આ ઘર છે, કે પંખીઓનો માળો?

લાડકી

કવર સ્ટોરી -અનંત મામતોરા

ઔરંગાબાદમાં ઉછરેલી રાધિકા સોનાવણે બાળપણથી પક્ષીપ્રેમી છે. નાનપણમાં પોતાના શહેરની નજીક બનેલી સલીમ અલી બાર્ડ સેન્ચુરી જતી હતી. તે પક્ષીઓને પિંજરાને બદલે ખુલ્લા આકાશમાં ઊડતા જોવાનું પસંદ કરતી હતી, પણ તેણે ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તેનું ઘર અનેક પક્ષીઓનો માળો બની જશે! એટલું જ નહીં, આ પક્ષીઓ તેના એટલા સારા દોસ્ત બની ગયા છે કે સવાર-સાંજ તેના હાથ માંથી દાણા ચણી જાય છે.
રાધિકા છેલ્લાં સાત વર્ષથી પુણે રહે છે. તેણે માત્ર એક બર્ડ ફીડરથી શરૂઆત કરી હતી, પણ હવે તેમના ઘરમાં અનેક અલગ અલગ પ્રકારના બર્ડ ફીડર રાખ્યા છે અને પોતાના ઘર અને ઑફિસની સાથે આ પક્ષીઓનું પણ વિશેષ ધ્યાન રાખે છે.
લૉકડાઉનમાં શરૂ કર્યું પક્ષીઓને નજીકથી જાણવાનું.
રાધિકા જયારે અહીં રહેવા આવ્યા ત્યારે ત્યાં રહેતા સ્મિતા આંટીને મળવા આવ્યાં, જેમના ઘરમાં અનેક બર્ડ ફીડર લગાડેલા હતા અને તેમના ગાર્ડનમાં ઘણા પક્ષીઓ આવતા હતા. રાધિકા પક્ષીપ્રેમી હોવાથી તેને આ જોઈને ખૂબ આનંદ થયો. રાધિકાએ તેમની પાસેથી પ્રેરણા લઈને પોતાના ઘરમાં પણ ફીડર લગાવવા શરૂ કર્યા, પણ લૉકડાઉન માં પક્ષીઓને વધુ સમજવાનો તેમને મોકો મળ્યો. રાધિકાએ દરેક પક્ષીની પસંદને ધ્યાનમાં રાખીને દાણા રાખવાનું શરૂ કર્યું. જે વિસ્તારમાં તેઓ રહે છે ત્યાં પોપટ ઘણા આવે છે એટલે તેમણે મગફળી રાખવાનું પણ શરૂ કર્યું. પોતાના અનુભવથી તેમણે જોયું કે વરસાદ બાદ પોપટ વધારે આવે છે. આ દરમ્યાન તેમના ઘરે ૬૦ થી ૭૦ પોપટ આવે છે, અને એક દિવસમાં એક કિલો મગફળી ખતમ થઇ જાય છે, જયારે ગરમીમાં પોપટની સંખ્યા ઓછી થઇ જાય છે.
સમયની સાથે રાધિકાના ઘરમાં બર્ડ ફીડર્સ ની સંખ્યા ઘણી વધી ગઈ છે. અત્યારે તેમના ઘરમાં બે પ્રકારના પોપટ, બુલબુલ, મેના, કાગડા, વિવર બર્ડ, ચકલી સહિત છ થી સાત પ્રકારના પક્ષીઓ આવે છે. તેમને પોતાના ઘરના દીવાનખાના અને રસોડાની બાલ્કનીમાં તેમણે ફીડર્સ લગાડ્યા છે, જ્યાં પક્ષીઓ માટે ખોરાક અને પાણીની કમી નથી થતી. ધીરે ધીરે પક્ષીઓની સંખ્યા વધવા માંડી ત્યારે રાધિકાએ જોયું કે દરેક પક્ષીની અલગ પસંદ છે. જેમકે પોપટ મગફળી અને મકાઈ ખાય છે તો બુલબુલને કેળા પસંદ છે. તે કહે છે કે, “ઘણા પક્ષીઓ તો ફક્ત પાણી પીવા આવે છે અને ઘણા તો અમારા રસોડામાં આવીને ખાવાનું લઇ જાય છે. મોટેભાગે એવું જોવાય છે કે ઘણા ફૂલઝાડ હોય તો પક્ષીઓ આકર્ષાય છે, પણ રાધિકાના ઘરમાં બહુ ફૂલઝાડ નહોતા. પરંતુ જેમજેમ પક્ષીઓ વધવા લાગ્યા, પક્ષીઓને કુદરતી માહોલ આપવા તેમણે છોડ ઉગાડવા શરૂ કર્યા. આ રીતે, પક્ષીઓને કારણે તેમના ઘરમાં હરિયાળી પણ વધી ગઈ છે.
તેમણે પક્ષીઓના બેસવા માટે પોતાના નાનકડા બગીચામાં એક સૂકું ઝાડ પણ સજાવ્યું છે. તેમની પૂરી કોશિશ એ જ છે કે પક્ષીઓને બને તેટલું કુદરતી વાતાવરણ મળે. રાધિકા સાથે તેમના પતિ પણ પક્ષીઓનું ધ્યાન રાખે છે. હવે રાધિકાને ઓફિસ જવું પડે છે, એટલે તેમના પતિ પક્ષીઓના ફીડર ભરવામાં મદદ કરે છે, કેમકે અત્યારે તેઓ ઘરેથી જ કામ કરે છે.
જોકે, રાધિકા ભાડાના ઘર માં રહે છે. એક દિવસ આ ઘર તેમણે છોડવું પણ પડે, પણ રાધિકા જ્યાં પણ જશે, તેમની કોશિશ રહેશે કે એક આવી સુંદર દુનિયા વસાવે, જ્યાં પક્ષીઓનો કલશોર હોય અને કુદરતી શાંતિ. તમે પણ તમારા ઘરમાં ફીડર લગાડીને તમારા ઘરને પંખીઓ નો માળો બનાવી શકો છો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.