ફોકસ -અભિમન્યુ મોદી
લેખ શરૂ કરતા પહેલા એક માહિતી એ આપવાની કે અત્યારે એકવીસમી સદીનું ત્રેવીસમું વર્ષ ચાલી રહ્યું છે. આ એક વાક્યમાં લેખના શીર્ષકમાં પુછાયેલા સવાલનો જવાબ આવી ગયો કે હજુ પણ સફળ પુરુષની સફળતા પાછળ માત્ર સ્ત્રીનો હાથ હોય છે કે નહિ? જો એક વાક્યમાં ક્લીઅર જવાબ ન મળ્યો હોય તો આગળ ચર્ચા કરીએ. પુરુષની સફળતાનું શ્રેય કોઈ એક સ્ત્રીને આપવું એ રિવાજ સદીઓ જૂનો છે. ઘણી ભાષાઓમાં આ કહેવત છે. જુદા જુદા સમારંભોમાં આ વાતનું ઉચ્ચારણ થતું હોય છે. મમ્મી કે પત્નીને મોટાભાગે આ ‘બહાને’ યાદ કરવામાં આવતી હોય છે. આ જ વાતની પેરોડી પણ થતી હોય છે કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે પણ એક નિષ્ફળ પુરુષની પાછળ એક કરતાં વધુ સ્ત્રી કારણભૂત હોય છે. મોટા ભાગે આ સત્ય છે, લોજિકલ છે. આપણે એવા દાખલાઓ જોયા પણ છે, પરંતુ બે હજારને ત્રેવીસની સાલમાં એક વાત તટસ્થપણે મૂલવવાનું મન થાય કે શું સાચે જ, હજુ પણ, દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે?
ટૂંકમાં જવાબ આપીએ તો – હા, હજુ પણ. કોઈ પુરુષ જન્મ લે છે એમાં જ તેની જનનીનો સૌથી મોટો હાથ હોય છે. પછી નસીબ સારા હોય અને તેની માતા બાળકનો સારો ઉછેર કરી શકે તો તો અદભુત ઘટના કહેવાય. તે બાળક પણ તેની માતાએ આપેલા સંસ્કાર તેનામાં ઉતારીને સફળતા તરફ કદમ માંડી શકે તો સૌથી વધુ હરખ તેની માતાને થાય. શક્ય છે કે માતા વત્તા પત્ની બંને તે પુરુષને પ્રોત્સાહિત કરી શકે. તે બાળક છોકરી હોય તો મોટા ભાગનું ઘડતર તેના માતાપિતાએ કર્યું હોય. પણ આપણે તો અત્યારે વાત માત્ર પુરુષની કરી રહ્યા છીએ એટલે એનું ઉદાહરણ લઈએ. માતા કે પત્નીએ પુરુષના કામકાજ પાછળ ભોગ આપ્યો હોય એને દુનિયા યાદ કરે માટે એવું કહેવાય કે પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ રહેલો છે પણ એવું કરીને આપણે સ્ત્રીને તો પાછળ જ રાખીએ છીએ ને? સ્ત્રીઓના ત્યાગ અને સમર્પણની ભાવનાની, આઉટ ઓફ ગીલ્ટ, થોડી નોંધ લઈએ પણ તેનાથી મેસેજ એવો જ જાય છે કે સ્ત્રી તો ભોગ આપવા માટે છે. વધુમાં પુરુષને સ્ત્રીનું બેક-અપ તો જોઈએ જ. હવે આ સંદર્ભે ફેરવિચારણા કરવાની જરૂર છે.
અભિનવ બિન્દ્રા. ગોલ્ડ મેડાલીસ્ટ ઓલિમ્પિક એથ્લીટ. રાઈફલ શુટિંગમાં વિશ્ર્વ વિજેતા નીવડેલો ચેમ્પિયન. તેના પપ્પા લક્ષાધિપતિ. અભિનવની પ્રેક્ટિસ માટે એકરોના એકરો જમીન લીધી હતી અને વર્લ્ડ ક્લાસ કોચિંગ તેને પૂરું પાડ્યું હતું. પરિણામે અભિનવ ખૂબ સારી પ્રેક્ટિસ કરી શક્યો અને ભારત માટે ગોલ્ડ જીતીને લાવી શક્યો. સાઈના નેહવાલ કે પીવી સિંધુ- તેને પ્રેક્ટિસમાં લેવા મુકવા માટે તેના પિતાજીઓ આવતા. તેની દીકરીઓ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ આવે તેના માટે તેના પિતાશ્રીઓએ મહેનત કરી. દંગલ ફિલ્મ એક બાપની જદ્દોજહેદ ઉપર બન્યું છે કે કઈ રીતે એક પિતા તેની દીકરીઓ ઉપર ક્રૂર બનીને પણ કુસ્તીબાજ બનાવતા. અહીં વાત પુરુષની હોય કે સ્ત્રી, તેની સફળતા પાછળ તો પુરુષનો હાથ જ મુખ્ય દેખાય છે. તો આ કહેવતનું શું કરીશું?
મોટા મોટા નામી લોકોની વાત જવા દઈએ. સેલિબ્રિટીની વાત સાઈડ ઉપર મુકીને આપણી આજુબાજુ નજર કરીએ. પોતપોતાની જિંદગીમાં સફળ થયા હોય એવા લોકોની એક યાદી નજર સામે તરવરશે. બિઝનેસ પર્સન, ડૉક્ટરો, વકીલો, સીએ, ફોરેન સેટ થયેલા લોકો વગેરે. એમાંથી અડધોઅડધ એમના પપ્પાની તૈયાર ગાદી ઉપર બેઠા હશે. ડૉક્ટરો કે બિઝનેસમાં વ્યવસાયિક વારસો કોમન છે. વકીલ કે સીએમાં પણ એ જ લેગેસી ચાલતી હોય છે. બાળકો તે જ ક્ષેત્રમાં એના પપ્પા કરતાં સવાયું નામ કાઢતા હોય એવું બને. ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને અને જે કાયમી પેશન્ટ હોય તેની નવી પેઢી નવા જુનિયર ડૉક્ટરને બતાવવા માટે આવે. આ પરંપરા ચાલુ રહે. સરકારી નોકરિયાતના ઘરમાં બાળકો સરકારી નોકરીની તૈયારી કરતા જોવા મળે. પપ્પા રાજકારણી હોય તો છોકરાને ઓળખાણથી ક્યાંક સેટ પણ કરાવી દે. ખેડૂતોમાં તો બાપદાદાનું કામ વર્ષો સુધી નવી પેઢીઓએ સંભાળ્યું છે. તો જે તે ક્ષેત્રમાં વ્યક્તિને સફળતા મળે છે તેની પાછળ તેના પપ્પાનો હાથ છે એવું કહેવાય કે નહિ? સફળતા પાછળ પુરુષનો સિંહફાળો છે એવું કહેવામાં કઈ ખોટું? ના, કારણ કે તે સત્ય છે. તો શું સ્ત્રીઓનો કોઈ ફાળો નહિ?
હકીકત એ છે કે આ એકવીસમી સદી છે. પહેલાના જમાનામાં યોદ્ધા લડવા જતો તો તેની સ્ત્રી બધો સમય તેની લાંબી ઉંમરની પ્રાર્થનામાં વિતાવતી. એક જમાનો હતો જયારે પુરુષ દિવસરાત મહેનત કરતો અને એની સ્ત્રી ઘરે બેઠા એ બંનેનાં બાળકોને જન્મ આપવાનું લેબર-વર્ક કરતી. એકસાથે આઠ-દસ-પંદર બાળકો સામાન્ય હતાં. ઘુરીયલ વિજ્ઞાની હોય તો આખો દિવસ તે લેબોરેટરીમાં હોય અને એની વાઈફ ઘર સંભાળે. ફેક્ટરીમાં નોકરી કરતો કામદાર હોય તો એની વાઈફ એના પતિનું દારૂ પીને થતું હિંસક વર્તન સહન કરે. ખેડૂત હોય તો એને ટિફિન આપવા જાય અને ખેતરમાં મજૂરી કરે. આ સમય ગયો. હવે સ્ત્રીઓ ફ્રન્ટ ઉપર આવી છે. પુરુષ પણ એકલદોકલ સ્ત્રીના સહારે જ આગળ વધી શકે એવો નથી. તે પણ મહેનત કરે છે, તેના પણ અંગત ઘણા પ્રોબ્લેમ્સ છે.
હવે પુરુષ હોય કે સ્ત્રી, તેને સફળતા મળે તો તેની પાછળ એક કરતાં વધુ લોકોનો હાથ હોય છે. એમાં તેના ટીચર પણ આવી ગયા, મમ્મી-પપ્પા પણ આવી ગયા, મિત્રો પણ આવ્યા, સોશ્યલ મીડિયાના ચેટ ફ્રેન્ડસ પણ આવ્યા અને સાસરા પક્ષવાળા પણ ખરા. બાળકની પાછળ માતા પૂરતો સમય આપે પણ બાળક ત્રણ વર્ષની ઉંમરથી યુટ્યુબથી લઈને આખી દુનિયામાંથી શીખવાનું શરૂ કરે છે. તો કયું એક ચોક્કસ પરિબળ બાળકનું ઘડતર કરે છે તે નક્કી નથી થતું. ઘણાં બધાં પરિબળો હોય છે જે માણસને બાળપણથી ઘડે છે અને તેની મહેનત વત્તા નસીબ તેને સફળ બનાવે છે. ઉ