિસ ઈન્ડિયા રહી ચૂકી છે, પછી ફિલ્મોમાં કામ શા માટે નથી કરતી. ત્યારથી જ મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. પછી એક વર્ષ અભિનય અને નૃત્ય શીખી. ‘જન્નત-૨’માં મારું બીજું ઓડિશન હતું અને મને ફિલ્મ મળી. મને ખુશી છે કે તે ફિલ્મ અને તેનાં ગીતોને દર્શકોએ ખૂબ પસંદ કર્યાં,’ એવું સસ્મિત કહે છે ઈશા.
ફિલ્મોના વિષયો વિશે ઈશા કહે છે કે ‘મારા હિસાબે ફિલ્મો તમામ વિષયો પર બનવી જોઈએ, કારણ કે તેને સમાજનો અરીસો માનવામાં આવે છે. ખાસ કરીને સામાજિક મુદ્દાને ખાસ સ્થાન મળવું જોઈએ. ફિલ્મો એટલા માટે બનવી જોઈએ કે તેના દ્વારા આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ. માણસનો સ્વભાવ છે કે કોઈ લેક્ચર આપે તો ગમતું નથી, પણ ફિલ્મો જ્યારે મનોરંજન તરીકે રજૂ કરવામાં આવે ત્યારે લોકોના દિલ પર ઊંડી છાપ છોડે છે અને આ સાથે અમારી ફરજ પણ છે કે અમે લોકો સાથે ન્યાય કરીએ. ગર્લચાઈલ્ડ પર ફિલ્મ બનવી જોઈએ. સૌથી વધારે જરૂરી શિક્ષણ છે તો આ મુદ્દે પણ સિનેમામાં કામ થવું જોઈએ.’
મહિલાઓ વિશે વાત કરતાં ઈશા જણાવે છે કે ‘માત્ર મહિલાઓનો જ નહીં, આખા દેશનો આ વિષય છે. મહિલાઓને એક સમાન દરજ્જો આપવામાં આવે છે. ભારતની વાત કરું તો છેડતીના સંદર્ભમાં કાયદો થોડો સખત બનાવવો જોઈએ, જેથી અપરાધીઓમાં પોલીસ અને સરકાર બન્નેનો ડર રહે.’
ભાષા વિવાદને લઈને તે કહે છે કે ‘હું આ વિવાદમાં માનતી નથી. સાઉથ હોય કે નોર્થ, છે તો આપણા દેશની ભાષા. આપણે એ જ જોવું જોઈએ કે આપણું ભારતીય સિનેમા ઘણું સારું કામ કરે છે. હું બે મહિના અમેરિકામાં રહીને આવી છું. ત્યાં લોકો મને ‘આરઆરઆર’ ફિલ્મની વાત કરી રહ્યા હતા. વિષય એ નથી કે હિન્દી ફિલ્મો ફ્લોપ થઈ રહી છે અને સાઉથની ફિલ્મો હિટ થઈ રહી છે, પછી ભલે એ ગમે તે ભાષામાં હોય. કામની રીત દરેક ઈન્ડસ્ટ્રીની અલગ છે.’
પોતાની ઈચ્છા વિશે ઈશાએ જણાવ્યું હતું કે ‘પી. ટી. ઉષા પર ફિલ્મ બનશે તો મને ચોક્કસ ગમશે. હું સ્કૂલ ટાઈમમાં એથ્લીટ રહી ચૂકી છું. હજુ પણ હું દોડું છું. મને હંમેશાં માટે જ સારા રોલ કરવા મળે છે. આગળ પણ એવા જ સારા રોલ ઓફર થઈ રહ્યા છે. આવતા વર્ષે મારી ‘આશ્રમ-૪’ રિલીઝ થશે. તે ઉપરાંત એક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ પણ પાઈપલાઈનમાં છે. બાકી આગળ જોઈએ છે કે કિસ્મત શું શું કામ કરાવે છે.’

Google search engine