સ્પેશિયલ – ખુશાલી દવે
ઈરાનમાં અત્યારે હિજાબ પહેરવા અંગેનો વિવાદ વકરતો જાય છે. ૨૨ વર્ષની મહસા અમાનીનું મૃત્યુ થયું ત્યારથી આ લાવા ભડક્યો છે. હિજાબ વ્યવસ્થિત રીતે ન પહેરવાના કારણે ઈરાનિયન પોલીસે ૧૬મી સપ્ટેમ્બરે મહસાની ધરપકડ કરી હતી. ઈરાની મીડિયાએ અહેવાલો આપ્યા હતા કે, મહસા અમાનીની ધરપકડના થોડા કલાકો બાદ મહસા કોમામાં જતી રહી હતી. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. હૉસ્ટિપલ રિપોર્ટ્સમાં એવું કહેવાયું હતું કે માથામાં ઈજાના કારણે અમાનીનું મૃત્યુ થયું હતું. બીજી તરફ પોલીસે દાવો કર્યો હતો કે અમાનીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. મહસા અમાનીના મૃત્યુ પછી ઈરાનમાં હિજાબ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આના પ્રત્યાઘાત આખા વિશ્ર્વમાં પડી રહ્યા છે જેના પગલે જે ઇરાનિયન મોરલ પોલીસે મહસા અમાનીની ધરપકડ કરી હતી તેનો વીંટો વાળી લેવામાં આવશે એવી ઇરાનની સરકારે જાહેરાત કરી હતી પણ હજુ એ અંગે ઈરાનમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા જોવા
મળી નથી.
ગયા મહિને ૨૧મી નવેમ્બરે પોલીસે ઈરાનની બે પ્રખ્યાત અભિનેત્રીઓ હેંગામેહ ગજિયાની અને કાતાયુન રિયાહીની પણ ધરપકડ કરી હતી. કારણ હતું, હિજાબ માટે બંને અભિનેત્રીઓ સતત સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહી હતી. ગયા અઠવાડિયામાં તો ઑસ્કર ઍવોર્ડ વિજેતા ફિલ્મની અભિનેત્રી તારાનેહ અલીદુસ્તીની પણ હિજાબ વિરોધના લીધે ધરપકડ થઈ. કારણ હતું, પ્રદર્શનકારીઓને મોતની સજા આપવા બદલ તારાનેહે સરકારની ટીકા કરી હતી.
ત્રણ મહિના પછી પણ ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શન શમવાની જગ્યાએ વધુ બળવત્તર બની રહ્યું છે. વિશ્ર્વભરમાં સોશિયલ મીડિયા પર પણ આ પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે. ઈરાનમાં સેલિબ્રિટી અભિનેત્રીઓની પણ જ્યારે ધરપકડ કરાઈ રહી છે તો સામાન્ય સ્ત્રીની તો શું વિસાત? રોજેરોજ આ પ્રદર્શનમાં નવી ઘટના ઉમેરાય છે ત્યારે જોવા સાંભળવા મળે છે કે ઈરાનમાં હિજાબ વિરુદ્ધ પ્રદર્શન કરતી બહેન દીકરીઓ પર પોલીસ અણછાજતો ક્રૂર અત્યાચાર આચરે છે. ઈરાન પોલીસે દેખાવ કરતી સ્ત્રીઓને ઢોર મારવાથી લઈને તેમના ગુપ્ત ભાગોમાં પણ ઈજા કરી હોવાની આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચા છે. અંતે આ પ્રદર્શન શેના માટે છે એનો સીધો સાદો જવાબ એમના પોસ્ટર્સમાં, એમના નારામાંથી મળે છે. પોસ્ટર્સમાં લખ્યું હોય છે, ‘મહિલા, જીવન, આઝાદી’.
ભારતમાં પણ આ જ વર્ષમાં હિજાબના મુદ્દે કેસ છેક સુપ્રીમ કોર્ટ સુધી તો પહોંચ્યો જ છે. આ કેસ જોઈએ તો ડિસેમ્બર, ૨૦૨૧ની કર્ણાટકની એક કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ભણવા આવતી રોકાઈ. કર્ણાટક સરકારે પણ જાહેર કર્યું હતું કે, હિજાબ પહેરીને મુસ્લિમ વિદ્યાર્થીઓ ભણવા નહીં આવી શકે. એ પછી કર્ણાટક હાઈ કોર્ટમાં કેસ ચાલ્યો. કર્ણાટક કોર્ટે નિર્ણય જાહેર કર્યો કે, હિજાબ ધાર્મિક રીતે અનિવાર્ય નથી એટલે હિજાબ પહેરીને કોલેજમાં ભણવા જવું ન જોઈએ. હાઈ કોર્ટે એ અપીલ પણ નકારી કે જેમાં હિજાબ પહેરીને ભણવા આવવું એ એ મૌલિક અધિકાર દર્શાવવામાં આવ્યો હતો. એ પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને થોડો ઠંડો પણ પડ્યો. આ કેસના સમર્થન અને વિરોધમાં લગભગ ૨૦થી વધુ અરજીઓ આવી અને સુપ્રીમનો નિર્ણય હજી બાકી છે. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે આ દેશના નાગરિકને વિચાર, અભિવ્યક્તિ, વિશ્ર્વાસ, આસ્થા અને પૂજાની સ્વતંત્રતા છે. ભારતની કેટલીય મુસ્લિમ સ્ત્રીઓ પોતાના પોષાકની સ્વતંત્રતાના અધિકાર પ્રમાણે શરીર – માથાને ઢાંકીને પોતાનો હક ભોગવે પણ છે.
ચાલો આ તો થઈ માત્ર હિજાબની વાત અને એ પણ સ્પષ્ટ છે કે ભારતમાં સ્ત્રીઓની સ્વતંત્રતાની સ્થિતિ સાવ ઈરાન જેવી નથી, પણ લોકશાહી હોવા છતાં પુરુષપ્રધાન દેશમાં ‘મહિલા, જીવન, આઝાદી’ છે?
કેટલાક મુદ્દા વિશે આપણે વિચાર કરીએ તો બાળકોને દત્તક લેવા, પૈતૃક સંપત્તિમાં હક, બાળકીનો ઉછેર, ભણતર વગેરે જેવા અંગત જીવન સાથે સંકળાયેલા કાયદાઓથી લઈને જાતીય હિંસા અંગેના કાયદાઓની ન્યાયની પ્રક્રિયાની ગતિ ભારતમાં ઝડપી બનાવવાના પ્રયાસ ચોક્કસ કરવામાં આવી રહ્યા છે, પણ આ પ્રયાસો છતાં અંતે તો સામાજિક, આર્થિક રીતે સ્ત્રીઓને તેમના અધિકાર મળ્યા છે?
તમારી આસપાસની રોજિંદી જિંદગીમાં જ આ જવાબ મળી રહે છે. આજે પણ ઘરના પુરુષોને બ્રેડ વિનર કહેવામાં આવે છે અને ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રીઓ પર જ હોય છે પછી ભલે સ્ત્રી નોકરી કરતી હોય કે ન કરતી હોય, પણ ઘરમાં બે ટંકની રસોઈ બનાવવી, બાળકોને સંભાળવાની જવાબદારી કે ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રીઓને માથે જ થોપી દેવાય છે. જો સ્ત્રીને નોકરીની છૂટ હોય અને પુરુષ – સ્ત્રીઓ એકસરખું જ કામ કાર્યસ્થળે કરતા હોવા છતાં તેમના વેતનમાં ફેરફાર જોવા મળે છે. પુરુષને વેતન રૂપે જેટલું વળતર ચૂકવવામાં આવે છે એ જ પદ અને કાર્ય માટે મહિલાઓને પુરુષ જેટલું વેતન આપવામાં આવતું નથી. વળી, જોવાની વાત એ છે કે શ્રમિક વર્ગમાં મહિલા અને પુરુષ વચ્ચે આવકની જેટલી અસમાનતા છે તેના કરતાં ઊંચા પદ પર સ્ત્રી – પુરુષ અસમાનતા અનેકગણી વધારે છે.
આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણું બોલિવૂડ છે. તાજેતરમાં જ બોલીવૂડની ટોચની અભિનેત્રીઓએ જણાવ્યું હતું કે આ ઈન્ડસ્ટ્રીમાં ટોચના હીરોને એક ફિલ્મ માટે જેટલું પેકેજ અપાય છે તેનાથી આશરે પાંચ ગણું ઓછું પેકેજ ટોચની હીરોઈનને મળે છે.
યત્ર નારી પૂજ્યતે રમંતે તંત્ર દેવતા અર્થાત્ જ્યાં નારી પુજાય છે ત્યાં દેવતા વસે છે કહેવાય છે એ દેશમાં ખરેખર નારીને મળવા જોઈએ એ હક પણ મળે છે? કેટલાય પરિવારમાં આજે પણ દીકરાને ઘરનો ચિરાગ માનવામાં આવે છે અને દીકરી સાપનો ભારો. તેથી જ દીકરા સામે ભારતમાં દીકરીઓની સંખ્યા હજી ઓછી છે. આ ઉપરાંત જેને ઘરે દીકરો અને દીકરી હોય અને ઘરની આર્થિક પરિસ્થિતિ જો સહેજ પણ કથળેલી હોય તો દીકરીનું શિક્ષણ અટકાવીને દીકરાને આગળ ભણાવવામાં આવશે.
સ્ત્રી પુરુષ સમાનતા અંગેના હાલના એક રિસર્ચ પ્રમાણે, આજે પણ ઘરના નાના મોટા નિર્ણયો માટે પુરુષ પર આધાર રાખવામાં આવે છે. ઘર સંભાળતી તો ઠીક બહાર નોકરી કે વ્યવસાય માટે જતી મહિલાઓ પાસે પણ બચત ઓછી હોય છે. સ્ત્રીઓને સંપત્તિમાં પણ પૂરો હક મળતો નથી.
આજે પણ સમાજમાં મોટેભાગે જોવા મળે છે કે પરિવારમાં દીકરી જન્મે ત્યારથી તેના પહેરવા-ઓઢવા, રહેણીકરણી અંગેના નિર્ણયો તે પણ પરણે નહીં ત્યાં સુધી પિયરિયાં કરે છે અને સ્ત્રી પરણે પછી તેણે કેવાં કપડાં પહેરવાથી લઈને નોકરી કરવી કે નહીં. નોકરી કરવી તો કેવી નોકરી કરવી વગેરે નિર્ણયો શ્વસૂર પક્ષ લે છે. સ્ત્રી અને પુરુષને સંસારરથ ચલાવવા માટેના બે પૈડાં કહેવાતા હોય ત્યાં સ્ત્રીઓ પોતાના નાના મોટા હક માટે બોલી પણ શકતી નથી. ભારતમાં ભલે સાવ કેટલાક મુસ્લિમ દેશો જેવી સ્થિતિ ન હોય પણ સ્ત્રી સ્વાતંત્ર્યની બાબતમાં ભારતમાં પણ સ્ત્રીઓ પર અનેક પ્રતિબંધો છે જ. ઉ